વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

માણસ એકલો પડી ગયો છે. ઘરે લગ્નપ્રસંગ હોય અને પોતે જ્યાં રહેતો હોય ત્યાં આસપાસના આડોશી-પાડોશી સાથે સારા સંબંધો હોય તો એમાંના ઘણા માણસો, ખાસ કરીને જુવાનીયાઓ પ્રસંગે સહકારની ભાવનાથી કામ કરવા આવી પહોંચે. દોડાદોડીના કામથી લઈને રુપિયા કાઢવાના હોય તો પણ કોઈને કહ્યા વિના મિત્રો-પરિચિતો-સગાં-સ્નેહીઓ એકવાર નાણા ખર્ચી નાંખે ! હિસાબ પછી જોયો જશે. ઘરમાં પડ્યા છે તે વધવાના તો નથી ને ! તો પછી ભલે ને પોતાના રુપિયા આ સજ્જન માણસના કામમાં આવતા ! એવો વિચાર કરે. પરંતુ માત્ર પોતાનો જ વિચાર કરીને માણસ જીવ્યો હોય તો એને ત્યાં પ્રસંગ આવે ત્યારે એણે એકલાએ જ બધે દોડવું પડે ને પછેડી એટલી સોડ તાણવી પડે, એટલે કે જેટલા રોકડા હોય એટલાનો જ ખર્ચ થઈ શકે. પછી જમણવાર પણ બુફે પ્રકારનો જ રાખવો પડે. કારણ કે એમાં પીરસણીયાને રુપિયા ખર્ચીને બોલાવવા પડતા હોય છે. વાસ્તવમાં જેને ત્યાં અનેક પ્રકારની વાનગીઓ બની હોય અને મહેમાનોએ પોતાને શું ભાવે છે એ નક્કી કરીને ભોજન લેવાનું હોય ત્યારે ભોજનના એ પ્રકારને બુફે કહેવાય. બુફે એટલે સ્વરૂચિ ભોજન. એટલે કે દા.ત. રોટલી હોય, પૂરી હોય, પરોઠા હોય. એમાંથી શું ખાવું છે એ મહેમાને નક્કી કરવું પડે. એ જ રીતે પંજાબી, ગુજરાતી, ચાઈનીઝ, મેક્સીકન, થાઈ, વેજ-નોનવેજ વગેરે ભોજન ઉપલબ્ધ હોય એમાંથી ભાવતું ભોજન લેવાનું ! એક જાણકારે સલાહ આપી હતી કે બુફેમાં શરૂઆતમાં જે સૂપ પીરસાય છે તે નહી લેવાનો ! કારણ કે વાસ્તવમાં એ સૂપ ભુખ ઉઘાડવા કે વધારવા માટે નહી પરંતુ લાગેલી ભુખ મટાડી દેવા માટે પીરસાતો હોય છે !

ઘણાં સામાન્ય માણસોને ત્યાં માત્ર શાક-પૂરી, દાળ-ભાત, એક-એક મિઠાઈ-ફરસાણ અને ભૂંગળા હોય છતાં કહેવાય – બુફે ! કારણ ? જાતે લાઈનમાં ઊભા રહીને લેવું પડે છે માટે ! બુફે એટલે શું ? તો કહે, લાઈનમાં ઊભા રહીને લેવાનું ને ઊભા-ઊભા જમવાનું ! એમાં સ્વરૂચિ જેવું, ચોઈસ જેવું કંઈ હોતું જ નથી. એક ભાઈ પોતાના દિકરાની જાન લકઝરી બસમાં લઈને ગયા. આ લકઝરી બસ પણ માત્ર કહેવા પૂરતી જ લકઝરી બસ હોય છે, એમાં લકઝરી જેવું કંઈ હોતું નથી. પરંતુ ભૂરા રંગની એસ. ટી. બસ ના હોય એટલે એને કહેવાય લકઝરી ! જાન ગઈ બસમાં અને જેના દિકરાના લગ્ન છે એ આખો પરિવાર ગયો કારમાં ! હવે પરંપરા મુજબ બસનો ડ્રાયવર બસમાં ડીઝલ પુરાવવાના બહાને યજમાન પાર્ટી પાસેથી બસ ભાડાની 75% જેટલી રકમ કઢાવી લે ! અહીં તો ઘરધણી કારમાં રવાના થઈ ગયા હતા. એટલે ડીઝલના રુપિયા ડ્રાયવરે પોતે કાઢવા પડ્યા. એનો બદલો લેવા ડ્રાયવરે રસ્તામાં જેટલા બમ્પ આવ્યા એ બધાય બમ્પ બસ ધીમી પાડ્યા વિના કુદાવવાનું શરૂ કર્યું ને જાનની જાન ગળે આવી ગઈ, બધાયના હાડકા પાંસરા થવા માંડ્યા. પછી કેટલાક સજ્જનોએ પોતાના ખિસ્સા હળવા કરીને ડ્રાયવરને ડીઝલના રુપિયા ચુકવી આપ્યા ત્યારે શાંતિ થઈ. લગ્નસ્થળે પહોંચીને જાનૈયાઓએ દિકરાના પિતાની શું વલે કરી એ પૂછવું નહી !

એક ઘરધણીએ મહેમાનો પર વટ પાડવા પૂજા માટે તિજોરીમાંથી ચાંદીના વાસણો કાઢ્યા. તો ગોર મહારાજ એવું સમજ્યા કે જેનાથી પૂજા કરી હોય એ વાસણો તો હવે ગોર મહારાજના ગણાય ! એટલે પૂજા પત્યે એ મહાનુભાવ વાસણો લઈને ચાલતા થયા. વટ ભારે પડી ગયો ! સાધન-સંપન્ન પાર્ટી હોય તો દિકરીના લગ્ન શિયાળામાં કરે અથવા એમ કહો કે દિકરા માટે શિયાળામાં લગ્નનું મુહૂર્ત જોવડાવવાનું વરના પિતા કન્યાના પિતાને હક્કથી કહે. કારણ કે શિયાળામાં લગ્નમાં મ્હાલી શકાય. ભુખ ખુબ લાગે એટલે બધા ખાય પણ ખુબ ! ઊંઘ પણ સારી આવે. જાનના ઉતારા માટે ગોદડા-રજાઈઓની વ્યવસ્થા કરવી પડે વગેરે વગેરે. ખખડધજ પાર્ટી હોય તો ઉનાળામાં લગ્ન રાખે અને મુહૂર્ત બપોરે 2:00 કલાકનું ગોઠવે ! પોતે તો મરે ને જાનૈયાઓને પણ મારે ! કેટલાય બપોરે જમીને ઘરે પાછા વળતા બસમાં બેઠા-બેઠા ઉકલી ગયાના કિસ્સા નોંધાયા છે ! રસ-પૂરીને પાત્રા જમીને ટાઈટ થયા હોય ને ભર તાપમાં બસમાં ગોઠવાય ત્યાં હૃદય ધબકવાનું અચાનક બંધ કરી દે એટલે રામ બોલો ભ’ઈ રામ થઈ જાય !

એક જ ગામમાં બન્ને વેવાઈઓ રહેતા હોય ત્યારે દિકરીના પિતાનું આવી બને. દિકરાનો પિતા કંકોતરી છપાવે નહી. પહેલા જાણી લે કે વેવાઈએ (દિકરીના પિતાએ) લગ્ન ક્યાં ગોઠવ્યા છે. પછી પોતે કંકોતરી છપાવે અને જમણવાર માટે જાનૈયાઓને તો જાનમાં લઈ આવે પરંતુ માંડવાના પોતાના 500-800 સગાઓનું જમવાનું પણ વેવાઈના માંડવે જ ગોઠવે ! અને બાકાયદા વેવાઈના (દિકરીના પિતાના) ચાંલ્લા ઉઘરાવવાના ટેબલની જોડાજોડ પોતાનું ચાંલ્લો ઉઘરાવવાનું ટેબલ ગોઠવે ! એટલે થાય શું ? પોતાના માંડવાના મહેમાનોનો ચાંલ્લો દિકરાનો (વરનો) પિતા પોતાના ખિસ્સામાં મુકે સાથે-સાથે શક્ય હોય એટલા દિકરીના પિતાના પરિચિતોને જો પોતે ઓળખતો હોય તો એનો ચાંલ્લો પણ દિકરીના પિતાને એમ કહીને પડાવી લે કે અમારે તો આમની સાથે બહુ સારો સંબંધ છે ! એક પ્રસંગે વરપક્ષના સગાં બપોરે જમીને પરવાર્યા. કંઈક કારણોસર વર-કન્યાને (પંચોલાને) જમવામાં વાર થઈને તેઓ સાંજે 5:00 કલાકે જમવા પધાર્યા. ત્યારે વર પક્ષના સગાં તેઓ સાથે ફરીથી જમવા બેસી ગયા ! પછી તેઓને કહેવું પડ્યું કે આપના માટે સાંજનું ગરમ-ગરમ ભોજન નવી વેરાઈટીમાં તૈયાર છે એટલે પાછા માની ગયા. પરંતુ ખોટું તો લાગ્યું જ હશે કારણ કે એ લગ્નમાં જાનવિદાય વખતે માત્ર વરરાજા અને કન્યા એકલા જ હાજર હતા. આવનારા ચાર રસ્તે ગાડીમાંથી ઉતરીને નારિયેળ વધેરવાની વિધિ પણ ગાડીના ડ્રાયવરે કરવી પડી હતી !

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: