વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

એક કાળે તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર એક જ વિષય ‘તત્વજ્ઞાન’ તરીકે ભણાવાતા હતા. પરંતુ ક્રમાનુસાર જ્ઞાનના ક્ષેત્રનો વિકાસ થતો ગયો તેમ-તેમ મનોવિજ્ઞાન તેમજ સમાજશાસ્ત્ર તત્વજ્ઞાનથી છૂટા પડીને સ્વતંત્ર વિજ્ઞાન તરીકે વિક્સ્યા. આજે સ્થિતિ એવી છે કે મનોવિજ્ઞાન ખુબ જ ઝડપથી આગળ નિકળી ગયું છે. સમાજશાસ્ત્ર પણ ઠીક-ઠીક વિકસિત થયું છે પરંતુ તત્વજ્ઞાન પાછળ રહી ગયું છે. ‘સાયકોલોજી’ નામથી જાણીતું એવું મનોવિજ્ઞાન સાયકીઆટ્રીસ્ટ, સાયકોએનાલિસીસ, સાયકોલોજીસ્ટ, સાયકોસોમેટિક વગેરે શબ્દોથી આધુનિક સમાજમાં પ્રખ્યાત છે. આજનો યુગ પણ ફાસ્ટયુગ હોવાથી તેમજ બૌદ્ધિકયુગ હોવાથી માણસના શરીરના પ્રમાણમાં તેનું મન જ વધુ વપરાય છે. આથી મન પર ગજા ઉપરાંતનું કાર્યનું ભારણ આવવાથી મનોરોગની સંભાવનાઓ વધી જાય છે. આજનો યુગ સ્ટ્રેસનો, નર્વસ બ્રેકડાઉનનો, હતાશા-નિરાશાનો, એન્ક્ષાયટીનો, ફ્રસ્ટ્રેશનનો, ડીપ્રેસનનો યુગ છે. માણસ વારંવાર આવા જુદા-જુદા મનોરોગનો શિકાર બની જાય છે. આથી આજના યુગમાં મનોવિજ્ઞાન સૌથી વધુ વ્યાવહારિક બન્યું છે.

મનોવિજ્ઞાનની વધુ એક મહત્વની ઉપયોગિતા સાબિત થઈ છે જુદા-જુદા મનોવૈજ્ઞાનિક ટેસ્ટ્સના પરિણામે. માણસ જુઠ્ઠું બોલતો હોય તો એને પકડી પાડનારું લાયડીટેક્ટર મશીન શોધાયું તેથી ગુનેગારોની શોધ માટે બહુ મોટી ઉપકારક શોધ થઈ. વળી મનોવિજ્ઞાનના ક્ષેત્રના નિષ્ણાતોએ સામુહિક રીતે જાહેર કર્યું કે ગુનેગાર જે ગુનો કરે છે એ ગુનો છે જ નહિ પરંતુ મનોરોગ છે આથી ગુનેગારને જેલમાં સુધારણાની આવશ્યકતા છે. આ રીતે પણ મનોવિજ્ઞાનનું મહત્વ વધ્યું. નારકોએનાલિસીસ ટેસ્ટ્સ પણ આરોપીના અર્ધજાગ્રતમનમાં ચાલી રહેલી વિચારણાઓને પકડી પાડવામાં અત્યંત ઉપયોગી સાબિત થયો છે. આથી ભલભલા ધીટ ગુનેગારો, જે પોલીસની થર્ડ ડિગ્રીને પણ ગાંઠતા ન હતા એ નાર્કોએનાલિસીસ ટેસ્ટ્સમાં પકડાઈ જવા લાગ્યા. આ બધું થવા છતાં માણસનું વૈયક્તિક કે સામાજિક દુ:ખ ઓછું થયું નથી કે ખતમ થયું નથી. આથી એ માટે તત્વજ્ઞાન તરફ જોવાની આવશ્યકતા છે.

સમાજશાસ્ત્રના અભ્યાસના પરિણામે એમ.એસ.ડબલ્યુ. જેવી ડિગ્રી મેળવીને સમાજસેવા કરનારો બહુ મોટો ભણેલો વર્ગ કાર્યરત છે. તેમ છતાં માણસ પોતે જેટલું પોતાનું ધ્યાન રાખી શકે એટલું ધ્યાન બીજો રાખી શકે નહિ. આથી આપણે જોઈએ કે તત્વજ્ઞાન આ ક્ષેત્રમાં શું કહે છે ?

છેલ્લા હજાર વર્ષનો ગાળો અંધારયુગ તરીકે ઓળખાય છે. તત્વજ્ઞાન વિશે પણ બહુ મોટી ગેરસમજ આ ગાળા દરમિયાન થઈ. તત્વજ્ઞાન શબ્દ સાંભળીને આજે પણ એનાથી દૂર ભાગનારો બહુ મોટો વર્ગ છે. કારણ એ કે તત્વજ્ઞાન ધડમાથા વિનાની, ન સમજાય એવી વાત કરે છે. આથી તત્વજ્ઞાન અસ્પૃશ્ય છે એવી ધારણા સમાજમાં ઘર કરી ગઈ છે. જે દેખાય છે, અનુભવાય છે એ જગતનું અસ્તિત્વ જ નથી એવું કહેનારું વિજ્ઞાન પાગલ નહિ તો બીજું શું હોઈ શકે ? વળી જે અનુભવાતો નથી, દેખાતો નથી એવા ઈશ્વરની વાતો કરે એ વિજ્ઞાન કેવું ? આમ સમજુ અને ભણેલો માણસ તત્વજ્ઞાનથી દુર ભાગે એ સ્વાભાવિક છે. તેમ છતાં તત્વજ્ઞાનના આ ક્ષેત્રમાં વિવેકાનન્દ જેવા મહાપુરુષોએ કરેલું પ્રદાન જોઈએ ત્યારે એમ લાગે કે તત્વજ્ઞાન વિષય આજે પણ જગતમાં સૌથી વધુ પ્રસ્તુત વિષય છે.

પ્રશ્ન એ છે કે માણસ જગતમાં આજે સૌથી વધુ દુ:ખી કેમ છે ? એનું દુ:ખ કેવી રીતે દુર થાય ? દુ:ખ શા માટે છે ? કોઈ જગતનો સર્જનહાર હોય તો એણે માણસને દુ:ખ શા માટે આપ્યું ? આવા પ્રશ્નો માણસને હરપળ સતાવે છે. માણસ દુ:ખ અનુભવે છે અને દુ:ખથી દુર થવાનો માર્ગ શોધે છે તેમ છતાં તેને જો એમ કહેવામાં આવે કે દુ:ખ દુર કરવાના એના પ્રયત્નો હકીકતમાં દુ:ખ વધારવાના પ્રયત્નો છે અને જેટલો એ દિશામાં પ્રયત્ન થશે એટલો એ વધુ ને વધુ દુ:ખી થતો જશે. આવું કહીને એ દુ:ખ દુર કરવા જે કંઈ કરી રહ્યો છે એ કાર્ય છોડી દેવાનું સમજાવીએ ત્યારે એમ કરવામાં એ પોતાની અશક્તિ જાહેર કરે અને એવી કબૂલાત આપે કે એનાથી એવું કરવાનું તો બંધ થશે જ નહિ, પોતે એ કાર્ય બંધ કરી શકશે જ નહિ તો પછી એને જે દુ:ખ પડી રહ્યું છે એ માટે જવાબદાર કોણ ? વિસ્તારથી વિચારીએ તો તત્વજ્ઞાન એવું કહે છે કે ‘અહમ’ અને ‘મમત્વ’ એ દુ:ખના બે કારણો છે જેનાથી જીવનના તમામ દુ:ખો માણસને ખુબ પજવે છે. આ અહમ અને મમત્વ છોડી દેવામાં આવે તો માણસ નિરતિશય સુખને પામે છે. પરંતુ આ બે બાબતો છોડી દેવાથી એના જીવનમાં કોઈ સ્વાદ રહેતો નથી એવું એને અનુભવાય છે અને આથી એ દુ:ખી થવાય તો ભલે પરંતુ એને અહમ અને મમત્વ છોડવા અંગે કંઈ કહેવું નહિ. તો હવે પછી એના જીવનમાં આવનારા દુ:ખ માટે જવાબદાર કોણ ?

કોઈ માણસને કહેવામાં આવે કે તીખું-તમતમતું ખાવાથી રોગ થાય છે માટે સાદું ભોજન ખાવું. પરંતુ સાદું ભોજન એને દુ:ખ આપતું હોય તો રોગનું દુ:ખ સહન કરીને એ સ્વાદિષ્ટ ભોજન જમવાનું પસન્દ કરે તો કોઈ શું કરે ? અહમને પકડીને ચાલવું એટલે પોતાનું ધાર્યું કરવાનો અને બીજા પાસે કરાવવાનો હઠાગ્રહ. વળી અહમ એટલે જગતના બને તેટલા પદાર્થો પર પોતાના નામનો સિક્કો મારવાની જીદ. આ તૃષ્ણા જિવનભર માણસ દોડ્યા કરે તો પણ કદીય શાંત થતી નથી. આથી માણસ સદૈવ દુ:ખી જ રહ્યા કરે છે. બીજી બાબત છે ‘મમત્વ’ એટલે કે આ જગતમાં કેટલુંક પોતાનું માનવું અને અન્યને પારકું ગણવું. હવે જે પોતાનું છે એ વ્યક્તિ કે પદાર્થને સુખી કરવાની ભાવના અને અન્યને અવગણવાની ભાવના. આને અંગ્રેજીમાં એટેચમેંટ કહેવાય છે. જેટલું એટેચમેંટ વધુ એટલું દુ:ખ વધુ. પોતાના પ્રિય પાત્રને કંઈ પણ થાય તો દુ:ખ થાય. રસ્તે કોઈ રખડતું કુતરું મરી જાય તો દુ:ખ થતું નથી કારણ કે એની સાથે એટેચમેંટ નથી. પરંતુ પોતાના કોઈ પ્રિય પાત્રનું અવસાન થાય તો દિવસો સુધી ખાવાનું ભાવતું નથી. નવું જન્મેલું ગલુડિયું રસ્તા પર દોડતું હોય તો ‘હમણા કચડાઈ જશે’ એમ ધ્રાસકો પડે તેમ છતાં હાથમાં ચાનો કપ હોય તો ચુસકી લેવાનું છુટતું નથી પરંતુ પોતાના નાના પૌત્રને રમતા-રમતા અચાનક રસ્તાની વચ્ચે ગયેલો જુએ તો પગ ચાલતા ન હોવા છતાં એના દાદા કેવા ચાનો કપ ફગાવીને હાથમાં ટેકણ લાકડી લઈને દોડે ! દાદાને કોણ દોડાવે છે ? એટેચમેંટ. પરીક્ષામાં બોર્ડમાં નમ્બર આવે તો ખુશી થાય અને દિકરો નાપાસ થાય તો દુ:ખ થાય છે: શાના કારણે ? એટેચમેંટ. વક્તૃત્વસ્પર્ધામાં પોતાનો પુત્ર બોલવા ઉભો થાય ત્યારે, મેચમાં એ બેટિંગ કરવા કે બોલિંગ કરવા આવે ત્યારે, લગ્નના ફેરા ફરી રહ્યો હોય ત્યારે વગેરે પ્રસંગોએ પરિણામ આધારિત માતાપિતા સુખી-દુ:ખી થાય છે. કારણ છે એટેચમેંટ.

તત્વજ્ઞાન કહે છે કે આ જગત જુદા-જુદા અનેક નામ-રૂપો ધરાવે છે પરંતુ એની પાછળ એક અખંડ તત્વ રહેલું છે અને આપણે સહુ એના નાના-નાના અંશો છીએ. આપણે આપણા અહમનો વિસ્તાર કરીએ તો સર્વત્ર આપણું જ સ્વરૂપ વિલસી રહ્યું છે એવું અનુભવી શકીએ છીએ. આપણા સાડા પાંચ ફુટના દેહમાં આપણી જાતને અનુભવીએ છીએ પરંતુ સાથે-સાથે શરૂઆતમાં પત્ની સાથે એકાત્મતા અનુભવાય છે, પુત્રોમાં આપણી જાતને દેખીએ છીએ. આ ભાવનાનો વિસ્તાર કરીએ તો જગતના સમગ્ર પદાર્થોમાં આપણાપણું અનુભાવાય. ત્યારબાદ કોઈ પણ આગળ વધે આપણને આનન્દ થાય છે. આ અર્થમાં આપણી ભાવનાઓ જેટલી સંકુચિત હશે એટલા જ આપણે દુ:ખી થઈશું. પાડોશી નવી કાર લાવે ત્યારે દુ:ખી થનારા ઘણા હશે. કારણ શું ? ડીટેચમેંટ. પરંતુ આપણે કોઈ ચોક્કસ વ્યક્તિ સાથે એટેચમેંટ વધાર્યા કરીએ એના કરતા વધુ વ્યક્તિઓ કે જીવો સાથે આઈડેંટીફિકેશન વધારીએ તો એટલા દુ:ખી થવાના પ્રસંગો ઘટશે. શાળાકીય સ્પર્ધામાં કોઈ બાળક વિજેતા થાય તો એના પરિવારને ખુશી થાય છે. પરંતુ કોઈ એક વર્ગના પચાસ બાળકોમાંથી કોઈ પણ બાળક વિજેતા થાય, એ વર્ગના વર્ગશિક્ષકને આનન્દ થાય છે. આ અર્થમાં વર્ગશિક્ષકના ખુશ થવાના ચાંસીસ વાલી કરતા પચાસ ગણા વધી જાય છે. શાળાનો કોઈ પણ વિદ્યાર્થી વિજેતા થાય, એક સારી પ્રવૃત્તિ પોતાની શાળામાં થઈ તેથી આચાર્યશ્રીને ખુશી થાય છે. આથી તેઓને ખુશી થવાના ચાંસીસ હજારગણા બને છે. આ અર્થમાં આપણે સંકુચિતતા ઘટાડતા જવાની છે અને પોતાનો વિસ્તાર કરતા જવાનું છે. આ પ્રક્રિયાને તત્વજ્ઞાનમાં બ્રહ્મ કહેવાય છે. દિશાની મર્યાદાઓને અતિક્રમીને  જે વિસ્તર્યું છે અને જે સતત વિસ્તર્યા જ કરે છે એ બ્રહ્મ છે. આ બ્રહ્મ જ એક માત્ર અસ્તિત્વ ધરાવતું તત્વ છે. આપણે એ બ્રહ્મના અવિભાજ્ય અંશ છીએ. આથી આપણે પણ આપણી જાતને સતત વિસ્તાર્યા કરવી જોઈએ. આથી દુ:ખ નહિ થાય.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: