વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

રીઝલ્ટ

મેં પહેલા ધોરણની વાર્ષિક પરીક્ષા આપી હતી. રીઝલ્ટ લેવા જવાની આગલી રાત્રે મને થયું કે મારો નંબર પ્રથમ આવે તો કેવું સારું ! અંતરમાં પ્રેરણા થઈ કે ભગવાનના નામની માળા ફેરવીએ તો ભગવાન આપણને મદદ કરે. પપ્પા રોજ સવારે બે કલાક ભગવાનના પૂજા-પાઠ કરતા તે પૂજાના કબાટ પાસે હાથમાં માળા લઈને હું બેસી ગયો. પાંચ વર્ષની વયે એકવીસ માળા ફેરવી(શાળામાં હું એક વર્ષ વહેલો દાખલ થયો હતો. એ ઉંમરે મને ખ્યાલ ન હતો કે રીઝલ્ટ તો ઘણાં દિવસ પહેલા તૈયાર થઈ ગયું હોય અને એક રાત્રિમાં ચમત્કાર થાય તો જ માર્ક્સશીટમાંનું લખાણ બદલાઈ જાય અને પ્રકૃતિના નિયમ વિરુદ્ધ ભગવાન ચમત્કારો કરતા નથી અને જે ચમત્કાર કરે છે એ ભગવાન નથી.) બીજા દિવસે તૈયાર થઈને હું રીઝલ્ટ લેવા ગયો, રીઝલ્ટ જોયું તો મારો નંબર પ્રથમ હતો. મને અતિશય હર્ષ થયો હતો. મને લાગ્યું કે માળા ફેરવવાને લીધે જ મારો નંબર પ્રથમ આવ્યો છે. જો કે મોટી ઉંમરે મને ખબર પડી કે એનું એક કારણ એ હતું કે સરકારી કર્મચારી એવા મારા પપ્પા ઈશ્વર પ્રત્યે મારી શ્રદ્ધા વધે એ માટે જાગૃત હતા. (ધો.10 સુધી દરેક શાળાકીય પરીક્ષામાં મારો નંબર 1થી5માં જ રહ્યો છે.)

તેજીને ટકોરો

પંચમહાલ જિલ્લાના દિવડાકૉલોની નામના ગામમાં અમે રહેતા હતાં. 1977-78ના શૈક્ષણિક વર્ષ દરમિયાન હું ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતો હતો. પંડ્યાસાહેબ – અમારા વર્ગશિક્ષક ખૂબ જ પ્રેમાળ હતા. જલ્પા પટેલ નામની છોકરી અમારા વર્ગમાં હતી. એક વાર પંડ્યાસાહેબે અમારો લેખિત ટેસ્ટ લીધો. અમે સહકારની ભાવનાથી જવાબો લખતા હતા. પ્રશ્ન આવ્યો, “ફર્નિચર શામાંથી બને છે?” મેં જલ્પાને પૂછ્યું, “આ ફર્નિચર એટલે શું? તે શેમાંથી બને?” જલ્પાએ ખુબ વિચારીને મને જવાબ લખાવ્યો, “ફર્નિચર સાવેણી(સાવરણી)માંથી બને છે.” સર અમારો જવાબ વાંચીને હસી પડ્યા હતાં. વર્ગશિક્ષક વિદ્યાર્થીઓ પ્રત્યે કેટલા પ્રેમાળ હોઈ શકે? એક દિવસ હું તેઓના ઘર પાસેથી પસાર થતો હતો ત્યારે સામેથી બોલાવીને પંડ્યાસાહેબે એક થેલી ભરીને પાકી કેરી મને આપી હતી. સામાન્ય રીતે રિસેસમાં હું ઘરે જઈને નાસ્તો કરતો. એક દિવસ, મોડું ન થાય એ માટે હું નાસ્તા માટેના ટૉસ્ટ લઈને શાળાએ આવી ગયો અને ‘સાહેબને ખબર નથી’ એમ જાણીને ચાલુ વર્ગમાં ખાતો રહ્યો. હરતા-ફરતા પાઠ સમજાવવાનું નાટક કરીને મારી નજીક આવીને અચાનક કમરમાંથી વાંકા વળીને હસીને સાહેબ પાછા પાઠ સમજાવવામાં વ્યસ્ત થઈ ગયા. ‘તેજીને ટકોરો પૂરતો છે’ એવું સાહેબ જાણતા હતા. હું શરમાઈ ગયો.

લાગી શરત

અમે એપ્રિલ, 1979માં વડોદરા આવ્યા. નજીકની ખ્રિસ્તી મિશનરીની એક ગર્લ્સ સ્કૂલ, જેમાં ધો. 1થી7 સુધી છોકરાઓને પણ પ્રવેશ અપાતો હોવાથી મારા પપ્પાએ મને ધો. 5માં દાખલ કર્યો. હું છઠ્ઠા ધોરણમાં આવ્યો. વર્ગમાં બેઠકવ્યવસ્થા એ પ્રકારની હતી કે એક પાટલી પર બે છોકરા વચ્ચે એક છોકરી બેસે અને તેની પાછળની પાટલી પર બે છોકરી વચ્ચે એક છોકરો બેસે. હું મહત્વાકાંક્ષી હોવાથી હંમેશા પ્રથમ પાટલીએ બેસવાનું પસંદ કરતો. મારી બાજુમાં રોઝી નામની ખ્રિસ્તી છોકરી બેસતી. તેને એક ટેવ હતી કે દરરોજ વર્ગમાં આવતાની સાથે જ મારી સાથે કોઈને કોઈ મુદ્દે શરત લગાવે. જે હારે તે, જે જીતે તેને પચાસ પૈસા આપે. તે સમયે અમારી ઉંમરના બાળકો માટે આટલા પૈસાની કિંમત કેટલી બધી હશે ! હું હંમેશા શરત જીતતો અને મને પૈસા મળી જતા તેથી હું પોરસાતો. સમયાંતરે હું યુવાન થયો અને મને બધું સમજાઈ ગયું કે રોઝી શા માટે મારી સાથે શરત લગાવતી હતી, શા માટે હંમેશા હારતી હતી, કેમ તેની પાસે પચાસ પૈસાનો સિક્કો તૈયાર રહેતો હતો. ક્યારેક તો સ્પષ્ટ રીતે મારો જવાબ ખોટો હોય તો પણ તે મારા જવાબનું એવું અર્થઘટન કરતી કે જેથી મારો જવાબ સાચો થાય. હું તો તરત જ રીસેસમાં પૈસા વાપરી નાંખતો. કદાચ મને ખબર ન પડે તેમ એ મને ચોકલેટ-બિસ્કીટ ખાતો જોતી પણ હશે અને આનંદ પામતી હશે. બીજાને રાજી કરીને જેને આનંદ થાય એનું ભાવજીવન ખીલેલું ગણાય.

ટપલીદાવ

હું ધોરણ 7માં વેબમેમોરિયલ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. વર્ષ હતું 1981નું. રિસેસમાં અમારા વર્ગના અમે કેટલાક છોકરાઓ બેન્ચીસની આસપાસ ઊભા રહીને નાસ્તો પુરો કર્યા બાદ વાતો, ધમાલ-મસ્તી વગેરે કરતા હતા. જેને જેવું સુઝે તેવું કરે. ક્યારેક એવી રમત પણ રમાતી કે એક જણ અચાનક કોઈ છોકરાની આંખો પોતાના હાથ વડે દાબી દે અને બાકીના છોકરાઓ જેની આંખો દબાઈ હોય તેને ટપલાં-ટપલી મારે. થોડી સેકન્ડોમાં આંખો પરથી હાથ લઈ લેવામાં આવે. માર ખાનાર છોકરાએ કાંઈ જોયું ન હોય, તેથી તે કોઈને કશું કહી શકે નહિ. જો કે આ એક રમત જ હોવાથી તેનો ફરિયાદ કરવાનો કોઈ ઇરાદો પણ ન હોય.

રમેશ નામનો એક છોકરો નવાયાર્ડ વિસ્તારમાંથી આવતો હતો. તે દરરોજ નાસ્તામાં રોટલી-શાક લાવતો હતો. શરીરે શ્યામ વર્ણનો હતો. તે ખૂબ શાંત અને માસુમ સ્વભાવનો હતો. એક વખત એની આંખો દબાઈ ને બધાં એના પર તુટી પડ્યા. રમેશને પ્રમાણમાં વધુ માર પડ્યો. તે રડવા લાગ્યો. તેણે અમને જણાવ્યું, કે તે, ‘કક્કુટીચર’ વર્ગમાં આવશે એટલે તેમને ફરિયાદ કરશે. {અંગ્રેજીના ટીચરનો અવાજ ‘cuckoo’(કોયલ) જેવો મીઠો હોવાથી તેઓનું નામ એવું પડ્યું હશે.} અમે વિચાર્યું કે ખોટું તો થયું જ છે. અમને પશ્ચાતાપ થવા લાગ્યો હતો. અમને હતું કે મેડમ અમને ઠપકો આપે કે સજા કરે તો વાંધો નહિ. મેડમ વર્ગમાં આવ્યા. રમેશે ફરિયાદ કરી. પરંતુ વર્ગમાં રમેશનો કોઈ નોંધપાત્ર દેખાવ ન હોવાથી, વળી એણે જેની સામે ફરિયાદ કરી હતી તે, અમે સૌ વર્ગના સ્કોલર અને મેડમ પાસે સારી છાપ ધરાવનારા હતાં. તેથી ટીચર રમેશને જ વઢ્યાં, કે મજાક-મસ્તી સહન ન થતા હોય તો શા માટે ધમાલ કરવા ગ્રુપમાં જોડાય છે. ટીચર આખો પ્રસંગ જાણતા ન હોવાથી આવું થયું, જેનું મને ખૂબ દુઃખ છે.

આર્મીમેનની બુદ્ધિ

ધો.8થી10ના મારા અભ્યાસ દરમિયાન એક પિતા વગરના સહપાઠીની સાથે મારી મૈત્રી થવાથી તેના સંગે હું પણ ઘરે-ઘરે છાપાં નાંખીને કમાણી કરતો થઈ ગયો હતો. દરરોજ સવારે પાંચ વાગે સ્ટેશનેથી છાપાં લઈને બાંધેલાં ગ્રાહકોના ઘરે નાખી આવવાના. રસ્તામાં આખો મિલિટરી વિસ્તાર ફરીને જવાનું. રૂટ બહુ લાંબો હોવાથી મેં વિચાર્યું કે મિલિટરી વિસ્તારમાં થઈને નીકળી જઈએ તો રોજની દસ મિનિટ અને થોડું પેટ્રોલ બચે. એ રસ્તે મિલિટરી સીક્યુરીટીનાં ત્રણ ગેટ આવે. અત્યંત ખાનગી વિસ્તાર હોવાથી પ્રવેશનિષેધ તીવ્ર હતો છતાં હું મારું લ્યુના લઈને એ રસ્તે નીકળ્યો, વિચાર્યું, “ના પાડશે તો પરત ફરી જઈશું ને નહિ તો આ ટૂંકા રસ્તે જઈશું.”

મંદ અંધકાર હતો. એક મિલિટરી યુવાનને ઑવરટેઈક કરીને હું પસાર થયો. એણે બૂમ પાડી. પહેલા તો હું કાંઈ સમજ્યો નહિ. આગળ જતાં-જતાં મારા કાનમાં પડઘાયું કે એણે મને સવારની સલામી આપી હતી. મને સમજાઈ ગયું કે એ યુવાન મને એનો ઉપરી સમજતો હતો. શિસ્ત ચૂકી જવાના ડરથી આ યુવાનો ગમે તેને સલામી ઠોકી દેતાં હોય છે. ત્યારબાદ મને દૂરથી આવતો જોઈને દરેક ગેટના બબ્બે ચોકિયાતોએ ગેટ ખુલ્લા કરી દીધા. હું સરળતાથી નીકળી ગયો. શિયાળો હોવાથી મારા શરીર પર ભૂરા રંગનું જેકેટ રહેતુ હતું. ચોકિયાતો મારા પહેરવેશ પરથી અને મારી છાતી પર એવોર્ડના કેટલા બિલ્લા ચોંટાડ્યા છે તે શોધવાની લ્હાયમાં ક્યારેક સાવધાનીની મુદ્રામાં રહીને, તો ક્યારેક સેલ્યુટ ઠોકીને મને નવાજતા. એક વખત છેલ્લા ગેટના ચોકિયાતોએ ગેટ ખોલવાને બદલે મને છેક ગેટની નજીક આવવા દીધો. મેં લ્યુના પાર્ક કર્યું. ચાલીને ગેટ સુધી જાઉં તે પહેલા તેઓએ ગેટ ખોલી નાખ્યાં અને સલામી ઠોકી. મેં ફરીથી લ્યુના પર મારું સ્થાન લીધું અને નીકળી ગયો. આવું લગભગ પંદરેક દિવસ ચાલ્યું. મેં વિચાર્યું, “આ યુવાનો ડરના માર્યા, સિનિયરનો અપરાધ ન થઈ જાય એવી સાવધાનીથી રોજ સવારે મને સલામ ઠોક્યા કરે છે. જે દિવસે ભોપાળું પકડાશે તે દિવસે સારી પેઠે મને ઠમઠોર્યા વિના નહિ મૂકે.” અને એ ટૂંકા રસ્તે જવાનું મેં છોડી દીધું. મને લાગે છે કે એ યુવાનો પોતાને સિનિયર ઓફિસરની કસોટીમાંથી પાર ઉતરેલા જાણીને જરૂર રાજી થયા હશે. કારણ કે સિનિયર ઓફિસરે વહેલી સવારમાં તેઓનું ચેકિંગ કરવાનું છોડી જો દીધું હતું !


Advertisements

Comments on: "અવનવા પ્રસંગો – 1" (5)

 1. શ્રી કલ્પેશભાઈ,
  આપની વેબ્સાઈટ ની મુલાકાત લીધી.સરસ છે.આપ તો તત્વજ્ઞાન ના અધ્યાપક છો એટલે કઈ કહેવાપણું ના હોય.આ દીવડા કોલોનીમાં આમારા સગાઓ રહેતા હતા.જોકે હું કદી ત્યાં આવ્યો નથી.ગુલાબસિંહજી પુવાર આવું નામ હતું.જોકે હાલ તો હયાત નથી.આપની વેબ્સાઈટ બ્લોગ સ્વરૂપે હોત તો લોક ખુબ વાચી શકે.વર્ડપ્રેસ ના બ્લોગ માં જલ્દી ખબર પડી જાય કે નવી પોસ્ટ મુકાઈ છે.એમાય ગુજ્બ્લોગ ના સભ્ય હોય તો પૂછવું જ ના પડે.જોકે અંતે તો બધો મદાર આપણું લખાણ કેવું છે એના પર જ હોય છે.મેં પણ ફક્ત ડીસેમ્બર થીજ લખવાનું શરુ કરેલું.થોડી હાસ્ય રચનાઓ સાથે ૮૦ જેટલા આર્ટીકલ મુક્યા છે.૧૨,૦૦૦ કરતા વધારે ક્લિક મળી છે.અને કોમેન્ટ્સ પણ ખુબ મળે છે.એમાંથી પણ જાણવાનું મળી જાય છે.આપ એક વર્ડપ્રેસ માં બ્લોગ બનાવો ને આ બધી પોસ્ટ એમાં મુકો તો વ્યૂઅર્સ ખુબ મળશે.આતો જંગલ મેં મોર નાચા કિસને દેખા જેવું થાય છે.માનીએ છીએ કે આપણે પ્રસંશા ના ભૂખ્યા નથી,પણ આપના કીમતી વિચારો લોકો સુધી પહોચે એટલું ઈચ્છું તો અસ્થાને નહિ ગણાય.

 2. ગમ્યુ વાંચીને. મિલિટરિ વાળો ભાગ બહુ સરસ છે.

 3. પહેલા બે ત્રણ પ્રસંગો વાંચ્યા. મજા આવી ગઈ. માળાવાળી વાત સૌથી વધારે ગમી.
  પણ આર્ટિકલ બહુ જ લાંબો છે. એને આરામથી ત્રણ ચાર અલગ અલગ ભાગમાં વહેંચી શક્યા હોત. નેટ ઉપર બહુ લાંબાં લખાણ વંચાતાં નથી, યે નોંધી લેજો.
  વાંક દેખાપણા માટે માફ કરજો.

  મારો દસમા ધોરણનો 99 માર્ક નો અનુભવ કદાચ તમને ગમે –
  http://gadyasoor.wordpress.com/2007/12/18/99_marks/

 4. pragnaju said:

  હંમણા મર્યાદિત સમયમા અમારા બ્લોગ બાદ ઈ-મેઈલ તથા સંગીતમય બ્લોગ માણી
  કાવ્યો કે સહેજે ગમી જાય તેવા લેખો વાંચીએ.પ્રતિભાવ આપવાનું ઓછું થતુ જાય છે.તમારી વાતો વાંચવાની શરુ કરી ત્યારે ખ્યાલ ન હતો કે છેક સુધી વંચાશે! અમને આ બધી અમારી જ વાતો હોય તેવું લાગ્યુ!અમારા જીવનના ઘણા પસંગો યાદ આવ્યા.તેમા બારડોલીના કરફ્યુ દરમિયાન સમયનું ધ્યાન ન રહેતા કરફ્યુ દરમિયાન અમારી મૉટર સાયકલની પછળ ઈન્સપેકટરનો ડંડો પડેલો…જોયું તો અમારો સ્નેહી!
  કહે છે કે વૃધ્ધ ભૂતકાળ યાદ કરે તો તે ડીપ્રેશનમા હોય છે અને ભવિષ્યની કલ્પના કરે તો ધખારામા!
  પણ મને તો આવું પાગલપન રાસ આવી ગયું છે…..

 5. Abhilash Patel said:

  માનનિય કલ્પેશભાઈ,

  તમારા લેખ હુ રોજ વાચુ છુ

  મારે પણ તમારા જેવી વેબસાઈટ બનાવી છે તો એના માટે મને માર્ગદર્શન કરશો…..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: