વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

શહેરમાં રહેતા તેમજ ગામડેથી શહેરની મુલાકાતે આવનારા નાગરિકો જંગલી પશુ-પક્ષીઓને નજીકથી જોઈ શકે એ માટે પ્રાણીસંગ્રહાલય બનાવવામાં આવે છે. ‘ઝૂ’ અને ‘ચિડીયાઘર’ તરીકે એ ઓળખાય છે. માણસ પાસે બુદ્ધિ છે જેનો ઉપયોગ કરીને એ સૃષ્ટિમાં સૌથી બળવાન જીવ બની ગયો અને અન્ય જીવોનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરવા લાગ્યો. એનું જ એક દુષ્પરિણામ એટલે વિના વાંકે આજીવન જેલની સજા ભોગવતા નિર્દોષ મનુષ્યેતર પશુ-પક્ષીઓ. ઉડવા માટે આકાશ પણ નાનું પડતું હોય એવા પચાસ જેટલા પક્ષીઓને ચાર બાય ચારના એક પિંજરામાં અને એવા સેંકડો પિંજરાઓ ભરીને તેઓને આજીવન પુરી રાખવા એ જુલ્મ નથી ? સિંહ-વાઘ, રિંછ-ચિત્તા જેવા માંસાહારી પશુઓને જંગલમાં તમે ક્યારેય ભુખથી તડપીને કરાંજતા જોયા કે સાંભળ્યા છે ખરા ? તેઓ ભુખ્યા થાય કે તરત હરણ આદિ પશુનો શિકાર કરીને પોતાનું પેટ ભરી લે. જ્યારે શહેરના પ્રાણીસંગ્રહાલયમાં પુરેલા સિંહ-વાઘને સવાર-સાંજ ભુખ્યા પેટે બરાડતા સાંભળવાનું થાય છે એટલી વાર વ્યથા થાય છે. શહેરીજનોને તો ખબર પણ નહિ પડતી હોય કે ત્રાડો પાડતા વાઘ-સિંહો ભુખ સહન ન થતી હોવાને કારણે કરાંજી રહ્યા છે. કોઈ માણસને દસ ફુટ પહોળા અને દસ ફુટ ઉંચા પિંજરામાં (જેલમાં) નાંખી દઈએ અને એને જે ગુંગણામણ થાય એવી તકલીફ ઉંચે આકાશમાં ઉડતા પક્ષીઓને પિંજરામાં પુરવાથી થતી હોય છે. માણસ સંવેદનશીલ હોય તો એ પ્રાણીઓ-પક્ષીઓને વિના વાંકે માત્ર પોતાના મનોરંજન માટે આજીવન કારાવાસમાં પુરી દેવાની કોશિશ કેવી રીતે કરી શકે ? સિંહ અને વાઘને કે રિંછ તેમજ ચિત્તાને જેટલા કિલો માંસ ખોરાકમાં જોઈએ એટલું મળી જતું હોય તો એણે ચીસાચીસ કરવાની જરૂર જ ક્યાં રહે છે ? પરંતુ એવું નથી બનતું એટલે જ તેઓ પીડાય છે. ભુખના માર્યા સિંહ જેવા વનરાજા કે વાઘના જેવા શાનદાર પ્રાણીઓ ભુખ શાંત કરવા બિલાડીની જેમ બુમાબુમ કરે એવી પીડાનો તેઓને અનુભવ કરાવવો એ શું યોગ્ય છે ? પિંજરાની બહાર કોઈ કુતરો કે એવા અન્ય કોઈ પ્રાણીને જોતાં જ પિંજરામાં પુરાયેલા ચિત્તો-રિંછ, વાઘ-સિંહ એટલા બધા ઉત્તેજીત થઈને તેનો શિકાર કરવા તૈયાર થઈ જતા હોય છે કે પળવાર માટે તેઓ ભુલી જાય છે કે કુતરું પિંજરાની બહાર છે અને પોતે પિંજરામાં કેદ પુરાયેલ છે. કોઈ નિષ્ણાત પશુશાસ્ત્રી એમ કહે કે પશુઓની ત્રાડો ભુખના કારણે નથી તો એ સાવ જુઠ્ઠી વાત છે. એ માટે કોઈ ચર્ચાની આવશ્યકતા નથી. ખોરાક લીધા બાદ પણ તરત જ સિંહ તેમજ વાઘ ભુખ્યા થઈ જતા હોય છે. કારણ કે તેઓને જંગલનું કુદરતી જીવન ઉપલબ્ધ ન હોવાથી તેઓનું મન અન્ય દિનચર્યામાં પરોવાતું નથી.

માત્ર ખોરાકની જ સમસ્યા નથી. વિજળી વેગે દરરોજ સેંકડો કિલોમીટરનું અંતર કાપીને પોતાના શરીરને એક્સર્સાઈઝ કરાવવાનો, શિકાર પર ઝપટ મારવાની, એને ગળેથી પકડીને એના શ્વાસ બંધ કરીને એનું મૃત્યુ નિપજાવવાની કુદરતી ટેવો સંતોષાતી ન હોવાથી એનું જીવન એને પળેપળ વ્યર્થ લાગે છે. એમ કરીને પશુઓને રિબાવવાની માણસને છૂટ આપી શકાય ખરી ? પક્ષીઓ પણ એક ઝાડ પરથી હજારો ઝાડ પર ઉડાઉડ કરતા હોય છે. પક્ષીઓ તો એક સિઝનમાં હજારો કિલોમીટરનો પ્રવાસ પણ ખેડતા હોય છે. સિઝન પ્રમાણે એક દેશમાંથી ઉડવાનું શરૂ કરે અને સાત સમુન્દર પાર કરીને અન્ય દેશોમાં પ્રવાસ કરે છે. એકસાથે હજારોની સંખ્યામાં રાત-દિવસ જોયા વિના સાત દિવસ કે પંદર દિવસ નોનસ્ટોપ ઉડ્યા કરતા પક્ષીઓને આજીવન એક પિંજરામાં પુરી દેવા અને એમ કરીને તેઓને કેટલી હદે, કેટલી માત્રામાં પીડા અપાય છે એ મનોવૈજ્ઞાનિકો નક્કી કરી શકે. મુંગા પશુ-પક્ષીઓ બોલી શકતા નથી, દલીલ કરી શકતા નથી એટલે તેઓ પર જુલ્મ કરવાનો શું માનવને અધિકાર મળી જાય છે ? સવાલ એ છે કે આવા પશુ-પક્ષીઓને નજીકથી જોવા છતાં તેઓ પ્રત્યે સંવેદના જાગતી નથી એવા સંવેદન બધિર માણસ અંગે કેવા ખ્યાલો બાંધવા ?

એક કાળે સરકસમાં પશુ-પક્ષીઓ પાસેથી કામ લેવામાં આવતું હતું. એ માટે તેઓને તાલીમ આપવા તેઓ પર અતિશય અત્યાચાર ગુજારવામાં આવતો હતો. હાથી જેવા સ્વમાની પ્રાણી પાસે કામ લેવા માટે તો એને મહિનાઓ સુધી ભુખ્યો રાખવામાં આવતો. સિંહ તેમજ વાઘ જેવા હિંસક પ્રાણીઓને મનથી કહ્યાગરી બકરી બનાવી દેવા તેઓ પર ખુબ જ ત્રાસ વર્તાવવામાં આવતો. હવે તો આંતરરાષ્ટ્રીય કાયદો થઈ ગયો છે કે સરકસમાં પ્રાણીઓ પાસે કામ ન લેવું એટલે કોઈનું કંઈ ચાલતું નથી. કળિકાળમાં પણ કેવી સદભાવનાની હવા ફેલાય છે ! ક્યાંથી કોને કેવી રીતે આવી પ્રેરણાઓ મળતી હશે અને એનું પ્રાબલ્ય પણ કેવું કે સમગ્ર વિશ્વમાં એની અસર ફેલાઈ જાય ! જો કે અહિંયા માણસે જાતે સમજીને પણ કંઈ નિર્ણયો લેવા જોઈએ. કાયદો બન્યા બાદ એને માન આપવું એ એક વાત છે પરંતુ માનવીય ધોરણે સંવેદના પર આધારિત વર્તવાનું પણ આવડવું જોઈએ. હંમેશા લાકડીથી ડરીને સીધા ચાલવું એ સજ્જન માણસનું લક્ષણ નથી. પ્રાણીસંગ્રહાલયોની સાથે-સાથે અભયારણ્યો પણ બનાવવામાં આવ્યા છે એ ઘણી સારી વાત છે. અભયારણ્યમાં પશુઓના કુદરતી જીવન પર કોઈ બંધન નથી. ઉલટાનું પશુના શિકાર પર અભયારણ્યમાં પ્રતિબન્ધ લાદીને તેઓને રક્ષણ પુરું પાડવામાં આવે છે. આવા અભયારણ્યો વધુ ને વધુ બનવા જોઈએ અને સાચા અર્થમાં એ અભયારણ્યો બનવા જોઈએ. જો કે ઘણા જંગલખાતાના અધિકારીઓ પોતાની ફરજ બરાબર ન બજાવતા હોવાને કારણે કેટલાક લાલચુ માણસો વાઘ-સિંહ તેમજ હાથી વગેરેનો શિકાર કરી નાંખતા હોય છે. અથવા જંગલમાં જ કોઈ ખાડામાં પડી જવાથી અકસ્માતે વાઘ-સિંહનું મૃત્યુ થઈ જતું હોય છે. તો ક્યારેક અધિકારીઓની સંડોવણી પણ એમાં બહાર આવતી હોય છે. અભયારણ્ય હોવા છતાં સતત ઘટતી જતી વાઘ-સિંહની વસતી માટે લાગતા-વળગતા જવાબદાર માણસોને સજા કરવી જોઈએ.

પ્રાણીસંગ્રહાલયની મુલાકાતે આવનારા શાળાના બાળકો તેમજ કિશોરો શિસ્તમાં રહીને પશુ-પક્ષીઓના નિરીક્ષણનો આનન્દ માણતા હોય છે. પરંતુ મુલાકાત લેનારા તેઓમાંના જ કોઈ એક અથવા એકલ-દોકલ મિત્રો એવા તોફાની પણ હોય છે જે પિંજરામાં પુરાયેલા વાઘ-સિંહ કે રિંછ-ચિત્તાને પજવવાનું છોડતા નથી. તેઓને સળી કરવી કે તેઓના પગ ખેંચવા, પુંછડી ખેંચવી વગેરે હરકતો કરીને પ્રાણીઓને પજવતા હોય છે. આ પ્રાણીઓ ક્યારેક ઝપટ મારીને આવા તોફાનીઓની આંગળી કે હાથનો પંજો મુખમાં લઈને તોડી નાંખતા હોય છે.

પ્રાણીસંગ્રહાલયમાં પુરાયેલા પ્રાણીઓને મુક્ત કરાવવા છતાં શહેરના બાળકોને તેમજ ગામડાની શાળાઓના બાળકોને પ્રાણીઓ જોવાનો લાભ આપવો હોય તો એક વિચાર કરવા જેવો છે. દા.ત. વડોદરામાં સયાજીબાગનો વિચાર કરીએ તો આગળના ભાગે ફતેહગંજના રાણાપ્રતાપ ચોક પાસે ગેટ નં. 1 છે, પ્રતાપગંજની સામે બેંડ સ્ટેંડ ગેટ નં. 2 છે અને સયાજીગંજ કાલાઘોડા પાસે ગેટ નં. 3 છે. પાછળના ભાગે જોઈએ તો બાલભવનથી શરૂ કરીને રાણા પ્રતાપ ચોક છે. બાગની બોર્ડર સમગ્ર રીતે કવર થાય એ રીતે એને ત્રીસ ફુટ ઉંચા જાડા મજબૂત લોખંડના સળિયાથી બંધ કરી શકાય. આમ કરવાથી સયાજીબાગના તમામ પ્રાણીઓને ખુલ્લામાં હરવા-ફરવાનો આનન્દ મળી શકે. અલબત્ત એક જાતિનું પ્રાણી અન્ય જાતિના પ્રાણીના વિસ્તારમાં ન જઈ શકે એ રીતે આંતરિક ફેંસિંગ કરવાની જરૂર છે. હવે કોઈ પણ માણસે આ પ્રાણીઓને જોવા હોય તો માણસો માટે સયાજીબાગની અંદર ફરવા માટે દસ ફુટ પહોળી અને દસ ફુટ ઉંચી પારદર્શક જાડા કાચની દિવાલો બનાવવી. ટોયટ્રેન માટે બીજી એક દસ ફુટ પહોળી અને દસ ફુટ ઉંચી કાચની દિવાલો બનાવવી. એક જગ્યામાં માણસો ચાલતા-ફરતા રહે અને અન્યમાં ટોયટ્રેન ચાલે. એ કાચની દિવાલની અંદરના ભાગે મુલાકાતીઓ બાગમાં ફરતા રહે અને પ્રાણીઓ ખુલ્લી જગ્યામાં ફરતા રહે. તેઓને ખોરાક પણ ખુલ્લી જગ્યામાં જ અપાય. આ જ દિવાલો વચ્ચેથી મ્યુઝિયમ, મિલ્કબાર વગેરે સ્થળોએ પણ જઈ શકાય એ રીતે રસ્તો તૈયાર કરવો રહ્યો.

પક્ષીઓ માટે પણ કોઈ વિચારણા જરૂર થઈ શકે. ઉડવા માટે તેઓને વધુ વિસ્તાર મળી રહે એ માટે પક્ષીઓના વિશાળ પિંજરાઓ તૈયાર કરી શકાય જેમાં વૃક્ષો સુદ્ધાં સમાઈ શકે. એ વૃક્ષો પર પક્ષીઓ કુદરતી માળા બાંધી શકે. એક ઝાડ પરથી ઉડીને બીજા ઝાડ પર પણ જઈ શકે. વરસાદ, ઠંડી કે ગરમી સામે પોતાની રીતે જ રક્ષણ મેળવી શકે. મૂળ સિદ્ધાંત એ છે કે મન હોય તો માળવે જવાય. પશુ-પક્ષીઓ માટે સંવેદના જાગૃત કરવાથી તેઓના જીવનને આજીવન કારાવાસમાંથી કુદરતી જીવનમાં પરિવર્તિત કરી શકાય છે.

Advertisements

Comments on: "પ્રાણીસંગ્રહાલય" (1)

  1. ૧૯૯૦-૯૫ વર્ષો દરમિયાન વાઘ-સિંહની ત્રાડો સયાજી હોસ્પિટલ સુધી સંભળાતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: