વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

અમારી આર્ટ્સ કોલેજના પ્રિંસિપાલ કહેતા કે લાયબ્રેરી એ આર્ટ્સ કોલેજની લેબોરેટરી છે. માનવમનમાં ચાલી રહેલા કેમિકલ કમ્પાઉંડ પર ત્યાં પ્રયોગો થાય છે. મારી એ સમજણ છે કે સંપર્ક વિના પ્રેમ ના થાય. માટે શાળા-કોલેજના વિદ્યાર્થીઓને લાયબ્રેરીમાં લઈ જવા જોઈએ. તેઓનો પુસ્તક સાથે સંપર્ક કરાવવો જોઈએ. છોકરાઓ પણ એકબીજાને ફ્રંટ સાઈડથી જુએ છે પછી નક્કી કરે છે ને કે એની સાથે મિત્રતા કરવી કે નહિ. મોબાઈલ ફોનને પણ એનો ફ્રંટ સાઈડનો દેખાવ જોઈને જ એને પસન્દ કરવાનું મન થાય છે. ભગવાનનો ફોટો પણ આપણને સામી બાજુએથી જ દેખવો ગમે છે ને ! ત્યારે પુસ્તકાલયમાં મોટા-મોટા રેક (ઘોડા)માં રાખેલા પુસ્તકોની ફ્રંટ સાઈડ તો કોઈને જોવા મળતી જ નથી. માત્ર અડધો ઈંચની સાઈડની પટ્ટી પરથી નક્કી કરવાનું રહે કે પુસ્તક વાંચવા જેવું છે કે નહિ. વળી પુસ્તકો પણ કેવા ગીચ અને દબાવીને ગોઠવેલા હોય છે. હીટલરે દસ બાય દસની ઓરડીમાં ગેસ ચેમ્બર બનાવીને હજાર યહુદી  સૈનિકોને મારી નાંખવા માટે પૂર્યા હોય એ રીતે તમામ પુસ્તકોના છાતી અને પેટ આગળના પુસ્તકની પીઠ સાથે દબાયેલા હોય છે. એ રેકમાંથી એક પુસ્તક તમે લેવા જાઓ તો સભ્યતાથી જેમ કઠણ લાડવો તુટે નહિ ને તમારે ગોઠણભેર થઈને લાડવા પર આખા શરીરનું વજન આપવું પડે એમ તમારી પહેલી આંગળી અને અંગુઠાથી કામ ન ચાલતા તમારે બન્ને હાથે રીતસર ખેંચાખેંચ કરવી પડે ત્યારે પુસ્તક તમારા હાથમાં આવે, અને એ પણ, કોઈને લગનની કંકોતરીમાં ‘ફક્ત એક વ્યક્તિ’ એમ સ્પષ્ટ લખીને આમંત્રણ આપ્યું હોય છતાં એ હાકેટમ (સહકુટુમ્બ) પધારે એમ એક પુસ્તક લેવા જતાં એ પુસ્તક બીજા ચાર-પાંચ પુસ્તકને પણ સાથે લેતું આવે. એટલે જેને સરકસમાં એક સાથે ચાર-પાંચ દડા ઉછાળીને કેચ કરવાની પ્રેક્ટીસ હોય એવા જગલરે જ લાયબ્રેરીમાં જવું.

વળી લાયબ્રેરીઅન પણ અગિયારથી પાંચ પોતાની ટેબલ-ખુરશીવાળી નોકરી હોય એમ એક જ જગ્યાએ બિરાજમાન રહે છે. અને સાસરે નવી આવેલી વહુ પોતાનો દાયજો કોઈ સાસરિયાને ઝટ બતાવે નહિ એમ શાળા-કોલેજના કોઈ વિદ્યાર્થીને એ લાયબ્રેરીના પુસ્તકો બતાવતા અચકાતો હોય છે. પ્રિંસિપાલને કહીને એ સખત નિયમ બનાવડાવી દે કે વર્ગમાં શિક્ષક કે પ્રોફેસર જે ટેક્સ્ટબુક કે રેફરંસબુકનું નામ આપે, ઓથરનું નામ આપે, પબ્લીકેશનનું નામ આપે એ એક ચબરખીમાં લખીને લાયબ્રેરીઅનને આપી દેવાનું. પછી લાયબ્રેરીઅનનો આસીસ્ટંટ અંદર જઈને એ પુસ્તક શોધીને લઈ આવે. આળસુ આસીસ્ટંટ કહી દે કે ‘પુસ્તક નથી’ એટલે એને બ્રહ્મવાક્ય ગણીને વિદ્યાર્થીએ આજ્ઞાંકિત બનીને ત્યાંથી નિકળી જવાનું. વિદ્યાર્થીને અંદર જવાની પરમિશન મળે તો એ બધા પુસ્તકો ફેંદી નાંખે અને લાયબ્રેરીઅનની મહેનત વધારી મુકે. લાયબ્રેરીઅનને એ ગમે નહિ. પરંતુ લાયબ્રેરીઅન એ વાત સીધી રીતે પ્રિંસિપાલને કરે તો લાયબ્રેરીઅનની આળસ છતી થાય એટલે પોતે વાંકમાં ન આવે એ માટે લાયબ્રેરીઅન લાયબ્રેરીમાં ગોઠવેલા પુસ્તકના કેટલાક પાના ફાડી નાંખે અને વાંક વિદ્યાર્થીઓનો કાઢે અને એ રીતે વિદ્યાર્થીનું લાયબ્રેરીમાં પ્રવેશવાનું બંધ થઈ જાય. અમુક લાયબ્રેરીઅનનો તો એવા પણ જોયા છે કે તેઓની દમદાટી પ્રાધ્યાપકો પર પણ એવી જ સખત ચાલે. કોઈ પુસ્તક ખાસ અભ્યાસ માટે કોઈ પ્રાધ્યાપકે પોતાની પાસે મુદત કરતા વધુ સમય માટે રાખી લીધું હોય તો વિદ્યાર્થીને ઠપકો આપતો હોય એમ પ્રાધ્યાપક પાસેથી દંડ વસૂલ કરતી વખતે એને પણ ઠપકો આપે. આપેલી મુદત કરતાં વધુ સમય લાગ્યો હોય એનું જરૂરી કારણ હોય અને એ માટે પ્રાધ્યાપક દંડ ચુકવવા તૈયાર હોય છતાં લાયબ્રેરીઅનને એમ લાગે કે પ્રાધ્યાપકને પણ ઠપકો આપ્યા વિના કેમ છોડાય ?

પુસ્તક વાચકથી ગુમ થયું અથવા પુસ્તકને નુક્શાન થયું તો એનો દંડ કેવી રીતે વસૂલ કરવો ? પુસ્તક જુનું હોય ને એ આજના ભાવે ખરીદવાનું થાય તો આજે એની કિમ્મત કેટલી, એ કેવી રીતે જાણવું વગેરે અનેક પ્રશ્નો ઉભા કરીને લાયબ્રેરીઅન એવું વાતાવરણ સર્જે છે કે માંડમાંડ વિદ્યાર્થીને પુસ્તક સાથે સંપર્ક કરાવીને લાયબ્રેરીમાં લઈ આવ્યા હોય ત્યાં એને નફરત થઈ જાય. લાયબ્રેરીઅન એવો હોવો જોઈએ કે જે પોતે વાચનપ્રિય હોય, અન્ય માણસો વાંચતા થાય એમાં એને રસ હોય, નવા-નવા પ્રયોગો કરવામાં એને મજા પડે, પુસ્તકો કેવી રીતે ગોઠવવા કે જેથી તદ્દન નવા વાચકને પુસ્તક સાથે પ્રેમ થઈ જાય, એ અંગે જેને વિચારવું ગમે. ક્રોસવર્ડ જેવા પુસ્તકના સ્ટોર આધુનિક વ્યાખ્યામાં ઘણા ફીટ બેસે છે. તેઓ માત્ર પુસ્તકો જ નથી વેચતા પરંતુ પુસ્તકના પ્રતિષ્ઠીત તેમજ લોકપ્રિય લેખકોને આમંત્રણ આપીને બોલાવે છે અને વાચકો સમક્ષ તેઓના વ્યાખ્યાનનું આયોજન પણ કરે છે. વ્યાખ્યાનના અંતે પ્રશ્નોત્તરી પણ રાખવામાં આવે છે. અમદાવાદની બ્રિટિશ લાયબ્રેરીની મુલાકાત દરમિયાન મેં જોયું કે નાના બાળકોના વિભાગમાં રંગબેરંગી, વિભિન્ન આકારના આકર્ષક પુસ્તકો ઉપરાંત અનેકવિધ રમકડાઓ પણ રાખ્યા છે. બાળકો તો રમતા-રમતા જ વાંચે ને ! અરે, નવજાત શિશુને લઈને એના માતા-પિતા લાયબ્રેરીમાં બેસીને વાંચી શકે અથવા પુસ્તકો જોઈ શકે એ માટે એ બાળકના સુવા માટે ઘોડિયાની વ્યવસ્થા પણ એ લાયબ્રેરીમાં કરવામાં આવી છે.

પુસ્તકાલય અને વાંચનાલય એવા લાયબ્રેરીના બે વિભાગ છે. બન્નેનું બરાબર ધ્યાન રખાય એવું હોવું જોઈએ. વાંચનાલયમાં વાંચવા માટે આવતા વાચકો મેગેઝીન તેમજ છાપાના પાના ઉથલાવતા હોય ત્યારે પંખાની હવા તકલીફ આપતી હોય છે માટે વાંચનાલયોમાં એ.સી.ની ઠંડક હોવી જોઈએ. વાચન હેતુ સિવાય કોઈ આરામ કરવા જેવા અન્ય ઈરાદાથી આવતું હોય તો એના માટે પ્રતિબન્ધ હોવો જોઈએ. કેટલાક લાયબ્રેરીઅન એવા હોય છે કે લેટેસ્ટ મેગેઝીંસ વાચકોને ઉપલબ્ધ કરાવવાને બદલે જે-તે સંસ્થાના અંડરમાં લાયબ્રેરી ચાલતી હોય એ સંસ્થાના હેડની ચાપલુસી કરવા એના ઘરે નવા-નવા મેગેઝીંસ મોકલાવી દે છે અને એ વંચાઈ જાય ત્યારબાદ એને વાચકો માટે ઉપલબ્ધ કરાવે છે. વાચકોને લેઈટેસ્ટ મેગેઝિંસ આપવા જ જોઈએ. પોતાને ત્યાં નિયમિત આવતા વાચકોના પ્રકાર પરથી કયા મેગેઝિંસ ચાલુ કરવા ને કયા મેગેઝિંસ બંધ કરવા એ માટે પણ સતત મગજ દોડાવવું પડે છે. આજના કાળમાં સી.સી.ટી.વી. કેમેરાની નજર તો મંદિરમાં પણ હોવી અનિવાર્ય છે તો લાયબ્રેરી એમાંથી કેવી રીતે બાકાત રહી શકે ? વાંચનાલય તેમજ પુસ્તકાલયના કેટલાક વાચકો છાપા તેમજ મેગેઝિંસ તેમજ પુસ્તકોના પાનાઓ ફાડીને પોતાની સાથે લઈ જતાં હોય છે. એ વિકૃતિથી બચાવીને સાહિત્ય સામગ્રીને રક્ષણ આપવા માટે એનો ખુણેખુણો સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ હોવો જોઈએ. પુસ્તકાલયના કામકાજના કલાકો નક્કી કરતી વખતે વધુ વિચાર કરવાની જરૂર છે. કારણ કે સામાન્ય રીતે આર્થિક પ્રવૃત્તિ કરતો વાચક પોતાના સ્પેર ટાઈમમાં જ લાયબ્રેરીની મુલાકાત લેતો હોય છે. એ જ રીતે વિદ્યાર્થીઓ પણ કામકાજના દિવસોએ શાળા-કોલેજમાં તેમજ ટ્યુશન ક્લાસીસમાં વ્યસ્ત હોય છે. રજાના દિવસોએ વાચકો ઈતર પ્રવૃત્તિમાં સમય આપે છે. આથી વાંચનાલય તેમજ પુસ્તકાલય એ સમયે ફુલટાઈમ ચાલવા જોઈએ. મોટા ભાગના પુસ્તકાલયો રવિવારે તેમજ જાહેર રજાના દિવસોએ તથા તહેવારોના સમયે બંધ હોય એ કેમ ચાલે ? મહાપુરુષોની જન્મ જયંતિઓ, પુણ્યતિથિઓ, વગેરે દિવસોએ સામાન્ય માણસ કોઈ ખાસ પ્રવૃત્તિ કરતો ન હોવાથી એ લાયબ્રેરીમાં જવાનું નક્કી કરે તો ત્યાં પણ રજા રાખવામાં આવી હોય. અને માણસો જ્યારે પોતાનામાં વ્યસ્ત હોય ત્યારે લાયબ્રેરીઓ ખુલ્લી હોય એનો શો અર્થ ?

પુસ્તકાલયોમાં પુસ્તકોના ડેમોંસ્ટ્રેશનનું પણ વિજ્ઞાન છે. વાનગી ઉત્તમ હોય પરંતુ એનું ડેકોરેશન બરાબર ન હોય તો ઝટ એ વાનગી ઉપડતી નથી. એમ સતત ઈનોવેશન થતું રહેવું જોઈએ. વાચક પોતાની રીતે પોતાને ગમે ત્યાં, જ્યાંથી પુસ્તક લીધું ત્યાં બેસીને પુસ્તક જોવાનું શરૂ કરે ને રસ પડતાં ત્યાં રાખેલા નાના સ્ટૂલ પર બેસીને એ પુસ્તકનો થોડો ભાગ વાંચે અને એને ખરીદી લે એવું પ્રોત્સાહક વાતાવરણ ઉભું કરવું જોઈએ. નવો વાચક નાના બાળક જેવો છે. એને પોતાના માટે કયું પુસ્તક ઉપયોગી છે એની શરૂઆતમાં જાણ નથી હોતી. માટે બુકસ્ટોર કે પુસ્તકાલયના માણસે જાતે વાંચીને સારા-સારા પુસ્તકોને ચુંટીને એને સજાવવા જોઈએ. વાચક કે ગ્રાહક દુકાનમાં કે લાયબ્રેરીમાં પ્રવેશે એટલે એને સહકાર આપવા, એના રસ-રુચી જાણવા, એ કઈ પ્રવૃત્તિ કરે છે, એનો કઈ શાખામાં કેટલો અભ્યાસ છે એ જાણીને એને ગમી શકે એવા પુસ્તક અંગેનું માર્ગદર્શન પુરું પાડવું જોઈએ. કોઈ એક વ્યક્તિ જ નહિ પરંતુ પુરુષો, મહિલાઓ તેમજ બાળકો ઉપરાંત બિઝનેસમેન, નોકરિયાત વર્ગ, તમામનું ધ્યાન રાખીને પુસ્તકો વેચાણમાં અથવા વાંચવા માટે રાખ્યા હોય તો આખેઆખો પરિવાર નિયમિત રીતે લાયબ્રેરીની, બુકસ્ટોરની મુલાકાત લેતો થાય એવી સ્થિતિ ઉભી કરી શકાય.

રમતના મેદાનમાં જેટલા માણસો એકઠાં થાય છે એટલો જ ત્યાં કોલાહલ હોય છે, બજારમાં કેટલા બધા માણસો જોવા મળે છે એટલો જ ત્યાં ઘોંઘાટ પણ હોય છે પરંતુ મંદિરે જેટલી ભીડ થાય છે એટલા પ્રમાણમાં ત્યાં શાંતિ હોય છે; એટલા જ માણસો લાયબ્રેરીમાં પણ હોય ને છતાં એ સ્થળે મંદિરની શાંતિ અને શાંત ચિત્તે વાંચતા વાચકો હોય એવું વાતાવરણ ઉભું થઈ શકે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: