વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

પદયાત્રા

છેલ્લા વીસ વર્ષથી શરૂ થયેલો પદયાત્રાનો ટ્રેંડ આજે ફુલ સ્પીડમાં આવી ગયો છે. આ પરિવર્તન સ્વયંભૂ આવેલું છે. એક સમયે એકલદોકલ વ્યક્તિ પૂનમ ભરવા નજીકના ધાર્મિક સ્થળે પગે ચાલીને જતી. આ સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો ગયો. શરૂઆત એકલા પુરુષોથી થઈ. એમાં ક્રમે-ક્રમે જુવાનિયાઓ જોડાતા ગયા. ત્યારબાદ મહિલાઓ પણ પદયાત્રામાં જોડાઈ. આશ્ચર્યવત એમાં જોડાઈને હવે યુવાન દિકરીઓ પણ પદયાત્રા કરે છે અને બાળકો પણ એમાં સામેલ થયા છે. હવે વ્યક્તિઓ નહિ પરંતુ પરિવારો પદયાત્રા કરી રહ્યા છે. આ સંખ્યા એટલી બધી વધી ગઈ છે કે રસ્તે સંઘોના સંઘો પગપાળા ચાલતા જતાં જોવા મળે છે. એક એવો રેલો નિકળે છે જેનો ક્યાંય અંત જ જણાતો નથી. ફાસ્ટયુગથી કંટાળેલા માણસનો યુ-ટર્ન હોય એવું લાગે છે. રસ્તે ચાલતા જાઓ એ બાબત અડધો કપ ચાની ચુસકી લેતાં-લેતાં અડધો કલાક સ્વાદથી પસાર કરવા બરાબર છે. આ કેવું સમીકરણ ? કેટલાક માણસો પચીસ રુપિયાનો ફુલ ગ્લાસ ઓરેંજ જ્યુસ પણ એક ઘુંટડે પુરો કરી નાંખે છે તો કેટલાક માણસો પાંચ રુપિયાની કટિંગ ચા માણતા અડધો કલાક લગાડે છે. આ તુલનામાં ચા પીનારો માણસ પોતાના ખર્ચેલા રુપિયા વધુ સારી રીતે વસૂલ કરે છે. એ જ રીતે ફ્લાઈટમાં ઝડપથી જનારો માણસ ભલે બે કલાકમાં દુબઈ પહોંચી જાય પરંતુ પગે ચાલીને જનારો માણસ યાત્રાની પળેપળને, ક્ષણેક્ષણને માણે છે. પ્રત્યેક વૃક્ષના છાંયડાને, એની ઘટાને, એના પાંદડાના આકારને એની ડાળીઓને, રસ્તે આવનારા તમામ નાના-મોટા શિલ્પ-સ્થાપત્યને માણતો-માણતો જાય છે. સાથી મિત્રો સાથે વાતો કરતાં-કરતાં કોઈ પર આધારિત બન્યા વિના, જેના કારણે બસ ચુકી જવાનો ડર કે કિમતી સામાન ચોરાઈ જવાનો ડર કે સમયસર કોઈ જગ્યાએ ન પહોંચવાનો ડર, દર્શન ચુકી જવાનો ડર; એવો કોઈ ડર રહેતો નથી.

સ્વયંભૂ બનવામાં આવો આનન્દ છે. શરીર અને મન એક સાથે ચાલતા હોવાથી બન્ને સ્ફૂર્તિ તેમજ પ્રસન્નતા અનુભવતા હોય છે. કોઈ કારણ વિના, વ્યવહારની ચિંતા વિના, આર્થિક કે સામાજિક જવાબદારીના ભારણ વિના માત્ર પ્રભુના દર્શને જવાનું હોવાથી હળવાશ તેમજ બોજ વિનાના જીવનનો આનન્દ માણવાની અલભ્ય તક આવી પદયાત્રાઓ દરમિયાન પ્રાપ્ત થાય છે. એક સમય હતો કે વ્યવહાર અર્થે ચાલતા જતાં કંટાળેલો માણસ સાયકલ પર જતો થયો. ત્યારબાદ એણે મોપેડ વસાવ્યું. સ્કૂટર લાવ્યો, બાઈક ચલાવતો થયો. સુખના દિવસો આવ્યા એટલે એણે મોટરકાર પણ વસાવી. ફ્લાઈટમાં વિશ્વભરમાં ઘુમી આવ્યો. છતાં પણ એના મનનો કંટાળો તેમજ શરીરની બેચેની ગઈ નહિ. આથી ‘પ્રકૃતિ તરફ પાછા વળો’ એ વાત એના હૃદયને જચી ગઈ અને એણે પદયાત્રા શરૂ કરી. ઘરે બેઠાંબેઠાં ટી.વી. જોઈ રહ્યો હોય ત્યારે માણસને ‘આ વસ્તુ વિના ન ચાલે, તે વસ્તુ વિના ન ચાલે’ એવું લાગવા માંડે છે. પરંતુ પદયાત્રા દરમિયાન એની પાસે શું હોય છે ? માત્ર એક બગલથેલો ! તેમ છતાં એનાથી એનો આખા દિવસનો તેમજ ચાર-પાંચ દિવસનો વ્યવહાર ચાલે જ છે ને ! આ વાતને ગાંઠ મારીને પાકી કરી લેવાની અને જીવન વ્યવહાર કરતી વખતે પણ યાદ રાખવાની છે. એક બગલથેલો, જેમાં એક જોડી કપડા બચે બાકીનું બધું વેચાઈ જાય ત્યાં સુધી ચિંતા કરવી નહિ. હમણાં-હમણાં ‘બેચ ડાલ’ – ‘બેચ ડાલ’ એવું બોલતા ‘ઈબે ડોટ કોમ’ અને ‘ઓલેક્સ ડોટ કોમ’ ટી.વી. પર બહુ આવે છે. તેઓ પણ પદયાત્રા કરતા હશે કે શું એવો વ્હેમ થાય છે. મન્દીનો વાવર બધે જ ફેલાયો છે.

આવી પદયાત્રાથી માણસને જુના જમાનામાં ચાલતી સન્યાસીઓની પદયાત્રા કરી રહ્યા હોવાનો અણસાર મળે છે. શંકરાચાર્યે વેદાંતના મહાન તત્વજ્ઞાનનો પ્રસાર પગે ચાલીને ભારતભરમાં ઘુમી વળીને જ કર્યો હતો ને ! તેઓનું કૌપિનપંચકમ સ્તોત્ર શું કહે છે ? ભીક્ષાન્નમાત્રેણ તુષ્ટિમંત: એટલે કે ભીક્ષામાં જે કંઈ મળે (જે કંઈ ભોજનમાં પીરસાય છે) એમાં પરમ સંતોષ માને છે. સ્વાનન્દભાવે પરિતુષ્ટિમંત: એટલે કે પોતાના અસ્તિત્વના જ આનન્દમાં જેને પરમ તૃપ્તિ થાય છે અર્થાત કોઈ ભૌતિક સગવડની આવશ્યકતા જ નથી. આજની પદયાત્રા યાત્રિકોને આવો અમૂલ્ય ભાવનો લાભ કરાવે છે. માત્ર બે દાયકા પૂર્વે આવી પદયાત્રાને કોઈ ખાસ પ્રતિષ્ઠા ન હતી. કોઈને ખ્યાલ પણ ન હતો કે આ પ્રવૃત્તિ આટલો બધો રંગ લાવશે. સમાજના નીચલા સ્તરના માણસો દ્વારા એની શરૂઆત થઈ પરંતુ ક્રમે-ક્રમે એને સમાજના ભદ્રવર્ગે પણ સ્વીકારી લીધી ને એને પ્રતિષ્ઠા પણ મળવાની શરૂ થઈ.

આજે આ તીર્થયાત્રા કમ પદયાત્રાને એટલી બધી પવિત્રતાની દૃષ્ટિએ જોવામાં આવે છે કે પદયાત્રીઓની સેવા માટે રીતસર રસ્તે જુદા-જુદા અનેક પ્રકારના સ્ટોલ્સ લાગેલા હોય છે, જેમાં વિનામૂલ્યે યાત્રિકો માટે અનેક ચીજ-વસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. અનેક પ્રકારના નાસ્તા, ચા તેમજ સમયાનુસાર ભોજનની વ્યવસ્થા થાય છે. અનેક પ્રકારના કેમ્પ લાગેલા હોય છે જેમાં પદયાત્રીની આંખનું ચેક-અપ, બ્લડગ્રુપ ચેક-અપ, હાડકાની ઘનતાનું ચેક-અપ વગેરે થાય છે. પગ દુખતા હોય એના પગની માલિશ કરવા માટે સેવાભાવી માણસો પણ હાજર હોય છે. ન્હાવા માટે ગરમ પાણીની ડોલ, રાત્રે સુવા માટે પથારી, ઓઢવા માટે ધાબળા વગેરે ઉપલબ્ધ કારાવાય છે. પદયાત્રીઓ નિ:સ્વાર્થભાવે પ્રભુના દર્શને જઈ રહ્યા હોવાથી બહુ મોટું પુણ્ય કમાઈ રહ્યા છે એ પુણ્યના ભાગીદાર બનવા માટે સહુ ઈચ્છુક હોય છે તેથી પદયાત્રીઓની સેવા કરવામાં આવે છે. આ ભાવ કોઈ ક્ષુદ્ર સ્વાર્થભાવ નથી પરંતુ ઈશ્વરને કેન્દ્રમાં રાખીને માનવને માનવ સાથે જોડતો દિવ્યભાવ છે. ઈશ્વરદર્શને નિકળેલા માણસમાં ઈશ્વર જોવો અને એની સેવા કરવી એ અદ્ભૂત આનન્દનો અનુભવ કરાવનારી બાબત છે. કોઈ-કોઈની સાથે કાયમી સંબંધ જોડવાનું નથી. પળ બે પળનો મુકામ હોય છે અને આગળ વધતા રહેવાનું હોય છે. એમાં બને તેટલી સેવા કરીને જીવન ધન્ય કરવાની તાલાવેલી બન્ને પક્ષે લાગેલી હોય છે. ફાસ્ટયુગથી કંટાળવાની આડઅસરના કારણે પણ માણસની આ રસ્તે શરૂઆત થઈ હશે તો પણ એ આવકાર્ય છે.

થાકેલા માણસનો ઉત્સાહ વધારવા સુત્રોચ્ચાર કરવામાં આવે છે. ‘બોલ માડી અંબે, જય-જય અંબે’, ‘જય રણછોડ માખણચોર’ના નાદ આકાશને ગજવે છે. ધજા-પતાકા, ઢોલ-નગારા, લેઝિમ નૃત્ય ભજનોની રમઝટ, ગરબાના સૂરથી વાતાવરણ એટલું રમ્ય બની જાય છે કે મન, બુદ્ધિ પ્રસન્ન થઈ જાય છે. રસ્તે રોકાઈને ગરબા નૃત્યને પણ માણી લેવામાં આવે છે. બેટરીચાલિત ઉપકરણો જેવા કે ટેપ રેકોર્ડર, લાઉડસ્પીકર, રોશની વગેરેની મદદ લેવામાં આવે છે. ઉત્તરગુજરાતમાં અંબાજીની પદયાત્રા ખુબ જાણીતી છે. વડોદરા પાસે આવેલું ડાકોર પદયાત્રીઓનું અતિપ્રિય યાત્રાધામ છે. પાસે જ આવેલું ફાગવેલ ભાથીજી મહારાજની વીરતા તેમજ તેઓના ગાયપ્રેમની કથાઓના કારણે જાણીતું બન્યું છે. માણસ મૂળમાં ઈશ્વરનો અંશ હોવાથી ઈશ્વરીય પ્રવૃત્તિમાં જ એને સાચો આનન્દ પ્રાપ્ત થાય છે. આવી પદયાત્રા કરીને નવું જોમ, નવો ઉત્સાહ પ્રાપ્ત કરીને માણસ ફરી પાછો વ્યાવહારિક જીવનમાં વ્યસ્ત થાય છે. ફાસ્ટયુગમાં એકધારી જિન્દગીથી કંટાળેલા માણસના જીવનમાં ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્ય ભરવા માટે આપણા ઋષિમુનિઓએ તહેવારો આપ્યા. પરંતુ જીવન આજે એટલું બધું ફાસ્ટ બની ગયું છે કે એ તહેવારોનો એક દિવસ પૂરતો થઈ રહેતો નથી, એની આજુબાજુના ચાર-પાંચ દિવસો એની ઉજવણીમાં જોડી દેવાની જરૂરિયાત ઉભી થઈ છે. સારી વાત છે. જેટલો વધુ સમય દિવ્યતામાં પસાર થાય એટલું જ વધુ સારું ગણાય.

એક કાળે શ્રવણે એના માબાપને કરાવેલી તીર્થયાત્રા જાણીતી છે. સમગ્ર ભારતની વાત કરીએ તો વૈષ્ણોદેવી તેમજ બર્ફાની બાબા અમરનાથના શિવલિંગની યાત્રાઓ ખુબ જ જાણીતી છે. આકરી હોવા છતાં શરીરે સ્વસ્થ હોય એવા ગમે તેટલી વયના બહેનો-ભાઈઓ આ યાત્રા કરી શકે છે. પગે ચાલતા જવાનું હોવા છતાં માર્ગમાં આવતા ઢોળાવો એટલા બધા જોખમી હોય છે કે ગમે ત્યારે પગ લપસી પડતા રોડસાઈડ આવેલી ઉંડી ખાઈમાં પડી જતાં માણસ મૃત્યુ પણ પામી શકે છે. ઘોડા જેવા પ્રાણીઓની મદદથી રસ્તો પસાર કરનારા માણસો પણ અચાનક ઘોડું ભડકી જવાથી બન્ને જણા એક સાથે ધબાય નમ: થઈ જાય છે. છતાં જેમ કાશીનું મરણ વિખ્યાત છે તેમ આવા પવિત્ર તીર્થસ્થાનોમાં જઈને અથવા એના માર્ગે જતાં મૃત્યુ પણ આવે તો હસતા મુખે એનો સ્વીકાર કરવાની ભારતીયની તૈયારી હોય છે. એક પરિચિત ભાઈના પિતા નિવૃત્ત ઈંકમટેક્સ ઓફિસર હતા. તેઓ ઘોડા પર બેસીને યાત્રા કરી રહ્યા હતા. બાજુમાં ચાલી રહેલા સાધુનો ચીપિયો ઘોડાને અડકી જતાં ઘોડો ભડક્યો ને બન્ને જણા: સાધુને ઘોડો નહિ પરંતુ પેલા ઓફિસર અને ઘોડો ખીણમાં ખાબક્યા અને બન્ને મરણ પામ્યા. એ ભાઈની ડેડ બોડી હેલીકોપ્ટરમાં લાવવામાં આવી હતી. માણસ જે પ્રવૃત્તિમાં જોડાવાથી ધન્યતા અનુભવે છે એ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપી દેતાં અચકાતો નથી. ભારતનો સામાન્ય માણસ ધાર્મિક હોવાથી પ્રભુદર્શનને નિમિત્ત બનાવીને મૃત્યુ પામવામાં એને ધન્યતા અનુભવાય છે. જ્યારે દેશભક્ત એવા ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુને દેશ માટે ફાંસીના માંચડે લટકી જવામાં ધન્યતા અનુભવાય છે. માણસ મૂળમાં લાગણીશીલ પ્રાણી હોવાથી એને જે મહત્વનું જણાય એ માર્ગે એ પ્રવૃત્ત થાય. તેમ છતાં ભારતીય માનવી મૂળભૂત રીતે ભોગપ્રધાન ન હોતાં ભાવપ્રધાન રહે છે. જીવનની જરૂરિયાતો ઓછી કરવા તત્પર બને છે. પશ્ચિમનો ભૌતિકવાદ વારે-વારે એને પ્રવૃત્તિમાં ઢસડી જાય છે તેમ છતાં એમાંથી કંટાળી જઈને વારે-વારે એ બહાર આવવા માથું પછાડે છે. આ કશ્મકશનું એક પરિણામ એટલે આજે ગુજરાતના રસ્તાઓ પર જોવા મળતી દરેક પ્રકારના માણસો દ્વારા થઈ રહેલી પદયાત્રા.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: