વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

(20% શિક્ષકો બાળકોને મારતા હશે આથી એ શિક્ષકોને આ વાત લાગુ પડે છે. શિક્ષક એટલે ભાઈ અને બહેન બન્ને.)

સ્કૂલના વિદ્યાર્થીને મારવું જ પડે ? તો જ એ શિસ્તમાં રહે ? મારવાથી એનામાં શિસ્ત આવે ખરી ? મારવા સિવાયના અન્ય કોઈ અસરકારક રસ્તા નથી, જે એનામાં શિસ્ત લાવી શકે ? મોટે ભાગે છોકરાઓને જ માર પડતો હોય છે, છોકરીઓને નહી. છોકરીઓ ગેરશિસ્ત આચરતી નથી. મતલબ કે વર્ગમાં છોકરીઓ તોફાન નથી કરતી. હા, શિક્ષકને સંભળાય નહી એ રીતે અંદરોઅંદર વાતચીત જરૂર કરતી હોય છે. ઘણીવાર છોકરીઓ કોઈ રીતે મારી/અમારી નોંધ લે એ હેતુથી છોકરાઓ તોફાન કરીને શિક્ષકને પજવતા હોય છે અને એ રીતે પોતાની સ્માર્ટનેસ બતાવવાની કોશિશ કરતા હોય છે. શક્ય છે કે છોકરીઓ છાની રીતે, પોતે છોકરાઓની હરકતની નોંધ લઈ રહી છે એવું બતાવીને, તેના પર હસીને છોકરાઓને વધુ તોફાન કરવા ઉકસાવતી હોય ! છોકરાઓ મારાથી ડરવા જોઈએ તો જ એ કાબુમાં રહેશે – આવી માનસિકતા શિક્ષકમાં સામાન્ય રીતે જોવા મળતી હોય છે. અને એ માટે તેઓને મારવા જેવો સહેલો અન્ય કોઈ ઉપાય  હાથવગો નથી. આથી શિક્ષકો મારવાનું કામ જથ્થાબંધ રીતે કરતા હોય છે. છોકરો લેસન ન લાવ્યો હોય, વર્ગમાં વાતો કરતો હોય, તોફાન-મસ્તી કરતો હોય એટલે શિક્ષકે એક જ કામ કરવાનું, મારવાનું – સારી પેઠે ઠમઠોરી નાંખવાનો !

છોકરાઓમાં પણ જુદી-જુદી માનસિકતા હોય છે. કોઈ રીઢા થઈ ગયા હોય છે તો કોઈને માર પડે એ અપમાનજનક લાગે છે. આથી એવા છોકરાઓ, એક વખત માર પડતા પોતાનું વર્તન સુધારી લે છે. પરંતુ પેલા રીઢાઓનો, ઈલાજ માર નથી. શિક્ષક એને મારે અથવા ખખડાવે, એને કોઈ અસર નહી. વર્ગની બહાર કાઢી મૂકે કે મોટા સાહેબ પાસે લઈ જાય, કોઈ અસર નહી. એના વાલીને બોલાવવામાં આવે તો વાલી પણ કહી દે, એ અમારા કહ્યામાં નથી, એને તમારે મારવાની છૂટ છે. હવે એનું શું કરી શકાય ? તેમ છતાં સ્કૂલના સંચાલકો એના પર દયા રાખીને લાલ શેરો મારીને એને એલ.સી. પકડાવી દેતા નથી. એવા છોકરા પર દયા શા માટે કરવાની ? એક ખોટા સિક્કાને સજા કરવાથી તો દાખલો બેસે છે. બીજા છોકરાઓ એને રસ્તે જતા અટકી જાય છે. શું સ્કૂલની છાપ બગડવાની ચિંતા છે, કે છોકરાઓ ભવિષ્યમાં આવી કડક સ્કૂલમાં એડમિશન નહી લે ! કારણ કે આજ દિન સુધી કોઈ સ્કૂલે કોઈ વિદ્યાર્થીને આ રીતે એલ.સી. પકડાવ્યું હોય એવું નથી બન્યું. જો કે વિદ્યાર્થીઓ ખુબ જ તોફાન કરે છે એવી ફરિયાદ તો સ્કૂલની કાયમની હોય છે !

 કેટલીક શિક્ષક બહેનોને ક્યારેક નાના બે બાળકોનું અંદરોઅંદરનું કોઈ વર્તન સમજમાં ન આવે ત્યારે એ વિશે પૂછપરછ કર્યા વિના જ તેઓને એટલો બધો માર મારવા માંડે છે કે એ બાળકો રીતસર હેબતાઈ જાય છે અને માર સહન ન થતાં એટલું બધું રડે છે કે કસાઈને પણ દયા આવી જાય ! વિદ્યાર્થીઓના ગાલ એ માર મારવા માટેનું શિક્ષકોનું પ્રિય ક્ષેત્ર હોય છે. થપ્પડો, લાફા, ચમાટ મારવા માટે તેઓ ગાલ જ વધુ પસંદ કરે છે. મોટા છોકરાઓની વાત જવા દઈએ, પરંતુ બેથી ચાર વર્ષના નર્સરી ગ્રુપના બાળકોને ખુબ માર મારવો એ બરાબર નથી. તેઓ તો ફુલવાડીના માસુમ ફુલ સમાન છે, તેઓ પર હાથ કેવી રીતે ઉપડે ? છતાં શિક્ષિકા બહેન રીતસર એવા માસુમો પર તુટી પડતી હોય છે. ગાલ પર પપ્પી કરીને, પ્રેમાળ હાથ પંપાળીને માતા-પિતાએ ઘરેથી પોતાના વ્હાલસોયાને સ્કૂલમાં સંસ્કાર શીખવા મોકલ્યો હોય ને એ બાળકે શિક્ષકની થર્ડ ડીગ્રી સહન કરવાની માનસિકતા રાખવાની ! શિક્ષકને ખબર છે કે આ માસુમોની પોતાના ભાવ અભિવ્યક્ત કરવાની ભાષા હજુ ડેવલપ થઈ નથી આથી તેઓ માર ખાઈને પણ કોઈને કશું કહી શકવાના નથી. આથી શિક્ષક પોલીસની જેમ માત્ર એટલું જ ધ્યાનમાં રાખે છે કે મારના નિશાન બાળકના શરીર પર ક્યાંય દેખાવા જોઈએ નહી. આવું બાળક સ્કૂલે આવે ત્યારે એને કંઈ આવડતું ન હોય. એને બધું જ શીખવવું પડતું હોય ! એના માટે નાસ્તો માત્ર તૈયાર કરીને ન ચાલે, એક ડીશમાં પીરસીને એને આપવાનો થાય. બાળક ખાય થોડું ને ઢોળે વધારે, કપડાં બગાડે, એક જગ્યાએ બેસી ન રહે, અન્ય બાળકો સાથે તોફાન-મસ્તી પણ કરે. આ બધું સહન કરીને પ્રસન્ન રહેવાની તાલીમ પામેલી બહેનોને જ શિક્ષક તરીકે નર્સરી ગ્રુપમાં એપોઈંટ કરાય. એ બાળકને બાથરૂમ જવું હોય તો એની સાથે જવું પડે. એની ઝીપ ખોલીને પેંટ ઉતારીને બધી ક્રિયાઓ કરાવવી પડે. પરંતુ આવી ને આટલી બધી કાળજી લેવા માટે શિક્ષક કે મહેતરાણી માનસિક રીતે તૈયાર હોતા નથી. આથી મોટે ભાગે આ બધા કામ માટે બાળકને રામભરોસે છોડી દેવામાં આવે છે.

વાસ્તવમાં માર મારવો એ શિક્ષકની નબળાઈ છે. માર એ બાળકોમાં શિસ્ત લાવવાનો ઈલાજ નથી જ. કોઈનો ગુસ્સો કોઈના પર ! અથવા એમ કહો કે તેઓનો સ્વભાવ જ ગુસ્સાવાળો હોય એટલે બાળકો પર સહેલાઈથી ગુસ્સો કાઢી શકાય. ઉપરી અધિકારીએ, કામમાં બેકાળજી બદલ, મોડા આવવા બદલ ધમકાવ્યા હોય કે પછી ઘરે કોઈની સાથે મગજમારી કરી હોય, અડોશ-પડોશમાં સંબંધો બગડ્યા હોય, અથવા રસ્તામાં કોઈની સાથે બોલાચાલી થઈ હોય, બધું પ્રેસર, શિક્ષક બાળકોના ગાલ પર જઈને સીટી વગાડે ત્યારે નિકળે ! હું માધ્યમિક કક્ષામાં અભ્યાસ કરતો હતો ત્યારે ગણિતના શિક્ષકે વર્ગમાં અમને વાત કરી હતી, ‘મારો જ્યારે સ્કૂલમાં ઈંટરવ્યૂ લેવાયો ત્યારે મને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, તમારી લંબાઈ ઓછી છે, તમે એકવડા બાંધાના છો, વર્ગના છોકરાઓને કેવી રીતે કાબુમાં રાખી શકશો ?’ ‘આજે તમે જુઓ છો ને ! મારે કોઈને એક આંગળી પણ અડકાડવી પડે છે ? છતાં મારા વર્ગમાં કોઈ છોકરાએ આજ દિન સુધી ક્યારેય તોફાન નથી કર્યું ! કેમ ? કારણ કે હું વર્ગમાં તૈયારી કરીને આવું છું, બરાબર ભણાવું છું. મારું પોતાનું જીવન શિસ્તમય છે આથી મારા વાણી-વર્તન-વ્યવહારમાં પણ આપને શિસ્ત જોવા મળશે. મારી આંખોની કડપ, વાણીની વેધકતા ને અભ્યાસના કામ સિવાયની બીજી કોઈ વાત નહી – આ બાબતો એવી છે કે મારે કોઈ ખાસ પ્રયત્ન નથી કરવો પડતો, બાળકોને શિસ્તમાં રાખવા માટે ! આ બધાની પાછળ વિદ્યાર્થીને મારો પ્રેમ જ અનુભવાય છે પરંતુ એ પ્રેમ વેવલો નથી, ગંભીરતાપૂર્વકનો છે, તમારા બધાના હિત અને કલ્યાણ કરનારો છે !’

આપણે જાણીએ છીએ કે વિદ્યાર્થી સ્કૂલમાં ઘણું-બધું કરી શકે, માત્ર મોઢું ન ખોલી શકે ! વર્ગમાં કે વર્ગ બહાર સ્કૂલના કેમ્પસમાં બાળકને બોલવાની કોઈ તક નથી મળતી. માત્ર સાંભળવાનું ! બોલવાનું કામ માત્ર શિક્ષકનું ! વર્ગમાં બાળક કોઈ પ્રતિભાવ ન આપી શકે. એ માત્ર સાંભળે ! અને દુર્ભાગ્યે શિક્ષક પાસે કહેવા જેવું કંઈ ખાસ હોતું નથી. ભણવાનું તો ટ્યૂશન ક્લાસમાં પણ થાય છે. માત્ર રેકોર્ડ બનાવવા, ડિગ્રી મેળવવા, ઈતર પ્રવૃત્તિ કરવા માટે સ્કૂલ હોય છે. તો પછી વર્ગમાં શિક્ષક કરે શું ? એક જ કામ છે હાથવગું અને તે એટલે હોમવર્ક તપાસવાનું ! એક બાળકની નોટ તપાસે ત્યારે બીજા બાળકો શું કરે ? વાતો જ કરે અને એમાંથી શોરબકોર શરૂ થાય, ધમાલ થાય ! શિક્ષક પાસે વિદ્યાર્થીને કહેવા જેવી, એના વિસ્મય જગતને ખોલનારી, એને જ્ઞાનથી અભિભૂત કરનારી વાતો છે ખરી ? કોઈ રીતે શિક્ષક એને મહાન, હરતી ફરતી યુનિવર્સિટી જેવો, જ્ઞાનના ખજાના સમો લાગે છે ખરો ? કે માત્ર શિસ્તની ખોખલી વાતો કરનારો ને વેઠ ઉતારીને જેમ-તેમ કરીને પિરિયડ પૂરો કરનારો અથવા પુરો થવાની રાહ જોનારો જ હોય છે ?

વિદ્યાર્થી આખા દિવસ દરમિયાન સ્કૂલમાં શિક્ષકના વાણી-વર્તન-વ્યવહારનો અભ્યાસ કરતો હોય છે. પોતાના સહકર્મી સાથે શિક્ષક કેવી રીતે વાતો કરે છે, ઉપરી અધિકારીઓ એ શિક્ષક વિશે કેવો મત ધરાવે છે, એ શિક્ષકનું પારિવારિક બેકગ્રાઉંડ કેવું છે વગેરે બાબતો શિક્ષક પ્રત્યે વિદ્યાર્થીઓમાં આદર કે અનાદર જન્માવનારી હોય છે. શિક્ષકે પોતાના વર્તનને આધારે વિદ્યાર્થીઓમાં પોતાના પ્રત્યે આદર જન્માવવાનો હોય છે. સહકર્મીઓ સાથે વાતવાતમાં હાહાહીહી કરીને મોટેથી હસનાર, કામ સિવાયનું બહુ બોલનાર, પોતે બહેરા હોય એમ જરૂર કરતાં મોટેથી બોલનાર – ઘાંટા પાડનાર શિક્ષક આદર ગુમાવે છે. શિક્ષકોએ વેલ ડ્રેસ્ડ હોવું જરૂરી છે. લઘરવઘર પહેરવેશ ધરાવતા શિક્ષકો ન ચાલે. સારી હેરસ્ટાઈલ કરવાને બદલે માત્ર એક રબ્બરથી વાળ બાંધીને આવેલી બહેન પાટીયા પર લખવા માટે દિવાલ તરફ ફરે ત્યારે છોકરીઓ તેઓની મજાક કરતી હોય છે.

એક સ્કૂલમાં શિક્ષકોને સારી સેલરી નહી મળતી હોય ! આથી એપોઈંટ થયેલો શિક્ષક વિદ્યાર્થીઓને પૂછે, ‘તારા પિતા શું કરે છે ?’ એ સારું કમાતા હોય તો પોતાનું વીમા એજંટ તરીકેનું કાર્ડ આપીને વિમો લેવા માટે કહેતા. તો કોઈ શિક્ષક કહેતા કે, ‘મારી પત્ની ઈમીટેશન જ્વેલરીનું કામ કરે છે. કોઈને લેવું હોય તો ઘરે આવી જજો, તમને ખાસ ડીસ્કાઉંટ આપીશું.’ એક શિક્ષક તો ચાલુ વર્ગમાં વિદ્યાર્થીએ લાવેલ ખાણીપીણીની ચીજોના પેકેટ ખોલતા ને ખાતા. સાથે-સાથે પોતાના સહકર્મી માટે અપમાનજનક વાક્ય કહેતાં કે, ‘હમણાં કૂતરો બાજુમાંથી સૂંઘતો સૂંઘતો આવી જશે !’ અને બાજુના વર્ગમાં ભણાવતા શિક્ષક ખરેખર આ વર્ગમાં આવી જતાં. પછી વિદ્યાર્થીઓ હસી પડે એટલે અપમાન, ક્રોધ, શરમ વગેરે ભાવો સાથે એ શિક્ષક જતા રહેતાં. આવું બનતું હોય ત્યાં નથી લાગતું કે શિક્ષકની ગરિમાને આવા લોકો દ્વારા ધૂળમાં મેળવવામાં આવે છે ! આ શિક્ષક વિદ્યાર્થીઓમાં કેવી રીતે આદર જન્માવી શકે ? શિક્ષકે વિદ્યાર્થીની કોઈ ચીજ લેવી જ શા માટે ? અરે, જન્મદિનની ચોકલેટ પણ શિક્ષક લે તો એને બધાના દેખતાં ખાઈ ન જતાં દિવસ દરમિયાન અન્ય કોઈને પણ આપી દેવી ! એનાથી વિદ્યાર્થીઓમાં શિક્ષકોના અનેક ગુણોનું ડેમોંસ્ટ્રેશન થતું હોય છે, જે તેઓમાં શિક્ષકો માટે આદર જન્માવે છે. પરિણામે વિદ્યાર્થીઓમાં સ્વયં શિસ્ત જાગે છે. પ્રેમ, આદર વગેરે કમાવી લેવાની બાબત છે, એ માંગવાથી નથી મળતી.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: