વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

અહંકાર

માણસનો ઘણો મોટો શત્રુ એનો અહંકાર છે. એક વિદ્વાને કહ્યું હતું કે માણસ રસ્તે ચાલે છે એની લંબાઈ માંડ છ ફૂટ હોય છે પરંતુ એના અહંકારની લંબાઈ આકાશ જેટલી ઊંચી હોય છે. આકાશમાં જતાં વિમાનની ઘર્રઘરાટી એના અહંને ઠેસ પહોંચાડતી હોય છે. રાવણને કોઈએ હરાવ્યો હોય તો એના અહંકારે ! વેદના અભ્યાસુ વિદ્વાન, શિવજીના પરમ ભક્ત એવા રાવણને એના અહંકારે જબરદસ્ત પજવ્યો હતો. અહંકારને કારણે સમર્થ એવા રામ સાથે એની દુશ્મનાવટ થઈ અને એની ઊંઘ હરામ થઈ ગઈ. વિદુરનીતિમાં ધૃતરાષ્ટ્ર દ્વારા પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં વિદુરજી કહે છે, ‘માણસનું સમર્થ પુરુષ સાથે વેર બંધાય છે ત્યારે એની ઊંઘ જતી રહે છે.’ આ અહંકારને જીતવા માટે માણસે નમ્ર બનવું જોઈએ. કોઈ બાબત નમ્રતાથી સ્વીકારતા ન આવડે તો એ લાચારીથી સ્વીકારવી પડે છે અને એમ કરવામાં માણસને અસહ્ય માનસિક પીડા થાય છે. માણસને આ વ્યાવહારિક જગત પોતાનો સ્વાર્થ સાધવા માટે એની લાયકાત પ્રમાણે માન-સ્થાન આપે છે અને માણસ એનાથી ટેવાઈ જાય છે. ત્યારબાદ એ માનપાનની આદત પડી જવાના કારણે એને ઘણી મુશ્કેલી થાય છે. અધ્યાત્મના ક્ષેત્રમાં કોઈ સંત-મહાપુરુષના સમાગમમાં જવાનું, તેઓની સાથે રહેવાનું થાય ત્યારે પોતાની વ્યાવહારિક લાયકાત, માન-મોભો, હોદ્દો-પ્રતિષ્ઠા વગેરે બાજુ પર મુકવાના હોય છે. કારણ કે સાચા સંત-મહાપુરુષને કોઈ માણસ પાસેથી કંઈ લેવાની અપેક્ષા હોતી નથી. અધ્યાત્મ માર્ગે પ્રગતિ કરવા માંગતા માણસોએ આવા સંતની ચરણરજ માથે ચડાવવાની હોય છે. પરંતુ આવા પવિત્ર સ્થાનમાં માણસ પોતાનો અહંકાર બાજુ પર ન મુકી શકે તો એનો વિકાસ શક્ય બનતો નથી.

અહંકારને સાચવવા માટે માણસે કેટલું બધું મથવું પડતું હોય છે ! છતાં માણસને પોતાનો અહંકાર એટલો બધો વહાલો હોય છે કે જિંદગીભર ગમે તે ભોગે એને સાચવવા મથતો રહે છે. માણસ પાસે બુદ્ધિ છે, તે વિચારી શકે છે પરંતુ એક મહાપુરુષે કહ્યું છે તેમ, ‘માણસની બુદ્ધિના દરવાજે અહંકાર નામનો દરવાન કહો કે પહેરેદાર, ઊભો હોય છે. એ સારા વિચારોને અંદર આવવા જ દેતો નથી આથી માણસ ખાલીખમ રહી જાય છે.’ મહાપુરુષ માણસની સેવા-ભાવનાથી પ્રસન્ન થઈને એના પર કૃપા કરવા એના અહંકારનો ઈલાજ કરવા માંગે છે, જેથી માણસ હળવોફુલ થઈને જીવન માણી શકે. પરંતુ માણસ આ વાત જાણતો ન હોવાને કારણે મહાપુરુષનું વર્તન ન ગમતાં તેઓનો સમાગમ છોડીને જતો રહે છે. કોઈ માણસ સંતના આશ્રમમાં જાય એટલે સ્વાભાવિક રીતે સંત પૂછે, ‘આપ શું કરો છો?’ એટલે માણસ પોતાનું વર્ણન કરવા લાગે. શાંતિથી સાંભળ્યા બાદ સ્વામિજી પૂછે, ‘આપ રોકાવાના છો ?’ એટલે આ ભાઈ કહે, ‘સ્વામિજી, મારી ત્રણ દિવસ આપના સમાગમની ઈચ્છા છે.’ સ્વામિજી કહે, ‘સરસ.’ ત્યારબાદ આશ્રમના અંતેવાસીને આ ભાઈની સોંપણી કરતાં સ્વામિજી કહે, ‘આ ભાઈ ત્રણ દિવસ આશ્રમમાં રહેવાના છે, તેઓને સારી રીતે રાખજો.’ ત્યારબાદ અંતેવાસી એ ભાઈને અશ્રમમાં લઈ જઈને પૂછે, ‘આપને શું કામ ફાવશે ?’ એટલે પહેલા તો આ ભાઈ ચમકે. પછી ખ્યાલ આવે કે આખો દિવસ જ્ઞાનની વાતો ન થાય એટલે બાકીના સમયમાં થોડું કામ કરવાનું રહે. એટલે નમ્રતાથી ભાઈ પૂછે, ‘અહીં કયું કામ સામાન્ય રીતે કરવાનું રહે છે ? અથવા એમ કરોને, આપને જે ઠીક લાગે એ કામ મને સોંપો ને !’ એટલે અંતેવાસી કહે, ‘આપ રસોડામાં જઈને થોડું શાક સુધારી આપો ને !’ એટલે ભાઈ ફરીથી ચમકે, ‘મારે અહીં શાક સુધારવાનું ? ચાલો, એક નવો અનુભવ લઈ લઈએ.’ એમ વિચારીને ભાઈ કામે લાગે. ત્યારબાદ ભાઈને બાગકામ સોંપવામાં આવે. ત્યાં તો કપડા માટી વાળા થાય. થોડો પરસેવો પણ પડે. જો ટકી ગયા તો સારી વાત છે, અન્યથા ભાઈનો સાંજ પડે જવાબ આવી જાય, સ્વામિજી, મારી તો ઘણી ઈચ્છા હતી, રોકાવાની. પરંતુ ઘરેથી ફોન આવ્યો છે, અરજંટ છે એટલે મારે જવું પડશે.’ અને ભાઈ ચાલ્યા જાય. તેઓને થાય, આ બધું તો મારી ઘરવાળી મારી પાસે કરાવે જ છે ને ! આશ્રમમાં આ બધું કરવાને અધ્યાત્મ સાથે શું લાગેવળગે ?’ આમ ભાઈ પોતે નક્કી કરે કે અધ્યાત્મ એટલે શું ?’ માણસ પોતાને લાગેલા લેબલો ઓછા કરતાં કરતાં સાવ કાઢી નાંખે ત્યારે એ હળવો ફુલ થઈ જાય છે, એ વાતની માણસને જાણ હોતી નથી. કોઈ ધોળા બગલા જેવા કપડા પહેરીને નેતા જેવો માણસ આશ્રમમાં સેવા કરવા આવે એટલે સ્વામિજી કહે, ‘ભાઈ, પાંચ ડબ્બા તેલ મોટી કડાહીમાં ઠાલવી આપો ને !’ જો એ સજ્જન તરત બાંયો ચડાવીને ડબ્બો ઊંચકવાની તૈયારી કરે તો સ્વામિજીના તૈયાર રાખેલા જુવાનિયાઓ આ સજ્જનને એ કામ કરવા ન દે. પોતે જ પાંચેય ડબ્બા કડાહીમાં ઠાલવી નાંખે ! પરંતુ એ પહેલા આવેલ ભાઈની માનસિકતા જરૂર ચકાસી લે !

જાહેર અભ્યાસ વર્ગમાં સ્ટેજ પરથી પ્રશ્ન પૂછાય તો એનો જવાબ કોઈ જલ્દીથી નહી આપે. વિચાર કરશે, કે આપણે ખોટા પડીશું તો ?’ આમ એના મૂળમાં અહંકાર સાચવવાની મથામણ છે. કોઈ નવા સ્થળે ગયા હોઈએ અને ત્યાં કોઈ ફોર્મ ભરવાનું હોય ને આપણને સમજણ ન પડે તો આપણે બીજાને એમાં મદદ કરવાનું તરત કહી શકતા નથી. સહજાનંદસ્વામિ પોતાના હરિભક્તના અહંકારને દૂર કરવા પોતાની તરકીબ અજમાવતા. કોઈ એક હરિભક્તને કોઈ અઘરું કામ સોંપતા. એ કામ થઈ જાય એટલે ભરી સભામાં એની વાત કરતાં. કામ કેટલું બધું અઘરું હતું ! મારો શબ્દ રાખવા હરિભક્તે કેટકેટલી મહેનત કરી ! પછી તેઓ હરિભક્તને ધન્યવાદ પણ આપે ! તેઓ એ ભક્તને હાર પહેરાવવા માંગે છે તેથી એને પોતાની પાસે પણ બોલાવે ! પરંતુ આ બધું કરતી વખતે સ્વામિજી એ વાતનું ધ્યાન રાખે કે તેઓએ કામ સોંપ્યું હોય છગનને ! અને સભામાં વખાણ કરે મગનના ! આખી સભા મગનના વખાણ કરે અને એને ધન્યવાદ આપે ! છગન પણ સૌની સાથે મળીને મગનને અભિનંદન આપે તો એનાથી છગનનો અહંકાર પણ લિસ્સો થાય, મગન સાથે એનો આત્મીયભાવ દૃઢ થાય અને ઐક્ય સ્થપાય.

અહંકાર ત્યાગ એટલે કોઈને સોંપાઈ જવું. કોઈ એક મહાપુરુષને સમર્પિત થઈને જીવન જીવવું. એ કહે એમાં પ્રતિપ્રશ્ન કર્યા વિના તેઓના શબ્દને આજ્ઞા ગણીને તેનું પ્રસન્નતાપૂર્વક પાલન કરવું. આવતીકાલે અર્જુને કેવી રીતે લડવાનું છે એની રણનીતિ સભામાં નક્કી થઈ રહી હતી. સાથી યોદ્ધાઓએ જણાવ્યું કે અર્જુન આવતી કાલે શિખંડીને પોતાની આગળ રાખીને અને પોતે એની પાછળ રહીને લડશે. અર્જુને આ સાંભળ્યું એટલે એ ક્રોધથી ધુઆંપુવાં થઈ ગયા. જગતશ્રેષ્ઠ યોદ્ધો બાયલાની જેમ એક સ્ત્રીની પાછળ સંતાઈને લડશે ? કોઈ કાળે એ શક્ય નથી. એવામાં ભગવાન કૃષ્ણ આવ્યા. તેઓએ અર્જુનને વિગત પૂછી. અર્જુને ભગવાનને પોતાની લાગણી કહી. ભગવાને કહ્યું, ‘અર્જુન, તારે આવતી કાલે શિખંડીની પાછળ રહીને લડવાનું છે.’ ‘બહુ સારું ભગવાન. એમ જ થશે.’ – અર્જુને કહ્યું. આ છે સમર્પણ. આ રીતે મન-બુદ્ધિને કેળવ્યા હોય તો અહંકાર માણસને તકલીફ આપતો નથી.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: