વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

આ લેખ વાંચીને વાચકના મનમાં કદાચ એવું થાય કે લખનાર આત્મશ્લાઘા કરી રહ્યા છે એટલે કે પોતે જ પોતાના વખાણ કરે છે પરંતુ એવું નથી. લખાણમાં એક જવાબદાર શિક્ષક પર ફોકસ કરવાની ઈચ્છા છે. રીસેસ પૂરી થઈ ત્યારે સૌથી છેલ્લો હું પાણી પીને વર્ગમાં જનાર હતો. પાણીના નળ પાસે મને એક કાંડા ઘડિયાળ મળી. વર્ગમાં જઈને હું બેઠો. અંગ્રેજી ભણાવતા શિક્ષક વર્ગ લેવા આવ્યા એટલે મેં તેઓને સહજ ભાવે મને મળેલી ઘડિયાળ સોંપી અને કેવી રીતે મને મળી એ વાત કરી. તરત જ અંગ્રેજીના એ શિક્ષક સ્ટાફ રૂમમાં જઈને એક પ્રોક્સી શિક્ષકને લઈ આવ્યા અને તેઓને વર્ગ લેવાની જવાબદારી સોંપી. તેઓને જરૂરી સુચના આપી અને પછી મને કહે ચાલ આપણે જઈ આવીએ. મને થયું કે સર મને ક્યાં લઈ જાય છે અને શા માટે ? પરંતુ કંઈ પણ પૂછ્યા વિના હું તેઓની સાથે ચાલ્યો.

એ શિક્ષકે શું કર્યું ? સ્કૂલના દરેક વર્ગમાં તેઓ મને લઈ ગયા. જે-તે વર્ગ લેનાર શિક્ષકની રજા લઈને દરેક વર્ગમાં બે-બે મિનિટ વિદ્યાર્થીઓ સમક્ષ બનેલી ઘટનાની વાત કરી. જેની ઘડિયાળ ખોવાઈ હોય એ સાબિતી આપીને લઈ જાય એમ કહ્યું. સાથે-સાથે મને, મેં કરેલા સારા કામ માટે દરેક વર્ગના તમામ વિદ્યાર્થી ભાઈ-બહેનોને ઊભા કરીને ત્રણ વાર ત્રણ તાલીનું માન અપાવ્યું. એમ આખી સ્કૂલે આ સારા કાર્યને વખાણ્યું. કોઈ દિવસ આપણે તો આવા સન્માનની અપેક્ષા રાખી ન હતી વળી આવો કોઈ અનુભવ પણ ન હતો એટલે મારી હાલત અત્યંત શરમજનક હતી. આપણે ફોકસ થઈએ એ તો જરાયે ન ગમે પરંતુ મારા માધ્યમથી શિક્ષક વિદ્યાર્થીઓને એક સારો બોધ આપવાનો લાભ ચુકી રહ્યા ન હતા એ માટે હું સંમત થઈને તેઓને સાથ આપતો હતો. એ શિક્ષક પ્રમાણિકતાની એડવર્ટાઈઝ કરી રહ્યા હતા. બેઠેલા દરેક વિદ્યાર્થીને એમ લાગતું હશે કે પ્રમાણિકતા કેવી સારી વસ્તુ છે, જેનાથી આપણને સમાજમાં આટલો સારો પ્રતિભાવ મળે છે. મારી દૃષ્ટિએ તો આ શિક્ષક એક ઉત્તમ સેલ્સમેન કહેવાય, સદગુણોના ! જે, કોઈ અપેક્ષા વિના સદગુણોનું બાળકોમાં સિંચન કરી રહ્યા છે. સદગુણો વિશે પ્રવચન કરવા ઉપરાંત તેઓ પાસે એક વધુ સારો રસ્તો હતો, એ ગુણો બાળકોમાં લઈ જવા માટેનો. અને તેઓ એ લાભ જવા દેવા માગતા ન હતા. જુના કાળના ઋષિમુનિઓ પણ આ જ રીતે ચિંતિત હતા કે જેમ ઘઉં નો એક દાણો પણ બગડેલો હશે તો કોઠીમાં રાખેલા બધા ઘઉંને એ બગાડશે. આથી એક પણ ઘઉંનો દાણો સડેલો ન હોવો જોઈએ. એમ સમાજમાં એક પણ માણસ નબળો ન હોવો જોઈએ. વિદ્યાર્થીઓમાં સારા સંસ્કાર આવે એ માટે દક્ષ શિક્ષક કેટલા બધા પ્રયત્નશીલ હોય છે ! અને આપણને સારા કામ માટે આવો શિરપાવ મળે ત્યારબાદ એ સ્થાનને જાળવી રાખવાનો પ્રયત્ન પણ આપણાથી સહજ રીતે થયા કરે. ત્યારબાદ કોઈ એવું કામ આપણાથી ન થાય કે જેથી કોઈ ખોટો દાખલો અન્ય સમક્ષ બેસે !

જવાબદાર શિક્ષક, વિદ્યાર્થીઓમાં વાચનનો શોખ કેળવાય એ માટે પ્રયત્નશીલ હોય છે. વાચન એક એવો શોખ છે જે બાળકને મહાન બનાવી શકે છે. કારણ કે માણસ જેવા વિચારો કરે એવો એ બની જાય છે. મને આ શોખ નાનપણથી જ હતો. પ્રાથમિક કક્ષાએથી જ હું ખુબ ઈતર વાચન કરતો. લાયબ્રેરીમાં જઈને પુસ્તકો ઈસ્યૂ કરાવવાના અને સમયસર પરત કરીને નવા પુસ્તકો વાંચવા લઈ આવવાના. મને જાણ છે ત્યાં સુધી સ્કૂલના બહુ ઓછા લાયબ્રેરીઅનને, માણસને મહાન બનાવનારી આ અદભૂત ચમત્કારિક વસ્તુના મહત્વની જાણ હોય છે. કારણ કે એક તો પુસ્તકાલય (લાયબ્રેરી)માં પુસ્તક ઈસ્યૂ કરાવવા માટે જનારા વિદ્યાર્થીઓની અત્યંત જૂજ સંખ્યા હોય. મોટે ભાગે આજનો વિદ્યાર્થી, વિદ્યાર્થી ઓછો ને પરીક્ષાર્થી વધુ છે. એટલે કોર્સ બહારનું તો એ વાંચે જ નહી. આથી મને યાદ છે કે બે-ત્રણ ધક્કા ખવડાવ્યા વિના લાયબ્રેરીઅન અમને પુસ્તકો ઈસ્યૂ કરી આપે નહી. ઘણી વાર સ્કૂલ છૂટી ગયા બાદ પણ બેસી રહેવું પડે. ત્યારબાદ પણ પુસ્તક મળશે જ એની કોઈ ખાતરી નહી. તેમ છતાં પ્રત્યેક ધોરણમાં અભ્યાસ દરમિયાન ખુબ ઈતર સહિત્ય વાંચ્યું. આજે જણાય છે કે મને વાચનનો શોખ કેવો જબરો છે.

ટારઝન શ્રેણીનો ગુજરાતી ભાષામાં અનુવાદ કોણે કર્યો હશે ? હવે તો એ પુસ્તકો ક્યાંય દેખાતા નથી. જેમ્સ હેડલી ચેઈઝ એનો મૂળ લેખક છે કે શું ? મને ખબર નથી. પરંતુ 600-700 પાનાના એક-એક ભાગ એવા 15 જેટલા ભાગ ટારઝન શ્રેણીના હશે, જે તમામ મેં વાંચ્યા છે. શું લેખકનું કલ્પના જગત છે ! સાહસ અને જોખમથી ભરપૂર જીવેલો ટારઝન હંમેશા કટોકટીમાંથી હેમખેમ બહાર આવી જાય છે ! એ સિવાય પણ રવિશંકર મહારાજ આદિ મહાપુરુષોના ચરિત્રો, ઝવેરચંદ મેઘાણીની તમામ શ્રેણીઓ, સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટીયાઓ, હરિન્દ્ર દવેના પુસ્તકો : કૃષ્ણ અને માનવ સંબંધો, શ્યામ એક વાર આવોને આંગણે, માધવ ક્યાંય નથી, ઉપેન્દ્રરાય સાંડેસરા તેમજ ભોગીલાલ સાંડેસરાના પુરુષોત્તમ શ્રીકૃષ્ણ, પ્રવીણ પ્રકાશનની ત્રણેય શ્રેણીઓ : મહાન દેશ ભક્તો, મહાન ક્રાંતિકારીઓ, મહાન સ્વાતંત્ર્યસેનાનીઓ વાંચ્યા. વિવેકાનંદના ભાષણો અને લેખો તેમજ તેઓનું અને રામકૃષ્ણ પરમહંસનું જીવન ચરિત્ર એમ કુલ 12 વોલ્યુમ વાંચ્યા. સદવિચાર દર્શન (આઠવલેજીના) 50 થી વધુ પુસ્તકોનો ઘનિષ્ટ અભ્યાસ કર્યો.

મને લાગે છે કે સ્કૂલ કક્ષાએ વાચન શોખ વિદ્યાર્થીઓમાં કેળવાય એ માટે પૂરતા પ્રયત્નો થવા જોઈએ. શિક્ષક વિદ્યાર્થીઓને પુસ્તકાલયમાં લઈ જાય. વિવિધ પુસ્તકો બતાવે, કયું પુસ્તક શી રીતે અદભૂત છે એની વાત કરે ! કારણ કે માર્કેટિંગના આ યુગમાં તમારે પ્રોડક્ટ વિશે એના ગુણો દર્શાવવા પડે. મોટે ભાગે તો વિદ્યાર્થીઓને પુસ્તકાલયમાં જવાની જ છૂટ હોતી નથી. કારણ : વિદ્યાર્થીઓ પુસ્તકને અસ્તવ્યસ્ત કરી નાંખે છે ! પરંતુ સંપર્ક વિના પ્રેમ થતો નથી આથી વિદ્યાર્થીઓને પુસ્તક સાથે સંપર્ક તો કરાવવો જ પડે. સારા સંસ્કારની સાથે-સાથે વિશ્વભરમાં ફેલાયેલો જ્ઞાનનો ખજાનો પુસ્તકોમાં સંગ્રહાયેલો હોય છે એ વિદ્યાર્થીમાં આવશે તો આપણને મહાન ચરિત્રો મળશે અન્યથા ઘેંટાના ટોળા પેદા કરીને સંતોષ માનવો પડશે !

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: