વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

હમણાં – હમણાં શિવલિંગને થતા દૂધ-પાણીના અભિષેકની તેમજ હનુમાનજીને ચઢતા તેલ-સિંદુરની ટીકાઓ ખુબ થઈ રહી છે. યજ્ઞમાં થનારા ઘી, ડ્રાય ફ્રુટ્સ જેવા કીમતી દ્રવ્યોના હવનની પણ ટીકા થાય છે. મઝાર પર ચાદર ચઢાવનારની ટીકા કરવાની સાથે-સાથે કોઈ ભિખારી કે ફકીર ભુખ્યો રહીને કે ઠંડીમાં ઠુઠવાઈને મરી જાય એની દયા ખાવામાં આવે છે. પરંપરા સાથેનું જોડાણ કપાઈ જાય પછી માણસની હાલત કપાઈ ગયેલા પતંગની જે દશા થાય છે એવી જ થાય છે. બધી જગ્યાએ માણસ ભોગવાદની દૃષ્ટિએ જ જુએ છે. કોઈનો કેવી રીતે મહત્તમ ઉપયોગ કરી લઈ શકાય એ જ દૃષ્ટિએ જ દરેક બાબતને જોવામાં આવે છે. અને એ સ્વાર્થ સિદ્ધ ના થતો હોય તો એવી તમામ બાબતોને વ્યર્થ ગણીને એની ટીકા કરવામાં આવે છે.

પહેલા એ પ્રશ્નની ચર્ચા કરીએ કે ભિખારીને ભીખ આપીને જીવાડવો અને એ સમાજ ઉપયોગી કંઈ જ કામ ન કરતાં બેઠો – બેઠો હરામનું ખાધા કરે એવી સ્થિતિમાં એને રાખવો એ કઈ દૃષ્ટિએ ઉચિત છે ? સમજો કે કોઈ હટ્ટોકટ્ટો માણસ આપણી પાસે ભીખ માગે તો આપણે એને શું કહીએ છીએ ? ભ’ઈ, આટલું સારું શરીર ભગવાને તને આપ્યું છે તો મહેનત કરીને ખા ને ! અને આપણે જાણીએ છીએ કે એ ભિખારી આપણી વાત માનવાનો નથી. કોઈ ભિખારી ભુખે ટળવળીને કે ઠંડીમાં ઠુઠવાઈને મરી જવાનું પસંદ કરે છે પણ મહેનત કરતો નથી. અને આપણને ઉર્ધ્વગતિ બક્ષતી ઈશ્વરોપાસના કરવાનું છોડીને એને જીવાડવાનું કામ આપણે કરવાનું ! ભિખારીમાં ભગવાન જોવાની વાત ઉમદા છે પરંતુ કોઈ ભિખારી પોતાનો ઉદ્ધાર કરવાનું કોઈ કામ જ ના કરે તો પરાણે તમે એનું સારું કરી શકતા જ નથી. એ સાવ આવી સ્થિતિએ પહોંચ્યો કેવી રીતે ? માણસ થોડોક પણ મહેનતુ હોય તો ઈશ્વર જ એની રોજી-રોટીની વ્યવસ્થા કરતો હોય છે. આપણે કોણ કોઈનો ઉદ્ધાર કરનારા ? જે ઈશ્વરની કરુણાને અપમાનિત કરે અને સાવ આવી ભિખારી જેવી સ્થિતિએ પહોંચે અને એણે આમ જ કરવાનું નક્કી કર્યું હોય તો ‘હું એનું કલ્યાણ કરીશ.’ એવું વિચારવું એ ખોટું અભિમાન છે.

હવે આવે છે આપણી ભગવદ-પ્રીતિની વાત ! વિકાસક્રમમાં જેવી રીતે પશુ-પક્ષી વગેરે માણસ કરતાં ઉતરતી જાતિઓ છે તેવી રીતે ‘દેવ’ એ માણસ કરતાં ચઢિયાતી જાતિ પણ છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ પાંચ મહાભૂતો છે. પૃથ્વીને આપણે માતા કહીએ છીએ. વરુણ એ જળના દેવતા છે. મરુત એ વાયુદેવ છે. ભગવાન સૂર્યનારાયણ અને અગ્નિદેવ એ તેજના દેવ છે. આપણે મૂર્તિમાં ભગવાન માન્યા. આપણા ઈષ્ટદેવને આપણે રાજભોગ ધરાવીએ છીએ. અન્નકૂટ કરીએ છીએ. પરંતુ શું ભગવાન એમાનો એક કણ પણ ચાખે છે ખરા ? માત્ર પોતાની એક પ્રસન્ન નજર ભોગ પર ફેરવીને એનું પ્રસાદમાં રૂપાંતર કરી દે છે. મજાકમાં કહેવુ હોય તો, ‘જો ભગવાન ભોગ આરોગવાનું શરૂ કરી દે તો એને ધરવામાં આવતો ભોગ એટલો જ રહે કે પછી ઘટી જાય ?’ આ તમામ દેવો આપણા જીવનને સમૃદ્ધ બનાવે છે. પૃથ્વી માતા આપણને અનાજ, શાકભાજી, ફળો, ખનીજ પેદાશો વગેરે આપે છે. પાણી વિનાના જીવનની તો કોઈ કલ્પના જ કરી શકાય એમ નથી. એ જ રીતે વાયુ વરસાદ લાવે છે. અગ્નિ કચરો બાળે છે અને પૃથ્વીને સ્વચ્છ રાખે છે.

આપણી ભવ્ય વૈદિક પરંપરાનું જ્ઞાન જેમાં સચવાયું છે એવા વેદ કહે છે કે ભગવાન અગ્નિના મુખે આરોગે છે અને બ્રાહ્મણના મુખે બોલે છે. અગ્નિ જો કચરો આરોગતો હોય તો શું આપણે અગ્નિને માત્ર કચરો જ આપવાનો ? ‘ખરેખર ભગવાનને જમાડવું હોય તો એ દ્રવ્ય અગ્નિમાં હોમવું’ –  એમ વેદમાં કહ્યું છે. પરંતુ આપણે સ્વાર્થી રહ્યા ને ! એટલે ભગવાન ન આરોગે એ જ રીતે એને (છપ્પન)ભોગ ધરીએ છીએ. અને છતાં ભગવાન કોઈ દિવસ કોઈનો ઉપકાર બાકી રાખતો નથી. આપણે જાણતા નથી કે હવનકુંડમાં ઉત્તમ દ્રવ્યોનું હવન કરવાથી શું થાય છે ! કારખાનાઓ અને મીલોની સ્થાપના કરીને, વિનાશક વાયુઓ ઉત્પન્ન કરીને આપણે હવાઈ પ્રદુષણ વધારી મુક્યું. હવન કરવાથી જે વાયુ ઉત્પન્ન થાય છે એનું કામ વાયુપ્રદુષણ નાબુદ કરવાનું છે. એનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણને ભોપાલ ગેસ દુર્ઘટનામાં જોવા મળે છે. હજારો-લાખો લોકો મરી ગયા અને એટલા જ લોકો રોગનો શિકાર બન્યા. આ જ વિસ્તારમાં એક પરિવાર રહેતો હતો જેના ઘરમાં દરરોજ સવાર-સાંજ હવન થતો હતો. આથી ત્યાંની આસપાસનું વાતાવરણ શુદ્ધ હોવા ઉપરાંત પ્રદુષિત વાયુનો નાશ કરનારું હતું. આથી ત્યાંનું એ ઘર ઉપરાંત આજુબાજુના ઘરો એ વિનાશક વાયુની વિઘાતક અસરમાંથી બચી ગયા. છતાં પણ આપણે સ્વાર્થ દૃષ્ટિથી ન વિચારતાં દેવને ઉત્તમ દ્રવ્યો ધરવાની ભાવના રાખવી જોઈએ. મધ્યમ વર્ગના લોકો ન જાણતા હોય તો તેઓ જાણી લે કે આપણા દેશના મોટા-મોટા ઉદ્યોગપતિઓ દસકાઓથી ધનાઢ્ય રહ્યા છે અને લક્ષ્મી તેઓના ઘરમાં સ્થાયી થઈને રહી છે એનું મુખ્ય કારણ એ ઘરમાં વહેલી સવારે તેમજ સાંજે નિયમિત રીતે અગ્નિહોત્ર થાય છે. ઘરની બહેનો આળસુ બનીને મોડા સુધી ઊંઘી રહેવાને બદલે મળસ્કે ચાર વાગે હવન કરે છે. ઘરનો કચરો તો અગ્નિ બાળવાનો જ છે. પરંતુ પ્રેમથી અગ્નિને શ્રેષ્ઠ દ્રવ્યો અર્પે છે. આવા યજ્ઞો ચાલી જવાને લીધે, આપણી સ્વાર્થી-સંકુચિત દૃષ્ટિના કારણે જ આજે આપણે ઉત્તમ હવા, પાણી તેમજ ભોગો ભોગવવાથી વંચિત રહી ગયા છીએ.

જે પૃથ્વી પુષ્કળ પ્રમાણમાં અનાજ, શાકભાજી તેમજ ફળો ઉગાડી આપે છે એ પૃથ્વીને ફળદ્રુપ કરવા આપણે કંઈ ન કરવું જોઈએ ? એક કાળે ખેતીના કામમાં આવનારા બળદોને તેમજ જેનું દૂધ પીએ છીએ એ દુધાળા પ્રાણીઓને ખેડૂતો તેમજ પશુપાલકો તમામ અનાજ, શાકભાજી, ફળફળાદિ, ધી-ગોળ-ચણા વગેરે ખવડાવતા હતા. આજે માત્ર સૂકું ખડ ખવડાવે છે. પૃથ્વીને માતા કહેવાય છે પરંતુ એના પ્રત્યે પૂજ્યભાવ કે લાગણી ક્યાંય માણસમાં જોવા મળતા નથી. અરે ! ખેડૂતો જમીનને ફળદ્રુપ કરવા માટે દર દસ વર્ષે એકાદ વર્ષ માટે એમાં કોઈ પાક ન લેતાં એને આરામ આપે છે. આથી જમીનમાં નીચે ગયેલું ફળદ્રુપતાનું સ્તર ઉપર આવે છે. તો શું આપણે એમ કહીશું કે જમીન બિનઉત્પાદિત રહી એટલે નુકશાન ગયું ? શિવલિંગને દૂધનો અભિષેક થાય છે એ દૂધ જમીનમાં જાય છે અને જમીનની ફળદ્રુપતા અનેક ગણી વધી જાય છે. પરંતુ આપણે પશુ રહ્યા ને ! ‘પશ્યતિ ઈતિ પશુ.’ એવી પશુની વ્યાખ્યા છે. જેટલું જુએ છે એટલું જ માને છે એનું નામ પશુ. દૂધ ઢોળાયું એટલે વ્યર્થ ગયું એમ માનનારા પશુ ગણાય. પરંતુ એ નથી દેખાતું કે જમીનમાં જનારું દૂધ જમીનની ફળદ્રુપતા વધારે છે. ફેક્ટરીઓમાં ઉત્પાદનની સાથે-સાથે જીવલેણ રસાયણો, ગંદો-ગંધાતો કચરો પેદા કરીને એનો યોગ્ય માર્ગે નિકાલ કરવાને બદલે એને નદીમાં વહાવી દઈને પાણી પ્રદુષણ વધાર્યું. એ ઝેરી રસાયણો જમીનમાં ફેલાયા અને જમીન બિન ઉત્પાદક બની. એમાં ઉગેલો પાક માણસ તો ખાઈ ન શકે પરંતુ પ્રાણી ખાય તો એ મરી જાય એવી સ્થિતિ આવી. એ બધું બુદ્ધિમાનોને ચાલે પરંતુ શિવજીને ચઢેલું દૂધ જમીનમાં વહીને જમીનની ફળદ્રુપતા વધારે તો એ લોકોને એમાં વ્યર્થતા દેખાય છે. આને કહેવાય બુદ્ધિનું દેવાળુ. હનુમાનજીના મંદિરમાં પ્રસાદ તરીકે નારિયેળ પૂરતું છે. હનુમાનજી પર ચઢનારા તેલ-સિંદુર જમીનમાં વહી જવા જોઈએ. પ્રસાદ ગણીને એનો ખાવાના તેલ તરીકે ઉપયોગ કરવામાં આવે (હસવાની વાત છે.) તો આપણી તંદુરસ્તીના શું હાલ થાય છે એની જાણ, લારી પર ઊભા રહીને નાસ્તો કરનારાઓને બરાબર જાણ હોય છે.

શિવલિંગ પર અભિષેક કરતી વેળાએ શિવજીની જે ઉપાસના થાય છે તે મુખ્ય હેતુ છે. એ કર્મકાંડથી માણસ દેવત્વ તરફ આગળ વધે છે. એ કઈ રીતે ? તો બધું કાંઈ એક લેખમાં ન સમજી શકાય ! પરંતુ માણસ શિવજીનું મહત્વ ન જાણતો હોય અને મંદિરમાં કોઈ દિવસ ગયો ન હોય અને રોજ પાસેથી જ પસાર થઈ જતો હોય એટલે એને મંદિરના ઓટલે બહાર બેઠેલો ભિખારી જ દેખાતો હોય છે. આવા બુદ્ધિના ખાલી બારદાનો કોઈ દિવસ ઈશ્વરોપાસના કરતા ન હોય પરંતુ મળેલી વધારાની બુદ્ધિ કોઈની શ્રદ્ધાને ઉડાડવામાં વાપરતા હોય છે. એને એટલી પણ જાણ નથી કે ભિખારી મંદિરના ઓટલે જ બહાર કેમ બેસે છે ? એ ભિખારીને પણ જાણ હોય છે કે જે માણસ અંદર મંદિરમાં ભગવાનના દર્શન કરે છે, તેના પર દૂધ તેમજ જળનો અભિષેક કરે છે એ જ માણસ મને (ભિખારીને) કંઈ ને કંઈ આપે છે. તારા જેવો માત્ર દલીલો કરનારો રેશનાલિસ્ટ નહીં ! શા માટે કોઈ ભિખારી બિયર બારના ઓટલે બહાર બેસતો નથી ?

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: