વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

ઉનાળો

ભારતનો ઉનાળો એટલે માર્ચથી જુન દરમિયાન 35 ડિગ્રીથી ક્રમશ: વધીને 45 ડિગ્રી સુધીની ગરમી સહન કરવાનો ગાળો. દિવસભર આપણને તપાવીને રાત્રે ભગવાન એ.સી. ચાલુ કરે એટલે ઠંડા થઈ જવાનું. જે લોકો ઘરની બહાર નિકળે તેઓને કુદરતી એ.સી.નો લાભ મળે. ઘરની અંદર એ.સી. લગાડ્યું હોય તેઓને સેંટ્રલ એ.સી., કવરિંગ હોલ ઇંડિયાનો લાભ ન મળે. આપણા સિવિલ ઈજનેરો પણ ખરા છે ! એવા જ મંદબુદ્ધિ આર્કીટેક્ચર્સ અને વાસ્તુશાસ્ત્રીઓ પણ છે. સમશીતોષ્ણ આબોહવા ધરાવતા ભારત દેશમાં શિયાળામાં ઠંડી ખુબ પડે અને ઉનાળામાં ગરમી પણ પુષ્કળ પડે. તેવા સંજોગોમાં રેતી, કપચી, ઈંટો તેમજ સિમેંટ જેવું બિલ્ડિંગ મટીરિયલ વાપરે છે જે શિયાળામાં ઠંડી એબસોર્બ કરીને દિવાલોને ઠંડી કરી નાંખે છે જેથી હીટર ચલાવવું પડે છે. જ્યારે ઉનાળામાં ગરમી એબસોર્બ કરીને દિવાલોને એવી તપાવે છે કે સાંજે કે રાત્રે તમે પંખો ચાલુ કરો તો તપેલી છત તેમજ દિવાલોમાંથી લૂ – ગરમ હવા જ ફેંકાય. તમે ઘરમાં એ.સી. ફીટ કરાવો એટલે આવા મટીરિયલથી બનેલી દિવાલોમાં ફિટ કરેલા બારી-બારણા ચોવીસે કલાક તમારે બંધ રાખવા પડે. એટલે મરુતદેવની સાથે-સાથે સૂર્યનારાયણદેવને પણ તમારા ઘરમાં નો એંટ્રી ! એટલે કે હવા-ઉજાસને તમારા ઘરમાં પ્રવેશવા પર પ્રતિબન્ધ ! વાસ્તુશાસ્ત્રીઓ, કેમ કંઈ બોલ્યા નહિ ? તોડ-ફોડ કરાવવા સિવાય બીજું ઘણું થઈ શકે છે ! એક વાત એ કહેવાની કે જેના ઘરમાં એ.સી. નથી તેઓએ રાત્રે પંખો ઓછી સ્પીડમાં ચલાવવો જેથી લૂ ના વાય. અને મચ્છરજાળી લગાડેલી ઘરની સામસામેની બારીઓ ખુલ્લી રાખવી જેથી ભગવાને રાત્રે ચાલુ કરેલા એ.સી.ની ઠંડી હવા તમારા ઘરમાં પ્રવેશે અને મધ્ધમ ગતિએ ચાલતો પંખો તમને ચમ્મર ઢોળતો હોય એવું અનુભવાય. હા, તમે બાંધવાની જરૂર ન હોય એવી મચ્છરદાની લાવ્યા હો અને મકાનના ધાબા પર કે કમ્પાઉંડની લોનમાં સુવાનો પ્રોગ્રામ બનાવ્યો હોય તો રાત્રે આકાશ દર્શન કરતાં-કરતાં, તારા ગણતા-ગણતા સુવાની મજા માણનારા તમારા જેવા ભાગ્યશાળી કોઈ નહિ. ઉનાળાની ઉંઘમાં કોઈ ખાસ મજા નથી એ જાણતા ઘરફોડ ચોરો ગરમીના દિવસો પુરતો પોતાનો ધંધો બંધ રાખે છે. આપણે એ વાત કરતા હતા કે મકાનનું સ્ટ્રક્ચરલ મટિરિયલ એવું વાપરવું કે જે ગરમી તેમજ ઠંડી સામે સ્થિતપ્રજ્ઞની જેમ અલિપ્ત હોય. લાકડું તેમજ માટી એ માટે બેસ્ટ ગણાય છે. પર્યાવરણવાદીઓએ કુદી પડવાની જરૂર નથી. ઘણી બધી જગ્યાએ લાકડું ખોટી રીતે વપરાય છે. માટે જરૂર પડ્યે વૃક્ષારોપણ વધુ કરીશું પરંતુ મકાનના બાંધકામમાં વધુ લાકડું વપરાતું હોય અને એવા મકાનમાં રહેવાથી ઠંડી-ગરમી સામે રક્ષણ મળતું હોય તો એ કામમાં વચ્ચે તર્કના, દલીલોના રોડા નાંખ્યા વિના કામને આગળ વધવા દેજો.

કુદરત માત્ર રાત્રે જ એ.સી. ચાલુ કરીને માણસજાતને તેમજ સમગ્ર જીવોને ગરમી સામે રાહત આપે છે એવું નથી. દિવસ દરમિયાન ઘરમાં ભરાઈ બેસનારાઓએ પોતાની બુદ્ધિનું અભિમાન છોડીને અન્ય જીવોની બુદ્ધિ ઉધાર લેવી જોઈએ. ચૈત્ર માસને લિમડા જોડે અનિવાર્ય સંબંધ છે. બપોરે લિમડાના છાંયડામા બેસવાથી શરીર તેમજ મનને ઠંડક મળે છે કારણ કે ત્યાં છાંયડો તો મળે જ છે ઉપરાંત પવન પણ ઠંડો થઈ જાય છે. રાત્રે લિમડાના પાનની ધુણી કરીને ઘરના મચ્છરો પાડોશીના ઘરે મોકલી દેવાની ઉદારતા વાળો ધંધો કરનારા લોકોને ખાસ કહેવાનું કે દિવસ દરમિયાન લિમડાના પાનને બાળવા પણ પડતાં નથી કારણ કે કોર્પોરેશનને મચ્છરો ગાંઠતા ન હોય તો પણ લિમડાના વૃક્ષની આસપાસ એની ગંધ ન ગમતી હોવાથી ત્યાં ચોવીસ કલાકમાં ક્યારેય મચ્છરો આવતા નથી. લિમડાના વૃક્ષ નીચે બેસવાથી તાવ કે મલેરિયા પણ થતો નથી. હવે લિમડાનું વૃક્ષ ક્યાં લેવા જવું ? એ પ્રશ્ન છે. ઐશ્વર્યારાય ન મળે તો એના ફોટાથી ઘણા જુવાનિયા કામ ચલાવી લે છે પરંતુ લિમડાના અભાવમાં સાબુના રેપર પર દોરેલા લિમડાના ફોટાથી મચ્છરો ભાગતા નથી.

એક તરફ ગરમીના દિવસો શરૂ થાય છે અને બીજી બાજુ માણસને ખુબ ચાહતા એવા ભગવાન મીઠાં અને રસદાર ફળો પૃથ્વી પર મોકલવાનું શરૂ કરી દે છે. રસઝરતી મીઠી અને સીડલેસ દ્રાક્ષ ખાધા જ કરો. એવા જ મીઠા કલિંગર એટલે કે તડબુચ. જેના તળિયે બુચ છે તે. લાલ-લાલ અને એને હાથમાં લેતાં જ ડાયરેક્ટ એનું જ્યુસ પીવાય એવું ફળ એટલે તડબુચ. રસઝરતા શેરડીના સાંઠા ચાવી જાઓ અથવા સંચા વડે કાઢેલો રસ પીવો એટલે શરીરનો આખો કોઠો ઠંડો થઈ જાય. સાકર નાંખ્યા વિના જ ગળી લાગતી સાકરટેટી તેમજ કેસરી રંગની હોવા છતાં જેનું નામ છે નારંગી વગેરે ફળો માત્ર રસભરેલા હોય છે. સાવ નજીવા ભાવે મળતા સહેલાઈથી ઉપલબ્ધ એવા ફળો ખાવાનું છોડીને કેટલાક અક્કલ વિનાના ખાલી બારદાન જેવા ઈંટેલેક્ચ્યુઅલ્સ સોફ્ટ ડ્રિંક પીને ઠંડક મટાડવાની કોશિશ કરે છે. દેશભક્તિની દૃષ્ટિએ વિચારવાનું ગમતું હોય તો પણ અને આરોગ્યની દૃષ્ટિએ વિચારતા હો તો પણ સોફ્ટ ડ્રિંક્સની તુલનામાં કુદરતી ફ્રુટ્સ ઉત્તમ છે. એક તો એનાથી આપણા દેશના સામાન્ય માણસો કમાય છે, કરંસી આપણા દેશમાં જ સચવાઈ રહે છે. જ્યારે સોફ્ટ ડ્રિંક્સ પીવાથી વિદેશી મલ્ટીનેશનલ કંપનીઓ કમાય છે. ફ્રુટ્સમાં શરીરને આવશ્યક એવા અનેક તત્વો – પ્રોટીન, વિટામીન, કાર્બોહાઈડ્રેટ, મિનરલ્સ વગેરે હોય છે. જ્યારે સોફ્ટ ડ્રિંક્સમાં માત્ર પાણી અને સાકર હોય છે. સોફ્ટ ડ્રિંક્સ પાછળ ખર્ચેલા નાણાનું કોઈ નક્કર વળતર મળતું નથી, સંતોષ મળ્યાનો માત્ર ભ્રમ થાય છે કે સેલિબ્રિટી પીવે છે એવા પીણા પોતે પીવે છે માટે પોતે પણ કોઈ ખાસ છે. સોફ્ટ ડ્રિંક કરતાં જ્યુસના તૈયાર બોટલ્સ પીવા સારા તેમ છતાં પણ કુદરતી ફળો સીધા જ ખાવા સારા કારણ કે એમાં સચવાઈ રહેલા સૌથી વધુ તત્વો સીધા જ ખાવાથી પ્રાપ્ત થતાં હોય છે.

ઠંડક બે પ્રકારની છે. એક તો જેને ફ્રીઝમાં ઠંડા કરવામાં આવે અને બીજું કે કેટલાક ખાદ્ય પદાર્થોની પ્રકૃતિ જ ઠંડી હોય છે. દા.ત. કાળી દ્રાક્ષ, વરિયાળી અને સાકર આ ત્રણેય પ્રકૃતિગત ઠંડા પદાર્થો હોવાથી એને આખી રાત પાણી ભરેલા પ્યાલામાં રાખીને સવારે ગાળી લઈને એ પાણી પીવાથી શરીરને અદ્ભુત ઠંડક મળે છે. પાચનને લગતા રોગોમાં રાહત તો મળે જ છે પરંતુ એનો મીઠો સ્વાદ પણ ખુબ જ ભાવે છે. વરુયાળીનું શરબત, આમળા, કોકમ, કાચી કેરીનું શરબત વગેરે ખુબ સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે ઉપકારક બને છે. બજારમાં મળતા તૈયાર શરબત કુદરતી પદાર્થોમાંથી બનેલા છે કે કેમ એ ખાતરી કરીને જ ખરીદવા જેવા છે. કારણ કે સાકર કે ખાંડની અવેજીમાં સેકરીન જેવા ગળું ખરાબ કરી દેનારા પદાર્થો નાંખ્યા હોય એવા સરબતો, બરફગોળા, કેરીના જ્યુસ વગેરે ઝેર સમાન હોવાથી એનાથી દુર રહેવું રહ્યું. એ જ રીતે સોફ્ટ ડ્રિંક્સમાં જંતુનાશક દવાઓનું વધુ પડતું પ્રમાણ ઉપરાંત ફ્રીઝમાં રાખેલા ઠંડા પદાર્થો હોજરીને નુકશાન કરતા હોવાથી શક્ય હોય તો દરેક ઉનાળામાં નવું માટીનું બનેલ માટલું ખરીદીને એમાં ભરેલું પાણી પીવાનું રાખવું જોઈએ. ઠંડા ડ્રિંક્સ પીવાથી શરીરનું આંતરિક ટેમ્પરેચર ખોરવાઈ જવાથી સામાન્ય રીતે એ જેટલી ડિગ્રી ધરાવે છે એને ફરીથી મેઈંટેઈન કરવા માટે ખુબ શ્રમ કરવો પડે છે. જો કે બજારમાં ઉપલબ્ધ અસંખ્ય જાતના આઈસક્રીમ ખાવા સામે કોઈ વાંધો નથી. બ્રાંડેડ તેમજ ચકાસેલી કંપનીના આઈસક્રીમ ખાવામાં કોઈ વાંધો નથી.

 આમ ઉનાળામાં ન ગમતી એવી એક માત્ર ગરમીની સામે આપણને કુદરતે કેટલું બધું સુખ આપ્યું છે. છતાં કેટલાક લોકો, અરે મોટા ભાગના લોકો ગરમીના કારણે ઉકળાટ વ્યક્ત કરે છે. પરંતુ ફ્રુટ્સ તેમજ આઈસક્રીમ ખાઈને ઠંડા થતા નથી. તાપના કારણે ગરમી અને ગરમીના કારણે ઉકળાટ, અને આ ઉકળાટ અસહ્ય બનતા ક્યારેક માનવસંબંધોમાં ગરમા-ગરમી થઈ જાય તો તરત સમજી જવાનું કે બહારનું ગરમ વાતાવરણ આ માટે વધુ જવાબદાર છે, આંતરિક ક્રોધનું પ્રમાણ નહિવત છે. આથી એ ગરમી વધુ લાંબી ચલાવવી નહિ.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: