વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

મોબાઈલ યુગ

મોબાઈલ એટલે હરતું – ફરતું. ગામઠી ભાષામાં કહીએ તો ઠેકાણા વગરનું ! સરનામું એટલે ઠેકાણું. તમે જે ભૌતિક સ્થળે રહો છો એ જગ્યા – જમીન એટલે તમારું સરનામું. એને અંગ્રેજીમાં લેન્ડ લાઈન એડ્રેસ કહેવાય. આપણી ચર્ચાનો વિષય એ છે કે હવે જે કંઈ પણ લેન્ડ લાઈન છે એ બધું ધીરે ધીરે મોબાઈલ થઈ રહ્યું છે. સરનામું પણ ઈ – મેઈલ એડ્રેસ, દુકાનની પણ કોઈ જ્ગ્યા રાખવાને બદલે હવે બધા પોતાની વાન, ટ્રેક્ટર અથવા નાના ઑટો રીક્ષા જેવા વાહનમાં કોલ્ડ ડ્રિંક્સ – આઈસક્રીમ, મિઠાઈ – ફરસાણ, શિયાળાની ઋતુમાં ખાવાની ચીજ – વસ્તુ, ઘઉં – ચોખા – અનાજ વગેરે સામગ્રી સજાવીને રસ્તાના કિનારે ઊભા રહી જાય છે અને બે – ચાર કલાકમાં ધંધો કરીને રવાના થઈ જાય છે. ટેલીફોન તો મોબાઈલ થઈ જ ગયો છે. મોબાઈલ ફોનની તુલનામાં લેન્ડ લાઈન ફોન વધુ ભરોસાપાત્ર ગણાય છે. કારણ કે એને ઠેકાણાવાળો ગણવામાં આવે છે. હવે તો મકાન અથવા ઘર પણ મોબાઈલ થઈ ગયા છે. ફિલ્મી કલાકારો જે વેનિટી વાન રાખે છે એ એક પ્રકારનું સંપૂર્ણ સુવિધાઓ ધરાવતું ઘર જ છે. ઘરમાં મળતી તમામ સુવિધાઓ તમને વેનિટી વાનમાં મળે છે. એવી મોટી લક્ઝરી બસ પણ બને છે જેમાં તમારી કાર પણ તમે પાર્ક કરી શકો છો. એ બસમાં રસોઈ ઘર, બેડરૂમ, કોન્ફરન્સ રૂમ, ડાઈનિંગ રૂમ, ડ્રોઈંગ રૂમ, ટોયલેટ સહિત તમામ સુવિધાઓ પ્રાપ્ત છે.

આપણા ઘરે આવતા કંકોત્રી, આમંત્રણ કાર્ડ પણ ઈ – મેલ થી મોકલાવાય છે. તમામ બિલો તેમજ અન્ય કાગળો જે ઘરના ઠેકાણે આવતા હતા એ તમામ હવે ઈ – મેલમાં આવે છે. ઈંટરનેટથી ચુકવણી તેમજ સમગ્ર નાણાકીય વ્યવહારો થાય છે, જે મોબાઈલ છે. કારણ કે એ બધું જ તમે તમારા લેપટોપ દ્વારા કરી શકો છો. અને લેપટોપ કોઈ પણ જગ્યાએ આસાનીથી લઈ જઈ શકાય છે. વળી આ બધું જ કામ જે કોમ્પ્યુટર દ્વારા થાય છે એ તમામ કામ મોબાઈલ ફોન દ્વારા પણ થાય છે. બેંકિંગ, મની ટ્રાંસફર, વગેરે મોબાઈલ મની દ્વારા ફોન પર તમે કરી શકો છો. મેગેઝીંસ, ન્યુઝ પેપર્સ, બુક્સ વગેરે ઈંટરનેટ પર જ વાંચી શકાય છે. ક્યાંય ગયા વગર જીવન જરૂરિયાતની ચીજ – વસ્તુ ઈંટરનેટ પર ઓર્ડર આપીને ખરીદી શકાય છે. માત્ર વસ્તુની ડીલીવરી માટે તમારે તમારું ઠેકાણું બતાવવું પડે છે. અલબત્ત એ સ્થાયી રીતે કોઈ એક જ હોય એ જરૂરી નથી. જે – તે વ્યવહાર પૂરતું કોઈ એક ભૌતિક સરનામુ આપવુ પડે છે. આજે તમે ભારતમાં છો તો અહીંનું સરનામુ આપીને વસ્તુ મંગાવો અને આવતા અઠવાડિયે તમે અમેરિકા છો તો ત્યાંનું સરનામુ આપીને ત્યાં વસ્તુ મંગાવો. (ઈલેક્ટ્રિસિટી હજુ મોબાઈલ થઈ નથી. તેમજ ગેસ લાઈન અને બાટલા પણ લેન્ડ લાઈન પર જ ઉપલબ્ધ છે. ભરોસાપાત્ર પુરાવા તરીકે હજુ પણ રેસિડેંશિયલ એડ્રેસ માગવામાં આવે છે. ડ્રાઈવિંગ લાયસંસ, પાસપોર્ટ, ઈલેક્શન કાર્ડ, રેશન કાર્ડ, પાનકાર્ડ વગેરે કોઈ પણ ડોક્યુમેંટ માટે ઠેકાણું આવશ્યક છે.)

જેવી રીતે વેનિટી વાન એ હરતું – ફરતું મકાન છે એવી રીતે ફોલ્ડિંગ હાઉસ પણ તૈયાર મળે છે. હેવી ક્વોલિટીના પ્લાસ્ટીકમાંથી, જે વજનમાં હળવા છતાં ટકાઉ હોય એવા પ્લાસ્ટીક અથવા ફાયબરમાંથી ફોલ્ડિંગ મકાનના પાર્ટ્સ બને છે. તમે આસાનીથી એને તમારી કારમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈને ત્યાં ગણતરીની મિનિટોમાં સંપૂર્ણ સુવિધાઓ ધરાવતું મકાન ઉભું કરી શકો છો. આ ક્ષેત્રમાં ઈનોવેશન થાય તો આવતી કાલે બે માળનો ફોલ્ડિંગ બંગલો પણ તૈયાર થઈ શકે છે. તમારા ફાર્મ હાઉસમાં તમે રજા ગાળવા જાઓ ત્યારે તેટલા દિવસ માટે ત્યાં ફોલ્ડિંગ મકાન ઊભું કરી દેવાનું. પાછા આવો ત્યારે એને ગડી કરીને વાળી લેવાનું ! એને સાચવવા કોઈ ચોકીદાર રાખવાની કે બારે મહિના મકાનની સાફસફાઈ કરવાની જરૂર જ નહીં. આજે જેવી રીતે વાહન પાર્ક કરવા માટે તમારે ફી ચુકવવી પડે છે એવી રીતે આવતી કાલે તમારી પાસે ફાર્મ હાઉસ નહી હોય અથવા અન્ય કોઈ નવી જગ્યાએ તમે રોકાણ કરવા માગશો તો મકાનના પાર્કિંગ માટે તમારે કલાક દીઠ ફી ચુકવવી પડશે. વિચારો કે જ્યારે કોઈ એક જગ્યા પર હાઉસિંગ સોસાયટી અથવા શોપિંગ સેંટર જેવું કોઈ એક પ્રકારનું સ્થાઈ બાંધકામ કરી નાંખવું એ મુર્ખતામાં ખપશે ત્યારે શું થશે. જગ્યાનો મહત્તમ ઉપયોગ કરવા માટે એના પર હંમેશને માટે કોઈ એક પાકું બાંધકામ કરી નાંખવા કરતા બદલાતી આવશ્યકતા મુજબ એનો ઉપયોગ કરવો એ સ્માર્ટ વે ગણાશે. પ્રત્યેક માણસ પાસે પોતાની આવશ્યકતા મુજબની ડીઝાઈન વાળું રેસીડેંશિયલ ફોલ્ડિંગ સ્ટ્રક્ચર હશે અને એને લઈને એ જગત ભરમાં ફરતો હશે. અને આવી રીતે આખો માનવ સમાજ વિશ્વમાં હરતો – ફરતો (મોબાઈલ) હશે.

તમે કહેશો કે આ તો નવી વાત થઈ. પરંતુ આમા કાંઈ નવું નથી. આપણે ત્યાં તેમજ અરબસ્તાનમાં મોબાઈલ માનવ જાતિ – વિચરતિ જાતિ તરીકે ઓળખાય છે. વણઝારા તેમજ વાઘરી જ્ઞાતિ એ વિચરતિ જાતિ છે. અને એમનું કોઈ ઠેકાણુ હોતું નથી. તેઓ જીવનભર હરતા – ફરતા રહે છે. અરે તેઓ પાસે દૂધાળા ઢોર ઉપરાંત પાળેલા કૂતરા પણ સાથે હોય છે. ખાટલા, ગોદડા, વાંસના ડંડાઓ તેમજ તંબુ માટેના કાપડમાંથી તેઓ જ્યાં પડાવ નાંખે છે ત્યાં ગણતરીની મિનિટોમાં પોતાના આવાસ તૈયાર કરી નાંખે છે. વિકસિત માનવ સમાજને પોતાની આવશ્યકતાઓ મુજબ મોબાઈલ બની જવાની જરૂર પડશે આથી તેઓ પણ વિચરતા થઈ જશે. માણસ અગાઉ આખી જિન્દગી એક નાનકડા ગામમાં પસાર કરી નાંખતો હતો. જ્યારે આજે ગ્લોબલ વિલેજની કલ્પનાનો માણસ વિશ્વના ખુણે – ખુણે ખુંદી વળે છે તેથી તે કહેવા પૂરતું જ પોતાનું ભૌતિક ઠેકાણુ રાખે છે. આમ પણ તમે જોઈ શકો છો કે માણસ વિશ્વમાં અનેક જગ્યાએ પોતાના અનેક મકાનો ખરીદીને રાખે છે અને આવશ્યકતા મુજબ એનો ઉપયોગ કરે છે. આ રીતે એ મોબાઈલ થઈ જ ગયો છે.

મોબાઈલ દવાખાનું પણ જોવા મળે છે. શાકભાજી કે ફળોની હાથલારી તો મોબાઈલ દુકાન છે જ. શૃંગારના સાધનો, ચંપલની લારીઓ, ફૂટપાથ પર બેસીને જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ વેચતા ફેરિયાઓ મોબાઈલ દુકાનના ઉદાહરણો છે. મૉલમાં તેમજ શોપમાં વેપારીઓ કમાય છે એટલું જ લગભગ ફૂટપાથના નાના વેપારીઓ પણ કમાઈ લે છે. સંબંધોમાં પણ સ્થાયીપણું જોવાને બદલે મોબાઈલ સંબંધો જ જોવા મળે છે. આજે મારે આની જરૂર છે તો એ મારો મિત્ર. આવતી કાલે પેલાની આવશ્યકતા જણાય તો પેલો મારો મિત્ર. તડજોડ માત્ર રાજકારણમાં જ જોવા મળે છે એવું નથી. કંપનીમાં કામ કરતા કર્મચારી સ્ત્રી – પુરુષો પોતપોતાના જીવનસાથી કરતાં વધુ સમય એકબીજા સાથે ગાળે છે. બોસ કંપનીના કામે વિશ્વભરમાં ઘુમે તેની સાથે લેડી સેક્રેટરીએ પણ રહેવું પડતું હોય છે. જીવનસાથી એ કે જે જીવનમાં સૌથી વધુ સમય પોતાની સાથે રહીને પોતાને સાથ આપે – એવી વ્યાખ્યા કરીએ તો પરસ્પર લાગણીથી જોડાયેલા સ્ત્રી – પુરુષ કર્મચારીઓ પાર્ટ ટાઈમ જીવનસાથી બની જતા હોય છે. આ અર્થમાં આવા અંગત સંબંધો પણ વ્યવસ્થા બદલાવાને કારણે મોબાઈલ સંબંધો બની જાય છે. વૃદ્ધાશ્રમમાં વડીલોની કાળજી કરનારા કેટલાક યુવા ભાઈ – બહેનો તેઓની નિયમિત મુલાકાત લે છે, તેઓનો જન્મ દિવસ ઉજવે છે અને તેઓને માતા – પિતા તરીકે દત્તક પણ લે છે. આમ માતા – પિતા પણ બદલાતા હોવાથી મોબાઈલ થયા છે.

મુસાફરી દરમિયાન ફ્લાઈટમાં, ટ્રેઈનમાં, બસમાં, હોટેલ રોકાણમાં, પ્રવાસના સ્થળોની મુલાકાત લેતી વેળાએ જે સંબંધો બંધાય છે એ બધા મોબાઈલ સંબંધો જ હોય છે. છતાં એમાં પણ ઘનિષ્ટતા જોવા મળે છે. લાંબો સમય ચાલતા જોવા મળે છે. અને જીવનભર આસપાસમાં રહેતા હોવા છતાં એકબીજા સાથે ન બને એવું પણ બને છે. ટ્રેઈનમાં કે બસમાં તો રીઝર્વેશન વિના મુસાફરી કરનારા પ્રવાસીઓ શરૂઆતમાં જગ્યા માટે મારામારી કરે અને જેમ જેમ મુસાફરી આગળ વધે તેમ તેમ એકબીજા માટે કાળજી કરતા પણ જોવા મળે છે. નાનું બાળક રડીને સંબંધોને જોડી આપે. સાથી પ્રવાસી બહેન એની માને ચોકલેટ કે દૂધ એવું કંઈક ઑફર કરે ને દિલ મોકળાશથી એકબીજા આગળ ખુલી જાય. જગ્યા નહિ મળે એની ચિંતામાં રિઝર્વેશન કરાવનારા રૉયલ લોકોને અનુભવ નથી કે શરૂઆતમાં જગ્યા માટે મારામારી કર્યા બાદ પરસ્પર પ્રેમભાવ વરસાવવામાં કેવો આનન્દ છે !!! બન્ને પછી તો એક થઈ જાય અને નવા સ્ટેશનેથી ચઢતા નવા મુસાફરને માર મારીને અંદર પ્રવેશવા ન દે. પેલો જબરજસ્તી અંદર ઘુસી જાય ને થોડા સમય બાદ એના પ્રત્યે પણ પ્રેમભાવ પેદા થઈ જ જાય. આવા છે મોબાઈલ સંબંધો.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: