વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

માણસ કેવી રીતે આપે છે ? મંદિરની દાનપેટીમાં માણસને રુપિયા નાંખતા જોયો છે ? ‘અતિથિ તુમ કબ જાઓગે’ મુવીમાં પરેશ રાવલ કેવી રીતે વોચમેનને દસ રુપિયાની નોટ આપે છે એ વિચારો. મંદિરમાં જઈને દર્શનાર્થી પેંટના પાછલા ખિસ્સામાં રાખેલું પાકીટ કાઢશે. એના ખાનામાં રાખેલી હજાર રુપિયાની નોટો જવા દેશે ત્યારબાદ પાંચસોની, સો-સોની, પચાસની, વીસની નોટ પણ જવા દેશે. હવે દસની નાંખવી કે પાંચની એ વિકલ્પ એને પજવશે. હળવેકથી એ બટનવાળું પરચુરણનું ખાનું ખોલશે. એમાં એક, બે અને પાંચનો સિક્કો જોઈને વિચારશે, પાંચ રુપિયા બજારમાં મળતા નથી એટલે બે રુપિયાનો સિક્કો જ પેટીમાં નાંખી દઉં. પછી વિચારશે, ના-ના, ભગવાનતો ભાવના ભુખ્યા છે ને ! તો પછી એક રુપિયાથી જ કામ ચલાવી લઈએ. અને એક રુપિયો દાનપેટીમાં નાંખીને ધન્યતા અનુભવતો એ ભગત બે હાથ જોડીને પ્રભુને કહેશે, ‘ભગવાન, મારી પત્નીની તબિયત ડોક્ટરની દવા વિના સારી કરી દેજો, મારા દિકરાને બોર્ડમાં પહેલા નમ્બરે પાસ કરી દેજો, મારા પાડોશી કરતા મને મોંઘી ગાડી અપાવજો, શક્ય હોય તો લોટરી પણ લગાડી દેજો અને શેરના ભાવ ઉંચા જાય એવું પણ કરજો, હોં ને ભગવાન ! હવે એક રુપિયામાં ભગવાન તારું કેટલું કામ કરે ? એની સામે એ જ સંપન્ન માણસની હોસ્ટેલમાં ભણતી ચૌદ વર્ષની દિકરી, વેકેશન પુરું થતાં ઘરેથી વિદાય લેતી હોય ને એના પપ્પાને વળગીને તેઓના ગાલને ચુમીને હસતાં-હસતાં કહે, કે પપ્પા મારા પોકેટમની લાવો ! ત્યારે એનો પપ્પો હરખપદુડો થઈને ખિસ્સામાંથી આખું પાકીટ કાઢીને એ દિકરીને આપી દેશે જેમાં હજાર-હજારની દસ-બાર નોટો હોય, પાંચ-સાત પાંચસોની તેમજ એવી જ બીજી નોટો હોય. એમાંથી પાંચસોની એક નોટ લઈને દિકરી એમ કહેતા એના પપ્પાને એમનું પર્સ પાછું આપશે, કે ‘તમે આખેઆખા મારા છો એટલે તમારું બધું જ મારું છે તેમ છતાં મને દર મહિને ખિસ્સાખર્ચ માટે પાંચસો રુપિયાની જરૂર છે. માટે ભુલ્યા વિના દર મહિને પાંચસો રુપિયા મોકલાવી દે જો. બાકી તમામ જરુરિયાતના રુપિયા એડવાંસમાં જ પેઈડ થઈ ગયા છે એટલે કોઈ ચિંતા નથી.’ દિકરી સાથેના આવા પ્રેમાળ સંવાદ બાદ ઉત્સાહમાં આવી ગયેલા પિતા બજારમાં જઈને પાંચ હજાર રુપિયા કમાવી શકે. તો ભગવાનના મંદિરમાં આપેલા રુપિયા કે સમાજના કોઈ ખરેખરા સારા કામ માટે આપેલા રુપિયાથી હૃદયમાં બેઠેલો ભગવાન કેટલો બધો રાજી થાય ! એ કેટલી બધી શાબાશી આપ્યા કરે ! એ તો જે આવું કરી જુએ એને અનુભવ મળે. પોતાની સીટ કોઈ વૃદ્ધને આપી દઈને ચાર-છ કલાક ઉભો રહીને એસ. ટી. બસની મુસાફરી કરનાર યુવાનને એના અંતરાત્મા તરફથી જે ઉત્સાહ મળે છે એ જ એની સાબિતી છે.  કોઈ બનાવટી વાત કરી હોય તો આંતરિક અનુભુતિ એની સાબિતી તરત જ આપી દે છે. કોઈને કંઈ આપવાથી અથવા બીજા માટે કંઈ કરવાથી માણસનો ઉત્સાહ એટલો બધો વધી જાય છે કે એના જીવનમાં આનન્દ – આનન્દ થઈ જાય છે. બસો-પાંચસો રુપિયા બીજા પાછળ ખર્ચવાથી જે આનન્દ મળે છે તે પોતા માટે લાખ રુપિયા ખર્ચવાથી પણ મળતો નથી. અધ્યાત્મમાં એવું સ્પષ્ટ છે કે બીજા માટે કરેલી માગણી તરત મંજુર થાય છે જ્યારે પોતાના માટે કરેલી માંગણીને પાસ થતાં ઘણો સમય લાગી જાય છે.

એક સ્વામિજી કહેતા કે દાનપેટીમાં રુપિયા નાંખતી વખતે દર્શનાર્થીને ક્યારેય એવો પ્રયોગ કરવાનું મન થાય ખરું કે ખિસ્સામાંથી પાકીટ કાઢીને એમાંથી જે નોટ પહેલી હાથમાં આવે એ દાનપેટીમાં નાંખી દેવાની ! પાકીટ ઘરે ભુલી ગયા હો તો હાથની આંગળી પર પહેરેલી વીંટી કાઢીને, મન બદલાય એ પહેલા પેટીમાં નાંખી દેવાની ! માત્ર રુપિયા આપવાની વાત નથી. કંઈ પણ આપવું એ મોટી વાત છે. મંદિરના ઓટલે, બાગ-બગીચાના બાંકડે બેઠેલા એકલા ઘરડા માણસોને જોયા છે ? મંદિરે જઈને ભગવાનના દર્શન અચુક કરવાના, બાગમાં જઈને આનન્દ કરવાનો પણ સાથે-સાથે પાંચ – દસ મિનિટ એ વૃદ્ધો સાથે બેસીને એમને, ‘કેમ છો ?’ કહી શકાય કે નહિ ? આવું કહેતાની સાથે જ ભીની થયેલી તેઓની આંખોના ખુણા જોવા મળશે. ધીરે-ધીરે એ વડીલ પોતાનું હૃદય ખોલશે. વાતોથી એમની વ્યથા નિકળી જાય એટલે એ વહી જાય અને તેઓ હળવા થઈ જાય અને પ્રફુલ્લિત મને ઘરે જાય. ઘરના માણસોને પણ તેઓની નવી પ્રસન્નતા ગમે. એક વાર માટે પાંચ મિનિટ આપેલો સમય એ વૃદ્ધનું અઠવાડિયું સુધારી દે.

ઘણા માણસો પોતાના માટે કામની ન હોય કે પોતાને ન ગમતી હોય એવી ચીજ-વસ્તુઓ બીજાને આપી દે છે અથવા સસ્તા ભાવે વેચી દે છે. ‘પોતાને જે ગમતું હોય તેમજ આવશ્યક હોય એ જ બીજાને આપવું’ એમ અધ્યાત્મ કહે છે. કોઈ તમને તેઓ માટે નકામી થઈ ગયેલી અથવા એને ન ગમતી ચીજ વસ્તુ આપે તો એ લેવી ન ગમવી જોઈએ. ખરીદવાની બાબતે પણ એ ધ્યાન રાખવાનું રહે કે બજારમાંથી નવી જ વસ્તુ ખરીદવી જોઈએ. કોઈએ અગાઉ પહેરેલી કે વાપરેલી ચીજ વસ્તુ ખરીદવી કે અપનાવવીએ ન જ જોઈએ. કોઈનું એઠું આપણે ખાતા નથી – એવી આ વાત છે. ઉપયોગિતાવાદીઓ કહેશે કે ચીજવસ્તુ ફોગટ અથવા વ્યર્થ જાય એના કરતા કોઈના કામમાં આવે તો શું વાન્ધો છે ? દરેક જગ્યાએ ઉપયોગિતાવાદ ચાલતો નથી. એંઠી-જુઠી, વપરાયેલી ચીજવસ્તુની મન પર વિપરીત અસરો થતી હોય છે. અને શરીરની તુલનામાં મન વધુ અગત્યનું ગણાય. પુનર્જન્મમાં માનનારા આપણે ભારતીયો જાણીએ છીએ કે મન જન્મજન્માંતર સુધી આપણી સાથે આવવાનું છે માટે મનને સાચવવું વધુ અગત્યનું છે. ઘણી જગ્યાએ સામુહિક ભોજન પત્યા બાદ એંઠવાડ ઉઘરાવવા કેટલાક સેવાભાવી માણસો મોટા વાસણો લઈને આવી જાય છે. તેઓને પુછીએ તો જાણ થાય કે ભુખ્યા માણસોને એ એંઠવાડ ખવડાવવામાં આવે છે. આપણે એ રીતે એને લઈ જવાની ના કહીએ તો તેઓ કહેશે કે એનો ઉપયોગ થતો હોય તો તમને શો વાન્ધો છે ? અરે ભાઈ જરૂર વાન્ધો છે. જે આપણને ન ગમે એ બીજા માટે પણ ન જ કરવું જોઈએ. હજાર જણની રસોઈ બનાવી છે તો બસો જણની વધારે રસોઈ બનાવવામાં કોઈને વાંધો ન હોય. પરંતુ ભુખ્યા માણસને સભ્યતાપૂર્વક જમાડવું જોઈએ.

કેટલાક દોઢ ડાહ્યાઓ સલાહો આપતા હોય છે કે મંદિરમાં આપવા કરતાં શાળા તેમજ હોસ્પીટલ બંધાવવા માટે નાણા આપવા જોઈએ. પરંતુ વિચારવા જેવી બાબત એ છે કે શાળા કે હોસ્પીટલના મકાન બની ગયા અને એને લગતી સાધન-સામગ્રી આવી ગઈ એટલે પતી ગયું ? એમાં કાર્ય કરનારા સેવાભાવી માણસો ક્યાંથી લાવશો ? વ્યસની તેમજ ટ્યુશનિયા શિક્ષકો અને રાક્ષસ જેવા ડોક્ટર્સ હોય ત્યાં દાનમાં આવેલા નાણા ઉગી નિકળવાના ચાંસીસ કેટલા ? ઘણી મોટી સાર્વજનિક હોસ્પીટલો તેમજ સરકારી શાળાઓ એવી છે કે જેમાં આવેલા દાનમાંથી સારવાર માટેના અનેક આધુનિક યંત્રો, દેખરેખના અભાવમાં તેમજ બેદરકારીના કારણે ધૂળ ખાતાં પડ્યા હોય ! વળી દાનમાં આવેલા આવા યંત્રોના ઉપયોગથી દર્દીને મફત સેવા પુરી પાડવામાં આવે તો ખાનગી યંત્રો વસાવીને રુપિયા કમાતા મેડીકલ ક્ષેત્રના નિષ્ણાતો તેમજ એમાંથી કમિશન મેળવતા દલાલોની ઉપરની આવકનું શું ? જ્યારથી પાણી વેચાતું થયું છે ત્યારથી એક નવો ધંધો જરૂર માણસને મળ્યો છે પરંતુ દુ:ખની વાત એ છે કે કોઈ દાતાએ પોતાના નાણા ખર્ચીને બનાવેલી પાણીની પરબ આ પાણી વેચવાનો ધંધો કરનારા વર્કિંગ કંડિશનમાં રહેવા દેતા જ નથી. આથી એ દાતાએ ખર્ચેલા નાણા વ્યર્થ જાય છે. ઓરફન એજ, ઓલ્ડ એજ જેવી ઘણી સેવાભાવી સામાજિક સંસ્થાઓને નજીકથી જોવાની તક મળી છે. એમાંથી જાણવા મળે છે કે કોઈ પણ દાતા જે-તે સંસ્થાને રોકડ રકમ આપવા કરતાં ચીજ-વસ્તુ દાનમાં આપવાનું પસન્દ કરે છે. સંસ્થાના જે વહીવટકર્તા હોય છે એ જણાવે છે કે તેઓને જરુરિયાત કરતા ખુબ વધુ પ્રમાણમાં ચીજ-વસ્તુઓ ઉપલબ્ધ થઈ જાય છે એટલે દાતાઓને ના કહેવી પડે છે. પરંતુ સંસ્થાના રોજબરોજના ખર્ચાઓ ચુકવવાની તાકાત સંસ્થામાં હોતી નથી. આથી વિજળીના બિલ, મકાનવેરો, પાણીવેરો, સંસ્થાના કર્મચારીઓનો પગાર તેમજ અન્ય રોજબરોજના નાના-મોટા ખર્ચા માટે જરૂરી નાણાના અભાવમાં સંસ્થાએ લાચારી કરવી પડે છે. જરુરી સેવાઓના અભાવમાં સંસ્થા ચલાવનાર નિરાશ થઈને પછી લબાડી શરૂ કરી દે છે. અનાથ બાળકોની સંસ્થામાં પાણીનું કનેક્શન તેમજ ગેસનું કનેક્શન લેવું હોય તો કોર્પોરેશનને વેરો ચુકવવાની તૈયારી રાખવી પડે. એ શક્તિ ન હોવાથી બાળકોએ ચુલા પર રસોઈ બનાવવી પડે તેમજ ડંકીના પાણીથી ન્હાવું પડે. રસોઈયાને ચુકવવાનો પગાર ન હોવાથી ખાવાનું બાળકોએ જાતે બનાવવું પડે. પછી બાળકો ભણે કે રમે ક્યારે ? આ બાળકો પાસે અભ્યાસ સામગ્રી, સ્ટેશનરી સામગ્રી, રોજબરોજની દૈનિક ક્રિયાની સામગ્રી તેમજ રમતગમતની સામગ્રી જુઓ તો કોઈ રાજાના દિકરાને શરમાવે એટલી બધી હોય છે તો બીજી બાજુ નાણાકીય સગવડના અભાવમાં અન્ય ઉપર જણાવી એ પ્રવૃત્તિઓ જાતે કરવી પડે છે. આથી દાતાઓએ આવી સેવાભાવી સંસ્થાઓને સીધેસીધી નાણાકીય સહાય ના કરવી હોય તો પણ સંસ્થાના બિલો પોતાની રીતે ભરી દેવા જોઈએ. કર્મચારીને પગાર ન ચુકવતા રોજનું કોઈ એક ચોક્કસ કામ સંસ્થાને કરી આપવા માટે પોતાનો માણસ મોકલવો જોઈએ.

કેટલાક સજ્જનો અવળી દિશામાં પોતાની બુદ્ધિ ચલાવતા કહે છે કે આપતા પહેલા લેનારની પાત્રતાની ચકાસણી કરવી જોઈએ. ગેરલાયક માણસને આપી દઈએ અને એનો દુરુપયોગ થાય તો એમ કરીને લેનાર જે પાપ કરે એમાં આપનારે અનિચ્છાએ ભાગીદાર બનવું પડે છે. દાન લઈને કોઈ વ્યસન કરે, દારૂ પીવે કે છાકટો બનીને તોફાન કરે તો એની નૈતિક જવાબદારે તો આપનારની જ ગણાય ને ! અરે ભાઈ, આપવું નથી એના બધા બહાના છે. ઈશ્વરે તારી લાયકાત જોઈ હોત તો તારા લગ્ન ક્યારેય ન થયા હોત એવા, તું કુંવારો હતો ત્યારે તારા લક્ષણ હતા ! પરંતુ પરણ્યા બાદ તું કેવો સીધો થઈ ગયો ! એટલે માણસ ગેરલાયક જણાય પરંતુ એને હુંફ મળે તો ઘણા સારા કામો એ પણ કરી શકે. વળી ભગવાન આપનારની ભાવના જુએ છે. માટે એનો દુરુપયોગ થતો હોય તો ઈશ્વર જ એને અટકાવશે. એ જવાબદારી આપણે ઈશ્વર પર નાંખી દઈને સતત આપતા જ રહેવું જોઈએ.

એક ભિખારીને કોઈ પૈસાદાર શેઠે કંઈ ન આપ્યું ત્યારે એ ભિખારીએ કમરેથી વાંકા વળીને જમીન પરથી ચપટી ધૂળ ઉપાડીને શેઠને આપતા કહ્યું, શેઠ, આ ધૂળ તમારા હાથમાં લો ને એ મને આપો, જેથી તમને, તમારા હાથને કોઈ જરુરિયાતમંદને આપવાની ટેવ પડે ! આજનો માણસ અદબ વાળીને ઉભો રહે છે કે ડાહી-ડાહી વાતો કરતો  જોવા મળે છે. પરંતુ કોઈનું દર્દ, કોઈની પીડા જોઈને એનો હાથ એના ગજવામાં જતો નથી. કોઈને આપવા માટે પણ પુર્વજન્મના સંસ્કાર જોઈએ. એક સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે ને, દાતા ભવતિ વા ન વા . . . એટલે કે દાતા મળે કે ન પણ મળે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: