વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

સહાનુભૂતિ

માણસ રુપિયા ખર્ચે છે તે સમયે તેના માપદંડ કેવા જુદા-જુદા હોય છે એ બાબતની ચર્ચા આ લેખમાં કરવામાં આવી છે. એકતરફ એ ઉડાઉપણુ દાખવીને રુપિયા પાણીની જેમ ઉડાડતો જોવા મળે છે તો બીજી તરફ પાઈ-પાઈ ખર્ચતા વિચાર કરતો દેખાય છે. જ્યાં નાણા ખર્ચવા બદલ એને પ્રતિષ્ઠા મળવાની હોય, લોકોમાં વાહવાહ થવાની હોય, જ્યાં દેખાડો કરવાનો હોય ત્યાં માણસ રુપિયા વેડફી નાંખતા પાછો પડતો નથી જ્યારે કોઈ જરૂરિયાતમંદને રુપિયા ચુકવવાના થાય ત્યારે એને હિસાબ પૂછશે, અનેક પ્રશ્નો કરશે છેવટે એ ગરીબે પોતાની ખરી પરસેવાની કિંમતના માંગેલા રુપિયા આપવામાં કટકી કરશે. ઉનાળામાં માણસ પોતાના પરિવાર સાથે વોટરપાર્ક કે એવી જ કોઈ પાણી સાથે મોજમજાની રમત કરાવતી જગ્યાએ જશે ત્યાં પ્રવેશ ફીના વ્યક્તિદીઠ 500 થી 1000 રુપિયા ચુકવશે. ત્યાંના મેનેજમેંટવાળા પોતાની સાથે લાવેલ નાસ્તો અને પાણી બહાર જ મુકાવી દેશે તો એ કબૂલ રાખશે અને અંદર 5 રુપિયાના સમોસાના 25 રુપિયા, 12 રુપિયાની પાણીની બોટલના 30 રુપિયા હસતા હસતા ચુકવશે. પ્રવેશ ફી સાથે ઇંક્લુડ ફ્રી રાઈડમાંથી કેટલીક બંધ હાલતમાં હશે તો પણ કોઈ પ્રશ્ન કર્યા વિના અન્ય પેઈડ રાઈડમાં બેસીને એંજોય કરશે. આવું શામાટે ? તો કહી શકાય કે આ રીતે નાણા ખર્ચવાથી પોતાના પરિચિતો, સગાવ્હાલાઓ, મિત્રો, સહકર્મચારીઓમાં વટ પાડી શકાય છે. લોકો અહોભાવથી આવા શોખ કરનાર વ્યક્તિ તરફ જુએ છે, એની ચર્ચા થાય છે. અને લોકોમાં ચર્ચાવા માટે માણસ રુપિયા ફેંકી દેતા અચકાતો નથી.

બીજી તરફ કોઈ જરૂરિયાતમંદ માણસની પાસેથી કોઈ ચીજવસ્તુ કે સેવા ખરીદતા પહેલા અનેકવાર એની સાથે બારગેઈનિંગ કરશે અને છેવટે ખરેખર જે કિંમત હોય એના કરતાં પણ ઓછી કિંમત ચુકવીને નાણા બચાવ્યાનો આનંદ માણશે. ધોમધખતા તાપમાં 12-12 કલાક સતત ફ્રુટની લારી લઈને ચાલનારા ફ્રુટ વેચનાર પાસેથી ભાવ કરતાં ઓછા રુપિયા ચુકવીને એને લૂંટશે. રીક્ષાવાળો 5-10 રુપિયા વધારે માગતો જણાય તો સભ્યતા ગુમાવીને એની સાથે કકળાટ કરશે. બસ કંડક્ટર ‘છુટ્ટા નથી’ કહીને 2-5 રુપિયા પોતાના ખિસ્સામાં નાંખે તો અન્યાયની સામે મોરચો ખોલી બેસશે. જે સંસ્થા મોટી છે, સદ્ધર છે, પ્રતિષ્ઠીત છે એની જોહુકમી સામે નમી જવું અને નાના-ગરીબ માણસને થોડા રુપિયા માટે હેરાન કરવો – આવો બેવડો માપદંડ માણસ અપનાવે છે. ખરેખર તો માણસે જરૂરિયાતમંદ પ્રત્યે સહાનુભૂતિ અથવા કરુણા દાખવવી જરૂરી છે. ફ્રુટની લારી ચલાવનાર કેટલી બધી મહેનત કરે છે ! એના ચહેરા તરફ નજર કરીએ તો ખ્યાલ આવે કે એ કેટલું બધું કષ્ટ સહન કરી રહ્યો છે ! કેટલાક લોકો તો ટ્રેનમાં બુટપોલીશ કરનાર છોકરા પાસે પણ બારગેઈનિંગ કરે છે. એ છોકરો પોતાના જીવનની તમામ ખુશી-આનંદ ગુમાવીને નાનપણમાં કામે લાગી ગયો છે, બની શકે કે એના પિતા ગુજરી ગયા હોય ને એણે અધવચ્ચે ભણવાનું છોડીને કામધંધે વળગી જવું પડ્યું હોય ! ચા-નાસ્તાની લારી પર 12-12 કલાક કામ કરનારા બાળકો શા માટે નાનપણમાં કામે લાગતા હશે ?

ફુટપાથ પરનું જીવન નજીકથી જોયું હશે એને ખ્યાલ હશે ! કડકડતી ઠંડીમાં આખી રાત માત્ર એ આશાએ વીતાવે છે કે સવાર પડે ત્યાં સુધી શ્વાસ ચાલુ રહે તો સૂર્ય ઉગતાં જ વધુ એક દિવસ જીવી જવાય ! વરસાદમાં પલળતા રહીને ધ્રુજતા માણસો કોરા થવા માટે ટુવાલ લેવા ક્યાં જાય ? આ લોકો અમથાય શારિરીક રીતે એટલા બધા નબળા હોય છે કે સહેજ ફટકો વાગે તો મરણશરણ થઈ જાય ! કેટલાય દયાળુ માણસો આવા લોકોને નાસ્તો તેમજ જમવાનું પહોંચાડે છે. શિયાળામાં ટુંટીયું વાળીને સુતેલા લોકોને ગરમ ધાબળા ઓઢાડે છે. વર્ષાઋતુમાં છત્રી કે રેઈનકોટ વિતરણ કરે છે. આપણી મૂળ વાત એ છે કે બધા આવા સમર્થ ન હોય કે એકસાથે ઢગલાબંધ ચીજવસ્તુનું દાન કરી શકે. પરંતુ રોજબરોજના વ્યવહારમાં નાના માણસો પ્રત્યે આપણું વર્તન સહૃદયી હોય તો તેઓ 2-5-10 રુપિયા વધારે માગતા હોય તો ખુશી-ખુશી આપી દેવા જોઈએ. શક્ય છે કે આપણી તરફ જોઈને તેઓને આશા જાગી હોય કે, ‘આ ભાઈ અથવા બહેન આપણે થોડું વધારે માંગશું તો આપી દે એવા છે’ એમ વિચારતા હોય ! કેટલાય લોકો એવા છે કે સ્પેશિયલ રીક્ષા કરવાને બદલે શેરિંગ રીક્ષા (શટલીયું) કરતા હોય છે. ઉતરવાના છેક છેલ્લા સ્થાન સુધી રીક્ષાવાળા ભાઈને બીજો કોઈ મુસાફર ન મળે તો આ મુસાફર રીક્ષાવાળાને સ્પેશિયલ રીક્ષાનું ભાડું ચુકવી દે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાને આપણા તરફ જોયું છે તો આપણે પણ નાના માણસો તરફ જોવું જોઈએ. એ લોકોને નાના ન કહીએ કારણ કે શક્ય છે કે તેઓ આર્થિક રીતે કટોકટીમાં જીવતા હોય પરંતુ વિચારોથી, દિલથી તેઓ દરિયાવદૃષ્ટિ રાખતા હોય !

પ્રારબ્ધ અને પુરુષાર્થ

આ વિષય મહાસાગર જેટલો વિશાળ છે આથી જ્યારે પણ કંઈક લખાય ત્યારે માત્ર એક કે બે મુદ્દા વિશે ચર્ચા કરવી શક્ય બને છે. પ્રારબ્ધ ભોગવવાનું થાય ત્યારે માણસની વર્તમાન પ્રવૃત્તિ એને કેવી રીતે મદદરૂપ બને છે એ જોઈએ. દા.ત. કોઈ માણસના પ્રારબ્ધમાં આજે ભુખ્યા રહેવાનું લખાયું છે. હવે જો એ માણસ તામસિક પ્રકૃતિનો હશે તો રસ્તામાં એનો કોઈ સાથે અકસ્માત થશે, એ મારામારી કરશે, પોલીસ ફરિયાદ થશે અને અંતે એ લોકઅપમાં એક દિવસ માટે ફીટ થશે. જેલનું જમવાની ટેવ ન હોવાથી એ ભુખ્યો રહેશે. જો એ માણસ રાજસિક પ્રકૃતિનો હશે તો એને પોતાની રાજકીય પાર્ટી તરફથી ફોન આવશે. એણે આખો દિવસ કામકાજમાં વ્યસ્ત રહેવાનું થશે અને જમવાનો સમય ન મળતા ભુખ્યા રહેવું પડશે. જો એ સાત્વિક પ્રકૃતિનો હશે તો વહેલી સવારે એ સ્વામિજીના સત્સંગમાં જશે. પ્રવચનમાં એને જાણ થશે કે આજે તો એકાદશી છે અને ભગવાનને એકાદશીએ ઉપવાસ રાખનારા બહુ વ્હાલા છે. આથી એ માણસથી સંકલ્પ થઈ જશે કે આજે એ કંઈ ખાશે નહી. આમ માણસની પ્રકૃતિ એના પ્રારબ્ધને ભોગવવામાં અસર કરે છે. જે તામસિક છે એ માણસ પોતાનું પ્રારબ્ધ એવી રીતે ભોગવે છે કે જેથી એને કષ્ટ થાય છે, અન્ય સાથે વેર બંધાય છે અને વધુ ભયંકર પ્રારબ્ધ નિર્માણ થાય છે. જે માણસ રાજસી છે એને પક્ષ વધુ મોટો હોદ્દો અને વધુ જવાબદારી સોંપશે. પરિણામે એ જગતમાં વધુ ને વધુ વ્યસ્ત બનતો જશે. જ્યારે જે માણસ સાત્વિક છે એ ભગવાનને પ્રિય બનશે અને અન્ય જે કોઈ પણ રીતે ભગવાનની નજીક જઈ શકાય એ માટે પ્રવૃત્ત બનશે. આમ જુદી-જુદી પ્રકૃતિના માણસો એવી રીતે પોતાના પ્રારબ્ધને ભોગવે છે કે જેનાથી ઊભું થતું નવું પ્રારબ્ધ એને સહાયભૂત અથવા નડતરરૂપ બને છે.

ભગવાન પાસે આપણે જે કંઈ પણ માગીએ એ આવતા જન્મે સેંકશન (મંજૂર) થાય છે. કારણ કે આ જન્મના ડેટા તો ભગવાને વિધાતા પાસે સેટ કરાવ્યા હોય છે એટલે એમાં કોઈ ડિસ્ટર્બંસ શક્ય નથી. આપણા જન્મના છઠ્ઠા દિવસે (છઠ્ઠી) વિધાતા આપણા સમગ્ર જીવનના લેખ લખી જાય છે અને એ પ્રમાણે જ જીવનભર બન્યા કરે છે. માટે જોઈ-વિચારીને માગવું. કારણ કે મોટે ભાગે એવું બનતું હોય છે કે આપણે માગેલું આવતા જન્મે જ્યારે આપણને મળે ત્યારે એની કોઈ જરૂર રહેતી હોતી નથી. દા.ત. મેં ગયા જન્મે ભગવાન પાસે એવું માગ્યું હશે કે, ‘ભગવાન, મને ખુબ ભુખ આપજો જેથી ભરપૂર રસાસ્વાદ કરી શકું.’ હવે આ જન્મે એ જ બાબત ખુબ તકલીફ આપે છે. કારણ કે આ જન્મે આપણે ભણ્યા એટલે જીવનમાંથી શ્રમ ગયો અને નાણા કમાવા માટે બુદ્ધિ વાપરવાની શરૂ કરી. ભુખ વધુ લાગે એટલે વધુ ખાઈએ પરંતુ શ્રમ કરવાની ટેવ નહી આથી શરીર જાડું-બેડોળ થઈ ગયું. હવે વધુ પડતી ભુખ સારી કે ખરાબ ? એટલે આ જન્મે ડાયેટીંગ કરવાની ભરપૂર કોશિશ ચાલે ! પરિણામે હતા ત્યાં ને ત્યાં.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: