વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

આપણા દેશમાં ગંદકીનું સામ્રાજ્ય છે. એનું નિરાકરણ લાવવાનું કામ કપરૂં છે. માત્ર નાગરિકોમાં જાગૃતિ લાવવાથી આ કામ થઈ શકવાનું નથી. એ માટે સરકાર તરફથી સાધન – સગવડ પૂરા પાડવા જેવા આવશ્યક પગલા લેવાવા અત્યંત જરૂરી છે. રસ્તા પર કચરો ફેંકવો નહી – એ વાત કહેવી બરાબર છે પરંતુ એ માટે આપણને દેશમાં કોઈ જગ્યાએ કચરાપેટી મુકેલી જોવા મળતી નથી. નાગરિકો કચરો નાખે તો ક્યાં નાખે ? જો કચરાપેટી રાખવામાં આવે તો એને જે તે જગ્યાએ એવી રીતે ફીટ બેસાડવી પડે કે કોઈ ચોરી ન જાય. આપણે ત્યાં ગરીબ દેશના ગરીબ નાગરિકો જાહેર માલ-મિલકતની ચોરી પણ મોટા પ્રમાણમાં કરે છે. ગટરના લોખંડના ઢાંકણા ચોરી જાય છે, રેલ્વેના ડબામાંથી બલ્બ, સ્વીચો વગેરે ચોરી જાય છે. ગમે ત્યાં પેશાબ કે હાજત ન જવાની વાત બરાબર છે પરંતુ એ માટે ચોખ્ખા ચણાક જાજરૂ – બાથરૂમ ક્યાંય જોવા મળતા નથી. સફાઈ અભિયાન એટલે શું ? માત્ર ઝાડૂ લઈને કચરો વાળવો ? એક આખી ચેઈન ઊભી કરવી પડે છે. પ્રત્યેક ઘરે, સોસાયટીના નાકે, ચાર રસ્તે, દરેક સો મીટરના અંતરે કચરાટોપલીઓ મુકાવવી પડે. કોર્પોરેશનની ગાડીઓ નિયમિત પણે એ કચરાટોપલીમાંથી કચરો ખાલી કરીને એનો યોગ્ય રીતે નિકાલ કરે એ જરૂરી છે. આપણા દેશના નાગરિકો શા માટે કચરો ફેલાવી રહ્યા છે એ પણ જોવું જોઈએ. તેઓને એમ કરવામાં મજા નથી આવતી. પરંતુ તેઓ પાસે કચરો યોગ્ય જગ્યાએ નાખવાનો કોઈ વિકલ્પ ઉપલબ્ધ નથી હોતો આથી તેઓ કચરો ગમે ત્યાં નાખી દેતા હોય છે. વ્યવસ્થા પૂરી પડાયા બાદ નિયમનો ભંગ કરનાર નાગરિકોને દંડ પણ થવો જોઈએ. એ માટે પારદર્શક કામગીરી થાય એ જોવું રહ્યું.

જાહેર સ્થળોએ ગુનો આચરનારને પકડવા માટે જરૂરી સી.સી.ટી.વી. કેમેરા લગાવવાનો ખર્ચ કરવાની શક્તિ પણ આપણા દેશમાં નથી. હલકી ગુણવતા ધરાવતા કેમેરા લગાડ્યા બાદ કામગીરી કરતા અટકી જાય છે. પરિણામે જ્યારે એમાં રેકોર્ડને જોવાની જરૂરિયાત ઉભી થાય ત્યારે કોઈ કામમાં આવતા નથી. ઉપરાંત જેટલી સંખ્યામાં આવશ્યક હોય એના 10 % પણ કેમેરા ખરીદીને લગાડી શકાતા નથી. પાકીસ્તાન સૈન્ય ગમે તેટલી ગોલાબારી કરે, કોંગ્રેસે આપણા સૈન્યને જવાબ આપવાની કડક મનાઈ ફરમાવી હતી. મોદીજીની સરકાર આવી ને પાક. સૈન્યને આપણે જવાબ આપવાનું શરૂ કર્યું ત્યારે જાણ થઈ કે બિન વપરાશને કારણે આપણા જવાનોના શસ્ત્રો કટાઈ ગયા છે અને કામ કરી શકે એવી સ્થિતિમાં નથી. ત્યારબાદ તાત્કાલિક ધોરણે તેઓને આધુનિક શસ્ત્રો ઉપલબ્ધ કરાવવા પડયા. સિયાચીન પોઈન્ટ પર કામ કરવું એટલું બધું કપરૂં છે કે એક વાર જે જવાને કામ કર્યું હોય એને જીવનભર માટે ખોડખાંપણ રહી જાય છે. છતાં તેઓને ઠંડીથી રક્ષણ આપી શકે એવા પૂરતા સક્ષમ બૂટ, જેકેટ તેમજ હેટ આજ દિન સુધી કોંગ્રેસ સરકારે ઉપલબ્ધ કરાવ્યા ન હતા. મોદીજીએ તેઓને અતિ આધુનિક પહેરવેશથી સજ્જ કર્યા.

આજ દિન સુધી આપણા દેશના શિક્ષિત–અશિક્ષિત બેરોજગાર યુવાઓને બેરોજગારી ભથ્થુ મળતું નથી. વૃદ્ધોને તેમજ વિધવાઓને પેન્શન મળતું નથી. કારણ શું – તો આપણો ગરીબ દેશ. આપણે ત્યાં ટુ વ્હીલરો નવા ખરીદવા ગમે તેટલા સરળ થાય – ડાઉન પેમેન્ટ ભર્યા વિના, નાની રકમના હપતા, કોઈ આવકનો પુરાવો ન માગે તેમ છતાં ખરીદી ન શકનારા હજારો નાગરિક ભાઈ-બહેનો શટલ રીક્ષામાં આવ-જા કરે છે. ત્રણ બેઠકની ક્ષમતા ધરાવતી રેક્ષામાં છ પેસેન્જરો બેસે છે અને છેતરપિંડી તેમજ લૂંટનો ભોગ બને છે. બેંકમાંથી કે એ.ટી.એમ.માંથી નાણા ઉપાડતી વખતે, બેંકમાં નાણા જમા કરાવતી વખતે, નાણા લઈ જતા આંગડીઆ પાસેથી નાણા લૂંટી લેવામાં આવે છે કારણ ગરીબાઈ.  

આપણા ગરીબ દેશમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવીને આવનાર ક્રિકેટ સિવાયના ખેલાડીઓને સ્વદેશ પહોંચ્યા બાદ પોતાના વતનમાં જવા માટે જાહેર રસ્તા પર આવીને હાથ લાંબો કરીને રીક્ષા રોકવી પડે છે અને રેલ્વે કે બસ સ્ટેશને જવું પડે છે. આંતરરાજ્યની કોઈ પણ સ્પર્ધામાં ભાગ લેવા જનાર પોત-પોતાના ક્ષેત્રના વિશેષ ઝળકતા સીતારાઓને રેલ્વેમાં આવવા – જવાનું રીઝર્વેશન પણ ઉપલબ્ધ નથી હોતું. કોઈ પણ ક્ષેત્રમાં અવ્વલ સ્થાને પહોંચાડવા માટે જેનામાં પોટેન્શિયલ છે એવા યુવાનો તેમજ કિશોરોને નિષ્ણાતની સેવા ઉપલબ્ધ નથી કરાવી શકાતી તેમજ એ માટે આવશ્યક ઈન્ફ્રા સ્ટ્રક્ચર પણ ઉપલબ્ધ નથી કરાવી શકાતું. 15 મી ઓગષ્ટ કે 26 મી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય પર્વોની ઉજવણીમાં ધ્વજવંદન કરવા માટે આવનાર શાળાના હાજર બાળકોને મુખ મીઠું કરાવવાની ત્રેવડ કોઈ શાળા સંચાલકોમાં નથી હોતી. તેઓ વર્ષ દરમિયાન એક વાર પણ શાળાના તમામ બાળકોને ભોજન કરાવી શકતા નથી. શાળાના ખાસ દિવસો જેવા કે સાંસ્કૃતિક દિવસ, વાર્ષિક દિવસ પણ આઈસક્રીમ વિનાનો સૂનો સૂનો રહે છે. માત્ર ભાગ લેનાર કલાકારોને ચપટી નાસ્તા દ્વારા ખુશ કરી દેવાય છે. જાહેર ચિત્ર સ્પર્ધા જેવા કાર્યક્રમોની શાળા તરફથી જાહેરાત થાય ત્યારે કોઈ ખાનગી કંપની જો એને સ્પોન્સર ન કરતી હોય તો એમાં ભાગ લેનાર બાળકે ચિત્રની સામગ્રી ઘરેથી લઈ જવી પડે છે, જે ઘણી ખર્ચાળ હોય છે. 

અમે એક શાળામાં અભ્યાસ કરતા હતા ત્યારે અમારી શાળાની ક્રિકેટ ટીમે અન્ય એક શાળાની ક્રિકેટ ટીમ સાથે મેચ ગોઠવી. શનિવારનો દિવસ હતો. ઘરેથી સવારના 6 કલાકે શાળાએ જવા નીકળ્યા હતા. બપોરે શાળા છૂટ્યા બાદ મેચ રમવા ગયા. એક ઈનિંગ પૂરી થઈ ત્યારે બપોરે 3 વાગ્યા હતા. ભૂખ પણ ખુબ લાગી હતી એટલે અમે બધાએ સમોસાનો નાસ્તો કર્યો. સોમવારે એ નાસ્તાનું બીલ શાળાના આચાર્યશ્રીને પાસ કરવા આપ્યું તો તેઓ ભડકી ગયા. અમને કહે, આ રીતે કરેલા મોટા ખર્ચા શાળાને પોષાય નહી. અમે કહ્યું કે રમવા માટે એનર્જીની જરૂર પડે છે. તો એ કહે, એ માટે તમારે પાણીમાં લિમ્બૂ મિક્સ કરીને પી લેવું જોઈએ. અને તેઓએ લિમ્બૂનું બિલ પાસ કરીને ધન્યતા અનુભવી. સાથે – સાથે અમને જીત બદલ અભિનન્દન પણ આપ્યા !

શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે ખરેખર જેટલા પોઈન્ટ પર પોલીસમેનની આવશ્યકતા છે એટલાને એપોઈન્ટ કરીને કામે રાખવાની, તેઓને સમયસર પગાર ચુકવવાની ક્ષમતા આપણા ગરીબ દેશ પાસે નથી. એટલે મોટા ભાગના પોઈન્ટ ખાલી રાખીને કામ ચલાવવું પડે છે. જેટલા પોલીસમેનો હાજર હોય છે તેઓ જાણતા હોય છે કે પીક અવર્સમાં રસ્તા પર એટલો બધો હેવી ટ્રાફિક પસાર થઈ રહ્યો હોય છે કે એમાં કોઈ ગડબડ થાય તો એને સંભાળવાનું એમનું ગજું નથી. આથી તેઓ આંખ આડા કાન કરીને પોતાની તેમજ સરકારની અક્ષમતા છુપાવી રહ્યા હોય છે. તેઓને પગાર જોઈતો હોય તો દર માસે ચોક્કસ ટારગેટ આપવામાં આવે છે. અને એ છે નિર્દોષ નાગરિકોને દંડવાનો ! નાગરિકો સામાન્ય રીતે ઘણા નિયમોનો ભંગ કરતા જ હોય છે, જેમ કે પી.યુ.સી. ન હોય, અરીસો ન હોય, બેલ્ટ ન બાંધ્યો હોય, ગરીબ નાગરિકોને રીક્ષા ભાડુ ન પોષાય તેથી ત્રણ સવારી જતા હોય, હેલ્મેટ ખરીદવાના નાણાનો અભાવ, એને ક્યાં બાંધવી, એને ક્યાં સાથે લઈને ફરવું, લાયસન્સ ન કઢાવ્યું હોય વગેરેનો કોઈ જવાબ નથી. આથી એવા ગુનાઓ બદલ દંડ કરવા. અને બીજી બાજુ નિયમોનો ભંગ કરવા બદલ મોટા હપ્તા ચુકવનારાઓ પાસેથી વધારાની આવક મેળવવી. આમ ટારગેટ પુરો થઈ જાય અને બધાને પગાર ચુકવાઈ જાય એટલે નાગરિકોને એ જ ગુનાઓ કરવાની છૂટ !

સરકાર પાસે જરૂરી પોલીસમેનોની ભરતી કરવાની પણ અક્ષમતા છે આથી પોલીસમેનોનો ટાંચો સ્ટાફ હોવાથી ગુનો નોંધાવવા જનાર નાગરિકો પર પોલીસમેનો અકળાતા હોય છે. જેટલા પોલીસમેનો ભરતી થયા હોય છે તે રાજકીય હસ્તીઓની સેવામાં હાજર હોય છે. આથી નાગરિક સુરક્ષા પરત્વે તેઓનું ઓછું ધ્યાન રહેવાનું. એમાં પણ ગુનેગારો હપ્તા આપીને પોલીસમેનોનું મોઢું બંધ કરી દેતા હોય છે. આથી તેઓને ખુલ્લેઆમ ફરવાની છૂટ અને નાગરિકો ગુંડાઓના સીતમનો ભોગ બન્યા હોવા છતાં તેઓ પોલીસ પાસે ન્યાયની આશા રાખી શકે નહી. ઘરફોડ ચોરીના કેસમાં ચોર પકડાઈ જાય, મુદ્દામાલ રીકવર થાય તો પણ મૂળ માલિકને એ પરત મળશે એની કોઈ ખાતરી નથી હોતી. પોલીસમેનો કયા કેસ ઉકેલવામાં રસ ધરાવે છે ? તો જેમાં એમને તગડુ વળતર મળવાનું હોય એવા ! સામાન્ય માણસ માટે વૈભવી એવી પોલીસસેવા ઉપલબ્ધ નથી.

પાકીસ્તાન સરહદે કોંગ્રેસ સરકાર દ્વારા મિલિટરીના જવાનોને જેમ કટાયેલા શસ્ત્રો પકડાવી દેવાયા હતા તેમ આપણા દેશની પોલીસ આતંકવાદીઓ સાથે મૂઠભેડ કરે છે ત્યારે તેઓએ એ.કે. 56, સ્ટેન ગન, મશીન ગન, મોર્ટાર વગેરેની સામે 6 બોરની રીવોલ્વરથી લડવું પડે છે. 26/11ના મુમ્બઈ હુમલામાં આપણા પોલીસ ખાતાના બહદુર અફસરો આધુનિક શસ્ત્રોના અભાવે લડાઈ લડતા – લડતા, ગોળીઓ ખલાસ થઈ જવાથી અધવચ્ચે જ માર્યા ગયા. જીવતા પકડાયેલા આતંકવાદી કસાબની સામે આપણો કોંસ્ટેબલ ડંડાથી લડ્યો હતો ! છતાં એ ડંડાને કસાબ તરફ છૂટ્ટો ફેંકીને એના વડે જ એ.કે. છપ્પનધારી કસાબને ગબડાવી દીધો હતો. દોડીને એને દબોચી લેવા જતાં જ કસાબે રાયફલમાંથી ધનાધન ગોળીઓ છોડીને કોંસ્ટેબલનો જીવ લઈ લીધો. મોટા હોદ્દા ધરાવનાર ત્રણ પોલીસ ઓફીસરોએ આતંકવાદીઓ દ્વારા છોડાયેલી ગોળીઓને એ વિશ્વાસથી પોતાની છાતી પર ઝીલી કે પોતે બુલેટપ્રુફ બખ્તરથી સજ્જ છે. પરંતુ એ બખ્તરો એવા હલકી ગુણવત્તા વાળા નીકળ્યા કે એક પણ ગોળીને શરીરમાં ઘુસતી રોકી શક્યા નહી. તેઓને તાત્કાલિક મૃત્યુ પામેલા અને શરીરમાં ઘુસેલી ગોળીઓ જોઈને આતંકવાદીઓ હસ્યા હતા, ‘દેખો ઈનકે બખતર હોને કે બાવજુદ કૈસે અપની ગોલી ખાકર મરે પડે હૈ !’ આ છે આપણા ગરીબ દેશના ગરીબ નાગરિકોની કરમ કહાણી.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: