વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

દાઢીમાં મહાનતા છુપાઈ છે. જેટલી દાઢી વિશાળ એટલી મહાનતા વધારે. દાઢી અને જટાની જોડી છે. મૂછોના વાળ પણ વધીને દાઢીના વાળ સાથે ‘મિલે સૂર મેરા તુમ્હારા’ની જેમ એકરૂપ થઈ જતા હોય છે. આથી દાઢી – જટા વધારનારા સાધુ – બાવાને હજામ સાથે કોઈ નિસબત રહેતી નથી. અસ્ત્રો, કાતર કે રેઝર તેઓથી દૂર જ રહે છે. મુછોના વાળ વધીને દાઢીના વાળ સાથે મિશ્ર થઈ જાય એટલે પછી કાંઈ પણ ખાતી – પીતી વખતે બાદશાહની બેગમ જેમ કાંઈ જોવા માટે ઘુમટો ઊંચો કરે તેમ એક હાથે મૂછના વાળ આઘા – પાછા કરીને બન્ને હોઠના પ્રવેશદ્વાર વચ્ચેથી મુખમાં ખાદ્ય – પેય પદાર્થને પ્રવેશ કરાવવો પડે. ઋષિમુનિઓ દાઢી સાફ રાખતા ન હતા એવું ચિત્રકારને કોણે કહ્યું ? આપણા કોઈ ભગવાનને દાઢી છે જ નહી. તેઓને મૂછો પણ નથી. છતાં તેઓ જન્મજાત મહાન તો છે જ ! તો પછી એ ભગવાનને આદર્શ માનનારા ઋષિમુનિઓ પોતે ભગવાન જેવા દેખાવા માટે દાઢી – જટા સાફ રાખવાને બદલે દાઢી – જટા વધારે છે શા માટે ? શું તેઓની મહાનતા ભગવાન કરતાં પણ વધુ છે ? શું તેઓને દાઢી દરરોજ સાફ કરવાનો કે પછી મહિને – બે મહિને જટા કપાવવાનો સમય નહી મળતો હોય ! કોઈ કવિએ એવી કલ્પના કરી કે ઋષિમુનિઓના મસ્તિષ્કમાં અગાધ જ્ઞાનનો ભંડાર ભરેલો હોય છે એ છુપાવીને સામાન્ય માણસની જેમ વર્તવા માટે તેઓ જટા વધારે છે. તો પછી પ્રશ્ન થાય કે શું છુપાવવા માટે તેઓ દાઢી વધારે છે ? ભગવાન કૃષ્ણને વાંકોડીયા વાળ હતા. ભગવાન શિવજી પણ જટાધારી હતા. ભગવાન રામ વન વિહાર કરી રહ્યા હતા ત્યારે વલ્કલ ધારણ કરેલા તેમજ જટાધારી હતા એવું ચિત્રકારો ચીતરે છે. શું વનમાં ભગવાન રામને હજામ નહી મળ્યો હોય ? વનમાં તો માનવ સમાજ મોટા પ્રમાણમાં વસતો હતો !

એક તત્વચિંતકે તો ત્યાં સુધી કહી દીધું કે ઋષિમુનિઓને હજામ સામે મસ્તક ઝુકાવવામાં નાનમ લાગતી હતી ! વાળ કાપતો કે દાઢી સાફ કરતો હજામ આપણી કેટલી બધી નજીક આવી જાય છે ! ચહેરાની સાફસફાઈ કરવાના બહાને તે આપણો કાન પકડીને ખેંચી શકે છે. બોચીમાં લપડાક લગાવી શકે છે. બે હાથે વારંવાર આપણું માથુ ઝુકાવી શકે છે. વાળ દૂર કરવાને બહાને કાનપટ્ટી પર આંગળી વડે મારી શકે છે અથવા નેપકીન વડે આપણો ચહેરો કે ગરદન ઝાપટી શકે છે. આવું કશું ન બને એ બીકે તો આપણે એને શરણાગત ભક્તની જેમ આપણી જાત તો સોંપી દેતા નહી હોઈએ ને ! ધારદાર અસ્ત્રો હજામના હાથમાં જ હોય છે અને એ પાછો આપણા ગળા પર જ ફરી રહ્યો હોય છે ! માત્ર થોડો ભાર જ દેવાની જરૂર હોય છે ને ખેલ ખલાસ ! આથી આવો કોઈ અનુભવ થયો હોય એવા કોઈ ચિત્રકારે તો ભગવાન શિવજીને દાઢી – મૂછ વધારનારા ચિતર્યા નહી હોય ને ! તમે જે કામ કરો છો તેની સાથે તમને કેટલાક અધિકારો મળી જાય છે. હજામતનું કામ કરનારને આપણી નજીક આવી જવાનું સહેલાઈથી પ્રાપ્ત થઈ જાય છે. વિચારો, બસ કે ટ્રેનમાં બાજુમાં બેઠેલો કોઈ માણસ, આપણી સાથે હજામ કરે છે એવી કોઈ હરકત શરૂ કરી દે તો ! હવે તો આધુનિક યુગ છે એટલે સ્ત્રીઓ પણ વાળ કપાવવા પુરુષ હજામને પોતાનું શરીર સોંપે છે. પરંતુ સ્ત્રીના માથા, ગળા, ગાલને સ્પર્શતો એ જ હજામ મુસાફર તરીકે બાજુમાં બેઠો હોય તો એ સ્ત્રીના વસ્ત્રને પણ સ્પર્શી ન જવાય એનો બરાબર ખ્યાલ રાખવો પડે છે !

સહજાનંદ સ્વામિએ સંસારીઓને સાધુ – બાવા બનાવીને મૂંડી નાંખ્યા (ભૌતિક સંપત્તિની દૃષ્ટિએ ખાલી કરી નાંખ્યા) ત્યારે જે નિયમો લેવડાવ્યા તે પૈકીનો એક નિયમ એ પણ રાખ્યો કે દર મહિનાની સુદ તેરસે બધા સાધુઓએ મૂછ, દાઢી તેમજ જટા કઢાવી નાંખીને તોલા ચમકાવી દેવાના એટલે કે બધી રીતે મુંડાઈ જવાનું. સહજાનંદ સ્વામિએ જેને સંસાર છોડાવ્યો તેઓને સન્યાસી ન બનાવ્યા પરંતુ સાધુ બનાવ્યા. એટલે કે સન્યાસી કોઈ એક જગ્યાએ રહેતો નથી. પરંતુ સાધુઓને એક જગ્યાએ આવાસ બનાવીને તેમાં રાખ્યા. સન્યાસી ભીક્ષા માગીને પાકું ભોજન ખાય છે, એના બદલે સાધુઓને કાચુ સીધુ રાંધીને રસોઈ કરવાની છૂટ આપી. આમ સાધુઓનો સંસાર શરૂ થઈ ગયો. ફરક માત્ર એટલો કે તેઓ સ્ત્રી સંગ ન કરી શકે. સ્વામી નારાયણના એક ફિરકાએ તો બહેનોને સાધ્વી બનાવી અને તેઓને રહેઠાણ માટે આવાસ તેમજ રસોઈ બનાવવાની તેમજ પોતાની જગ્યામાં સાધુ ભાઈઓની બરાબર સામેના વિસ્તારમાં રહેવાની છૂટ આપી. શરત માત્ર એટલી કે બન્ને પક્ષે એકબીજા તરફ જોવાનું નહી. શિક્ષાપત્રીની આજ્ઞા છે માટે !

ઓશો રજનીશે દાઢી – મૂછ – જટા વધારી હતી. પરંતુ માનવ સર્જનના ઈતિહાસમાં આજ સુધી ન હોય એવી આકર્ષક અને મોહક આંખો તેઓને ઈશ્વર તરફથી મળી હતી કે માત્ર એ આખોં જ સહુને – લોહચુંબક લોખંડને ખેંચે તેમ ખેંચતી હતી. શ્રી અરવિન્દે પણ દાઢી – મૂછ તેમજ જટા વધારી હતી. પત્ની નાની વયમાં જ ગુજરી ગયા બાદ તેઓએ બે પતિ તેમજ અનેક સંતાનો હતા એવી ફ્રેંચ નારી સાથે એકાંતમાં સાધના કરીને દિવ્યતાને પૃથ્વી પર અવતારવાની આજીવન કોશિશ કરી હતી. એમાં પછી શ્રી અરવિન્દ ચાલ્યા ગયા બાદ દાઢી – મૂછ વિનાની એ નારીએ એકલપંડે દિવ્યતાને અવતારવાના પ્રયત્નો ચાલુ રાખ્યા હતા. સ્ત્રી હોવાના નાતે એને જટા (વૃદ્ધિ પામેલા વાળ) તો હોવાની જ ! મુસ્લિમ મુલ્લા – મૌલવીઓ પણ દાઢી વધારે છે પરંતુ જટા અને મૂછ વધારતા નથી. મૂછો સફાચટ કરી નાંખે છે અને વાળ કપાવતા રહે છે. તેઓના અનુયાયી એવા મુસલમાનો પણ દાઢી વધારે છે. લશ્કરમાં જોડાનારે વાળ કપાવીને લગભગ નહિવત વાળ રાખવાના રહે છે. તેઓ મૂછો રાખી શકે પરંતુ દરરોજ દાઢી સાફ કરવાની અને એ પણ ઊલટો હાથ મારીને ! એટલે કે પહેલા રેઝર કે અસ્ત્રાને ઉપરથી નીચે તરફ (ગાલથી ગરદન સુધી) ફેરવવાનો અને ત્યારબાદ ગળાથી ગાલ તરફ અસ્ત્રો કે રેઝર ઊલટી દિશામાં નીચેથી ઉપર તરફ લઈ જવાનું. આમાં ફાવટ ન હોય તો ચહેરા પર ઘણી જગ્યાએ લોહીની ટશરો ફૂટી નીકળે. પહેલી વાર તો વાંધો ન આવે પરંતુ બીજા દિવસે એ જ જગ્યાએ દાઢી કરવા જાઓ તો તમારો ચહેરો બાવળના કાંટાળા ઝાડમાં ઘસી રહ્યા હો તેવો અનુભવ થાય.

મને એમ થાય છે કે સાધુના વેશમાં કોઈ પાખંડી પકડાય અને આરોપો સાબિત થાય એટલે સૌપ્રથમ એના દાઢી – મૂછ – જટાના વાળ સફાચટ કરીને એની મહાનતા હજામના હાથે ખતમ કરી નાંખવાની ! એ મહાનતા કચરાની ટોપલીમાં પધરાવી દેવાની ! સીધા સાદા માણસના વેશમાં એ પાખંડી આવી જાય એટલે પછી એની મહાનતા દૂર થઈ ગઈ હોવાથી સામાન્ય માણસમાં અપરાધભાવ ન આવી જાય. મહાનતા સાથે દાઢી – મૂછ – જટા કેટલા બધા ચીટકી ગયા છે અને એકાકાર થઈ ગયા છે ? માણસ હજારો દોષ પોતાનામાં લઈને ફરતો હોય પણ જો એ દાઢી – મૂછ – જટા વધારે તો એના તમામ દોષો એ વાળમાં ઢંકાઈ જાય અને એના ચહેરા પર આપોઆપ મહાનતા પ્રગટી જાય ! એમાંય એવા વેશ ધારીઓ હાથ ઊંચો કરીને આશીર્વાદ આપે એટલે ભગતો અને ખાસ કરીને ભગતાણીઓ ભીના ભીના થઈ જાય ! ‘રખે ને બાવાજી કોપાયમાન થાય તો’ એ બીકે એની આંખોના ઈશારે આખો પરિવાર નાચતો થઈ જાય. એમાં એ બાવાજી ફાવી જાય. પછી ઘરના અન્ય કોઈ નહી પણ સ્ત્રી સભ્યની પીડા જ એના ધ્યાનમાં આવે અને ઈલાજના બહાને પાખંડ લીલા થઈ જાય શરૂ. એક વાત સારી છે કે આવા સાધુ બાવાઓનું અનુકરણ કરીને સામાન્ય માણસો દાઢી – જટા વધારતા નથી. નહી તો હજામને ઘરે નવરા બેસી જવાનો વારો આવી જાય !

સ્વામી વિવેકાનન્દ સંત હોવા છતાં તેઓ માથાના વાળ નિયમિત કપાવતા તેમજ દાઢી – મૂછો પણ સફાચટ રાખતા. છતાં તેઓની મહાનતા લેશ માત્ર ઓછી થઈ ન હતી. ઉલટાનું તેઓના જેવા મહાન સંત પાછલા હજાર વર્ષમાં આપણને મળ્યા નથી એમ સહુ જાણે છે. શીખ ધર્મના લગભગ તમામ અનુયાયીઓ દાઢી – મૂછો અને જટા વધારે છે. અને દર રવિવારે એના વાળ ધોઈને સાફ કરે છે. મૂછોનો પણ ઈતિહાસ છે. દરબાર – રાજપૂતો મૂછોને અતિ મહત્વ આપે છે. લાંબી – લાંબી મૂછો, વળ દઈ શકાય એવી મૂછો, છેડે લીમ્બુ લટકાવી શકાય એવી મૂછો, કાંસકાથી જેના વાળ ઓળી શકાય એવી મૂછો, દુશ્મનને ડરાવી શકાય એવી મૂછો વગેરે વગેરે. કેટલાક સાધુઓ તો હવે દાઢી રાખે છે પરંતુ એને અમર્યાદ વધારતા નથી. તેઓ મુરારેસ્તૃતીય પંથા: ની જેમ સંયમમાં માને છે. અને નિયમિત હજામની પાસે જઈને દાઢીના વાળને ટ્રીમ કરાવે છે એટલે કે દાઢીના વાળ ચહેરા પર અને એ વાળથી ચહેરો શોભે એમ આયોજન કરે છે.

માથા પર નાના – નાના વાળ હોય ત્યારે પાંથી એટલે કે વાળની વચ્ચે થઈને આગળના ભાગથી પાછળના ભાગે જતો હાઈવે માથાની એક બાજુ કાનની ઉપર હોય છે. આ કામ માટે અરીસો તેમજ કાંસકાની આવશ્યકતા રહે છે. જેમ જેમ વાળ વધતા જાય તેમ તેમ પાંથી માથાની બરાબર વચ્ચે આવી જાય છે. અને જટા વધવાની શરૂ થઈ જાય છે તેમ તેમ પાંથી પાડવાનું ખતમ થઈ જાય છે. માત્ર આગળથી વાળ એકસામટા પાછળ લઈ જવાના હોય છે. આ સમયે અરીસાની જરૂર રહેતી નથી. કાંસકાને બદલે માત્ર આંગળીઓની મદદથી પણ વાળ સરખા કરી શકાય છે. આમ સાધુ – સન્યાસીઓ પોતાની જરૂરિયાતો ઘટાડતા જાય છે. નાગાબાવાઓની જમાત જોઈ હોય તો ખ્યાલ આવે કે તેઓની જટા શરીરની લંબાઈ કરતા પણ વધારે, તેલ નાંખ્યા વિનાની અને ગુંચવાઈ ગયેલા વાળ જટાકારમાં ગુંથેલા હોય છે. શરીર પ્રત્યે બેધ્યાન અને આત્માની શક્તિઓ વધારવા પ્રત્યે સભાન શિવભક્ત એવા નાગાબાવાને સમજવા એ અત્યંત અભ્યાસ માગી લે એવી બાબત છે. સમજ્યા વિના પણ શ્રાવણ માસમાં દાઢી વધારનારા શિવભક્તોએ એનું રહસ્ય જાણવું જોઈએ અને સમાજમાં એને ઉજાગર કરવું જોઈએ.

એક તત્વચિંતક કહે છે કે તમે ઘરે જાતે હજામત કરો છો એના કારણે આપણા સમાજના એક વર્ગની રોજીરોટી છીનવાય છે આથી આપણે હિસાબ કરીને એની રોજી એના ઘરે મોકલાવી દેવી જોઈએ. ગાંધીજીએ તો માથાના વાળ પણ જાતે કાપીને હજામને તદ્દન બેકાર કરવાની કોશિશ કરી હતી. પરંતુ એનું પરિણામ એમને તરત જ ભોગવવા મળી ગયું હતું તેથી તેમણે આ અભિયાન પડતું મૂક્યું.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: