વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

બાળકોની મેચ્યોરિટી વય ઘટી ગઈ એટલે કે નાની વયમાં જ બાળકો પુખ્તતા પ્રાપ્ત કરવા લાગ્યા છે. આથી એને લગતી ઘણી બાબતોમાં પણ પરિવર્તન આવવું જોઈએ. એમાં આળસ ચાલે જ નહિ. બાર વર્ષ પુરા થતાં બાળક આઠમા ધોરણમાં આવી જાય એટલે એ ટ્યુશન ક્લાસમાં તેમજ સ્કૂલમાં ઉપરાંત અન્ય કોઈ એક્ટિવિટી કરતું હોય તો એ તમામ જગ્યાએ સમયસર પહોંચી જવા માટે દોડાદોડી કરતું હોય ! સંપન્ન પરિવારો પોતાના આવા સંતાનની એનર્જી બચે અને સચવાયેલી એનર્જી ક્રીએટીવિટી માટે મળે એ હેતુ એને સ્કૂટી કે બાઈક અપાવે છે. પરંતુ ત્યાં કાયદો વચ્ચે આવે છે. અઢાર વર્ષનું ન થાય ત્યાં સુધી બાળકને ડ્રાઈવિંગ લાયસંસ જ મળતું નથી. ખરેખર તો આ સોળમી સદીની અત્યંત પછાત મનોવૃત્તિ છે. અઢાર વર્ષની વયે કિશોર ટીન એજ પુરી કરીને પાકટ યુવાન બનવાની અણી પર હોય છે અને કોલેજના ત્રીજા વર્ષમાં પ્રવેશી ચુક્યો હોય છે. જે સાહસવૃત્તિ, જે રોમાંચ ટીન એજની શરૂઆતમાં હોય છે એ તમામ શક્તિના ધોધને સર્જનશીલતા તરફ વાળવાની આવશ્યકતા છે. ત્યારે એ સમયગાળા દરમિયાન જ એને બાઈક લઈ આપવાની ક્ષમતા, વ્યવસ્થા હોવા છતાં એને બળદગાડા સમ ગતિ કરનારી સાયકલ અપાવવી એ એની શક્તિને અન્યાય કરવા બરાબર છે. મોટા ભાગના ટીન એજરો સ્કૂટી કે બાઈક લઈને ફરે છે પરંતુ એમાંના કોઈએ કોઈને કચડી નાંખ્યા હોય કે કોઈને પછાડીને ભાગી ગયા હોય એવા કિસ્સા ખાસ બન્યા નથી. શહેર કે ગ્રામ્ય વિસ્તારની માધ્યમિક શાળાઓના પટાંગણની મુલાકાત લેશો તો અચુક જોવા મળશે કે શાળા દીઠ સેંકડો છોકરા-છોકરીઓ સ્કૂટી-બાઈકની ઘરઘરાટી કરતા જોવા મળશે. અસંખ્ય છોકરાઓ શાળાના નાના અમથા ગ્રાઉંડમાંથી પોતપોતાના વાહનો ભગાવીને ઘર તરફ જતા હોવા છતાં કોઈ છોકરાએ કોઈ છોકરીના કે અન્ય કોઈના વાહનને પોતાનું વાહન અથાડ્યું હોય એવું બન્યું નહિ હોય. નેવુ ટકા ટીન એજરો બાઈક કે સ્કૂટી લઈને ફરતા હોય એવા સંજોગોમાં ડ્રાઈવિંગ લાયસંસ મળવા માટેની વય ઘટાડાય નહિ એ કેવી નવાઈની વાત છે ! આવા બાળકોના વાલીઓ પોતાના સંતાનોને વાહન તો લઈ આપે છે પરંતુ કાયદાની સામે શું થઈ શકે, અથવા પોતે એકલા શું કરી શકે એવી મનોવૃત્તિ ધરાવવાની સાથે-સાથે પાંગળા કાયદાઓ સામે લડત આપવાની જાગૃતિનો અભાવ અથવા સંગઠનશક્તિનો અભાવ નહિ તો બીજું શું ?

મતદાનની વય એકવીસથી અઢાર કરી પરંતુ બાળકો રાજકારણની ચર્ચા સોળ વર્ષની વયે કરતા થઈ જાય છે. એવું નથી કે અઢાર વર્ષની વય માન્ય કરી એટલે પતી ગયું. એમાં સતત અપડેટ થયા કરવું જોઈએ. જેમ અભ્યાસક્રમો દર વર્ષે બદલાયા કરે છે, એક જમાનામાં કોલેજમાં ભણાવાતા વિષયો આજે દસમાં ધોરણમાં ભણાવાતા હોય તો એકવીસ વર્ષની મતદાનની વય અઢાર વર્ષની કર્યા બાદ સોળ વર્ષની કરવામાં વાન્ધો શું ? સરકારી કર્મચારીઓ પર કામકાજનું ભારણ વધી જાય એ જ ને ? તેઓની આળસ પોષવા માટે દેશની પ્રગતિ રોકવાની ? દેશના યુવાનોને રાજકારણમાં રસ લેતા કરવા હોય તો તેઓનું ઈંવોલ્વમેંટ વધવું જોઈએ અને એની શરૂઆત મતદાન માટેની વય ઘટાડવાથી થઈ શકે. મેચ્યોરિટી એજ નાની થતાં નાના બાળકો મોટા ગુના કરતાં થઈ ગયા છે. આથી તેઓની સગીર વયમાં પણ ઘટાડો થવો જોઈએ. અઢાર વર્ષની વાત જવા દો, બાર-ચૌદ વર્ષના કિશોરો એવા-એવા ગંભીર ગુનાઓ આચરે છે કે ભલભલા ધીટ ગુનેગારો પણ એવા ગુનાઓ આચરવામાં પાછા પડી જાય ! હત્યા, લૂંટ  તેમજ બળાત્કાર જેવા ગુનાઓ આચરતા કિશોર વયના માણસો આવા સાવ પછાત કાયદાને કારણે છૂટી જાય ત્યારે સમાજને કેવો જીવલેણ ફટકો પડે છે !

લગ્નની વય છોકરા માટે એકવીસ વર્ષ અને છોકરી માટે અઢાર વર્ષની કરી. એનો કોઈ માપદંડ ખરો ? માતૃત્વ ધારણ કરવા સક્ષમ બનવાની વય છોકરી માટે અઢાર વર્ષની ગણીને એની લગ્નની વય અઢાર વર્ષની રાખવામાં આવી. પરંતુ એક કાળે માસિક ધર્મમાં બેઠેલી છોકરીને રક્તસ્રાવ થવાથી પાંચ દિવસ માટે શારિરીક રીતે અશક્ત થઈ જતી હોવાથી એ ઘરના એક ખુણે બેસીને પાંચેય દિવસ ચોવીસ કલાક આરામ જ કરતી હતી. એને બદલે આજે એ દિવસોમાં પણ ફુલ ફોર્મમાં એ સામાન્ય દિવસની જેમજ તમામ પ્રવૃત્તિઓ કરે છે. આ બદલાવ પ્રસુતી માટે પણ ન આવ્યો હોઈ શકે ? મેચ્યોરિટીની વય ઘટવાથી લગ્નની વય ઘટાડવા અંગે પણ વિચારવું જોઈએ. સતત બદલાવ અને વિચારાધીન બદલાવ એ વિકાસની નિશાની છે. માટે કાયદાક્ષેત્રએ જડતા છોડીને બદલાવાની તૈયારી રાખવી જોઈએ.

એક કાળે પરણેલા દિકરા પર પણ તેના પિતા હાથ ઉગામતા હતા અને એને એની પત્નીના દેખતા મારતા પણ હતા. આજે બુદ્ધિયુગમાં બાર વર્ષના સંતાનો પર પણ હાથ ઉગામી શકાતો નથી. આ બદલાવ સ્વીકારી લેવો પડે છે. ઘણીવાર એવું બને છે કે ટીન એજરને રોડ પર જતા જોઈને એનો વાંક ન હોય તો પણ પાકટ વયના તોફાની વૃત્તિના યુવાનો એની બાઈક સાથે પોતાનું વાહન ટકરાવીને એને નુકશાન પહોંચાડવાની કોશિશ કરે છે. એને જાણ હોય છે કે પોતાનો વાંક હશે તો પણ લાયસંસ વિના નિકળેલો ટીન એજર દેખીતી રીતે વાંકમાં આવી જવાનો છે અને પોતાનો વાંક સિદ્ધ થવાનો નથી. આથી એ પાકટ યુવાન બેફિકર બની જતો હોય છે. ટ્રાફિક ઈંસ્પેક્ટરો પણ પોતાના માર્ગે સભ્યતાથી બાઈક પર જતા ટીન એજરોને પકડીને લાયસંસ વિના બાઈક ચલાવવા બદલ દંડ કરતા હોય છે. આની સામે ટીન એજર પાસે બચવાનો કોઈ રસ્તો હોતો નથી. એની ઓછી વય એ જ એનો વાંક. શહેરના દુરના જ કોઈ વિસ્તારમાં એના રસની પ્રવૃત્તિ ચાલતી હોય ત્યાં સમયસર પહોંચવા તેમજ શક્તિ બચાવવા એને સ્પીડમાં જવું અનિવાર્ય હોય, ત્યાં પોતાના સામાન-સરંજામ સાથે બસમાં જવું એ તો ઘર સાથે લઈને હિમાલયની જાત્રાએ જવા બરાબર ગણાય. સંતાનોની પ્રવૃત્તિ માટે માતા-પિતા સગવડો ઉપલબ્ધ કરાવી આપે પરંતુ પોતાના બાળકોને લેવા-મુકવા માટે તેઓ સમય કાઢી શકે નહિ. રીક્ષામાં જવું ભલભલાને પોષાય એમ નથી હોતું. ઘણીવાર માતા-પિતા બાળકને મુકવા-લેવા માટે સમય કાઢે તો પણ અન્ય સ્વાવલંબી બાળકો સમક્ષ આવું બાળક લઘુતાગ્રંથિ અનુભવતું હોય છે.

કોઈ-કોઈ માતા-પિતા એવું વિચારતા હોય કે બાળકોને જવાબદારીનું ભાન હોતું નથી આથી તેઓને મોંઘા અને શક્તિશાળી વાહનો અપાવવા એ જોખમી છે. પરંતુ આ બન્ને વાતો બિલકુલ સાચી નથી. બાળકોને પોતાની જવાબદારીનું બરાબર ભાન હોય છે. તેઓની ઉભરાતી શક્તિ પર આધારિત તેઓના છલકાતા આત્મવિશ્વાસને સમજવાની ક્ષમતા તેઓના વાલીઓમાં હોતી નથી. એની શારિરીક તેમજ માનસિક ક્ષમતા મુજબ ટીન એજરનું વર્તન એના માટે સાવ સામાન્ય હોય છે પરંતુ એ જ વર્તન મોટી વયના થોડા-ઘણા ખખડી ગયેલા માતા-પિતાને અસામાન્ય જણાય છે. આથી એ જે ભારે વાહનને લાયક છે એ એને અપાવવું જ જોઈએ. બાળકને એની ક્ષમતા વિકસે, એની શક્તિઓ ખીલે એ માટે વાતાવરણ પુરું પાડવું જોઈએ એમ કબૂલ કરીએ અને પછી એને ઉન્દરની જેમ જીવવાની ટેવ પાડીએ એ બન્ને કેવી રીતે શક્ય છે ? માતા-પિતા બાળકને ઘેંટુ બનાવવા માંગે છે એમ કહીએ તો માતા-પિતાને ખોટું લાગશે પરંતુ વાસ્તવિકતા એ છે કે પ્રત્યેક માતા-પિતા પોતાના બાળકને ચીલે ચાલવા માટે જ આગ્રહ કરે છે અને ફરજિયાતપણે એને એ જ રસ્તે જ ચલાવે છે. ‘પોતે જે રસ્તે ગયા અને જે રસ્તે સમાજ ચાલી રહ્યો છે એ જ રસ્તે પોતાના બાળકે પણ ચાલવાનું છે’ એમ કહેવું અને ‘તમારા બાળકને ઘેંટા-બકરા બનાવી રહ્યા છો’ એમ કોઈ કહે તો ખોટું લગાડવું એ બન્ને ન ચાલે.

જીવનમાં સાહસવૃત્તિ ન હોય તો સ્પર્ધા નું અસ્તિત્વ શા માટે છે ? ફોર્મ્યુલા વન કાર રેસ જોઈ છે ને ! મોટોક્રોસ બાઈક રેસ જોઈ છે ને ! આ વૃત્તિ શેમાંથી જન્મે છે ? સાહસમાંથી. જો બાળકોને સાહસ ન કરવા દો તો એની શક્તિઓ કુંઠીત થઈ જશે. એનો વિકાસ અટકી જશે. મારો નાનો દિકરો ત્રીજા ધોરણમાં આવ્યો હતો ત્યારે આખું વર્ષ સાયકલ લઈને દરરોજ વરસાદ, ગરમી કે ઠંડીમાં ઘરેથી ચાર કિલોમીટર દુર આવેલી શાળામાં ટ્રાફિકથી ભરપૂર એવા અને સૌથી વધુ અકસ્માત થતાં રસ્તે આવ્યો અને ગયો. એની સાહસવૃત્તિની કદર કરવા અમે એક પણ દિવસ તેની સંભાળ રાખવા તેની પાછળ-પાછળ ગયા નથી. જો કે સાતમા ધોરણમાં ભણતો મારો દિકરો બીજી સાયકલ પર એની સાથે-સાથે જતો હતો. ઘણા નાના બાળકોમાં સાહસવૃત્તિ હોય છે અને ઘણા મોટા બાળકો ભીરૂ પણ હોય છે. સામાન્ય માનસિકતાનો વિચાર કરીએ તો ટીન એજ શરૂ થતાં પહેલા બાર વર્ષ પુરા કરીને આઠમાં ધોરણમાં આવેલા કિશોરને પાકું ડ્રાયવિંગ લાયસંસ મળી જવું જોઈએ.

આજના યુગમાં સમજણ નહિ પરંતુ સંઘર્ષ કામ કરે છે. માટે ન્યાય મેળવવા માટે કોઈની સમજણ પર આધારિત ન બનતા સંઘર્ષનો રસ્તો અપનાવવાનો રહે છે. તમારી લાગણીને વાચા આપવા માટે સંગઠિત બનવું પડે છે, દેખાવો કરવા પડે છે, મોટે-મોટેથી સૂત્રોચ્ચાર કરવા પડે છે, તમારા કાર્યની જગત નોંધ લે એ માટે મિડીયાને હાજર રાખવું પડે છે, વધુ માથાં એકઠાં કરીને તમારું શક્તિ પ્રદર્શન કરવું પડે છે, તમારી વાત તાર્કિક છે – જમાનાની માંગ પ્રમાણેની છે એવું સૌને ગળે ઉરતારવું પડે છે. માટે, માંડો કદમ આગે, ફતેહ મળે છે એને, જે પ્રવાહની સામે છે ભાગે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: