વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

ગુજરાતી ભાષાના સાહિત્યકારોએ લખેલી વાર્તાઓ, નવલિકાઓ, નવલકથાઓ વાંચવાનું તો બહુ થતું નથી તેમ છતાં ક્યારેક ટી.વી. પરની ગુજરાતી ચેનલ્સ પર આવતી સિરિયલો પર અલપઝલપ નજર પડી જાય એ જોઈને મને એમ લાગે છે કે આજના જમાના પ્રમાણેના વિષયોનો સમાવેશ સાહિત્યમાં થવો આવશ્યક છે. હજી આજે પણ સંયુક્ત કુટુમ્બના પ્રશ્નો, છૂટાછેડા જેવા વિષયો જ સાહિત્ય જગતમાં મુખ્ય તરીકે ચર્ચાય  છે. આજના યુવાજગત તરફ સર્જકોના ધ્યાનમાં ખેંચાય એ જરૂરી છે. અલબત્ત નવા સર્જકો નવા વિષયોને પોતાના સર્જનમાં સમાવિષ્ટ કરતા જ હશે પરંતુ નીવડેલા સર્જકો એ વિષયોને સ્પર્શે તો એને જુદો જ રંગ મળે. એક છોકરી ઓછા નામે ત્રણ-ચાર બોયફ્રેંડ રાખીને બધાયને ચાલાકીથી ફેરવે છે અને પછી કોઈ ચોથા સાથે ઘર માંડે છે. એ વિષય પર હજુ સુધી કોઈ વાર્તા લખાઈ હોય એવું ધ્યાનમાં નથી. ઘર માંડવાની વાતને પણ પાછળ રાખી દઈને હવે ‘લિવ ઇન રીલેશનશિપ’નો યુગ આવ્યો છે. બન્ને રહે એક છત નીચે તેમ છતાં બન્નેના અંગત જીવન તદ્દન જુદાં. બન્નેના બેંક એકાઉંટ અલગ. બન્નેના સામાજિક, આર્થિક વ્યવહારો એકબીજાથી બિલકુલ સ્વતંત્ર. માત્ર જાતીય સુખ માટે બન્ને પશુની માફક એકબીજાની નજીક આવે. અને અન્ય કોઈ સાથે એ બેમાનું કોઈ પાત્ર અંગત સંબંધ રાખે તો એ અંગે પણ બેમાંથી કોઈ વાંધો ન લે.

થોડા જુનવાણી અને ઘણા બધા આધુનિક એવા યુવા છોકરા-છોકરીઓ એકબીજા સાથે લગ્ન માટે તૈયાર થાય તો તેઓ ઈંટરવ્યૂ દરમિયાન કેવા-કેવા સવાલો પૂછે છે ! છોકરી પૂછે, ‘તું લગ્ન બાદ એબ્રોડ (વિદેશ) જવાની તૈયારી રાખે છે ?’ ‘હું લગ્ન બાદ પાંચ વર્ષ સુધી બાળકને જન્મ આપવા માગતી નથી એની સામે તને કોઈ વાંધો તો નથી ને !’ કોઈ છોકરી તો વળી એમ પણ કહી દે, ‘હું બાળકને ધિક્કારું છું. માટે તું ઈચ્છે તો દત્તક બાળક લઈને એનું પાલનપોષણ કરજે પરંતુ મને એ બધી પળોજણમાંથી મુક્ત રાખજે.’ વળી, ‘મને ઘરકામ કરવામાં બહુ ચીડ ચડે છે. હું કચરા-પોતાં, વાસણ-કપડાં, રસોઈ વગેરે નહી કરું. આપણે કામવાળી બાઈ ને રસોઈ કરનારી બહેન રાખી લઈશું.’ બાળક જોઈતું હશે તો માત્ર એક બાળક પેદા કરીને તને આપી દઈશ. બીજાની માગણી કરતો નહી કે એની આશા રાખીશ નહી. અને હા, એને ઉછેરવા માટે આયાની ગોઠવણ એના જન્મ બાદ તરત કરી દઈશું.’ આમ કહીને આજની ભણેલી  છોકરી સ્પષ્ટ થઈ જાય છે. તો કોઈ પોઈંટ બ્લેંક કહી દે, ‘હું સંયુક્ત કુટુમ્બમાં રહીશ નહી. તારા માતા-પિતાને અલગ રાખવાની વ્યવસ્થા તું કરી દેજે. આપણે બન્ને કમાઈએ છીએ એટલે લગ્ન પહેલા જ ટુ બીએચકે અથવા થ્રી બીએચકેનો સુંદર મજાનો ફ્લેટ બુક કરાવી લઈશું. એના હપ્તા આપણી સેલરીમાંથી નિયમિત કપાતા જશે. ફ્લેટ આપણા નામે થઈ જાય ત્યાં સુધીમાં આપણા લગ્ન પણ થઈ જશે એટલે લગ્ન બાદ તરત આપણે બન્ને એકલાં એ ફ્લેટમાં રહેવા જતા રહીશું.’

આજની છોકરી માતા-પિતાનું ઘર તો છોડે છે પરંતુ ઘર છોડીને સાસરે આવતી નથી. સાથે-સાથે આજનો છોકરો પણ લગ્ન બાદ માતા-પિતાને છોડીને પત્ની સાથે અલગ રહેવા જતો રહે છે. આથી બન્નેમાંથી કોઈ ત્યાગ નથી કરતું પરંતુ બન્ને પોતાના સુખનો વિચાર કરીને અલગ જીવન જીવવાનું શરૂ કરે છે. આ યુવા જગતને સાહિત્યના માધ્યમથી કોઈ પ્રેરણા, માર્ગદર્શન આપી શકાય અને તેઓની વિચારધારાને યૂ ટર્ન આપી શકાય એવું સર્જન ન થવું જોઈએ ? જુનવાણી અને આઉટડેટેડ સાહિત્ય જ સર્જાતું રહેશે તો સાહિત્યકારોની એવી ફરિયાદ કે આજની યુવા પેઢી ગુજરાતી ભાષાથી દૂર જઈ રહી છે, તે થઈને જ રહેવાનું છે. આજનો યુવાન બસ ડેપો કે રેલ્વે સ્ટેશનના દૃશ્યને નહી પરંતુ એરપોર્ટ પર વાર્તા આકાર લે એમ ઈચ્છે છે. એવા પ્રકારની કરિઅર બનાવવા માંગે છે કે જેમાં એ વિદેશ અવરજવર કરતો હોય. પત્ની ભણેલી અને કમાતી ઈચ્છે છે. આંતરજ્ઞાતીય લગ્ન, છૂટાછેડા, પુનર્લગ્ન વગેરે સાવ સામાન્ય બાબત બની ગઈ છે. બને ત્યાં સુધી સહપાઠી છોકરો ને છોકરી શરૂઆતમાં મિત્રો બને પછી બે-ત્રણ વર્ષ સાથે હરેફરે ને સારી રીતે એકબીજાને સમજી લે ને સહમતિ હોય તો લગ્ન કરીને સેટલ થવાનું પસંદ કરે છે. એવા યુગમાં આજે પણ ‘એરેંજ્ડ મેરેજ’ વિષય લઈને વાર્તાનું સર્જન કરો તો એને કોણ વાંચે ? આજના યુવા પ્રશ્નો કેવા છે ? સ્કૂલ કક્ષાએ જ ઝડપથી થઈ જતો પ્રેમ ને નાની અમથી બાબતમાં વારંવાર થતો બ્રેક અપ એટલે કે ઝડપથી ભેગા થવું ને તરત સંબંધ તૂટ્યાની જાહેરાત કરવી ! મેચ્યોરિટી આવ્યા પહેલા જ ત્રણ-ચાર વાર પ્રેમ થાય ને બ્રેકઅપ પણ થાય ! લગ્ન સુધી વાત પહોંચે એટલે બન્નેએ એકબીજા પાસે નિખાલસ થવાનું એટલે કે અગાઉ બન્નેમાંથી કોઈને કોઈ છોકરા સાથે કે છોકરી સાથે પ્રેમ થયો હોય તો એની કબૂલાત કરવાની, પ્રેમ ક્યાં સુધી પહોંચ્યો હતો એ પણ કહેવાનું, કેટલી વાર એબોર્શન કરાવ્યું એ જણાવવાનું ને કેવી રીતે એણે મારી સાથે છેતરપિંડી કરી એ કહીને રડવાનું ને હવે પછી એકબીજાને જ વફાદાર રહેવાનું એવા કૉલ અપાય ! સાહિત્યકાર વિચારી શકે – આ લેવલ પરની માનસિકતા ? આ યુવાઓને અવગણી તો શકાય જ નહી ને ! માર્ગ ભૂલેલા હોવાથી તેઓને જીવનનું ગાંભીર્ય તો સમજાવવું પડશે ને !

પત્નીને મારઝૂડ કરવાની વાત તો બાજુ પર રહી, એની લગ્ન બાદ પણ પ્રાયવસી જળવાય એનું ધ્યાન એના પતિએ રાખવું પડે. પત્નીનો મોબાઈલ અલગ હોય. પતિ પાસે માંગીને, સાસુ રજા આપે તો મોબાઈલ પર પિયર પોતાના માતા-પિતા સાથે દબાતા અવાજે વાત કરવાના દિવસો હવે ગયા. પત્નીના મોબાઈલને પતિ અડકી પણ શકે નહી. કોનો ફોન હતો કે કોની સાથે વાત કરતી હતી એ પણ પૂછાય નહી. ઓફિસેથી કેમ મોડી આવી કે પછી એવું તો કયું કામ છે કે વારંવાર બે-ત્રણ દિવસની ટૂર કરવી પડે છે ? એ પ્રશ્ન પતિ માટે પ્રશ્ન જ બની રહે છે. પત્નીને સહજ પૂછે તો કહી દે, ‘બિઝનેસના અગત્યના કામ માટે જવું પડે ને બોસને મારી વફાદારી પર, મારી સ્માર્ટનેસ પર વિશ્વાસ છે એટલે બીજા કોઈને નહી પરંતુ મને જ લઈ જવાનું પસંદ કરે છે. તમારે એ જોઈને મારા માટે પ્રાઉડ ફીલ કરવું જોઈએ, આમ વેવલા સવાલો નહી કરવા જોઈએ !’ પતિના સગાવ્હાલાઓ એપોઈંટમેંટ વિના ઘરે અચાનક ટપકી શકે નહી. હા, પત્નીના પિયરના સગા આવે તો આજે પણ સ્ત્રી ખુશ થઈને તેઓને આવકારે છે ! નોકરીમાંથી રજા ન લઈ શકે તો પણ જોબ પરથી ઘરે આવતાની સાથે જ તેઓ સાથે કલરવ-ગુંજારવ તો શરૂ થઈ જ જાય ! જુના રીતિરિવાજો છૂટતા ગયા ને નવા રિવાજો આવતા ગયા. ગર્ભાધાન, પુંસવન વગેરે તો કોણ ભૂતભાઈ જાણે છે ? પરંતુ  વડીલ ગુજરી જાય એટલે માથાના વાળ ઉતરાવી નાંખવા, બારમું-તેરમુંનું જમણ, ને બાબરીનો રિવાજ પણ ગયો. એની જગ્યાએ આવ્યા થર્ટી ફર્સ્ટ ડીસેમ્બર, મેરેજ એનીવર્સરી, બર્થડે સેલીબ્રેશન, સિલ્વર જ્યુબિલી, ગોલ્ડન જ્યુબિલી, ડાયમંડ જ્યુબિલી વગેરે…

બાળકો અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં ભણતા થયા તો કોઈ પણ ચીજ-વસ્તુની ઓળખ માટે ભાષાના શબ્દોની થતી મારામારી, માતા-પિતા દ્વારા માતૃભાષા બચાવવાની કરાતી મથામણ, બાળકોમાં એના પ્રત્યે પ્રેમ-આદર જળવાય એ અંગેની જદ્દોજહેત, ઘરની જગ્યાએ હોસ્ટેલમાં રહેતા થયા તો તેઓના હોસ્ટેલના પ્રશ્નો, પ્રવાસમાં જાય, ટ્રેકિંગ કરે, જંગલો ખુંદે, રીવર પુલ બનાવે એને લગતા પ્રસંગો વાર્તામાં વણી લઈ શકાય. હોસ્ટેલમાં કિશોરાવસ્થાના બાળકો માતા-પિતાની હૂંફના અભાવમાં વિજાતીય પાત્રમાં વૈકલ્પિક શોધ કરે છે એ મથામણ ચિત્રી શકાય. ઝવેરચંદ મેઘાણી જેવી રીતે લોક સાહિત્યના સર્જન માટે ગામે-ગામે, જંગલમાં, ગુફાઓમાં, પર્વતો પર, આદિવાસી સમાજમાં ફરતા હતા ને લોકસાહિત્યરૂપી હીરાઓ એકત્ર કરતા હતા તેમ સાહિત્યકારોએ યુવાજગત સાથે ઘરોબો કેળવવો પડે, આજના બદલાતા પારિવારિક જીવનનો અભ્યાસ કરવો પડે, શિક્ષણ અને આર્થિક પ્રવૃત્તિ કેવા વળાંકો લઈ રહ્યા છે તે સમજવું પડે ત્યારે રેલેવંટ સાહિત્ય સર્જન થઈ શકે. બાકી તો પોથીમાંનું પોથીમાં જ રહે, લોકો સુધી ન પહોંચે. અથવા એમ કહો કે એ સાહિત્ય ઘરડાં લોકો વાંચે, યુવા એને હાથ ન લગાડે ! સાહિત્ય જગતે સરલા, વિમલા, કમલામાંથી બહાર આવવાની જરૂર છે.

આજે સંબંધોમાં મોબાઈલ ફોન અને ઈંટરનેટ ઘણું જ અસરકર્તા બન્યું છે. વર્ચ્યુઅલ તેમજ રીયલ વચ્ચેનો ભેદ આજની યુવા પેઢીને સમજાતો નથી એટલે જીવનમાં ઘણી બધી ને ઘણી મોટી ભૂલો કરી બેસે છે, પાછળથી પેટ ભરીને પસ્તાય છે. આ બાબતોનું પ્રતિબિંબ સાહિત્યમાં પડે તો યુવાઓને દીવાદાંડીરૂપ મદદ કરી શકાય. સંબંધોમાં વિશ્વાસ નિર્માણ થયો હોવાથી અંગત પળો માણતી યુવા પેઢી મોબાઈલ ફોનમાં એનું રેકોર્ડિંગ કરે છે ને બ્રેકઅપ થયા બાદ છોકરા દ્વારા એને પબ્લીકલી ઉછાળવામાં આવે ત્યારે મોટે ભાગે છોકરીનું જીવન કેવું બરબાદ થાય છે ! ઈંટરનેટ પર ચેટીંગ કરતા પાત્રો જ્યારે વાસ્તવમાં મળે છે ત્યારે ઘણી વાર ભૂકંપ થાય છે. આ પાત્રો શક્ય છે કે પિતા ને દિકરી હોય, માતા ને દિકરો હોય, ભાઈ-બહેન હોય કે પછી પતિ-પત્ની ખુદ પોતે જ હોય. ઘરમાં તો પતિ-પત્નીને પ્રેમથી એકબીજાને બોલવાનોય સંબંધ ન હોય ને નેટ પર સાથે-જીવવા-મરવાના કૉલ આપતા હોય ! વિકૃતિ પણ ઓછી નથી હોતી. છોકરો, છોકરી બનીને છોકરીઓ સાથે તેમજ છોકરાઓ સાથે ચેટિંગ કરી રહ્યો હોય એવું બને જ છે. કદરૂપી છોકરીઓ ફિલ્મી હિરોઈનના ચહેરાથી પોતાનું એકાઉંટમાં બનાવીને તો સ્ત્રી-પુરુષો પોતાની અસલ ઉંમર છુપાવીને, આવક અંગે ખોટું બોલીને કેવા એકબીજાને છેતરે છે એ વિશે વાર્તા સર્જી શકાય ! સંબંધોમાં રાખવામાં આવતા વિશ્વાસની તદ્દન હલકા સ્તરની મજાક બનાવાતી હોય તો એ આવા નેટજગતમાં ! સંબંધોમાં શરૂઆતમાં લાગણીઓ સાચી હોય છે તેમ છતાં કંઈક વાંકું પડતાં એની જે ભદ્દી મજાક ઉડાવાય છે તે મોટે ભાગે માણસને આત્મહત્યા સુધી લઈ જાય છે. બ્લેક મેઈલિંગ, સેક્સ્યુઅલ એક્સપ્લોઈટેશન તો એટલી બધી સામાન્ય બાબત બની ગઈ છે કે છોકરી મોબાઈલ ફોન રીચાર્જ કરવા માટે પણ કોઈને પોતાનો નંબર આપી શકતી નથી. એ જ રીતે નેટ પર વિદેશી વેશ્યાઓ સક્રિય હોય છે, જે પુરુષોને ચેટિંગ માટે તેમજ વિડીઓ કેમેરા સમક્ષ કપડાં ઉતારવા માટે ઉકસાવે છે. જે પ્રમાણે પેલી સ્ત્રી કપડા ઉતારતી જાય તેમ-તેમ છોકરો પણ કરતો જાય. પેલી સ્ત્રી તો વ્યાવસાયિક હોવાથી એનો વિડીઓ વાયરલ થાય તો એની સામે એને કોઈ વાંધો નથી હોતો પરંતુ થોડા દિવસોમાં એ સ્ત્રીના માધ્યમથી રાક્ષસોએ છોકરાનું કરેલું રેકોર્ડિંગ એને જ મોકલાવે છે અને એને વાઈરલ કરવાની ધમકી આપીને એની પાસેથી લાખો રુપિયા પડાવે છે. આ બાબતો વાર્તામાં અસરકારક રીતે પ્રતિબિંબિત થાય એ ઈચ્છનીય છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: