વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

આપણે ત્યાં ‘હોતા હૈ, ચલતા હૈ’નું સૂત્ર અમલમાં છે, કોઈ કામમાં પરફેક્શનનો આગ્રહ જ નહી. લબાડીવેડા જ કરવાના ! મિલિટરી જવાનો માટે એક સૂત્ર છે : ‘હર કામ બહેતરીન’ – ‘Excellence in all spheres.’ માણસને દરેક કામ કરતી વખતે એમ લાગવું જોઈએ કે એ ભગવાનની પૂજા કરી રહ્યો છે. શિક્ષક વિદ્યાર્થીને ભણાવે ત્યારે એક ફુલ ખિલાવી રહ્યો છે એમ થવું જોઈએ. માણસે કામ એવી રીતે કરવું કે એમાં પોતાની જાન રેડી દે. ભીખ માગવી એ કંઈ સારી વાત નથી તેમ છતાં એની માગવાની કળા એવી અદભૂત હોય કે તેની પાસેથી પસાર થનાર કોઈ એને કંઈ આપ્યા વિના જઈ ન શકે. હજામ થવું તો પણ ફિલ્મી હીરોના ! If you can’t be a rose, be any flower. If you can’t be the sun, be any star. But be the best what ever you are !

કોઈ વેપારીને તમે કહો કે અમુક પેકેટ પર એક્સપાયરી ડેટ વીતી ગઈ છે આથી એને ફેંકી દો અથવા કંપનીને પરત કરી દો. તો એ કહેશે, ‘ના રે, હમણાં કંપનીનો માણસ આવશે. એની પાસે છાપ ભૂંસવાનું લિક્વીડ તેમજ નવી એક્સપાયરી ડેટ છાપવાનું મશીન હશે, એનાથી કામ ચાલી જશે. આમ ‘ચાલશે, ફાવશે’ની નીતિ માણસને આગળ લઈ જતી નથી. ઘણા લોકો કવર પર ટપાલ ટિકીટ ચોંટાડે તેમાં જે-તે મહાનુભાવને શીર્ષાસન કરાવે. એટલે કે જે મહાપુરુષના ચહેરાવાળી ટપાલટિકીટ હોય એને ઊંધી ચોંટાડે. ટિકીટના પાછળના ભાગે લાગેલો ગુંદર ભીનો કરવા, કરંસી નોટો ગણવા કે પુસ્તકના પાના ઉથલાવવા થૂંકનો ઉપયોગ કરે. ખાસ કરીને બસનો કંડક્ટર નોટો પર થૂંક લગાડીને ગણે અને તરત એ રુપિયા પેસેંજરને ચેંજ તરીકે આપે ત્યારે કોઈ ખચકાટ વિના થૂંક લગાડેલી જગ્યાએ પેસેંજર પોતાની આંગળી અડાડીને નોટો પકડે ને પોતાના ખિસ્સામાં મુકે. કોઈ પણ પેકેટ તોડવા માટે, સ્ક્રૂ ખોલવા માટે કાતર કે પાના-પકડનો ઉપયોગ કરવાને બદલે પોતાના દાંતનો ઉપયોગ કરે. સફાઈ કામદાર સફાઈ કરે ત્યારે પણ એને ટોકવો જ પડે. એ વિના બરાબર સાફસફાઈ થાય જ નહી. ‘અતિથિ તુમ કબ જાઓગે’ મુવીમાં પરેશ રાવલ કામવાળી બાઈને કામમાં ખામી બદલ જરા અમથી ટોકે છે ત્યાં તો એ બાઈ ગુસ્સે થઈને પરેશ રાવલનું અપમાન કરીને કામ છોડીને, ધમકી આપીને જતી રહે છે. કોઈને આપણાથી બરાબર કામ કરવાનું કહેવાય જ નહી એવા હાલ આપણે ત્યાં છે. વાસણ ઘસ્યા હોય તેમ છતાં એમાં ક્યાંક ખોરાકના કણ તો ક્યાંક ડીટરજંટ ચોંટેલો જોવા મળે. એવા વાસણમાં દૂધ ગરમ કરવા મૂકે ને ફાટી જાય એટલે દુકાનદાર સાથે ઝઘડવા જાય !

લાયબ્રેરીમાથી પુસ્તક વાંચવા લાવીએ ને એ ફાટેલું જણાય તો આપણે વાંચ્યા બાદ એને સાંધીને પરત ના કરી શકીએ ? કપડાને ગડી કરતી વખતે, પથારી પાથરતા કે ઉપાડતા એના છેડા બરાબર મેળવવાનો આગ્રહ કેટલા રાખતા હશે ? માત્ર એક વાર કહેવાથી શર્ટનું બટન ટંકાઈ જાય, સિલાઈ નિકળી ગઈ હોય ત્યાં સંધાઈ જાય, ચંપલ-સ્લીપર કે બુટ વગેરે થોડા-થોડા તૂટયા હોય ને ચાલી શકે એમ હોય છતાં એ વધુ નુકશાન પામે એ પહેલા સંધાઈ જાય એવું બને છે ખરું ? ગેસ સ્ટવ પર રાખેલી તવી પર રોટલી મુકીને કે દૂધ ગરમ કરવા મુકીને બીજા કામ માટે ઘર બહાર નિકળવું નહી. અન્યથા બહેને પોતાની પડોશણને જોઈ નથી કે એની સાથે વાત કરવાની ખુજલી ઉપડે. એમાં રોટલી બળી જાય ને દૂધ ઉભરાઈ જાય. ધીમી આંચ પર ગેસ સ્ટવ ચાલુ હોય ત્યારે પવનની નાનકડી થપાટ પણ એને ઓલવી નાંખી શકે. ત્યારબાદ વપરાયા વિનાનો ગેસ વાતાવરણમાં ફેલાય ને વાત પતાવીને પરત આવીને બહેન સ્ટવ સળગાવે એટલે અકસ્માત જ થાય. ઘણી બહેનો ઘરમાં લઘર-વઘર રહે. વાળ ઓળ્યા ના હોય, કપડા તદ્દન ચોળાયેલા હોય, પાયજામાનું એક ભૂંગળું સહેજ વાંકું ને થોડુ ઊંચે ચડી ગયું હોય ને બીજું નીચું હોય. પૂછીએ તો કહે હવે મારે કોને ખુશ કરવાના છે ? એવું કોણે કહ્યું કે કોઈને ખુશ કરવા સજવા-ધજવાનું હોય છે ? આપણા વ્યક્તિત્વનું એક સુંદર પાસું છે કે ઘરમાં હોઈએ કે બહાર, આપણે બરાબર તૈયાર થઈને જ રહેવાનું હોય. માત્ર બહાર જતી વેળાએ તમે તૈયાર થાઓ એનો અર્થ શું ? તમારે બહારવાળાને ખુશ કરવાના છે ? તો ઘરમાં પણ ભાઈ થાક્યા-પાક્યા બહારથી આવે ને તમે સારી રીતે તૈયાર થઈને પાણીના ગ્લાસ સાથે એમનું સ્વાગત કરો તો એમને કેટલો આનંદ થાય ! એના બદલે દિવેલિયો ચહેરો રાખીને ઉઘરાણીનું લિસ્ટ ધરી દો એટલે કાં તો લડાઈ થાય શરૂ અથવા સ્મશાનવત શાંતિ !

ખરીદેલી વસ્તુના બિલની ફાઈલ, ડોકટરના રીપોર્ટની ફાઈલ, અભ્યાસના પ્રમાણપત્રોની ફાઈલ, અગત્યના ડોક્યુમેંટની ફાઈલ વગેરે બરાબર જાળવવા, ફોટોગ્રાફ્સના આલ્બમ, વિડીઓ સી.ડી. આલ્બમમાં લેબલિંગ કરીને એને જાળવવા, વાહનોને સમયસર સર્વિસ કરાવવા, સમયસર એની સાફસફાઈ કરવી, એ પણ કામમાં પરફેક્શન દર્શાવે છે. ઘણાં માણસો નાકના કાણામાં, કાનપટ્ટી પર અડાબીડ ઉગી નિકળેલા વાળ સમયસર કાપતા નથી. નાક-આંખ-ગળું પણ સાફ કરતા નથી. ઊંઘીને ઉઠ્યા બાદ આંખને ઠંડા પાણીની હળવી છાલકો મારીને ધોવી, નાકમાંથી શ્લેષ્મ કાઢીને એના ફોયણા ચોખ્ખાં કરવા, ગળામાંથી કફ કાઢી નાંખવો, સમયસર દાઢી સાફ કરવી, મૂછો સરખી કરવી એ પણ પરફેક્શનનો જ એક ભાગ છે. મુખમાંથી દુર્ગંધ આવતી હોય એણે સતત ઈલાયચી, વરિયાળી આદિ મુખવાસ મુખમાં રાખી મુકવા જોઈએ. તબિયતનું ધ્યાન રાખવું એ પણ પરફેક્શન છે. તાવ-શરદી-ખાંસી કે અન્ય મોટા રોગોની વાત જે-તે સમય પૂરતી હોવાથી એને બાજુ પર રાખીએ અને નિયમિત રીતે જેને એસીડીટી કે કબજિયાત રહેતી હોય એણે પાણી વધુ પીવું, સમયસર જમવું, તીખું-તળેલું કે વાસી ન જમવું, હાજત(એકી-બેકી) રોકવી નહી. ઘણા શરમના માર્યા ગેસ નિકાલ કરતી વખતે અવાજ થતો હોવાથી એને રોકે છે એ પણ બરાબર નથી. એનાથી શરીરમાં વિકૃતિ જન્મે છે.

કોઈ પણ વ્યવસાય હોય એમાં પરફેક્શનનો આગ્રહ અત્યંત આવશ્યક છે. ઉતાવળમાં ડોક્ટર ખોટું નિદાન કરે તો દર્દી પાયમાલ થઈ જાય ને કોઈ વાર જાન ગુમાવવાનો વારો પણ આવે, દર્દીને ! દાક્તરને એમ થવું જોઈએ કે હું દર્દીને એવો સાજો કરીશ કે એને સંપૂર્ણ રાહત થઈ જશે. ડ્રેસિંગ કરતી વખતે ઘા સાફ કરતાં ઘાની ફરતે આસપાસના મોટા વર્તુળમાં કોટન (રૂ) વડે એંટીસેપ્ટિક લીક્વિડ લઈને સૌપ્રથમ સાફ કરવાનું હોય છે. થોડું સાફ કર્યા બાદ તરત બીજું નવું કોટન લેવાનું હોય છે. એને બદલે કોઈ દાક્તર કે કમ્પાઉંડર એક જ કોટનના ટુકડાથી આખો ઘા સાફ કરે તો એ ઝીરો માર્ક્સથી નાપાસ થયો કહેવાય. પોલીસ તેમજ વકીલ અને ન્યાયાધીશ બરાબર ઇંક્વાયરી ન કરે તો નિર્દોષ દંડાઈ જાય ને ગુનેગાર છૂટી જાય. આરોગ્ય માટેની ઔષધી બનાવનારે તો અત્યંત ચોક્કસાઈ રાખવી પડે. મોટા મોટા સરકારી કામો જેવાં કે રસ્તા, ઓવર બ્રીજ, બિલ્ડીંગો વગેરે બનાવવામાં પૂરતી કાળજી ન લેવાય તો અચાનક એ પડી ભાંગે ને કરોડો-અબજો રુપિયાનું નુક્શાન થાય, લોકોના જાન જાય એ વધારામાં ! કપચી, રેતી, સીમેંટની કેટલી માત્રા લેવાની એનું ચોક્કસ માપ હોય છે. એ ન જળવાય એટલે બાંધકામ તુટે જ ! ભ્રષ્ટ તંત્ર હોય ત્યાં પરફેક્શન હોય છે પરંતુ કામ બરાબર કરવા માટેનું નહી, કામ બરાબર થયેલું દેખાય એ માટેનું ! સૌને રુપિયા મળી જાય ત્યારબાદ જ કરેલું કામ તુટે, એ પહેલાં નહી !

કોઈ માણસ ઝડપથી આગળ નિકળી જાય છે એનું શું કારણ ? બસ, એટલું જ કે એ પોતાના કામમાં પરફેક્શનનો આગ્રહ રાખે છે. વાળ કાપવાના 50 થી 80 રુપિયાનો ભાવ ચાલે છે. છતાં કોઈ હજામ 2000 રુપિયા ચાર્જ કરે તો પણ એની પાસે કામ ખુટતું નથી, કારણ ? પરફેક્શન ! બ્યુટી પાર્લરમાં પણ સૌથી વધુ ભાવ લેવાતા હોય ત્યાં ભીડ વધુ રહેતી હોય છે. એક હેરડ્રેસર ભાઈને ત્યાં મને થયું કે ફેસ મસાજ કરાવીએ. એણે પોતાના બન્ને હાથમાં કોઈ ક્રીમ લીધીને મારા ચહેરા પર લગાડીને ઘસવા લાગ્યો. મને થયું કે બાવળના કાંટાના મોજા પહેરીને એ ભાઈ મારા ચહેરા પર ઘોપી રહ્યા છે. તેઓની બન્ને હથેળી જોઈ તો વાસણ-કપડા કરનારી બહેન અથવા ગેરેજ મિકેનિક ભાઈના હાથના પંજા જેમ કાળા ને વાઢીયા પડી ગયેલા હોય એમ બ્યુટી ટ્રીટમેંટ કરનાર એ ભાઈની બન્ને હથેળીઓ કાંટાળી હતી. એ ભાઈ ફેસિયલ કે બ્લિચિંગ કે ફેસ મસાજ-હેડ મસાજ કેવી રીતે કરી શકે ? કોઈ એક કડિયો કોંટ્રાક્ટર બની જાય ને કોઈ કોંટ્રાક્ટરમાંથી મજૂર પણ બની જાય, કારણ ? પરફેક્શન ! અમારા ઘરે કોઈ કામ હોય તો એક કડિયો આવતો હતો. કામ વધારે હોય તો પોતાની સાથે બીજો એક કારીગર લઈ આવે. એણે એક વાર એ કારીગરને કામ સમજાવ્યું ને ઘરે ગયો. બીજા દિવસે સવારે આવીને એણે કામ જોયું. અમને તો ખબર પડે નહી એટલે ખુશ થઈને અમે કહ્યું કે, ‘તમારા માણસે સરસ કામ કરી આપ્યું.’ પરંતુ એ ભાઈએ કારીગરે કરેલું કામ તોડી નાંખ્યું. અમને કહ્યું, ‘તમારે ત્યાં ઘણા માણસો આવશે ને પૂછશે કે આ કામ કોણે કર્યું છે?’ એટલે મારું નામ વગોવાશે ! તમને ખ્યાલ ન આવે પરંતુ કામમાં ખામી રહી ગઈ છે. થોડો ઘણો સમય વીતે એટલે એ ખામી બહાર આવે ને તમારા મનમાં મારા માટે અભિપ્રાય બદલાય.’ આમ કરવામાં એ ભાઈને ઘણું નુક્શાન થયું. પેલા કારીગર સાથે સંબંધ સારો ન રહ્યો, આર્થિક રીતે પણ ઘસાવું પડ્યું. તેમ છતાં આજે એ ભાઈ કરોડોની જગ્યા લઈને એમાં રાજસ્થાનના આરસ-ગ્રેનાઈટની ટ્રકો ભરીને માલ ઉતારે છે ને એને ત્યાં મોટા મોટા ફેઈલ ગયેલા કોંટ્રાક્ટરો નોકરી કરે છે ! આ છે પરફેક્શનની કમાલ !

કોઈ વકીલ એક હિયરીંગના બે-પાંચ લાખ રુપિયા લે ને કોઈ વર્ષો સુધી બ્રીફ વિના રખડતા હોય ! ફિલ્મના ગીતો ક્ષણભરમાં એક સાથે કરોડો લોકોના દિલમાં સ્થાન લઈ લે છે એવું કેમ ? કારણ કે એમાં ગીતકાર, સંગીતકાર, ગાયક કલાકાર, અભિનેતા, દિગ્દર્શક વગેરેએ વર્ષો સુધી તપશ્ચર્યા કરીને પરફેક્શન લાવવા માટે પોતાના પ્રાણ રેડી દીધા હોય છે. મોદીસાહેબ, એક ચા વેચનાર બાળક વિશ્વના સૌથી લોકપ્રિય નેતા કેવી રીતે બની શક્યા ? ભવિષ્યના મહાન નેતા તરીકે તેઓને તૈયાર કરનાર ઘડવૈયાઓએ તેમને બરાબર ઘડ્યા હશે ત્યારે ને ! સાથે-સાથે તેઓ પોતે પણ કોઈ કામ પરફેક્ટ કરવાનો આગ્રહ રાખનાર માત્ર નથી, પરંતુ કામને એટલી બધી ઊંચાઈએ લઈ જાય છે કે તેઓ સમક્ષ પ્રથમ પ્રસ્તાવ આવે એટલે એમાં સુધારા સુચવે ને એ ચક્રને એટલી ઊંચી કક્ષાએ લઈ જાય કે ત્યારબાદ જેની પાસે કામ લીધું હોય એણે ક્યારેય કલ્પના ન કરી હોય એવી શ્રેષ્ઠતા એ કામમાં દેખાઈ આવે ! આપણે ત્યાં આળસ, હોતી હૈ-ચલતી હૈ, લાલીયાવાડી, લબાડી વગેરે નિકળી જાય એ અત્યંત આવશ્યક છે. પરંતુ એનો આગ્રહ રાખનારની સ્થિતિ હાસ્યાસ્પદ થાય એટલી બધી બહુમતિ કામમાં બેકાળજી રાખનાર, ઢીલાશથી વર્તનારની છે.

Advertisements

Comments on: "કામમાં પરફેક્શનનો આગ્રહ" (1)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: