વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

શહેર અને ગામડાની તમામ ગંદકી તેમજ કચરો (પ્લાસ્ટીક સિવાય) કુદરતી ખાતર બની શકે છે. ભારત એ ખેતીપ્રધાન દેશ હોવાથી ભારતની ગંદકી એ ગંદકી કે કચરો ન હોતા અમૂલ્ય ધન છે. નજર નજર કી બાત હૈ. આ કહેવાતી ગંદકી કે કચરાને ખેતીલાયક જમીન સુધી લઈ જવાની વ્યવસ્થા કરવાની રહે છે.

માણસનું મન એવું છે કે જે વસ્તુને તમે નકામી ગણીને ફેંકી દેવાની વાત કરો છો એની પાછળ એ મહેનત કરવા માંગતો નથી. પરંતુ એ જ વસ્તુને તમે બહુમૂલ્ય ઠરાવો તો પછી એને છોડવા પણ તૈયાર હોતો નથી. માણસની વિષ્ટા એ ઉત્તમ ખાતર છે એવું સાબિત થઈ ચૂક્યું છે તેમજ એ ખાતરને જે જમીનમાં નાંખવામાં આવે એમાં ઉગાડેલા શાકભાજી ખુબ જ સ્વાદિષ્ટ તેમજ પૌષ્ટિક હોય છે એ અનુભવી ચુકાયું છે. મુંબઈના પરા વિસ્તારોમાં ટ્રેઈનના પાટાની બન્ને બાજુ પર લાંબી હરોળમાં કુદરતી હાજતે જવા માટે સ્ત્રી-પુરુષો બેસે છે ત્યાં જ શાકભાજી પણ ઉગાડવામાં આવે છે અને એની ગુણવત્તાને કારણે એ સૌથી મોંઘા ભાવે વેચાય તેમજ હોંશે-હોંશે ખરીદાય પણ છે અને ખવાય પણ છે.

શહેરમાં પાકા રસ્તા, ઉંચી ઈમારતો, વ્હાઈટ કોલર જોબ વગેરેના કારણે કચરા તરફ નફરતની નજરે જોવામાં આવે છે. (એમ તો શહેરમાં વરસાદને પણ ધિક્કારવામાં આવે છે.) પરંતુ એ જ કચરો (તેમજ વરસાદ) ખેતી માટે અમૂલ્ય રત્ન છે. સૂકા પાંદડાથી લઈને માનવ તેમજ પશુના મળ-મૂત્ર સુદ્ધાં પાક માટે મોંઘા ભાવે ખરીદાતા કૃત્રિમ ખાતર કરતાં અનેક ગણા મૂલ્યવાન છે. જમીનની ફળદ્રુપતા વધારનાર, પાકની ગુણવત્તા ઉંચે લઈ જનાર ખાતર એ શહેરીજનો તેમજ ગ્રામ્યજનોની દૃષ્ટિએ જોવાતો કચરો જ છે. પ્રશ્ન છે, માત્ર એ કચરાને વ્યવસ્થિત રીતે એકત્ર કરીને ખેતીલાયક જમીન સુધી લઈ જવાનો.

આથી હવે કચરાને દૂર કરવા માટેનો દૃષ્ટિકોણ બદલાશે. ‘નકામા કચરાનો યોગ્ય રીતે નિકાલ કરો’ એમ કહેવાને બદલે ‘અમૂલ્ય ખાતરને સંભાળીને એને અનાજ – કઠોળનો ઉત્તમ પાક તેમજ તાજા શાકભાજી – ફળો ઉગાડવા માટે યોગ્ય જમીન સુધી લઈ જવાની વ્યવસ્થા કરો’ – એમ કહેવાશે. આ કચરાનો કુદરતી ખાતર તરીકે પ્રચાર કરવામાં આવે તો એની માંગ ચોક્કસ વધી શકે છે. અને એ વાત પણ ખોટી નથી. ઓર્ગેનિક ખાતર કે પછી અળસિયાની વિષ્ટાનું ખાતર (વર્મી કમ્પોસ્ટ) મોંઘા ભાવે વેચાય જ છે. હમણા નેચરલ વેજીટેબલ્સ (સલ્ફેટ કે યુરિયા ફર્ટીલાઈઝર ફ્રી)ની માંગ પણ વધી છે.

ગામડામાં તો સવારમાં તમામ ગ્રામ્યજનો ખેતરમાં, કોતરોમાં તેમજ મેટ્રો સિટીમાં લોકો ખુલ્લામાં કુદરતી હાજતે જાય જ છે. એક સમયે માણસનો ખોરાક લેવાનો સમય નિશ્ચિત હતો તેમજ એ દિવસ દરમિયાન મહેનત પણ સારી એવી કરતો હતો. આથી 24 કલાકમાં વહેલી સવારે એક વાર નિશ્ચિત સમયે એને કુદરતી હાજતે જવાનું થતું. હવે એવી નિયમિતતા માત્ર કૂતરા સહિતના પ્રાણીઓમાં જોવા મળે છે. માણસે જ્યારે-ત્યારે મુખમાં ફાકા મારવાનું ચાલુ કર્યું ત્યારથી એની હોજરી બગડી ગઈ અને પરિણામે દિવસમાં ગમે ત્યારે એને હાજતે જવાનું શરૂ થયું. આથી જાજરૂની જરૂરિયાત ઉભી થઈ. પહેલાના સમયમાં બહેનો પણ વહેલી સવારે ચાર કલાકે ઉઠીને આ કામ પતાવી દેતી હતી. પરંતુ સાધન – સગવડો વધ્યા તેથી તેઓની આળસ પણ વધી અને બપોરની ઉંઘ લેતી થઈ ત્યારથી દિવસમાં ગમે ત્યારે એને પણ જાજરૂ જવાનું શરૂ થયું. આથી એની માન મર્યાદા જાળવવા માટે હવે જાજરૂ બનાવવાની આવશ્યકતા ઉભી થઈ.

હાજતે જવા માટે માત્ર એક લોટો પાણીની જરૂર પડે એ જ કામ માટે જાજરૂ બંધાવવાથી બે ડોલ પાણી તો માત્ર પેશાબ કર્યા બાદ રેડવાની જરૂર પડે છે, અને છતાં ગંધ હૈ કિ જાતી હી નહી ! હાજત ક્રિયા દરમિયાન જે ગંધ પરાણે લેવી પડે છે એ ખુલ્લામાં હાજતે જનારના ભાગે બિલકુલ આવતી નથી. એક મકાન પાછળ થાય એટલો ખર્ચ તદ્દન સામાન્ય જાજરૂ બનાવવા પાછળ થાય છે. વસ્તી વધારાની સમસ્યા વાળા આ દેશમાં માણસો જમીન છોડીને આકાશમાં રહેવા લાગ્યા છે (ફ્લેટ્સ) ત્યાં જાજરૂ માટે કેટલી બધી જગ્યા રોકાય ? હિન્દુઓ માણસના મૃત્યુ બાદ તેના અગ્નિ સંસ્કાર કરે છે તેના બદલે ખ્રિસ્તી-મુસલમાનોની જેમ દફનાવવાનું શરૂ કરે તો જગ્યાની મોટી સમસ્યા ઉભી થાય. જાજરૂ માટે પણ એવું જ છે. જે વિષ્ટાને માત્ર 6 ઈંચ જગ્યામાં દાટી દેવાની હોય અને એ રીતે જમીનને પણ જીવતદાન દઈને (મળ જમીનમાં જતાં એ ખાતર બનીને જમીનને ફળદ્રુપ બનાવે છે) કામ તમામ કરવાનું હોય એના માટે એક નાનકડા રૂમનું બાંધકામ, પાણીની પાઈપ લાઈનના કનેક્શન, ગટર કનેક્શન, લાઈટ કનેક્શન, સેનીટરી વેર વગેરેનો ઘણો બધો ખર્ચ આવે. લાંબી – લાંબી લાઈનો, એમાં ભંગાણ, પીવાના પાણીમાં એનું મિશ્રણ, રોગચાળો, ત્યારબાદ એનું ખોદકામ, રીપેરીંગ વગેરે ઘણી જફા રહેલી છે.   

કચરાના નિકાલની સમસ્યા એ છે કે એને ક્યાં વહાવવો. શહેરમાં ગટર લાઈનનો કચરો દરિયામાં કે પછી નદીના પાણીમાં લઈ જવામાં આવે છે. કચરામાં પાણી ઉમેરાય છે એટલે સમસ્યા વધી જાય છે અને એ સમસ્યા જાજરૂને લીધે ઉત્પન્ન થાય છે. શહેરમાં પશુપાલન કરનારા ભરવાડો તેમજ રબારીઓ પોતાના દ્વિચક્રી વાહનોની બન્ને બાજુ પર મસ મોટા ડબાઓ લટકાવીને એમાં વધેલા ભોજનનો એંઠવાડ ભરી-ભરીને પોતાના પશુને ખવડાવવા માટે લઈ જાય છે. કેટલીક સેવાભાવી સંસ્થાઓ વધેલા ભોજનને લઈને ગરીબ પરિવારોના ભુખ્યા બાળકો સુધી પહોંચાડે છે. જો એવું ન બને તો એ ભોજન એંઠવાડ બનીને રસ્તે રખડતો થઈ જાય. બસ આ જ રીતે કચરા પ્રત્યે ભલે આપણને સૂગ હોય પરંતુ એ આપણી ભૂમિનો ખોરાક છે. એનાથી જમીન હૃષ્ટ-પુષ્ટ, તાજી-માજી, ફળદ્રૂપ થાય છે, જમીનને નવજીવન મળે છે. આથી વધુ જાજરૂ બનાવવામાં આવે તો પણ એમાંથી પાણી છૂટું પાડીને એ કચરાને ખેતી લાયક જમીનની અંદર લઈ જવાની વ્યવસ્થા થાય એ અત્યંત જરૂરી છે.

રહી વાત ઘરના રોજેરોજના કચરાની. તો એના નિકાલ માટે પ્રત્યેક ઘરે કચરાપેટી હોવી જ જોઈએ. કોર્પોરેશનના માણસો ઘરે-ઘરે ચેકિંગ કરે અને જે ઘરે કચરાપેટી ન હોય એને દંડ કરે. મિલીટરીમાં કામ કરનારા જવાનોના પરિવારોનું આ રીતે કડક ચેકિંગ થાય જ છે. માત્ર કચરાપેટી જ નહી, પરંતુ કમ્પાઉંડ સહિત સંપૂર્ણ ઘર ચોખ્ખું ચણાક હોવું જોઈએ. જો ન હોય તો ભારે દંડ. અને એ પણ આપણા ભારતમાં થાય છે. દરેક સોસાયટીની એક મોટી કચરાપેટી હોવી જોઈએ. જાહેર જગ્યાએ પ્રત્યેક સો મીટરે એક કચરાપેટી હોવી જોઈએ. કચરો ગમે ત્યાં ફેંકનાર માટે કડક દંડની જોગવાઈ હોવી જોઈએ. એ માટે સરકાર – નાગરિક ભાગીદારીના ધોરણે ડીલ નક્કી કરવી જોઈએ અને વેતન કમિશન રૂપે ચુકવાય તો અસરકારક કામગીરી થાય. અને એ કચરાને સમયસર ખેતી લાયક જમીન સુધી પહોંચાડવાની વ્યવસ્થા સરકારે અથવા જે તે એજન્સીએ કરવાની રહે.

એવું કહેવાય છે કે જ્યાં સુચના લખવામાં આવી હોય, કે ‘અહીં પેશાબ કરવો નહી’ – ત્યાં જ લોકો એ કામ કરે છે. પરંતુ એવું નથી. જ્યાં લોકો પેશાબ કરતા હોય છે ત્યાં આવું બોર્ડ ચીતરીને પોતાની જવાબદારી પુરી થઈ એવું માની લેવામાં આવે છે. ચુંટણી લડનાર ઉમેદવાર પોતાના ઘરે શૌચાલય બનાવે એ જેટલું આવશ્યક છે એટલું જ જરૂરી છે કે શહેરમાં પ્રત્યેક કિલોમીટરે એક શૌચાલય હોય જેની બરાબર સાફ સફાઈ પણ થતી હોય ! કોઈને ખાસ કરીને બહેનોને પેશાબ કરવાની તીવ્રતા હોય અને નજીકમાં એને શૌચાલય ન મળે તો એ બહુ શરમજનક સ્થિતિમાં મુકાય છે. માત્ર કહી દેવાથી, કે ‘ગમે ત્યાં પેશાબ કરવો નહી’ કામ પતી જતું નથી. પેશાબ, હાજત, થુંકવું વગેરે એવી બાબતો છે જે તાત્કાલિક સંતોષવી પડે છે. બસમાં કોઈને ઉલટી થાય ત્યારે કંડક્ટર એને એમ નથી કહેતા, કે ‘ઉલટી ના કરશો.’ એ એમ કહે છે, કે ‘તમે છેલ્લી સીટ પરની બારીએ જતા રહો. ત્યાંથી બસની બહાર કોઈના પર ન પડે એનું ધ્યાન રાખીને ઉલટી કરો’ અથવા ‘કચરો કોથળીમાં કાઢી નાંખો.’ આમ માણસને કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા ઉભી કરી આપવી પડે છે.

હવે મોબાઈલ જાજરૂ બનવા લાગ્યા છે. સારી ગુણવત્તા ધરાવતા ફાયબરમાંથી આ મોબાઈલ જાજરૂ બને છે. એને જ્યાં રાખવાના હોય ત્યાં જમીનમાં ઉંડો ખાડો કરીને એની ઉપર આ જાજરૂ (નાનકડી એક ઓરડી) રાખી દેવાનું અને પાણીની ડોલ ભરીને અંદર બેસી જવાનું. કચરો જમીનમાં ઉંડે પડી રહે અને સમયાંતરે જમીનમાં ભળી જાય. કચરો ઉભરાય નહી એ રીતે ઉંડો ખાળકુવો કરીને ત્યાં આવા જાજરૂ ફીટ કરવા પડે. હવાની કુદરતી અવર-જવર તેમજ દરવાજો ધરાવતા આ જાજરૂ ભાવમાં પણ કિફાયતી હોય છે. વળી એમાં લાઈટ કનેક્શન ન હોય તો પણ વાંધો ન આવે. ગામડાઓમાં પશુપાલન તેમજ ખેતી મુખ્ય વ્યવસાય હોવાથી ઘરના સભ્યોનો કચરો તેમજ પશુઓના છાણને ખાળકુવામાં એકત્ર કરીને ગોબરગેસ પ્લાન્ટ ચાલુ કરી શકાય છે. આ પ્લાન્ટ અંતર્ગત રાંધણ ગેસ તેમજ ઈલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરીને કામમાં લઈ શકાય છે. વળી વધેલા કચરાનો ખાતર તરીકે પણ ઉપયોગ થઈ શકે છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: