વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

2004 બાદ હું ઈંટરનેટની દુનિયાથી પરિચીત બન્યો. વેબસાઈટ, ગુગલ, ફેસબુક, ટ્વીટર, સર્ફિંગ વગેરે શીખ્યો. એને લગતા છાપામાં આવતા લખાણો વાંચતા વાંચતા આ વર્ચ્યુઅલ દુનિયાથી સારી રીતે પરિચીત બન્યો. ગેઝેટ્સ, એપ્સ વગેરે શબ્દો ડરાવતા નથી. ચાલીસની ઉપર પહોંચેલા ઘણા ઓછા માણસો ટીન એજ કિશોરો જેટલી કુશળતા ઈંટરનેટ ક્ષેત્રે બતાવી શકતા હશે. આજે ન્યુઝપેપરમાં, મેગેઝીંસમાં, ટી.વી. પર કે ઈંટરનેટ પર થઈ રહેલા વિકાસના તમામ સમાચારો ફોટોગ્રાફ સાથે આવ્યા જ કરે છે. એપલ, એંડ્રોઈડ નવી-નવી સુવિધાઓ લાવ્યા જ કરે છે. બધાથી અપડેટ થયા કરવાનું સહજ બન્યું છે. મારે જે મહત્વની વાત કહેવાની છે તે એ છે કે જો હું આ બધાથી અન્ય માણસોની જેમ ‘યુઝ ટુ’ ન હોત તો તેઓની જેમ જ લઘુતાગ્રંથિથી પીડાતો હોત અને તેઓની જેમ જ વિચારતો હોત કે હવે અમારો જમાનો ગયો, અમે આઉટ ઓફ ડેટ બની ગયા, મોબાઈલ ફોન ટેક્નોલોજી, ઈંટરનેટ ટેક્નોલોજી – આ બધું શું છે એ અમારો વિષય નથી વગેરે. આથી પણ મહત્વની વાત એ છે કે આ બધું જે લોકો નથી જાણતા એ લોકોએ ખાસ કાંઈ ગુમાવ્યું નથી. કારણ કે માણસને જગતથી જુદો કરીને એકલો પાડી દેનારી આ દુનિયા છે. જીવનની વાસ્તવિકતા કંઈ જુદી જ છે અને આ ટેક્નોલોજી એને વધુ ને વધુ ભ્રમાત્મક દુનિયામાં લઈ જાય છે. તેમ છતાં કહી દઉં કે આ દુનિયાની વ્યર્થતા વિશે એને સારી રીતે જાણ્યા બાદ, એને બરાબર શીખ્યા બાદ કહીએ અને એના વિશે જાણ્યા વિના દ્વેષ ભાવથી કે ઈર્ષ્યાભાવથી અથવા ગ્રુપઈઝમના ભાવથી આ દુનિયાની ટીકા કરીએ એમાં ફરક છે.

જો તમે આ દુનિયામાં પ્રવેશીને એની વ્યર્થતા અનુભવતા નથી તો અંદરખાને તમને એમ જ લાગ્યા કરે છે કે છાપાઓમાં પાના ના પાના ભરીને સુન્દર મઝાના ચિત્રો સાથે જે સમાચારો આવ્યા કરે છે, પુષ્કળ લેખો આ વિષય પર લખાય છે, હજારો રુપિયાની કિમ્મતના આ ઉપકરણો લોકો ખરીદે છે, આ ક્ષેત્રના ઉત્પાદકો, માંધાતા વેપારીઓ કરોડો રુપિયાનો બિઝનેસ કરે છે અને એટલાજ રુપિયાના દાન પણ કરે છે તે બધું ખરેખર જગત માટે ઉપયોગી જ નહિ પરંતુ અત્યંત ઉપકારક પણ હશે. છતાં તમે એના વિશે કંઈ જાણતા નથી તેથી તેની નિન્દા-ટીકા કરો છો અને એ રીતે અંદરથી તમે દંભ કર્યાની પીડા અનુભવો છો. પરંતુ એને બરાબર જાણી લીધું, એને શીખી લીધું, અને પછી એના વિશે કંઈ કહો તે તમને સમાધાન આપશે. આ દુનિયા બહુ ખતરનાક છે. વેપારી દુનિયા છે. બધાને ઉલ્લુ બનાવનારી છે. દરેકને પોતાને માલ વેચવો છે. જે લોકો છેતરાયા છે તેઓ બીજાને પણ છેતરીને પોતાની છેતરાયાની લાગણી મંદ કરવા ઈચ્છે છે. ઈંટરનેટ કે મોબાઈલ ફોનની દુનિયાની વ્યર્થતા વિશે લખનારા બહુ ઓછા મળશે. કોઈ લખનારા હશે તો એને છાપનારા નહિ મળે. કારણ કે અહિં તો સહુને પોતાનો માલ વેચવો છે. છાપા-મેગેઝીંસના તંત્રીઓ આવા ઉપકરણો બનાવતી કંપનીઓની કરોડો રુપિયાની જાહેરખબરો છાપતા હોય એ કેવી રીતે એની યુઝલેસનેસ વિશે છાપી શકે ?

ફેસબુકની વોલ પર લખવું એટલે દિવાલ સાથે માથું અફાળવું. કોણ એને વાંચનારું છે ? એને વાંચીને કેટલા જણા સાચા પ્રતિભાવ આપે છે ? કોઈ સેલીબ્રીટી ટ્વીટર પર કે ફેસબુક પર કંઈ બે-ચાર શબ્દો લખે એને એક-બે કલાકમાં લાખો લોકો ‘લાઈક’ કરે એમાં કોણે શું લખ્યું એ વાંચવાની કોને પડી છે ? તમે કોઈને મિત્ર બનાવો કે કોઈની સાથે ચેટિંગ કરો એનાથી દિલને શાંતિ મળે, જીવન સુખમય લાગે એવું બને છે કે ખાલીપણું ખોખલાપણું ઓર વધી જાય છે ? એમાં થોડા જ આગળ વધો એટલે રૂબરૂ મળવાની ઈચ્છા જાગે છે અને એ શક્ય ન બને એટલે મિત્રતા દુશ્મનાવટમાં બદલાઈ જાય છે. અને મળવાનું શક્ય બને તો જ્યાં મળો ત્યાંજ એ મિત્રતાનો અંત આવી જાય છે. કારણ કે વર્ચ્યુઅલ અને એક્ચ્યુઅલમાં આભ-જમીનનું અંતર હોય છે. જીવનભર આસપાસના કોઈ પડોશી જોડે સારા સંબંધો વિકસાવી નથી શકાતા, શાળાના દિવસો દરમિયાન કોઈ એક જિગરજાન મિત્ર નથી બનાવ્યો ને ઈંટરનેટ પર ઉત્તમ મિત્રો બનાવવા નિકળ્યા છે તે કઈ રીતે શક્ય બનવાનું છે ? આસપાસના કોઈ જરુરિયાતમંદને ક્યારેય પાંચ રુપિયા ગજવામાંથી કાઢીને આપ્યા નથી અને ઈમેઈલમાં લાખો રુપિયાની મદદની માગણીઓ કરનારા લોકો વિચાર પણ નથી કરતા કે આ રીતે કોણ તમારી મદદ કરવા નવરું છે ? જેની સાથે દિલ ખોલીને વાત કરી શકાય એવા બે માણસો જિન્દગીમાં કમાવ્યા હોય તો પણ એ માણસ ધન્ય છે. એણે બીજું કંઈ ન કમાવ્યું હોય તો કોઈ વાન્ધો નહિ.

ફ્લાઈટમાં સફર કરતા હો તો એરહોસ્ટેસની સ્માઈલ કેટલી બનાવટી હોય છે એની જાણ નથી ? સતત બનાવટી સ્માઈલ કરી-કરીને પોતે થાકી ગયેલી છે એની વ્યથા એરહોસ્ટેસ કોઈને કહી શકે છે ? હોટેલ કે રેસ્ટોરંટમાં નમ્રતાથી, અદબથી કામ કરતા વેઈટરને, નમ્રતા ફગાવીને એની ઘરવાળી સાથે મારામારી કરતો જોયો છે ? નાટકીય દુનિયામાં બધા જ ત્રસ્ત છે. ક્યાંય પણ સાચા વર્તનને ચલાવી લેવામાં આવે તો એ માણસ માટે અત્યંત આશીર્વાદરૂપ બની જાય છે. લોકસેવા કરનારા ટ્રસ્ટના ટ્રસ્ટીઓની મહત્વની મિટીંગમાં જગતની નજરે અત્યંત આદરણીય ગણાતો કોઈ એક ટ્રસ્ટી ન આવ્યો હોય ને એની રાહ જોવાતી હોય ત્યારે ચીફ ટ્રસ્ટી કે જેની પાસે કોઈ પણ ટ્રસ્ટીને કાઢી મુકવાની સત્તા છે એ સાવ સાહજિકતાથી કહે કે એ પી’ને એના બંગલાના બેડરૂમમાં ટલ્લી થઈને પડ્યો હશે. વાન્ધો નહિ, મિટીંગ શરૂ કરો. આવતી કાલે કોઈ એને બ્રીફિંગ કરી દેજો. આ માણસનો પુરુપુરો સ્વીકાર કર્યાની નિશાની છે. ઘણીવાર એરપોર્ટ પર ચેકિંગ વિધિ શરૂ થવાની રાહ જોતો હોઉં કે મોલમાંથી પસાર થઈ રહ્યો હોઉં ત્યારે આસપાસની દુનિયાનો અભ્યાસ કરવાની ટેવને કારણે સતત નિરીક્ષણ કર્યા જ કરતો હોઉં. ઘણા લોકોને પોતાનામાં જ મસ્ત જોઉં ત્યારે નવાઈ અચુક થાય કે માણસોથી આ લોકો કેટલું બધું અંતર રાખે છે ! આસપાસની દુનિયાના અસંખ્ય અવાજો નોંધવા જેવા હોય છે એને અવગણીને કાનમાં ઈયરફોન રાખીને કંઈ ને કંઈ સાંભળ્યા જ કરે ! યા તો મોબાઈલ ફોનમાં આંખો ઠેરવીને વ્યસ્ત હોય અથવા લેપટોપ યુઝ કરી રહ્યા હોય. અજાણ્યા સાથે વાત કરવાનું થાય તો આવી પેઢીના માણસોને નાકે નવ નેજા પાણી આવે. રોબોટની જેમ પ્રોગ્રામિંગ કર્યું હોય તેટલું જ આજની પેઢી કામ કરી શકે. જો એમાં ક્યાંય કંઈ એવું નવું બને કે જેની, ઓફિસમાં બોસ જોડે કે સાથી ઓફિસર સાથે ચર્ચા કરી ન હોય એટલે આવા માણસો પોતાની જાતને ફુલ્લી હેલ્પલેસ અનુભવે. એને ટેકલ કરવામાં એ ઈનસિક્યોરિટીનો ભાવ અનુભવે. અને એક-એક સ્ટેપ ફોન પર કે અન્ય કોઈ રીતે અન્યની મદદ લઈને ભરે.

હોલીવુડમાં આજકાલ કેવી ફિલ્મો બની રહી છે એ સૌ જાણે છે. કોઈ વાસ્તવિક સ્ટોરી પર ફિલ્મ બનાવે તો ત્યાં બિલકુલ ન ચાલે. ત્યાં છેલ્લા ઘણા સમયથી માત્ર વર્ચ્યુઅલ ફિલ્મો જ બને છે. પરગ્રહવાસીઓએ પૃથ્વીવાસીઓ પર કરેલા આક્રમણ પર ફિલ્મ બને અથવા કોઈ વિચિત્ર આકારના મહાકાય પક્ષી અથવા પશુ-પક્ષીની મિશ્ર જાતિનું કોઈ અસ્તિત્વ કે જે માનવજાત માટે ખતરનાક છે અને પૃથ્વીવાસીઓનો વિનાશ કરવા આવી રહ્યું છે આવી વર્ચ્યુઅલ સ્ટોરીથી અમેરિકન્સને ડરાવીને તેઓ પાસેથી એવી ફિલ્મ જોવાના ડોલર્સ કઢાવી શકાય છે. અમેરિકનને કહો કે કોઈ તમારા દેશને ખતમ કરવાની સાજીશ કરી રહ્યું છે તો એ તમારી પર આંધળો વિશ્વાસ કરશે. કારણ કે એને વર્ચ્યુઅલ દુનિયાને સત્ય માનીને ચાલવાનું જ ગમે છે. આ રીતે જોઈએ તો વાસ્તવિકતાથી કઈ હદે આ દેશ દુર થઈ ગયો છે એની જાણ થાય છે. કોઈ એક મુવી એવી પણ બની ગઈ કે ટ્વીન ટાવર તુટવાની ઘટના પણ અમેરિકન માસને ડરાવીને આવનારી ચુંટણીમાં તેઓના મત હાંસલ કરવાની જ્યોર્જ બુશ જુનિયરની તરકીબ હતી. એને બધી વાતની જાણ હોવા છતાં આરબ દેશ પર આક્રમણ કરવાની ત્યાંના પ્રમુખને અમેરિકનવાસીઓ તરફથી સંપૂર્ણ છૂટ મળી જાય એ હેતુ જ્યોર્જ બુશ જુનિયરે આ ઘટના બનવા દીધી હતી. અને તેથી જ એ ઘટના બની એ દિવસ કામકાજનો દિવસ હોવા છતાં એ દિવસે સૌથી ઓછા માણસો કામ પર જાય એવી વ્યવસ્થા અગાઉથી ગોઠવી હતી.

વર્ચ્યુઅલ દુનિયાની તમામ બાબતો ખરાબ છે એમ કહેવાનો આ લેખનો આશય નથી. પરંતુ સાચી લાગણીઓની શોધમાં આ દુનિયામાં ભટકવાની જરૂર નથી. ‘ઈંફોર્મેશન ટેક્નોલોજી’ એવું આ દુનિયાનું નામ છે. માટે એને ઈંફોર્મેશન પુરતું સીમિત રાખવાની આવશ્યકતા છે. ક્ષણભરમાં માહિતીની આપ-લે થઈ શકે છે. એ એનું જમા પાસું છે. માહિતી સાચી છે કે ખોટી એ ચકાસવાની કોઈ કસોટી નથી. માટે સાચવી-સાચવીને કદમ ભરવાનું રહે છે. બુદ્ધિવાદીઓનો યુગ છે અહિં દિલવાળાઓનું કામ નથી. જેટલા આ દુનિયાથી અલિપ્ત છીએ એટલા જ સુખી છીએ. માણસને ઐન્દ્રિય સુખ માટે બહેકવનારી, પતનના રસ્તે લઈ જનારી આ દુનિયામાં પ્રવેશીને કોઈ જીવન વિકાસ કરી લેવા માગતું હોય તો કોલસાની ખાણમાં જઈને કાળા થયા વિના એમાં પડેલું પાણીનું એક ટીપું પીને તરસ છીપાવવાની તક સૌને છે. એના કરતા કુદરતના ખોળે જઈને નદીના વહેતા પ્રવાહમાંથી ખોબો ભરીને પાણી પીને તરસ છીપાવવી શું ખોટી ?

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: