વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

સંકુચિતતા એ અધ્યાત્મના ક્ષેત્રમાં પાપ ગણાય છે. સ્ત્રીઓ સ્વાભાવિક રીતે સંકુચિત હોય છે. આથી અધ્યાત્મ માટે અનિવાર્ય એવો સમર્પણભાવ સ્ત્રીઓમાં સહજ હોવા છતાં સંકુચિતતાને કારણે અધ્યાત્મમાં એ પાછળ રહી જાય છે. ‘હું અને મારું’ એનાથી આગળ સ્ત્રી વિચારી શકતી જ નથી. જો કે એના આ સ્વભાવને કારણે જ પરિવારો ઉભા થાય છે. શંકરાચાર્યજી કહે છે ને, કે ‘નષ્ટે દ્રવ્યે ક: પરિવારો, જ્ઞાતે તત્વે ક: સંસાર:’ ધન ભેગું થાય એટલે ‘ગોળ ત્યાં મકોડા’ની દૃષ્ટિએ એને ભોગવવાની ઈચ્છાવાળા માણસો મીઠું-મીઠું બોલતાં ભેગા આવી મળે અને પરિવાર તૈયાર થઈ જાય. ફક્કડ બાવાને કોણ પોતાની કન્યા પરણાવે ? પરંતુ એ બાવો કોઈને અષ્ટમ-પષ્ટમ ઉઠા ભણાવીને રુપિયા અથવા જમીન કમાવી લાવે એટલે એને પોતાની કન્યા પરણાવવા છોકરીના પિતાઓ તૈયાર થઈ જાય. આમ સંસાર શરૂ થઈ જ જાય. પતિ કમાતો ન હોય તો એની પત્ની પિયર ભાગી જાય અને પતિએ કમાવાનું શરૂ કર્યું છે એવી એને જાણ થાય એટલે પતિની દયા ! આવતાં, પતિની સેવા કરવા એ પાછી સાસરે આવી જાય. પુરુષ પોતાના પરિવારના સભ્યો એવા મા-બાપ, ભાઈ-ભાભી કે ભત્રીજા-ભત્રીજી કે બહેન-બનેવી પાછળ ધન ખર્ચતો હોય તો એની પત્ની હંમેશા એનો વિરોધ કરશે અને પોતાના પતિને એના પરિવાર માટે ઘસાતો અટકાવશે જ ! સ્ત્રી પતિને પ્રેમ કરે છે એ વાસ્તવમાં એના ધનને પ્રેમ કરે છે. પિયરથી આવેલા પોતાના ભાઈને સાચવે છે એ પણ ભાઈ પાસે કેટલું ધન છે એના આધારે પોતાના અનેક ભાઈઓને જુદી-જુદી રીતે સાચવે છે. છતાં પુરુષને જ્યાં સુધી સ્ત્રીની આવશ્યકતા છે ત્યાં સુધી સ્ત્રી વિશે બધું જાણતો હોવા છતાં એને સાચવે છે અને પત્નીની ન ગમતી બાબતોને હસતા મુખે સહન કરે છે. જેને સ્ત્રીમાંથી રસ ઉડી ગયો છે એવો હજારોમાં એકાદ એવો પુરુષ પરણવાનું પસન્દ ન કરતાં આજીવન એકલો રહે છે અને પોતાની શક્તિઓનો સમાજની ભલાઈ માટે ઉપયોગ કરે છે. પુરુષોમાં સંકુચિતતાનું પ્રમાણ ઓછું જોવા મળે છે. પત્નીની અસરમાં આવ્યો ન હોય એવો પુરુષ પોતાના તેમજ પત્નીના પરિવારને, અરે પાડોશીઓને પણ મદદ કરવા તૈયાર જ હોય છે. જો કે બેચલરની ભલમનસાઈનો ગેરલાભ પણ સમાજ ઘણો લેતો હોય છે.

આધ્યાત્મના ક્ષેત્રમાં બ્રહ્મનું મહત્વ છે. બ્રહ્મનું એક લક્ષણ છે સતત વિસ્તરતા રહેવું. આપણે પણ સતત આપણી જાતનો વિસ્તાર કરતા રહેવું જોઈએ. આપણા પોતાના કહી શકાય એવા માણસોની સંખ્યા, આપણા મિત્રો, સ્નેહીઓ, પરિચિતોની સંખ્યામાં સતત વધારો થતો રહેવો જોઈએ. કોઈ સ્વાર્થ વિના માત્ર પ્રેમના તાંતણે બંધાયેલા સંબંધો જ લાંબો સમય ટકે છે. એટલે અહિં વ્યવહાર વધારવાની વાત નથી. માણસ પોતાની સંકુચિતતા છોડે તો સર્વત્ર બ્રહ્મ તત્વ જ વિલસી રહ્યાનો અનુભવ એને માટે સહજ બને અને દેખાતા સર્વ અસ્તિત્વો એ બ્રહ્મના અંશરૂપ છતાં એને પોતાના જ રૂપો જાણીને, એ રીતે પોતાની જાતને વિસ્તારવાથી એક તબક્કે એને તમામ જડ-ચેતનમાં પોતાનો જ આવિર્ભાવ દેખાય. પરંતુ એ માટે હૃદયની વિશાળતા જોઈએ. અજાણ્યા માટે પણ દિલમાં ભાવ હોવો જોઈએ. ‘હું અને મારું’ એવું ન ચાલે. દિવસભર જુદા-જુદા અનેક પ્રસંગોમાં આપણને આપણી જાતનો વિસ્તાર કરવાની અનેક તકો પ્રાપ્ત થાય છે. એને ઝડપી લેવી જોઈએ. બીજાનું સારું થાય એમ હંમેશા જોવું જોઈએ. કોઈનું ખરાબ થઈ રહ્યું હોય તો એ સહન ન થવું જોઈએ.

એક વાર હું ઝુંપડપટી વિસ્તાર આગળથી બાઈક પર પસાર થઈ રહ્યો હતો. ત્યાંના ચારથી લઈને ચૌદ વર્ષના બાળકો બોલ-બેટ રમી રહ્યા હતા. તેઓ વચ્ચે કોઈ બાબતે ઝઘડો ચાલતો હતો. કોઈ કોઈની સાથે ગાળાગાળી કરી રહ્યું હતું તો કોઈએ કોઈનો કોલર પકડ્યો હતો. એવામાં એક છોકરાએ ત્વરાથી બેટ ઉગામ્યું ને ક્ષણવારમાં બીજાનું માથું ફોડી નાંખવાની જ વાર હતી ત્યાં મારું ધ્યાન જતાં પળવારનો વિલમ્બ કર્યા વિના મોટેથી બુમ પાડીને મેં એને પડકાર્યો. બસ, એ ઘાતક પળ વીતી ગઈ એટલે દુર્ઘટના ટળી ગઈ. એ લોકોને લાગ્યું કે કોઈ અમારી નોંધ લઈ રહ્યું છે. આવું બને એટલે તેઓ વિચારવા લાગે. એક વાર વિચારવાનું શરૂ થાય એટલે એક્શન અટકી જાય. વિચારવાનું બંધ થતાં જ તમામ એક્શન શરૂ થાય છે ને ! યુદ્ધનો નિર્ણય લેવાઈ જાય ત્યારબાદ વિચારવાનું બંધ થાય ત્યારે જ એક્શન શરૂ થઈ શકે છે ને ! આવું જ એક વાર એલ. & ટી. સર્કલથી વી.આઈ.પી. રોડ પર આવતા બન્યું હતું. રસ્તાની બાજુ પર આવેલા સયાજીપથની અંદરની બાજુએ એક છોકરાને પકડીને ચાર છોકરાઓએ ઝઘડો શરૂ કર્યો. એ ચાર જણા બે બાઈક પર આવ્યા હતા. નવાઈની વાત એ હતી કે જે છોકરાને તેઓએ પકડ્યો હતો એ પણ પોતાના બે સાગરિતો સાથે એક જ બાઈક પર આવ્યો હતો અને એના બે મિત્રો બાઈક પર બેઠા તમાશો જોઈ રહ્યા હતાં. એ જોતાં-જોતાં એલ. & ટી. સર્કલથી નર્સરી વટાવીને બસો મીટરનું અંતર મેં કાપ્યું એટલી વારમાં, માત્ર પંદર સેકંડમાં તો એ છોકરાને મરણતોલ માર માર્યો અને એને મારી નાંખવાની તૈયારી તેઓની હતી. સ્વાભાવિક રીતે જ ત્યાં પાંચ-સાત દર્શકો મફતનું મનોરંજન જોવા ઉભા રહી ગયા હતા. એક જણો બાઈકના ટેકે ઉભો રહીને પોતાના બે હાથ પાછળ સીટ પર ટેકવીને ફિલ્મનું દૃશ્ય માણી રહ્યો હતો. એની પાછળ બાઈક ઉભું રાખીને મોટેથી બુમ પાડીને મેં તોફાનીઓને પડકાર્યા એના કારણે પેલો દર્શક ગભરાઈને ગબડી પડ્યો. તોફાનીઓએ જોયું કે દસ-બાર જણા ભેગા થઈ ગયા છે. જોયું એટલે વિચારવાનું શરૂ થયું, કોઈ તેઓની નોંધ લઈ રહ્યું છે એમ જણાયું એટલે એક્શન બંધ થઈ ગઈ. પેલાનો જીવ બચી ગયો. જો કે એ છોકરો પણ દુધે ધોયેલો ન હતો. આખું શરીર લોહી નિંગળતું હોવા છતાં થાંભલાના ટેકે ઉભા રહીને એણે ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને પોતાના અન્ય મિત્રોને ઘટનાની જાણ કરી અને તેઓને ક્યારે ફટકારવાના છે એ પૂછ્યું. ત્યારબાદ બાઈક ઉભું રાખીને એના પર બેસીને એના મરવાનો સીન જોઈ રહેલા એના જ બે મિત્રોની પાછળ બાઈક પર બેસીને એ નિકળી ગયો. કોઈએ મને કહ્યું પણ ખરું, કે આમ વચ્ચે પડવાથી આપણું જોખમ વધી જાય ! પરંતુ સાચી વાત એ છે કે તોફાનીઓ માત્ર ટારગેટેડ ઘટનાઓને જ અંજામ આપી શકે છે. અણધાર્યું કંઈક પણ બને એટલે રચનાત્મક કે વ્યૂહાત્મક વિચારક્ષમતા તેઓમાં હોતી જ નથી. એટલે સામાન્ય ચોર હોય કે આતંકવાદી, ઘટનાસ્થળેથી ભાગી છૂટવા સિવાય તેઓ પાસે કોઈ વિકલ્પ હોતો જ નથી. રચનાત્મક કે સર્જનાત્મક કાર્ય કરવા  માટે તો અભય મન જોઈએ. અને અભય મન એ ઈશ્વરની કૃપાનું પરિણામ છે. ભયભીત આતંકવાદીઓ ખરેખર તો બચી શકે જ નહિ. પરંતુ આપણા દેશના ભ્રષ્ટ અને દેશદ્રોહી રાજકારણીઓના કારણે જ એ ઉંદરો બચી જાય છે. કોઈ આતંકવાદી હિમ્મતવાન હોતો જ નથી. બધા જ ઉન્દરોની જેમ છુપાઈને દેશને કાતરી ખાઈને રાજી થાય છે. કોઈ સામી છાતીએ આવવાની હિમત બતાવે છે ખરું ?

આપણે વાત કરીએ છીએ સંકુચિતતા ત્યાગવાની અને વિશાળતા અપનાવવાની. કોઈ વાર મારા દિકરાને લેવા એની સ્કૂલે જવાનું થાય ત્યારે જોઉં કે શાળા છૂટતાં સહુ પોતપોતાના બાળકોને લઈ-લઈને ચાલવા માંડે છે. દરેક બાળક પોતાના વાલી પાસે જાય અને બન્ને ભેગા થાય એટલે ઘર તરફ પ્રયાણ થાય. મને જોતાં જ દસ-બાર બાળકો મારા દિકરાની સાથે-સાથે મારી પાસે વાતો કરવા આવી જાય. એટલે અન્ય વાલીઓ તેમજ સ્કૂલના શિક્ષકો વિચારવા લાગે કે આ કોઈ ટ્યૂટર છે, કે કોઈ કોચ છે ? પરંતુ સ્કૂલે આવતાં-જતાં સહજ તેઓ સાથે, ‘હાય, દોસ્ત કેમ છે તું ? મજામાં ? આવને ક્યારેક ઘરે !’ એમ કર્યું હોય એટલે દિકરાના મિત્રો આપણા ઘરે આવવાનો મોકો શોધે. તક મળતાં જ શનિ-રવિવારે રોકાવા આપણા દિકરાની સાથે તેઓ આપણા ઘરે આવે. એક બે દિવસ રહે અને સગવડની નહિ પરંતુ આત્મીયતાની દૃષ્ટિએ પોતાના ઘર જેવું જ વાતાવરણ લાગે એટલે તેઓને આનન્દ થાય. કોઈ વાર સ્કૂલમાંથી બાળકો પ્રવાસે ગયા હોય તો ચોકસાઈ ધરાવતા આપણે, બાળકો ક્યારે પરત આવવાના છે, એ સમય જાણી લઈએ, સાથે ગયેલા શિક્ષક ભાઈ-બહેનનો મોબાઈલ નમ્બર લઈ રાખીએ અને લેઈટેસ્ટ ઈંફોર્મેશન આપણી પાસે હોય એટલે સમયસર આપણા દિકરાને લેવા માટે જઈએ. આવું બધા વાલીઓ કરી શકતા ન હોય એટલે ઘણા બાળકોના વાલીઓ સમયસર આવી શક્યા ન હોય. આપણે આપણા બાળકને લઈને નિકળી જવાને બદલે આપણા દિકરાના બે-ચાર મિત્રોના વાલીઓ સાથે ફોન પર એની વાત કરાવીએ અને તેઓને આવવામાં સમય લાગે એમ હોય તો તેઓ આવે ત્યાં સુધી એ બાળકોને આપણા ઘરે લઈ જવાની ઓફર કરીએ તો બાળકોને તેમજ વાલીઓને હુંફ રહે કે આપણું બાળક સલામત છે. આમાં કાંઈ વિશેષ કરવાનું હોતું નથી, માત્ર સદભાવનાનો વિસ્તાર કરવાની આવશ્યકતા છે. જીવનમાં નાની-નાની બાબતોમાં સંકુચિતતા છોડીને આપણે આપણી હૃદયની વિશાળતાને વધાર્યા કરીએ તો એનો અનેરો આનન્દ પ્રાપ્ત થાય.

Advertisements

Comments on: "સંકુચિતતા-વિશાળતા" (2)

  1. excellent…i do believe d same & try to act accordingly…m delighted to read this…

  2. ઘણું સરસ ચિંતન!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: