વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

કેટલાક વન લાઈનર

1. પહેલવાનની બાજુમાં બેસીને પહેલવાન નથી બની જવાતું. પણ ટી.બી. પેશન્ટની બાજુમાં બેસવાથી ટી.બી.પેશંટ જરુર થઈ જવાય છે.

2. ભારતમાં યમરાજા પાડા પર બેસીને આવે છે જ્યારે અમેરિકામાં યમ ‘લોરી’-લાંબી ટ્રક લઈને આવે છે.

3. દેવામાં ડુબેલો એક જણ ડુબવા માટે દરિયામાં પડ્યો ત્યારે, જેની પાસેથી એને રુપિયા લેવાના હતા એ માણસ પર એની નજર પડી એટલે એ બચવા માટે બુમો પાડવા માંડ્યો.

4. કાશીનો ગધેડો રોજ ગંગામાં સ્નાન કરે પછી સ્મશાનની રાખોડીમાં જઈને આળોટી આવે. એટલે હતો એવો ને એવો થઈ જાય.

5. સુથારનું મન બાવળીયે, મોચીનું મન પગના તળીયે તો કંદોઈનું મન માણસની ફાંદ મધ્યે.

કેટલાક જોક્સ

1. દુ:કાળ કેમ પડ્યો?

એક ખેંખલી છોકરાને જોઈને એક જાડીયો છોકરો હસવા લાગ્યો, કહે “તને જોઈને તો એમ જ લાગે છે કે ગામમાં દુકાળ પડ્યો છે!”
ખેંખલીએ જાડીયાને કહ્યું, “અને તને જોઈને ખબર પડી જાય છે કે દુકાળ શા માટે પડ્યો છે.”

2. શાળા છે, ધીમે હાંકો.

અમેરિકાના એક મેગેઝીનમાં કાર્ટુન આવેલું.
નિશાળ પાસે રસ્તા પર એક બોર્ડ માર્યું હતું: ‘ડોન્ટ કીલ ધ ચિલ્ડ્રન.’ ‘વાહન ચલાવીને બાળકોને કચડી નાંખો નહિ.’
એક ટાબરિયાએ ચોકથી નીચે એક વાક્ય લખ્યું: ‘ડોન્ટ કીલ ધ ચિલ્ડ્રન, વેઈટ ફોર ટીચર્સ.’

3. બીજાની પત્નીને કેવી રીતે પટાવવી?

હું હંમેશા કહું છું, કે ‘બીજાની પત્નીને પટાવવાની રીત સજ્જનોએ જરુર શીખી લેવી.’
‘શા માટે?’
બીજાની પત્નીને પટાવવા માટે નહિ.
તો, સજ્જનોના ગ્રુપમાં ઘુસી ગયેલો કોઈ મવાલી છળકપટથી કોઈ સજ્જનની પત્નીને પટાવી રહ્યો હોય તો સજ્જનને એની જાણ થઈ જાય માટે.

4. ત્રણ પ્રકારની દારુ

દારુના ત્રણ પ્રકાર હોય છે:
એક પીવાથી ચઢે.
બીજીને ભેગી કરવાથી ચઢે(ધન-સંપત્તિ). અને
ત્રીજીને તો જોવા માત્રથી નશો ચઢી જાય -અને તે એટલે સુંદર સ્ત્રી.
ઘણા પુરુષો ખુમારીથી ટટ્ટાર ચાલતા હોય પણ સુંદર સ્ત્રીને જુએ કે ગલોટીયા ખાવા લાગે. એને ભાન જ ના રહે કે પોતે દીકરી પરણાવવાની ઉંમરનો થયો છે અને જાહેરમાં આ રીતે લટુડા-પટુડા કરે એ બરાબર નથી.

5. ખાદીધારી અને દારુ?

એક યુવાન દોડતો-દોડતો ગાંધીબાપુ પાસે ગયો અને કહે, “બાપુ, બાપુ, આપણા ખાદીધારીઓ દારુ પીતા થઈ ગયા.”
બાપુ કહે, “ચુપ કર ગાંડા, ખાદીધારીઓ દારુ પીતા નથી થયા, દારુડીયાઓ ખાદી પહેરતા થઈ ગયા છે.”
પહેલા ખાદી લાવી આઝાદી અને હવે ખાદી આપે છે ખુરશી. તો કોઈ ખાદી કેમ ના પહેરે?

6. ગધેડો હોય એ દોડે.

મુંબઈનો માણસ ગામડે ગયો. સવારમાં દોડવા નીકળ્યો એટલે બે ખેડુતોએ પૂછ્યું, “કેમ, શું થયું?”
પેલો માણસ કહે, “કાંઈ નહિ, જોગિંગ કરુ છું.”
એટલે ખેડુતોએ કહ્યું, “અમારા ગામમાં માત્ર ગધેડો જ આવી રીતે દોડે છે. આ તો તમને ચેતવ્યા. પછી કહેતા નહિ કે ‘અમને કોઈએ કહ્યું નહિ.”

7. શ્રાદ્ધ

એક સજ્જન પોતાના પિતાજીનું શ્રાદ્ધ કરવા માંગતા હતા. એમને મોટી તકલીફ એ હતી કે એમની પત્ની, એ સજ્જન જે કહે એનું હંમેશા ઊંધુ જ કરતી. એક મિત્રે એ સજ્જનને સલાહ આપી, કે તેઓએ જે કરવું હોય તેનાથી ઊંધુ બોલવું. કામ થઈ જશે.
સજ્જને પોતાની પત્નીને કહ્યું, “હું મારા પિતાજીનું શ્રાદ્ધ કરવા માંગતો નથી.”
પત્ની કહે, “મારા સસરાનું શ્રાદ્ધ હું તો જરુર કરીશ.”
“સારુ સારુ. પણ રસોઈ પાછળ ખાસ ખર્ચ ન થવો જોઈએ.”
“ના રે, બધી જ જાતનું જમવાનું બનશે.”
“ભલે, પણ ઘરના સભ્યો સિવાય કોઈને આમંત્રણ આપતી નહિ.”
“શું કામ? હું તો આખી સોસાયટીના સભ્યો અને સગાવ્હાલાઓને પણ જમાડીશ.”
આમ સરળતાથી કામ પાર પડતું જોઈને એ સજ્જન તો આનંદમાં આવી ગયા ને ભુલથી બોલી ઉઠ્યા, “હવે આપણે ગંગાનદીમાં પિંડદાન કરી આવીએ.”
“એ નહિ બને. પિંડ ગટરમાં નાંખી દો. એ પાણી પણ છેવટે તો ગંગામાં જ જાય છે ને!”

8. પિતાનું શ્રાદ્ધ

એક જણો કહે, “મારા બાપા મારા માટે કાંઈ રાખીને નથી ગયા. હું એમનું શ્રાદ્ધ કરવાનો નથી.”
બીજાએ સલાહ આપી, “તારા બાપા તને તો રાખીને ગયા છે ને! તો પછી શ્રાદ્ધ કર ને ભલા માણસ.”

9. કુતુબમિનાર

ઘણા માણસો એટલા પહોળા-પહોળા ચાલે કે તેઓના બે પગ વચ્ચેથી કુતરા નીકળી જાય. હું ને મારો મિત્ર ચાલતા જતા હતા. એક વખત મસ્તી કરવા એના નંબરવાળા ચશ્મા મેં મારી આંખે ચડાવ્યા. મને બરાબર દેખાયું નહિ એટલે હું એક ભેંસ સાથે અથડાઈ ગયો. વિવેક ચુકી ન જવાય એ માટે ઉતાવળે મેં કહ્યું, “સોરી બહેનજી.”
ને મારા મિત્રે ચશ્મા પહેર્યા ન હોવાથી તે એક સ્ત્રી સાથે અથડાઈ ગયો. તો એણે કહ્યું, “શહેરમાં ભેંસો બહુ રખડતી થઈ ગઈ છે.”
અમે થોડે દૂર ગયા, ત્યાં રસ્તા પર પ્રવાસન વિભાગે એક બોર્ડ માર્યું હતું, ‘દિલ્હીની અજાયબી કુતુબમીનાર.’
મિત્રે વાંચ્યું, ‘દિલ્હીની અજાયબ કુતરી બિમાર.’

10. શંખ આપે સોનામહોર.

એક માણસ શંખની પુજા કરતો હતો. પુજા પુરી થાય એટલે કહે, “હે શંખ, મને એક સોનામહોર આપ!”
એટલે શંખ કહે, “એક શું, એક હજાર સોનામહોર લે ને!”
બારીમાંથી એક માણસે આ જોયું અને કહ્યું, “વાહ, આ તો ઘણું સારું.”
તો પુજા કરવાવાળાએ કહ્યું, “શું કપાળ સારું? આ તો ખાલી બોલવાવાળો શંખ છે. એ ક્યારેય સોનામહોર આપતો નથી.”
આપણી આજુબાજુમાં પણ ઘણા બોલવાવાળા શંખો હોય છે. એ લોકો કોઈ કામ ના કરે. લગ્નપ્રસંગે બે હાથ પાછળ વાળીને ઉભા-ઉભા સુચનાઓ આપતા ઘણા શંખ જેવા સગાઓ તમે જોયા હશે.

11. જગત ખોટું છે.

જગતગુરુ શંકરાચાર્ય, જેમણે કહ્યું, ‘જગત ખોટું છે.’ એક વાર તેઓ કાશીની એક સાંકડી શેરીમાંથી પસાર થતા હતા. એવામાં એક ગાંડો હાથી દોડતો-દોડતો આવ્યો. હાથી ઉપર બેઠેલો મહાવત બુમાબુમ કરીને સહુને આઘા ખસી જવા કહેતો હતો. એટલે શંકરાચાર્ય દોડીને એક મકાનના ઓટલા પર ચઢી ગયા. હાથી તો ચાલ્યો ગયો. પછી લોકોએ શંકરાચાર્યને પૂછ્યું, “કેમ પંડીતજી, તમે તો કહેતા હતા ને, કે જગત ખોટું છે! તો પછી તમે દોડ્યા કેમ?” એટલે શંકરાચાર્યજીએ કહ્યું, “જગત ખોટું છે તો મારું દોડવું પણ ખોટું જ છે ને!”

12. કોણ ચડિયાતુ?

એક સંન્યાસી શેઠના બંગલા આગળથી પસાર થયા. બંગલાના કંપાઉન્ડમાં રહેલો કુતરો સંન્યાસીને ભસ્યો એટલે સંન્યાસી ગુસ્સે થઈ ગયા.
એણે કુતરાને કહ્યું, “તને ખબર નથી, હું રોજનું રોજ જમુ છું. બીજા દિવસની ચિંતા કરતો નથી.”
કુતરો કહે, “એમાં શું થઈ ગયું? હું તો સાંજની પણ ચિંતા કરતો નથી.”
સંન્યાસી કહે, “અરે કુતરા, હું માત્ર એક લંગોટીથી ચલાવુ છું.”
તો કુતરો બોલ્યો, “હું તો લંગોટી પણ રાખતો નથી. સાવ દિગંબર રહુ છું.”
બાહ્ય પરિવેશ કે બાહ્યાચારથી મહાનતા નક્કી ન કરી શકાય.

13. મૃત્યુની દવા

એક બાળક મૃત્યુથી બહુ ડરે. એક દિવસ એણે ક્યાંક વાંચ્યું, કે અમૃત એ મૃત્યુની દવા છે. એટલે એ તો રાજીના રેડ થઈ ગયો. દોડીને દાદીમા પાસે ગયો અને કહે, “બા, મને મૃત્યુની દવા જડી ગઈ. તે હેં બા, અમૃત ક્યાં મળે?”
દાદીએ કહ્યું, “સ્વર્ગમાં.”
“સ્વર્ગમાં કેવી રીતે જવાય?”-બાળકે પૂછ્યું.
“સ્વર્ગમાં જવા માટે પહેલા મરવું પડે.”-દાદીબાએ કહ્યું.

14. પ્રેમ કરવાનો ટાઈમ નથી

એક જમાનામાં મોટા શેઠ જેવા માણસ પાસે પુજા કરવાનો સમય ન હતો. તેથી એ શેઠ પોતાના ઘરના અને ઑફીસના કે દુકાનના નાનકડા મંદિરમાં ભગવાનની પુજા કરવા મહારાજને રોકતા. હવે આજના શેઠ પાસે પત્નીને પ્રેમ કરવાનો પણ ટાઈમ નથી!?!

15. સાસુ ગુજરી ગયા

ઘરડી બહેનોની જાત્રાની બસ ખાઈમાં પડી ને એ બધી બહેનો મરી ગઈ.
એક વહુ આ સમાચાર સાંભળીને પોકે ને પોકે રડવા માંડી.
કોઈએ પૂછ્યું, “કેમ બહેન, તમારી સાસુ પણ એ બસમાં હતાં?”
એટલે એ બહેને કહ્યું, “ના, મારા સાસુ એ બસ ચૂકી ગયા હતા.”

Comments on: "માણીએ હાસ્યાનંદ-4" (4)

  1. Very funny and real jokes. I enjoy very well.

  2. આટલો બધો માલ સામટો શેં પચશે? !!
    હા.દ. પર આવી જાઓ …

    હાસ્ય દરબાર

  3. K.D.Bhadha said:

    ખરેખર બહુ મજા પડી. આ પ્રકારના જોકસ વારંવાર વાંચવાની મજાહ આવે છ.

  4. જોક્સ વાંચવાની મજા આવી, આવુ પીરસતા રહેશો.

Leave a comment