વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

મારા દાદાના લગ્ન ચાલીસી વટાવી ગયા બાદ ટીન એજમાં પ્રવેશેલી છોકરી સાથે થયા હતા અને એ પણ માંડ માંડ ! નહી તો એ કુંવારા રહી જવાના હતા. એની અસર એવી થઈ કે તેઓને એમ જ લાગતું કે તેઓનો દિકરો એટલે કે મારા પિતા કુંવારા રહી જશે. એટલે મારા પિતાની સગાઈ થયા બાદ તેઓ દિકરીની માતાને જલ્દી લગ્ન જોવડાવવા માટે કાકલૂદી કરતાં હતાં. એ સમયે નજીકના સગાઓ સગપણ તોડાવા માટે બહુ પ્રયત્નો કરતા. સ્વાર્થ એટલો કે પોતાના દિકરાનું પછી એ કન્યા સાથે ગોઠવી શકાય. કન્યાની અછત એ સમયે પણ હતી અને આજે પણ છે. એટલે મારા દાદાના સગા કન્યાની માતાને કહેતા કે તમારા થનાર વેવાઈનું ઘર તો જુઓ ! અર્થાત તેઓના ઘરમાં હાંડલા કુસ્તી કરે છે એટલે કે ઘરમાં કંઈ છે જ નહી. ને પછી કહેતા, અમારું ઘર જુઓ, કેટલું બધું ભર્યું ભાદર્યું છે ! પછી તો માંડ માંડ મારા પિતાના લગ્ન પણ થયા. પરંતુ તેમનામાં પણ એ જ અસર રહી ગઈ કે તેઓનો દિકરો એટલે કે હું કુંવારો રહી જઈશ. એટલે મારી વય બાવીસની થતાં જ તેઓએ મારા માટે કન્યા જોવાનું શરૂ કરી દીધું તે છેક હું સત્યાવીસનો થયો ત્યારે મેળ પડ્યો. બધે ઠેકાણેથી ‘ના’ આવવાનું કારણ એટલું જ કે અમારું ઘર વડોદરામાં હોવા છતાં શહેરની બહાર વનવગડામાં છે એવું બધા કહેતા.

મારા પિતાના ત્રણ ભાઈ-બહેન નાનપણમાં જ ગુજરી ગયા હતા. દાદાની નાની ને કાચી વયની પત્ની, કોઈ દેખરેખ રાખનારું નહી, માર્ગદર્શન આપનારું નહી ને ઉપરાછાપરી સુવાવડોનો દોર ચાલ્યો. બે બાળકો મારી દાદીના જીવતા ગુજરી ગયા ને એક બાળક, સુવાવડ થતાં દાદી ગુજરી જતાં પોષણના અભાવમાં ગુજરી ગયું. તે સમયે મારા પિતાની વય માત્ર બે વર્ષની હતી આથી મારા પિતાને પોતાની માતાનો ચહેરો પણ યાદ નથી. ત્યારબાદ મારા દાદા અને મારા પિતા, તેઓ કુંવારા રહ્યા ત્યાં સુધીની જિન્દગી એકબીજાના સહારે ગુજારી. મારા દાદા તેમજ પિતાનું તમામ રીતે શોષણ તેઓના સગાં કરી રહ્યા હતા. પરંતુ સુવર્ણ ધારો આવ્યો અને મારા પિતાને સરકારી નોકરી મળી ત્યારબાદ મારા પરિવારનું શોષણ તેઓના સગાંઓ કરી શક્યા નહી. મારા પિતા અને દાદા તેઓના સગાંઓથી ઝીંઝુવાડા-પાટડી ગામેથી અલગ થઈને અમદાવાદ ભાડાના મકાનમાં રહેવા આવી ગયા ને મારા પિતાનું લગ્નજીવન 1967માં શરૂ થયું. ત્રણ વર્ષના લગ્નજીવન બાદ 1970માં મારો જન્મ થયો ને હું એક વર્ષનો થયો ત્યાં મારા દાદા ગુજરી ગયા.

હું એસ.વાય.બી.એ.માં વિદ્યાનગર અભ્યાસ કરી રહ્યો હતો અને મારા પિતાએ મારા માટે કન્યા જોવાનું શરૂ કરી દીધું હતું. જે જગ્યાએ મારું પ્રથમ સગપણ કર્યું એ કન્યાના પિતાએ મારી એમ.એ.ની વાર્ષિક પરીક્ષાના આગલા દિવસે લગ્નનું મુહૂર્ત નક્કી કર્યું હતું. મારી સ્પષ્ટ ‘ના’ હોવા છતાં મારા પિતાએ નિર્ધારિત મુહૂર્તે લગ્ન નક્કી રાખ્યા હતા. પછી તો બન્યું એવું કે સગપણ ફોક થઈ ગયું. અને એના બે વર્ષ બાદ નડીયાદની કન્યા સાથે મારા લગ્ન પણ થઈ ગયા. કોઈ એક સારા જ્યોતિષી પાસે મારા પિતાએ પોતાના હાથના પંજાની રેખાઓ બતાવી હતી. એ જ્યોતિષી હાથના પંજા પર શાહી રગડીને એની છાપ કાગળ પર લઈને એનું માપ લીધા બાદ ભવિષ્ય કથન કરતા હતા. તેઓના જ્ઞાન મુજબ મારા પિતાનું આયુષ્ય 65 થી 68 વર્ષનું છે. એટલે મારા પિતાની વય 65ની થઈ ત્યારે તેઓનો આત્મવિશ્વાસ ડગુમગુ થવા લાગ્યો. ત્યારે મેં તેઓને કહ્યું કે તમને શરીરમાં કોઈ રોગ નથી એટલે વહેલું મૃત્યુ આવવાનું કોઈ કારણ નથી. પછી તો તેમનો આત્મવિશ્વાસ મજબૂત બની ગયો. આજે તેઓ 72 વર્ષના છે અને સરકારી ચોપડે 74 વર્ષના છે કારણ કે લાગતા વળગતા અધિકારીએ મારા પિતાની જન્મ તારીખ ભૂલમાં બે વર્ષ પહેલાની નોંધી હતી. આથી તેઓ એટલા જલ્દી રીટાયર્ડ થઈ ગયા. આવનારા 10 વર્ષ સુધી તેઓને કાંઈ થાય એમ નથી.

મને ખ્યાલ છે કે ઘરડા માણસ મૃત્યુ પામે તે સમયે તેઓનું શ્રદ્ધાકેન્દ્ર જે હોય તે દિવ્ય દેવ તેઓને પ્રેમથી લેવા આવે છે અને પોતાની સાથે શરીરમાંથી આત્માને પોતાની સાથે લઈ જાય છે. મારા મમ્મીના પપ્પા એટલે કે મારા નાના અંતિમ અવસ્થાએ હતા ત્યારે રોજિંદા ક્રમ પ્રમાણે ગોદડી પાથરીને ઓશિકાના ટેકે આડા પડ્યા હતા. તેઓના મુખમાં વાટીને કુચો કરીને મારી નાનીએ તૈયાર કરેલું પાન હતું. મારી નાનીના કહેવા પ્રમાણે તેઓનો પ્રસન્ન ચહેરો અલૌકિક રીતે ચમકી રહ્યો હતો. અને નાનાએ નાનીને કહ્યું, ‘જુએ છે સામે કોણ આવીને ઊભું છે ?’ નાની કહે, ‘ના, મને કોઈ નથી જણાતું. કોણ છે ?’ ‘અરે, મોટેરાથી મા’રાજ આવ્યા છે.’ મારા સૌથી મોટા મામા એટલે કે મારા નાનાના મોટા દિકરા આસારામબાપુમાં શ્રદ્ધા ધરાવતા હતા. એને લઈને મારા નાના પણ તેઓમાં શ્રદ્ધા ધરાવતા થયા હતા. નાનાએ કહ્યું, તેઓ મને લેવા આવ્યા છે. મારે જવું પડશે.’ અને થોડી વારમાં નાનાએ પ્રાણ ત્યાગી દીધા. આગલે દિવસે આખા મહેસાણામાં પગે ચાલીને પોતાના ઓળખીતા-પાળખીતા તમામને એમ કહીને મારા નાના આમંત્રણ આપી આવ્યા હતા કે, ‘આવતી કાલે મારા લાકડામાં આવજો હોં, ભુલતા નહી.’ ને બરાબર 24 કલાક બાદ તેઓએ પ્રાણ ત્યાગ્યા.

મારા સસરાની બાબતમાં પણ એવું બન્યું હતું. ત્રણ દિવસથી તેઓ કંઈ ખાઈ શકતા ન હોવાથી શરીર ખુબ જ અશક્ત બની ગયું હતું. મારો સૌથી નાનો સાળો એટલે કે તેઓનો નાનો દિકરો, મારા સસરા જે ખાટ પર સુતા હતા તેની એક કોરે બેઠો હતો. મારા સસરાને હાથ ખસેડવો હોય તો તેઓનો દિકરો પોતાના બન્ને હાથે ઊંચકીને તેમનો હાથ સહેજ ખસેડી આપે. અને અચાનક મારા સસરા એક ઝાટકે પથારીમાં બેઠા થઈ ગયા ને સામે કોઈ બોલાવવા આવ્યું હોય એમ સ્વસ્થતાપૂર્વક એની સાથે વાત કરતા કહેવા લાગ્યા, ‘હા, ચાલો આપણે જઈએ.’ પરંતુ એ દેવ શરીર સાથે તો કોઈને લઈ ન જાય એટલે મારા સસરા પાછા પથારીમાં પડ્યા ને થોડી વારમાં તેઓના દિકરાએ જોયું તો તેમણે પોતાના પ્રાણ ત્યાગી દીધા હતા. એ જ રીતે મારા દાદાને ખ્યાલ આવી ગયો હતો કે આજે તેઓનો છેલ્લો દિવસ છે. એટલે તેઓ ઘરે જ રહ્યા. રવિવારનો દિવસ હતો. બપોરે ફરીથી મારા દાદા નાહ્યા. શેરડીનો રસ પીધો. મારા પિતા મને ખોળામાં લઈને મારા દાદાની નજીક બેઠા હતા. મારા દાદા ખાટ પર સુતા હતા. તેઓએ એક વર્ષનો હું એવા મારા માથે હાથ મુક્યો, મારા પિતાને આશીર્વાદ આપ્યા. મારી માતાને અશીર્વાદ આપ્યા ને સંકેત કર્યો કે હવે તેઓ અનંતની યાત્રાએ જઈ રહ્યા છે. ત્યારબાદ થોડી વારમાં તેઓએ પોતાના પ્રાણ ત્યાગી દીધા.

Advertisements

Comments on: "મૃત્યુ સમયે માનસિકતા" (1)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: