વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

સ્ત્રી એક જ હોય છે પરંતુ એના જુદા-જુદા સામાજિક તેમજ પારિવારીક સંદર્ભો હોય છે. મા તરીકે એને ઉત્તમ ગણાવાઈ છે અને એ બરાબર છે. બહેન તરીકે પણ એના સારા એવા ગુણગાન ગવાયા છે પરંતુ એ કુંવારી હોય ત્યાં સુધી. પરણ્યા બાદ પિયરમાં એનું મહત્વ કંઈક અંશે ઓછું થઈ જતું હોય છે. દિકરી તો માબાપને આજીવન વહાલી જ હોય છે. અને એ પણ જીવે ત્યાં સુધી માબાપને ખુબ પ્રેમ કરતી હોય છે. પરંતુ મામી, કાકી, માસી અને ફોઈ – એક જ સ્ત્રીના આ ચાર સંદર્ભો જોવા જેવા છે. કાકી અને મામી એ ઘરમાં નવી આવેલી સ્ત્રી ગણાય જ્યારે માસી અને ફોઈ એ અગાઉથી જ પરિવારમાં સમાયેલી હોય છે. આથી બાળકને પોતાના પિતાની બહેન એવી ફોઈનો સાચો પ્રેમ મળે છે. એ જ રીતે બાળકને પોતાની માતાની બહેન એવી માસીનો પણ સહજ પ્રેમ મળે છે કારણ કે માસી અને માતા વચ્ચે અતુટ ગાઢ સંબંધ હોય છે. પરંતુ બાળકના મામા પરણીને લાવે એ મામી અને બાળકના કાકા પરણીને ઘરમાં લાવે એ કાકી નવી આવેલી સ્ત્રી હોવાથી બાળકને એ સાચો પ્રેમ કરશે જ એની ખાતરી ઓછી હોય છે. મામા ભાણીયા પર ધન ખર્ચે એ મામીથી સહેવાતું નથી હોતું. અને એક જ ઘરમાં ભાગ પડવાના હોવાથી કાકીની આંખ સામે પોતાના બાળકો તરવરતા હોવાથી એ ભત્રીજાને વધુ પ્રેમ નથી કરી શકતી. બરાબર એ જ રીતે મામા અને કાકા બાળકને ખુબ વહાલ કરે છે પરંતુ ફુઆ અને માસા નવા સંબંધથી આવેલા હોવાથી બાળકને તેઓનો ઓછો પ્રેમ મળે છે. માસા તો કંઈક અંશે પોતાની પત્નીથી દોરવાઈને બાળકને વહાલ કરે પરંતુ ફુઆ એ સામાજિક રીતે જરા ઓછા જ મિક્સ થતા હોય છે.

મોટા ભાગના સામાજિક સંબંધો આ ચાર સંદર્ભમાં જ સમાઈ જતા હોય છે. બાળકના મામા-મામી, કાકા-કાકી, માસા-માસી અને ફુઆ-ફોઈ એ એના પિતાના સાળા-સાળાવેલી, ભાઈ-ભાભી, સાઢુ-સાળી અને બેન-બનેવી ગણાય અને માતાના ભાઈ-ભાભી, બેન-બનેવી, દિયર-દેરાણી તેમજ નણંદ-નણદોઈ ગણાય. બાકી રહી ગયા તે વેવાઈ અને વેવાણ.

પરિવારના સભ્યોમાં કેટલીક વાતો નોંધવા જેવી હોય છે. કોઈ માબાપ એમ કહે કે અમે બાળકોને એક સરખો પ્રેમ કરીએ છીએ તો એ નર્યો દંભ છે. પહેલો પુત્ર એ માતાને અતિ વહાલો હોય છે. એના પ્રત્યે માતાનો પક્ષપાત ભર્યો પ્રેમ આજીવન રહે છે. માતાને એનામાં ક્યારેય કોઈ દોષ દેખાતા જ નથી. હંમેશા માતા પોતાના મોટા પુત્રને બચાવવાના અને એના દોષ ઢાંકવાના જ પ્રયત્નો કરતી હોય છે. પરિવારમાં પોતાના મોટા પુત્રનું રાજ ચાલે એ માતા ખાસ જોતી રહે છે. આથી જ ગુજરાતી ભાષામાં એક કહેવત જાણીતી છે : ‘પહેલા ખોળાનો.’ એ જ રીતે નાનો દિકરો એ પિતાને અતિ વહાલો હોય છે. એ પણ બરાબર પક્ષપાતપૂર્ણ રીતે નાના દિકરાને પ્રેમ કરતા હોય છે. કોઈ ચાલાક માબાપ આવી લાગણીઓ ઢાંકતા હોય તો એ તેઓની આવડત ગણાય. પરંતુ વાસ્તવમાં આવું જ હોય છે. પહેલો પુત્ર એ પિતાને ચેલેંજિંગ લાગતો હોય છે. પિતાને આ વાતની સમજ મેળવવી હોય તો તેઓએ પોતાનું આંતરનિરીક્ષણ કરવું પડે. એ વાત સહેલાઈથી સમજાય એવી નથી. મોટો પુત્ર પણ પિતાને ચેલેંજ આપવા ઉત્સુક હોય છે. જ્યારે નાના પુત્ર પ્રત્યે માતા ઉપેક્ષા ભાવ રાખતી હોય છે. આ રીતે જોઈએ તો માબાપનો પ્રેમ બાળકોમાં વહેંચાઈ જતો હોય છે. કોઈ કહે કે વચલા પુત્રનું શું ? તો એનો કોઈ જવાબ નથી. વચલાએ અધવચ્ચે જ લટકી રહેવાનું આવે છે. એ જ રીતે મોટી દિકરી માતાને અને નાની દિકરી પિતાને વહાલી હોય છે.

પરિવારમાં જુદાપણું ક્યારથી આવે છે ? બે-ત્રણ કે ચાર દિકરા હોય, સૌથી નાનો દિકરો પરણે અને વહુ ઘરમાં આવે ત્યારબાદ આખો પરિવાર છિન્ન-ભિન્ન થઈ જાય છે. એના આવ્યા બાદ પરિવારે એક સાથે જમવાના કે સામ-સામે બેસીને વાત કરવાના પણ સંબંધો રહેતા નથી. છેલ્લો દિકરો બાકી હોય ત્યાં સુધી જેટલા દિકરા પરણે, પરિવારનો આંતરિક પ્રેમભાવ ટકી રહે છે. નવી આવેલી ભાભીઓ પણ ઘર સાચવીને સાસુ-સસરાની તેમજ પતિની સેવા કરે છે. પરંતુ સૌથી નાની વહુ, પોતાના પિયરમાં એ સૌથી મોટી હોય તો પણ પરણીને સાસરે આવતાની સાથે ઘરનો સંપ, એકતા પત્તાના મહેલની માફક વિખેરાઈ જાય છે. આવું કેમ ? એનો કોઈ દેખીતો જવાબ નથી. એ પણ શક્ય છે કે સૌના લગ્ન જેવી જવાબદારી પૂર્ણ થઈ ગયા બાદ સૌને ઘરમાં ભાગ મેળવવાની ઉતાવળ હોય એથી પણ ઘર વેરવિખેર થઈ જતું હોય ! સમાજમાં મોટે ભાગે આવું બનતું હોય છે. સો એ સો ટકા આવું જ બને છે એમ કહી શકાય નહીં. એક ઘરમાં બે દિકરી આપો તો પિયરમાં લગ્ન પૂર્વે બન્ને વચ્ચે ઘણા સારા સંબંધો હોય તો પણ લગ્ન બાદ સાસરે ગયા પછી બન્ને વચ્ચે એટલા સારા સંબંધો રહેતા નથી. વળી સાસરામાં પણ પરિવારના અન્ય સભ્યો વચ્ચે મેળ રહેતો નથી. આથી એક કુટુંબમાં બે દિકરીઓ પરણાવવી ઉચિત નથી.

કેટલાક લોકો વહુને દિકરીની જેમ રાખવાની વાત કરે છે. આ બાબત તદ્દન વાહિયાત છે. વહુ ઘરમાં આવે છે એની સાથે જ એના પતિ પર કોની સત્તા ચાલે ? એ મુદ્દો મહત્વનો બની જાય છે. સાસુ કહે છે કે એ મારો દિકરો છે એટલે મારું કહ્યું  જ માનશે. વહુ પ્રેમથી નહી તો કાવાદાવા કરીને પતિને પોતાનું કહ્યું કરવા રાજી અથવા મજબૂર કરે છે. માતાને વિશ્વાસ હોય છે કે પચ્ચીસ વર્ષ સુધી જેને પોતાના પ્રેમના ધોધ નીચે નવડાવ્યો છે એ પોતાનો થઈને જ રહેશે. પરંતુ એ માતા જ્યારે વહુ-દિકરાના પ્રેમને ખાતર પોતાનો આગ્રહ જતો કરવાને બદલે વહુ સાથે ચડસા-ચડસી પર ઉતરે છે ત્યારે પોતાનું માન તેમજ સ્થાન તો ગુમાવે જ છે પરંતુ એની સાથે-સાથે દિકરાનો પ્રેમ પણ ગુમાવે છે. સાસુને વહુ દિકરી કેમ નથી લાગતી ? એનો સીધો જવાબ એ છે કે જે ફળને પચ્ચીસ વર્ષ સુધી પોતાનું સર્વસ્વ સીંચીને પકવ્યું છે એવા પોતાના પુત્રને આવનારી સ્ત્રી ભોગવવાની છે. આપણે આપણી પાંચ રૂપિયાની પેન પણ કોઈને વાપરવા આપીએ તો એની પાસે થેંકયૂ ની અપેક્ષા રાખીએ છીએ. તો આ તો પચ્ચીસ વર્ષનો હણહણતા વછેરા જેવો જુવાન છે. એ કોઈ અજાણી સ્ત્રીને સોંપી દેવો એ શું ખાવાના ખેલ છે ? આવા દિકરાને પરણાવ્યા પછી આવનારી સ્ત્રી એવી વહુ પાસે સાસુની અપેક્ષા કટલી બધી વધી જાય છે ! અને એમાંય વહુ સાસુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાને બદલે એની સાથે ચડસા-ચડસી પર ચડી જાય અને કોનું એ જુવાન પર રાજ ચાલે છે એ બાબતે બન્ને વચ્ચે રાજકારણ રમાવાનું શરૂ થઈ જાય તો એવા સંજોગોમાં વહુને દિકરી માનવાનો પ્રશ્ન જ નથી ઉઠતો.

યુવાન પતિએ ધ્યાન રાખવાનું રહે છે કે પોતાની માતાએ દિકરા પ્રત્યેનો પોતાનો માતા તરીકેનો પ્રેમ સાબિત કરવાનો નથી રહેતો. પરંતુ આવનારી સ્ત્રીએ પતિ તેમજ તેના ઘર પ્રત્યે પોતાનો પ્રેમ, નિષ્ઠા, વફાદારી વગેરે સાબિત કરવાના છે. એવા સંજોગોમાં કોઈ વાતે દિકરાએ માતાનો પક્ષ લેવાનો થાય તો લેવો જ જોઈએ. અમુક વર્ષો સેવા કર્યા બાદ વહુને ઘર માટે, ઘરના નિર્ણયો માટે અભિપ્રાય આપવાનો હક્ક પ્રાપ્ત થાય છે. આવતાની સાથે જ ઘરમાં મનફાવે તેમ ફેરબદલ કરવા માંડે એ વહુ અસભ્ય ગણાય. અને માતાએ પણ વહુ-દિકરાને જીવનની મોજમજા માણવા માટે પરણાવ્યા છે. તેઓના પ્રેમમાં આડખીલીરૂપ બનવું ન જોઈએ. દિકરી કોઈ દિવસ માતાના પ્રેમમાં ભાગ પડાવતી નથી. અને વહુ સાસુનો સઘળો પ્રેમ (એના દિકરાને) પોતાના ભાણામાં લઈ લે છે માટે વહુ ક્યારેય સાસુ માટે દિકરી બની શકે નહીં.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: