વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

સાચું ઘર સાસરીયું

આપણે ત્યાં દિકરીનું સાચું ઘર એના સાસરીયાને માનવામાં આવે છે. આથી ઘણા સંજોગોમાં સાસરિયા દિકરીને દુ:ખ દેતા હોય તો પણ એના મા-બાપ પરાણે એને સાસરીમાં ધકેલતા હોય છે. દિકરી બ-ત્રણ વાર ફરિયાદ કરે કે, ‘મા, હવે આ છેલ્લી વાર તમે મને જોઈ રહ્યા છો. ફરી વખત કદાચ મારો ચહેરો તમને જોવા નહી મળે.’ એનો અર્થ એ થાય કે કાં તો સાસરિયા દિકરીને મારી નાંખે અથવા દિકરી સાસરીના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી નાંખે. તેમ છતાં દિકરીના માબાપ દિકરીના આવા વેણ સામે પોતાની લાચારી જાહેર કરે છે. તેઓ એવું માને છે કે દિકરીના ભાઈઓ એટલે કે પોતાના દિકરાઓ દિકરીને (તેઓની બહેનને) સાચવવાની ના પાડી દેશે અથવા ભાભીઓ દિકરીને મહેણા મારીને પિયરમાં એનું જીવવું મૃત્યુ બદતર કરી નાંખશે. વાત પણ સાચી છે. મા-બાપ દિકરીને સાચવી લે પરંતુ એના ભાઈ-ભાભીઓ તો ન જ સાચવે. પરંતુ આ વાત બરાબર નથી. દિકરીને એના નસીબના કે ભગવાનના ભરોસે છોડી દેવાની જરૂર નથી. આમ પણ મા-બાપ મરતા સુધી પોતાના દિકરાઓને પોતાની મિલકતમાંથી ફુટી કોડી પણ આપતા નથી. એ બાબતમાં મા-બાપ પોતાનો સ્વાર્થ બરાબર સાચવે છે. એની સામે દિકરાઓની નારાજગી વહોરી લે છે પરંતુ તેઓને મિલકતમાં ભાગ તો મા-બાપના મર્યા બાદ જ મળે છે. શક્ય છે કે એ માટે મા-બાપને દિકરાઓથી જુદા રહીને, કામવાળીઓની સેવા લઈને જીવવું પડે તો એ રીતે જીવવા સામે પણ મા-બાપને કોઈ વાંધો નથી હોતો. પરંતુ દિકરીને સાચવવાની વાત આવે એટલે તેઓ લાચાર છે – એવું બતાવે છે. આમ પણ મા-બાપ દિકરીને પોતાની મિલકતમાં સરખો ભાગ આપવાના મતના નથી હોતા. તેઓ મોટે ભાગે દિકરી પાસે એવા લખાણ પર સહી કરાવી લેતા હોય છે કે, ‘હું રાજી-ખુશીથી મારા મા-બાપની મિલકતમાંથી મારો ભાગ જતો કરું છું.’ એ માટે દિકરીની માતા જ દિકરીને એવું સમજાવે છે કે દિકરી પરણીને સાસરે જાય, ત્યાં એને બાળક જન્મે, એના ઘરે જીવનભર અનેક પ્રસંગો આવે ત્યારે એ તમામ પ્રસંગો પાછળ દિકરીનો ભાઈ જ ખર્ચ કરવાનો છે આથી દિકરીને મિલકતમાં ભાગ આપ્યો નથી. અને કહ્યાગરી દિકરી આ વાત માની પણ જાય છે.

સાસરિયાના ત્રાસથી દિકરી મરી જાય એ મા-બાપને મંજૂર હોય છે પરંતુ લગ્ન બાદ એના જીવનની વ્યવસ્થા કરવાનું મંજૂર નથી હોતું. એવું શા માટે ન બને કે દુ:ખી દિકરી પોતાના પિયરમાં આવી છે તો પોતાની મિલકત દિકરાઓને ન આપતા તેઓ એમાંથી દિકરીને એક ભાડાનું અથવા નાનું-માલિકીનું મકાન લઈ આપે, ઘરવખરી વસાવી આપે, એને પગભર થવા કોઈ હુન્નર શીખવા માટે તેમજ નવો ધંધો શરૂ કરવા કાચા માલની ખરીદી માટે જરૂરી નાણા આપે, શરૂઆતમાં થોડા વર્ષો એને ખાધાખોરાકી પૂરી પાડે ! સ્વમાની દિકરી કમાવીને ધીરે-ધીરે એ નાણા પરત પણ કરી દે એવું બને અથવા મા-બાપ દિકરાઓને કહી દે કે, ‘દુ:ખી દિકરી મોતને વ્હાલુ ન કરે એ માટે આવું કરવું જરૂરી હતું માટે કર્યું છે. તમારે પણ થોડું જતું કરવાની ભાવના રાખીને બહેનને સુખી કરવાનો ભાવ રાખવો જોઈએ.’ પરંતુ ના જાણે કેમ, મા-બાપ દ્વારા દિકરાને એટલો બધો પ્રેમ કરવામાં આવે છે કે દિકરીને મોટે ભાગે અન્યાય થઈ જાય છે ! આવા સંસ્કારોને કારણે પણ દિકરીના જન્મને અભિશાપ માનવામાં આવે છે. પરિણામે દિકરીને ગર્ભમાં મારી નાંખવાનું મા-બાપ પસંદ કરે છે.

દિકરીના ઘરનું પાણી પણ ન પીવાય

બીજો એક અગત્યનો મુદ્દો એ છે કે મા-બાપ કહે છે, દિકરીના ઘરનું પાણી પણ ન પીવાય. આ બાબત કોઈ તીવ્ર બુદ્ધિ પ્રતિભા ધરાવનારે ઊભી કરી હોવી જોઈએ. કારણ કે આપણે ત્યાં જમવાની વાનગી બનાવીને મહેમાનગતિ કરવામાં આવે છે. કોઈ પણ ઘરમાં આવેલા મહેમાનને ચેનલ્સ પર આવતા અતિ મહત્વના મુદ્દા વિશે કે પછી વાંચેલા મહત્વના પુસ્તકના દર્શન કરાવીને મહેમાનગતિ કરાતી નથી. એટલે મા-બાપ દિકરીને મળવા, એની સાથે વાતો કરવા એના ઘરે જાય ત્યારે દિકરી વાનગીઓ બનાવવા રસોડામાં પહોંચી જાય. ત્યારબાદ એ વાનગીઓ પીરસવાની, ગરમાગરમ મળે એ માટે સતત રસોડામાંથી હૉલમાં દોડાદોડી કરતા રહેવાનું. આ બધું કરવામાં દિકરીને ધન્યતા અનુભવાતી હોય એ અલગ બાબત છે પરંતુ મા-બાપની દિકરી સાથે બેસવાની, એની સાથે વાત કરવાની ઈચ્છા પુરી નથી થતી એનું શું ? એવું નથી કે મા-બાપને જમાઈ કે એમના માતા-પિતા સાથે વાત કરવી નથી ગમતી. પરંતુ દિકરીના ઘરે જવાનો તેઓનો હેતુ ખાસ તો દિકરી સાથે વાત કરવાનો હોય છે. દિકરીને ત્યાં તો પાણી પણ ન લેવાય. એટલે દિકરી ઘરે આવેલા મા-બાપની મહેમાનગતિ કરવામાંથી મુક્ત. પછી એ મા-બાપ સાથે વધુ સમય બેસી શકે. જો કે આજકાલ તો ઘણા પરિવારોમાં તૈયાર વાનગીઓ બજારમાંથી લઈ આવીને પીરસવામાં આવતી હોય છે. આથી દિકરી પાસે નથી બેસતી એ સમસ્યા રહેતી નથી. તેમ છતાં ઘણા વૃદ્ધ મા-બાપો બહારનું ખાવાનું પસંદ નથી કરતા આથી પણ તેઓ દિકરીના ઘરનું ખાતા નથી.

દિકરા-દિકરી તેમજ દિકરો-વહુ વચ્ચે કરાતો ભેદભાવ

  • ઘરમાં દિકરો બિમાર પડે તો એની પાછળ રુપિયા ખર્ચતી વખતે હિસાબ નથી જોવાતો. જ્યારે વહુ માંદગીમાં સપડાય તો એણે એની મેળે સાજા થઈ જવું પડે છે.
  • દિકરો ઑફિસમાં રજા રાખી શકે છે જ્યારે વહુને ઘરકામમાંથી રજા મળી શકતી નથી.
  • દિકરાના ભણતર પાછળ મોટો ખર્ચ કરવામાં આવે છે જ્યારે દિકરી 10+2 પાસ થઈ જાય એટલે ઘણું થયું એમ માની લેવામાં આવે છે. છતાં સામાન્ય અભ્યાસક્રમની કૉલેજમાં પ્રવેશ આપાવીને એ ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધી ભણવા દેવામાં આવે છે.
  • બન્નેના લગ્નપ્રસંગના આયોજન બાબત પણ ઘણો તફાવત રાખવામાં આવે છે.
  • વહુનું બેંક બેલેંસ જુદું ન રાખીને એને આર્થિક રીતે હંમેશા પોતાના પતિ પર નિર્ભર રાખવામાં આવે છે.
  • હંમેશા વહુને શંકાની નજરે જોવામાં આવે છે. પડોશણને ત્યાં શું કામ ગઈ હતી ? બહાર ગઈ હતી તો આટલી વાર કેમ લાગી ? કોનો ફોન હતો ? કોને ફોન કર્યો ? અમારી તબિયત બગડે એવું ખાવામાં કંઈ નાંખ્યું તો નથી ને ! વગેરે.
  • પતિની બદલી થાય તો પત્નીએ નોકરી છોડીને એની સાથે જવું પડે. પરંતુ પત્નીને વધુ સારા પગારની નોકરી મળતી હોય તો એના પોસ્ટિંગના સ્થળે પતિ આવવા તૈયાર ન થાય.
  • દિકરાના જન્મને વધાવવામાં આવે જ્યારે દિકરીના જન્મને અભિશાપ માનવામાં આવે.
  • છોકરો લગ્ન હેતુ છોકરીને જોવા માટે જાય. એને સાડીમાં, ડ્રેસમાં, જીંસ-ટી-શર્ટમાં જુએ અને પછી નાપસંદ કરીને છોકરીનું અપમાન કરે. જ્યારે દિકરીને, જે છોકરાએ પસંદ કરી હોય એની સાથે લગ્ન કરવાનું દબાણ કરવામાં આવે.

આવા ઘણા કારણોસર દિકરી મા-બાપની અણગમતી બનીને રહી જાય છે. આથી એના આગમનને કાં તો રોકવામાં આવે છે અથવા એના વ્યક્તિત્વની ઉપેક્ષા કરવામાં આવે છે. દિકરા-દિકરી બન્ને ઈશ્વરની ભેટ છે એમ માનીને એનો સ્વીકાર કરવાથી ઈશ્વર રાજી થાય છે. કારણ કે ઈશ્વર બન્નેમાં કોઈ ભેદ જોતો નથી. બન્ને ઈશ્વરના અતિ પ્રિય સર્જનો છે. આપણે દિકરીને દિકરા જેટલી જ ઉચ્ચ તાલીમ-શિક્ષણ આપીને, તેઓ સારામાં સારી રીતે ઉછેર કરીને ઈશ્વરને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.

જેને ત્યાં દિકરીઓ વધુ હોય અથવા માત્ર દિકરીઓ જ હોય એવા મા-બાપ પર દયા ખાઈને નહી પરંતુ તેઓની જરૂરિયાત સમજીને તેઓના પડોશીઓ, મિત્રો, સગાંઓ, પરિચિતો વગેરેએ તેઓની દિકરીઓની જરૂરિયાતો પુરી કરવી જોઈએ. એ દિકરીઓ ગૌરીવ્રત અથવા અન્ય કોઈ વ્રત કરે તો એને ત્યાં દિકરીઓ માટે સુકો મેવો (ડ્રાયફ્રુટ્સ) પહોંચતા કરવા જોઈએ. એ દિકરીઓ 10મા 12મા ધોરણમાં આવે તો આવશ્યકતા મુજબ નવી સાયકલ અથવા સ્કૂટી વસાવી આપવી. કોઈ સમર્થ તેઓ માટે અભ્યાસના પુસ્તકો-નોટબુક્સની વ્યવસ્થા કરે. કોઈ તેઓને કપડા લઈ દે. કોઈ એમના લગ્ન સુદ્ધાં કરાવી દે. બધા ભેગા થઈને લગ્ન માટેનો જુદો-જુદો સામાન લઈ આવે. કહેવાનું તાત્પર્ય એ કે દિકરીનો જન્મ એના મા-બાપને બોજારૂપ લાગવા ન દેવો એ સમાજની જવાબદારી છે. માત્ર ગરીબને રોટી-કપડા આપી દેવા પૂરતું નથી. જેની પાસે અઢળક નાણા છે એવા ધનવાનોની મુંઝવણ છે કે પોતાનો કમાવેલો પૈસો દાનમાં આપવો છે તો ક્યાં આપવો.

એક અબજોપતિ, જે ગામડામાં રહે છે એણે એક કરોડ રુપિયાનું સોનું મંદિરમાં આપ્યું. બહુ સારી વાત છે. તેઓ જે ગામમાં રહે છે એ ગામ દસકાઓથી પીવાના પાણીની તેમજ ડ્રેનેજ (ગટર) લાઈનની સુવિધાથી વંચિત છે. ગામની દિકરીઓ, બહેનો, માતાઓ ખુલ્લામાં જાજરૂ જાય છે. બંધિયાર તળાવના ગંદા પાણીમાં કપડા ધુએ છે. પાણી માટે દૂર-દૂર સુધી બેડાં ઊંચકીને જવું પડે છે. ગામમાં પાકા રસ્તા ન હોવાથી એંઠવાડના પાણીનો ખુલ્લેઆમ નિકાલ કરાતો હોવાથી કાદવ તેમજ ગંદકી થાય છે. આ બહેનોની સમસ્યા તરફ જોઈને એ ભાઈએ સરકાર સાથે સહકાર કરીને પોતાનું નાણું વાપર્યું હોય તો મંદિરરૂપી શરીરમાં બિરાજતા ભગવાન જરૂર આશિર્વાદ આપે. સેંકડો પરિવારોના આત્માની પ્રસન્નતા જોઈને આપનારનું હૈયું જરૂર ઠરે છે. મંદિરમાં દાન આપવું ખુબ સારું છે એની ના નથી. આ તો એક વિચાર છે. એ દાન આપ્યા પછી પણ ધનવાન પાસે નાણા તો રહેવાના જ છે ! તો એનો ઉપયોગ તેઓ ગામના વિકાસ માટે કરી શકે.

મોદીજીની કેન્દ્રસરકારની કામગીરી જુઓ. ગર્ભવતી મહિલાને માટે 26 અઠવાડિયાની પગાર કપાયા વિનાની રજાઓ મંજૂર કરવામાં આવી. આવું બને એટલે નોકરિયાત અથવા કામકાજી મહિલાને આર્થિક લાભ થાય. પરિણામે દિકરીનો જન્મ આવકારદાયક બને. એટલું જ નહી, કામકાજી મહિલાઓ નોકરીના કારણે સમય ન હોવાથી પોતાના બાળકને પ્રેમ આપી શકવાની નથી, એની સારસંભાળ લઈ શકવાની નથી એવો વિચાર કરીને એને જન્મ આપવાથી દૂર રહે છે. પરંતુ પગારમાં કોઈ કાપ નથી મુકાવાનો તેમજ કામકાજના સમય દરમિયાન પણ સ્ત્રી પોતાના બાળકને મળી શકવાની છે એટલું જ નહી એના બાળક માટે સુવા, ખાવાની વ્યવસ્થા કંપની કરવાની હોય તો સ્ત્રી બાળકને જન્મ આપતાં અચકાશે નહી. આ લાભ બાળકને દત્તક લેનાર તેમજ સરોગેટ મધર (ગર્ભાશય ભાડે આપનાર મહિલા) ને પણ મળવાનો છે. કાયદો પસાર થાય છે પ્રસૂતા સ્ત્રીને લગતો પરંતુ એનો સીધો લાભ મળે છે એના પતિને તેમજ સારાય પરિવારને ! કારણ કે આ કાયદાને પરિણામે ઘરમાં બાળકના જન્મને હવે કોઈ રુકાવટ આવવાની નથી. બાળકના જન્મના આનંદનો લાભ આખો પરિવાર ઉઠાવવાનો છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: