વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

છ જુદા જુદા ઋષિમુનિઓ દ્વારા ભારતીય દર્શન રચાયું છે આથી ભારતીય દર્શન ષડદર્શન તરીકે પણ ઓળખાય છે. આ ષડદર્શની વિશિષ્ટતાઓ અગાઉ ‘દર્શનશાસ્ત્ર’ લેખમાં આપવામાં આવી છે. ષડદર્શન પૈકી એક અતિ મહત્વના દર્શન એવા સાંખ્ય દર્શનના રચયિતા કપિલમુનિ છે. તેઓએ મૂળ સાંખ્યદર્શન જે શ્લોકોમાં રચ્યું છે એ શ્લોકો સાંખ્યકારિકા તરીકે ઓળખાય છે. આ સાંખ્યકારિકાની સંખ્યા 72 છે. જે અનુવાદ સહિત અહીં આપી છે. તેની સમજૂતિ ફરી ક્યારેક આપવાનો પ્રયાસ કરીશ.

सांख्यकारिका

दु:खत्रयाभिघाताज्जिज्ञासा तदपघातके हेतौ /
दृष्टे सापार्था चेन्नैकांतात्यंतोभावात //1//

ત્રિવિધ દુ:ખ વડે ઘવાવાથી તેના નાશ માટેના ઉપાયને જાણવાની ઇચ્છા (જિજ્ઞાસા) થાય છે. જો કોઈ એમ કહે કે (તેના) પ્રત્યક્ષ (લૌકિક) ઉપાયો હોવાથી તે જિજ્ઞાસા નિરર્થક છે, તો તે બરાબર નથી કારણ કે સંપૂર્ણ અને હંમેશ માટે દુ:ખનાશ કરે તેવા (લૌકિક) ઉપાયોનો અભાવ છે.

दृष्टवदानुश्राविक: स ह्यविशुद्धिक्षयातिशययुक्त: /
तद्विपरीत: श्रेयान व्यक्ताव्यक्तज्ञविज्ञानात //2//

વેદમાં કહેલા ઉપાય પણ લૌકિક (ઉપાયો) જેવા જ છે કારણ કે તે (ઉપાય) અશુદ્ધિ, ક્ષય અને અતિશયથી યુક્ત છે. તેનાથી જે ઊલટો (એટલે કે શુદ્ધ, અક્ષય અને એકસરખો) ઉપાય છે. તે જ શ્રેય છે અને તે છે વ્યક્ત, અવ્યક્ત અને જ્ઞ (પુરુષ)નું વિજ્ઞાન.

मूलप्रकृतिरविकृतिर्महदाद्या: प्रकृतोविकृतय: सप्त /
षोडकस्तु विकारो न प्रकृतिर्न विकृति: पुरुष: //3//

મૂળ પ્રકૃતિ અવિકારી છે, મહત વગેરે સાત (તત્વો) પ્રકૃતિ પણ છે અને વિકૃતિ પણ છે. સોળ (તત્વો) તો કેવળ વિકાર (જ) છે. પુરુષ પ્રકૃતિ પણ નથી તેમજ વિકૃતિ પણ નથી.

दृष्टमनुमानमाप्तवचनं प्रकृतिर्न विकृति: पुरुष: /
त्रिविधं प्रमाणमिष्टं प्रमेयसिद्धि: प्रमाणाद्धि //4//

પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ (આપ્તજનનું વચન) એ ત્રણ પ્રકારનાં ઇષ્ટ પ્રમાણો છે. કારણ કે તેમાં (અન્ય) સર્વ પ્રમાણોમાં સમાઈ જાય છે. પ્રમેયની સિદ્ધિ પ્રમાણથી જ થાય છે.

प्रतिविषयाध्यवसायो दृष्टं त्रिविधमनुमानमाख्यातम /
तल्लिंगलिंगिपूर्वकं आप्तश्रुतिराप्तवचनं तु //5//

ઇન્દ્રિયથી થતો પ્રત્યેક વિષયનો નિશ્ચય તે પ્રત્યક્ષ પ્રમાણ છે. અનુમાન ત્રણ પ્રકારનું છે અને તે લિંગ (હેતુ) અને લિંગી (સાધ્ય) ના સંબંધ પર આધારિત છે. શ્રદ્ધેય શ્રુતિ તે શબ્દ પ્રમાણ છે.

सामान्यतस्तु दृष्टादतीन्द्रियाणां प्रतीतिरनुमानात /
तस्मादपि चासिद्धं परोक्षमाप्तागमात सिद्धम //6//

અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન ‘સામાન્યતોદૃષ્ટ’ (પ્રકારના) અનુમાનથી થાય છે. તેનાથી પણ જે સિદ્ધ ન થઈ શકે તેવા પરોક્ષ પદાર્થનું જ્ઞાન આપ્તશાસ્ત્રથી થાય છે.

अतिदूरात सामिप्यात इन्द्रियघातान्मनोनवस्थानात /
सौक्ष्म्याद व्यवधानाद अभिभवात समानाभिहाराच्च //7//

અતિ દૂર હોવાથી, (અતિ) નજીક હોવાથી, ઇન્દ્રિયમાં ખોડ હોવાથી, મન સ્થિર ન હોવાથી, (અતિ) સૂક્ષ્મ હોવાથી, કોઈ આવરણ (વચ્ચે) આવવાથી, (કોઈ બળવાન કારણને લીધે) અભિભૂત થવાથી કે સમાન વસ્તુમાં ભળી જવાથી પદાર્થની પ્રતીતિ થતી નથી.

सौक्ष्म्यात्तदनुपलब्धिनांभावात कार्यतस्तदुपलब्धे : /
महदादि तच्च कार्यं प्रकृतिरूपं विरूपं च //8//

તે (મૂળપ્રકૃતિ)ની ઉપલબ્ધિ તેની સૂક્ષ્મતાને લીધે થતી નથી, નહીં કે તેના અભાવને લીધે. કારણ કે તેના કાર્યથી તેની ઉપલબ્ધિ થાય છે. મહત વગેરે (તત્વો) તેનું કાર્ય છે. તે પ્રકૃતિના જેવું પણ છે અને તેનાથી જુદું પણ છે.

असदकरणादुपादानग्रहणात सर्वसम्भवाभावात /
शक्तस्य शक्यकरणात कारणभावाच्च सत्कार्यम //9//

કાર્ય ‘સત’ (ખરેખર અસ્તિત્વમાં) છે કારણ કે (1) અસત ઉત્પન્ન થઈ શકે નહીં, (2) કારણ સાથે (કાર્યનો) ચોક્કસ પ્રકારનો સમ્બન્ધ હોય છે, (3) દરેક કાર્ય દરેક કારણમાંથી ઉતપન્ન થતું નથી, (4) જે ઉત્પન્ન કરવા કારણ સમર્થ હોય તેને જ તે ઉતપન્ન કરી શકે છે અને (5) કાર્ય કારણનો જ સ્વભાવ ધરાવે છે.

हेतुमदनित्यमव्यापि सक्रियमनेकमाश्रितं लिंगम /
सावयवं परतंत्रं व्यक्तं विपरीतमव्यक्तम //10//

કારણવાળું, નિત્ય, અવ્યાપિ, ક્રિયાયુક્ત, અનેક, અવલંબિત, (પ્રધાનનો નિર્દેશ કરનાર) ચિહ્નવાળું, અવયવયુક્ત અને પરતંત્ર તે વ્યક્ત છે; તેનાથી વિપરીત લક્ષણવાળું તે અવ્યક્ત છે.

त्रिगुणमविवेकि विषय: सामान्यचेतनं प्रसवधर्मि /
व्यक्तं तथा प्रधानं तद्विपरीतस्तथा च पुमान //11//

વ્યક્ત અને પ્રધાન (એ બન્ને) ત્રણ ગુણથી યુક્ત, અવિવેકી, વિષય, સર્વને ઉપલબ્ધ, અચેતન તેમજ પ્રસવધર્મી છે. પુરુષ તેનાથી ઊલટો છે અને (કંઈક અંશે) તેમના જેવો પણ છે.

प्रीत्यप्रीतिविषादात्मका: प्रकाशप्रवृत्तिनियमार्था: /
अन्योन्याभिभवाश्रयजननमिथुनवृत्तयश्च गुणा: //12//

(ત્રણ) ગુણો (અનુક્રમે) સુખ, દુ:ખ અને મોહવાળા છે. તેમનું પ્રયોજન (અનુક્રમે) પ્રકાશ, પ્રવૃત્તિ અને નિયમન છે. તેમજ (આ ગુણો) પરસ્પર અભિભવ, આશ્રય, ઉત્પત્તિ અને સહચારની વૃત્તિવાળા છે.

सत्वं लघु प्रकाशकमिष्टमुपष्टम्भकं चलं च रज: /
गुरु वरणकमेव तम: प्रदीपवच्चार्थतो वृत्ति: //13//

(તેમાં) સત્વગુણ લઘુ અને પ્રકાશક મનાયો છે, રજોગુણ ઉત્તેજક અને ચલ છે તથા તમોગુણ ગુરુ અને આવરણરૂપ છે. તેમની ક્રિયાઓ દીપકની જેમ એક જ પ્રયોજન માટે હોય છે.

अविवेक्यादे: सिद्धिस्त्रैगुण्यात्तद्विपर्ययाभावात /
कारणगुणात्मकत्वात कार्यस्याव्यक्तमपि सिद्धम //14//

અવિવેકપણું વગેરે ધર્મોની સિદ્ધિ ત્રણ ગુણો હોવાને લીધે થાય છે. કારણ કે તે (અવિવેકપણું વગેરે ધર્મો)ના વિરોધી (એવા પુરુષ)માં તેમનો અભાવ છે અને કાર્યમાં કારણના ગુણો હોય છે. તેથી અવ્યક્ત પણ સિદ્ધ થઈ જાય છે.

भेदानां परिमाणात समंवयात शक्तित: प्रवृत्तेश्च /
कारणकार्य विभागादविभागाद वैश्वरुप्यश्य //15//
कारणमस्त्यव्यक्तं प्रवर्तते त्रिगुणत: संमुदयाच्च /
परिणामत: सलिलवत प्रतिप्रतिगुणाश्रयविशेषात //16//

અવ્યક્ત (પ્રધાન) ‘કારણ’ છે. કારણ કે (1) (મહદાદિ) ભેદો પરિમિત છે, (2) તેમનો સમંવય થાય છે. (3) (કારણની) શક્તિથી (તેને અનુરૂપ કાર્યની) પ્રવૃત્તિ થાય છે. (4) કારણ અને કાર્ય વચ્ચે વિભાગ થાય છે અને (5) (પ્રલય સમયે) વિશ્વરૂપ (એવા કાર્ય)નો (તેના કારણ એવા પ્રધાનમાં) લય થાય છે. (આ પ્રધાન) ત્રણ ગુણો વડે તેમના સમ્મિશ્રણથી (જુદા જુદા આશ્રય લેવાથી જુદા જુદા સ્વાદને પ્રાપ્ત કરનાર) જળની જેમ પ્રત્યેક ગુણનો વિશેષ રીતે (મુખ્ય) તરીકે આશ્રય લેવાથી (જુદા જુદા) પરિમાણને પામી પ્રવૃત્તિ કરે છે.

संघातपरार्थत्वात त्रिगुणादिविपर्यादधिष्टानात /
पुरुषोस्ति भोक्तृभावात कैवल्यार्थं प्रवृत्तेश्च //17//

પુરુષ(નું અસ્તિત્વ સિદ્ધ થઈ શકે) છે. કારણ કે (1) સંઘાત પામેલા (જડ) પદાર્થો અન્યના ઉપયોગ માટે હોય છે, (2) ત્રિગુણ વગેરે ધર્મો (કારિકા 11માં દર્શાવેલ)થી વિપરીત ધર્મોવાળો છે, (3) અધિષ્ઠાનરૂપ છે, (4) (તેનામાં) ભોક્તાપણાનો ભાવ છે અને (5) કૈવલ્ય માટે પ્રવૃત્તિ થતી જોવામાં આવે છે.

जनमरणकरणानां प्रतिनियमाद अयुगपत्प्रवृत्तेश्च /
पुरुषबहुत्वं सिद्धं त्रैगुण्यविपर्ययाच्चैव //18//

પુરુષો અનેક છે તેમ પણ સિદ્ધ થાય છે કારણ કે (1) જન્મ, મૃત્યુ અને ઇન્દ્રિયોની જુદી જુદી ચોક્કસ પ્રકારની વ્યવસ્થા છે, (2) સર્વ (પ્રાણીઓ)ની પ્રવૃત્તિ (એક જ સમયે) એક સરખી હોતી નથી અને (3) પ્રત્યેક દેહધારી જીવમાં ત્રણેય ગુણની ભિન્ન ભિન્ન વ્યવસ્થા દેખાય છે.

तस्माच्च विपर्यासात सिद्धं साक्षित्वमस्य पुरुषस्य /
कैवल्यं माध्यस्थ्यं द्रष्टृत्वमकर्तृभावश्च //19//

તેમજ (એ ત્રિગુણાદિથી) વિપરીત ધર્મો હોવાથી પુરુષનું સાક્ષીપણું, કૈવલ્ય, મધ્યસ્થપણું અને અકર્તૃત્વ સિદ્ધ થાય છે.

तस्मात्तत्संत्योगादचेतन चेतनवदिव लिंगम /
गुणकर्तृत्वेपि तथा कर्तेव भवत्युदासीन: //20//

તેથી તેના સંયોગને કારણે અચેતન (મહદાદિ) લિંગ સચેતન જેવું લાગે છે અને ગુણોમાં કર્તૃત્વ હોવા છતાં ઉદાસીન પુરુષ કર્તા જેવો થાય છે.

पुरुषस्य दर्शनार्थं कैवल्यार्थं तथा प्रधानस्य /
पंग्वन्धवदुभयोरपि संयोगस्तत्कृत: सर्ग: //21//

પુરુષનો (પ્રધાનના) દર્શન માટે તથા પ્રધાનનો (પુરુષના) કૈવલ્ય માટે એમ બન્નેનો સંયોગ આંધળા અને લંગડાના સંયોગની જેમ થાય છે અને તે સંયોગમાંથી સૃષ્ટિનું સર્જન થાય છે.

प्रकृतेर्महान ततोहंकार: तस्माद्गणश्च षोडशक: /
तस्मादपि षोडशकात पंचभ्य: पंचभूतानि //22//

પ્રકૃતિમાંથી મહાન, તેમાંથી અહંકાર, અહંકારમાંથી સોળ તત્વોનો સમુદાય, તે સોળમાંના પાંચ (તન્માત્રાઓ)માંથી વળી પાંચ ભૂતો (ઉત્પન્ન) થાય છે.

अध्यवसायो बुद्धिर्धर्मो ज्ञानं विराग ऐश्वर्यम /
सात्विकमेतद रूपं तामसमस्माद विपर्यस्तम //23//

નિશ્ચય એ બુદ્ધિ (મહત)નું લક્ષણ છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય એ તેનું સાત્વિક સ્વરૂપ છે. તેનાથી વિપરીત (અધર્મ, અજ્ઞાન, રાગ અને અનૈશ્વર્ય) એ તેનું તામસ રૂપ છે.

अभिमानोहंकार: तस्माद द्विविध: प्रवर्तते सर्ग: /
एकादशकश्च गण: तन्मात्रपंचकश्चैव //24//

અભિમાન એ અહંકારનું લક્ષણ છે. એમાંથી બે પ્રકારની સૃષ્ટિ ઉદભવે છે : (1) અગિયાર ઇન્દ્રિયોનો સમુદાય અને (2) પાંચ તન્માત્રાઓ.
સાત્વિક એવા વૈકૃત અહંકારમાંથી અગિયારમો સમુદાય ઉત્પન્ન થાય છે. ભૂતાદિ અહંકારમાંથી તન્માત્રાઓ ઉત્પન્ન થાય છે. (તેથી) તે તામસ છે અને (રાજસ એવા) તૈજસ અહંકારમાંથી ઉભયની ઉત્પત્તિ થાય છે.

बुद्धीन्द्रियाणि चक्षु: श्रोत्रघ्राणरसनत्वगाख्यानि /

वाक्पाणिपादपायूपस्थानि कर्मेन्द्रियाण्याहु: //26//

ચક્ષુ, શ્રોત્ર, ઘ્રાણ, રસના અને ત્વચા – એ (પાંચ) જ્ઞાનેન્દ્રિયો છે. વાણી, હાથ, પગ, મલોત્સર્ગની ઇન્દ્રિય અને જનનેન્દ્રિય એ (પાંચ) કર્મેન્દ્રિયો છે.

उभयात्मकमत्र मन: संकल्पकमिन्द्रियं च साधर्म्यात /
गुणपरिणामविशेषा नानात्वं बाह्यभेदाश्च //27//

મન ઉભયાત્મક (બન્ને પ્રકારની ઇન્દ્રિયોના સ્વભાવવાળું ) છે. તે સંકલ્પધર્મવાળું છે અને સાધર્મ્યને લીધે તે ઇન્દ્રિય છે. ગુણોના વિશિષ્ટ પ્રકારનાં પરિણામોને લીધે ઇન્દ્રિયોનું વૈવિધ્ય અને બાહ્ય ભેદો સંભવે છે.

रूपादिषु पंचानामालोचनमात्रमिप्यते वृत्ति: /
वचनादानविहरणोत्सर्गानन्दाश्च पंचानाम //28//

રૂપ વગેરે (પાંચ વિષયો) નું માત્ર આલોચન કરવું એ પાંચ જ્ઞાનેન્દ્રિયોનું કાર્ય છે. બોલવું, લેવું, ચાલવું, મલત્યાગ અને આનંદ એ પાંચ કર્મેન્દ્રિયોનું કાર્ય ચે.

स्वालक्षण्यं वृत्तिस्त्रस्य सैषा भवत्यसामान्या: /
सामान्यकरणवृत्ति: प्राणाद्या वायव: पंच //29//

(અહંકાર, બુદ્ધિ અને મન એ) ત્રણ (અંત:કરણ)ના જે પોતપોતાનાં લક્ષણો (ખાસ ધર્મો) છે તે જ તેમની વિશેષતા છે. પ્રાણ વગેરે પાંચ વાયુઓ એ તેમના સામાન્ય ધર્મો છે.

युगपच्चतुष्टयस्य तु वृत्ति: क्रमशश्च तस्य निर्दिष्टा /
दृष्टे तथाप्यदृष्टे त्रयस्य यत्पूर्विका वृत्ति: //30//

દૃશ્ય (પ્રત્યક્ષ) પદાર્થમાં (મહાન, અહંકાર, મન અને જ્ઞાનેન્દ્રિયો એ ) ચારેયની વૃત્તિઓ એક સાથે અથવા તો ક્રમશ: થતી દર્શાવાઈ છે. તેમજ અદૃશ્ય (અનુમાન વગેરેથી પ્રાપ્ત થતા) પદાર્થમાં (મહાન, અહંકાર અને મન એ) ત્રણ (અંત:કરણ)ની પણ તે જ પ્રમાણે (એક સાથે અથવા ક્રમશ:) વૃત્તિ થાય છે.

Advertisements

Comments on: "સાંખ્યદર્શન – ૧" (1)

  1. Missing…..
    सात्त्विक एकादशक: प्रवर्तते वैकृतादहंकारात् ।
    भूतादेस्तन्मात्र: स तामसस्तैजसादुभयम् ॥ २५ ॥

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: