વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

ગુજરાતમાં દારૂબંધી એ ગાંધીપ્રભાવ છે. ગાંધીએ શું જોઈને દારૂ પર પ્રતિબંધ લાદવાનું કહ્યું હતું ? એક દલીલ એવી છે કે પુરુષો દારૂ પીને પોતે બરબાદ થાય છે અને પરિવારને પણ બરબાદ કરે છે, ઘરવાળી તેમજ સંતાનોની મારપીટ કરે છે એ વધારામાં. ખરું જોઈએ તો આજે દારૂબંધીના અમલની શું સ્થિતિ છે ? દારૂબંધીના કારણે શું પુરુષવર્ગનું દારૂ પીવાનું બંધ થઈ ગયું ? એણે ઘરના સભ્યોની મારપીટ બંધ કરી ખરી ? દારૂબંધી પર કડક કે ઢીલો અમલ ક્યાંય થતો જ નથી. કાયદો છે એટલે એને માન આપવા માટે કોઈ જાગૃત નાગરિક ફરિયાદ કરે એટલે પોલીસદાદાએ થોડીક લાકડીઓ પછાડવી પડે છે એટલું જ ! ગાંધીવાદીઓને પણ દારૂબંધી અંગેના ગાંધીવિચાર માટે પ્રેમ હોય એવું જણાતું નથી. કારણ કે દારૂંબંધી હટાવી લેવાની વાત આવે છે એટલે ગાંધીવાદીઓ મિડીયામાં નિવેદનબાજી કરવા કુદી પડે છે. પરંતુ ઘરે-ઘરે જઈને દારૂ પીનારા પુરુષોને પ્રેમથી દારૂ છોડી દેવાનું સમજાવવા જેવી કોઈ સર્જનાત્મક પ્રવૃત્તિઓ તેઓ કરતા જોવા મળતા નથી. વ્યસનમુક્તિ અંગેના કેમ્પનું આયોજન પણ ગાંધીવાદીઓ કરે છે કે કેમ એ કોઈની જાણમાં નથી.

ગાંધી આમ તો વિશ્વના મહાપુરુષ કહેવાય છે તો તેઓની ઈચ્છાને વૈશ્વિક સમ્માન મળવું જોઈએ ને ! શું તેઓ માત્ર ગુજરાત પુરતા સીમિત હતા ? તેઓનો આદર કરવો હોય તો વિશ્વની વાત જવા દો, તેઓએ કહેવાતી રીતે ભારત દેશને આઝાદી અપાવી હોય તો સમગ્ર ભારતમાં દારૂબંધી હોવી જોઈએ ને ! માત્ર ગુજરાત પુરતી દારૂબંધી લાદીને આપણે ગાંધીની ડીવેલ્યૂ કરી રહ્યા છીએ. કોઈ એમ કહે કે વિવેકાનંદ બંગાળી હતા તો એ વિવેકાનંદનું અપમાન કરવા જેવું છે. તેઓ પોતાના ચરિત્ર દ્વારા વૈશ્વિક થઈ ચુક્યા હતા. આથી કાં તો ભારતભરમાં દારૂબંધીનો અમલ કરો અથવા ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લો. દારૂબંધી હટાવવાથી કોઈ બેફામ પીવાનું શરૂ કરી દેવાનું નથી. કોઈની પાસે એવા વધારાના નાણા નથી. દારૂ વેચાય એટલે સાથે-સાથે એને પીવા માટે એક સલામત જગ્યા પણ ઉપલબ્ધ થાય. આથી દારૂડિયો ઘરે કે અન્ય ક્યાંય સંતાઈને પીવાની જગ્યા શોધતો બંધ થાય.

સૌથી મહત્વની બાબત એ છે કે ગુજરાતમાં વિશ્વભરના ઉદ્યોગપતિઓ નાણાનું રોકાણ કરવા માંગે છે. તેઓની પાયાની સગવડોમાંની એક દારૂની સગવડ સચવાય તો તેઓને અહિં આવવા માટેનું, રહેવા માટેનું પ્રોત્સાહન પણ મળી રહે. ગુજરાતનો પ્રવાસન ઉદ્યોગ પણ વિકસિત કરી શકાય. દારૂના વેચાણથી અઢળક આવક કમાવાની સાથે-સાથે ગુજરાત સરકારને ટેક્સ રૂપે પુષ્કળ નાણા પણ મળે. ગુજરાતમાં ધનવર્ષાની રેલમછેલ થઈ જાય. દુબઈ જેવા રણ વિસ્તારને ત્યાંના વિઝનરી સુલતાને એટલું તો વિકસિત કર્યું કે દુનિયાભરના બિઝનેસમેનો તેમજ પ્રવાસીઓ બારેમાસ દુબઈ ઉમટી પડે છે. 45થી 50 ડિગ્રી તાપમાન ધરાવતા આ શહેરમાં સ્વર્ગ ઉભું કર્યું અને પ્રવાસીઓને આકર્ષવા માટેની એક પણ તક નજરઅંદાજ કરવામાં ન આવી. મૂળભુત રીતે ઈસ્લામ ધર્મને અનુસરનારા આરબ લોકોનું આ શહેર હોવાથી ઈસ્લામના કાયદા અનુસાર ત્યાં દારૂની સખત પાબંદી હોવી જોઈએ છતાં ત્યાં દારૂની પુરેપુરી છુટ છે. માત્ર રમઝાન માસમાં દારૂબંદીનું પાલન કરવામાં આવે છે. ત્યારે એવી સ્થિતિ થાય છે કે એક પણ વિદેશી દુબઈની મુલાકાત લવાનું પસંદ કરતો નથી. પ્રવાસીઓ પર જ નભતું દુબઈ સુવર્ણમયી નગરી બની રહી છે ત્યારે ગુજરાતના વિકાસ માટે દારૂબંદી અંગેના પરંપરાગત ખ્યાલો પર પુનર્વિચાર કરવો જરૂરી છે. દારૂ અને માંસાહાર એકબીજાની સાથે-સાથે ચાલે છે. ગુજરાતમાં માંસાહારની કોઈ પાબંદી નથી તો દારૂની કેમ ? અહિંસાના કટ્ટર આગ્રહી હોવા છતાં ગાંધીએ માંસાહાર માટે છૂટ આપી તો દારૂબંધી શા માટે ?

ટી.વી. જોવા પર કે અશ્લિલ મુવી/મેગેઝિંસ જોવા પર પ્રતિબંધ નથી. સિગારેટ આદિ ધુમ્રપાન પર પ્રતિબંધ નથી. કારણ કે નિષેધને લગતી તમામ બાબતો માણસના વિવેક પર આધારિત રાખવામાં આવે છે. જ્યાં સુધી વિવેકબુદ્ધિ ખીલી નથી ત્યાં સુધી જ પ્રતિબંધ (નાના બાળક માટે) હોય છે. કુદરતે અથવા ઈશ્વરે જગત એ રીતે બનાવ્યું છે કે શરીર માટે પ્રતિકૂળ હોય એવા ગળ્યા પદાર્થો જ જીભને વધુ ભાવે છે. શરીરમાં રોગો જન્માવે એવી આદતો પાળવાનું મન થાય છે. આનો અર્થ એ કે વિવેકબુદ્ધિને સતત જાગૃત રાખવામાં આવે એવી વ્યવસ્થા કુદરતી રીતે જ થઈ છે. કુદરતમાં ક્યાંય પ્રતિબંધ છે જ નહિ. માણસે પણ એ જ રીતે વિવેક પર આધારિત વ્યવસ્થાઓ ઉભી કરવી રહી.

પારિવારિક પ્રેમભાવ ઉભો કરવા માટે સ્વતંત્ર પ્રયત્ન થવો જોઈએ. દારૂ પીવાનું બંધ થાય આથી પુરુષને પોતાની જવાબદારીનું ભાન થાય એવું કોઈ સમીકરણ બરાબર નથી. વિશ્વભરના તમામ માલેતુજારો, ઉદ્યોગપતિઓ, ફિલ્મ સ્ટાર્સ, ક્રિકેટર્સ દારૂ પીવે છે છતાં તેઓ ક્યારેય બિનજવાબદારીપૂર્વક વર્ત્યા હોય એવું બન્યું નથી. ઉલ્ટાના તેઓ પોતાની જવાબદારી બરાબર નિભાવે છે. દારૂ પીનારને જવાબદારીનું ભાન ના રહેતું હોય તો સરહદે દેશની સુરક્ષા માટે તૈનાત જવાનોને દારૂની છૂટછાટ શા માટે આપવામાં આવે છે ? દારૂ પીને કોઈ સૈનિકે ગેરવર્તન કર્યાનું હજારો વર્ષના ઈતિહાસમાં ક્યારેય સાંભળ્યું નથી. શું સૈનિકને આપણે દારૂડિયો કહી શકીશું ? જે લોકો દારૂ નથી પીતા અને આર્થિક સંકડામણથી પીડાય છે એવા કેટલાય પુરુષો આવેશમાં આવી જઈને પોતાના પરિવારના સભ્યોને મારઝૂડ કરતા અચકાતા નથી. માત્ર દારૂડિયાઓ જ મારપીટ કરે છે અને તેઓને પોતાની જવાબદારીનું ભાન નથી એવું નથી. દારૂબંધીના કારણે દારૂની આવક સરકાર પાસે ન જતાં બુટલેગરો તેમજ પોલીસખાતાના માણસો ઉપરની કમાઈ તરીકે મેળવે છે. દારૂડિયા પાસેથી તેમજ બુટલેગરો પાસેથી હપતો મેળવવા તેમજ હપતાની રકમ વધારવા પોલીસો બેરહેમીથી તેઓની મારઝૂડ કરતા હોય છે. આની પ્રતિક્રિયા રૂપે દારૂડિયાઓ તેમજ બુટલેગરો પોતાના પરિવારોના સભ્યોને મારપીટ કરતા હોય છે. દારૂવેચાણ એક લાયસંસવાળો ધંધો થઈ જાય તો પોલીસખાતાની કનડગત બંધ થઈ જાય. દારૂ પીનાર માટે ‘દારૂડિયો’ એવો અપમાનજનક શબ્દ વપરાતો પણ બંધ થઈ જાય. જેમ હોટેલમાં આદરપૂર્વક વાનગી પીરસાય છે તેમ દારૂ પીરસાય એટલે પીનારને ગેરવર્તણૂક કરવા બદલ શરમ ઉપજે. આથી ચોરીછૂપીથી પીવાતા દારૂની અસરોમાં જે બદીઓ દેખાય છે એ તમામ બદીઓ દારૂવેચાણ કાયદેસર થઈ જતાં ચાલી જાય છે.

આમ પણ દારૂ એ ગામડાઓમાં વધુ પીવાય છે. શહેરોમાં શ્રમિક વર્ગ તેમજ ધનાઢ્ય વર્ગ દારૂ વધુ પીવે છે. રાજકારણ સાથે સંકળાયેલા માણસો પોતાના ગ્રુપ્સ જાળવી રાખવા દારૂની પાર્ટીઓનું વારંવાર આયોજન કરતા હોય છે. ચુંટણી ટાણે પણ દારૂની રેલમછેલ જોવા મળે છે. બધું બરાબર ચાલે છે. બસ, એને છુપું રાખવામાં આવે છે એટલું જ. ધનવાન લોકો મોજ માટે દારૂ પીતા હોય છે પરંતુ શ્રમિકોની વાત કરીએ તો – સામાન્ય માણસ આખા દિવસમાં જે શારિરીક શ્રમ કરે છે તે રાત્રે શાંતિની ઉંઘ લેવાથી ઉતરી જાય છે અને સવારે શરીરમાં સ્ફૂર્તિ અનુભવાય છે. પરંતુ શ્રમિકોએ ગજા ઉપરાંતનું કામ કર્યું હોવાથી તેઓનું થાકેલું શરીર ખાવા માટે પણ તૈયાર નથી હોતું કે ઉંઘવા માટે પણ તૈયાર નથી હોતું. તેઓ દારૂ પીવે ત્યારે જ એ થાક ઉતરે છે અને તેઓને ઉંઘ પણ સારી આવે છે. આમ ગરીબો માટે દારૂ એ ખરેખર તો દવા છે – શ્રમ ઉતારવાની દવા – અને એ પણ ડોક્ટર પાસે ગયા વિના મળતી એવી અકસીર દવા. સફેદ ઝભ્ભા-કૂર્તામાં સજ્જ ગાંધીવાદીઓને શ્રમિકની પીડા અંગે જાણવું હોય તો તેઓએ મે મહિનામાં બપોરે બે વાગ્યા થી ચાર વાગ્યા સુધી પગરીક્ષા કે હાથલારી ખેંચવી જોઈએ. ત્યારબાદ શ્રમિકોના દારૂના વ્યસન અંગે નિવેદન આપવું જોઈએ.

દારૂના કારણે માણસો ગેરવર્તન કરે છે એમ કહેવું બરાબર નથી. જો એવું હોય તો બધા જ દારૂ પીનારા ગેરવર્તન કરવા જોઈએ ને ? પરંતુ દારૂ પીનારા સભ્ય માણસો દારૂ પીને ક્યારેય ગેરવર્તન કરતા નથી. અને દારૂ ન પીનારા ગેરવર્તન કરતા નથી એમ કહેવું પણ બરાબર નથી. ખરેખર તો એવું છે કે ગેરવર્તન કરનારા લોકો દારૂ પીવે છે તેથી દારૂ બદનામ છે. ઘણી એવી સારી બાબતો હશે જે ખોટા માણસોએ સૌપ્રથમ અપનાવી હશે તેના કારણે એ સારી વાત બદનામ થઈ હશે. દા.ત. સિસોટી મારવી એને સારી વાત ગણવામાં આવતી નથી. કારણ કે એની શરૂઆત રસ્તે જતી કોઈ છોકરીની મશ્કરી કરવામાંથી થઈ હશે. પરંતુ પાળેલો પોપટ સિસોટી મારે એથી કોઈને ખરાબ લાગતું નથી. આંખ મારવી એ બિભત્સ ઈશારો છે, પરંતુ કયા સંદર્ભમાં ? કોઈ છોકરીને ઉદ્દેશીને કરવામાં આવ્યો હોય તો ! પરંતુ બે મિત્રો પોતાના કોઈ કોમન ત્રીજા મિત્રને મુર્ખ બનાવવા આંખથી ઈશારો કરે એ સ્વીકાર્ય છે. એ જ રીતે દારૂ પીને છાકટા બનનારા માણસોના કારણે દારૂ બદનામ થયો છે. તમે નમસ્તે લંડન મુવી જોયું હશે. એમાં આધુનિક જમાઈ અને આધુનિક સસરો લંડનના એક બિયરબારમાં સાથે બેસીને બિયર પીવે છે અને એ રીતે પોતાના દિલની વ્યથા એકબીજા સાથે શેર કરે છે. દારૂ આ રીતે માણસને એકબીજાની અતિ નિકટ લાવીને અતિ આત્મીય બનાવે છે. માણસને રડવું હોય તો દારૂ એને મદદ કરે છે. રડવાનું ન આવડતું હોવાને કારણે ગમના હુમલાઓનું હૃદય પર થયેલું ભારણ વધી જવાથી એક દિવસ માણસ હૃદયરોગના હુમલાને કારણે અચાનક ટપકી જાય છે. જ્યારે દારૂ પીને રડી લઈને પોતાનું દુ:ખ વહાવી દઈને માણસ હળવો થઈ જાય છે. સંસ્કૃત ભાષામાં દારૂ માટે ‘સુરા’ શબ્દ છે. એ અસુરા નથી. દેવો સોમરસનું પાન કરે છે એવી કલ્પના પુરાણો તેમજ વેદોમાં ઉપલબ્ધ છે. સુરાના કારણે બેહોશી આવે છે. શારિરીક થાકને ભુલવા માટે જેમ બેહોશી આવશ્યક છે તેમ ગમ ભુલવા માટે પણ બેહોશી અનિવાર્ય છે. સરહદ પર લડતો સૈનિક ઘરની પ્રેમાળ યાદને ભુલવા માંગે છે. માટે તે દારૂ પીવે છે. કોઈ સત્કાર્યમાં જોડાયેલ સજ્જન ધ્યાનમાં પ્રભુપ્રીતિમાં બેહોશ થઈને જગતને ભુલવા માંગે છે. આમ જેને કંઈ નક્કર કાર્ય કરવું છે અને એ માટે પોતાનો સ્વતંત્ર રસ્તો અપનાવ્યો છે એ રસ્તે અવિચળ ગતિ કરવા માટે અન્ય બાબતો અંગે દુર્લક્ષ સેવીને પોતાના ધ્યેય અંગે બેહોશી લાવીને કાર્યરત રહેવું પડે છે. દારૂ શારિરીક બેહોશી લાવે છે અને સદ્ગુણથી માનસિક બેહોશી આવે છે.

આથી દારૂબંધી એ બાલીશ હરકત છે. એક સાવ ખોટું સમીકરણ સ્થપાઈ ગયું છે કે દારૂ પીનારાને ગેરવર્તન સાથે સંબંધ છે. હકીકતમાં વૈશ્વિક ધનવર્ષાની આકાશસમી છાબડી ઉપલબ્ધ થઈ છે. દારૂબંધી હટી જાય તો પચાસ વર્ષ બાદ ગુજરાત વિકાસ કરીને જે સ્થિતિએ પહોંચ્યું હશે એ સ્થિતિએ આજે જ પહોંચી શકાય એમ છે. આધુનિક સમયમાં ઘરડાઓ જ હંમેશા સાચા હોય છે અને તેઓ પાસે જ વિઝન હોય છે એવી માન્યતા પણ ફગાવી દેવાની જરૂર છે. કારણ કે સમાજ પરંપરાથી ચાલતો હોય ત્યાં ઘરડાઓનું માર્ગદર્શન અનિવાર્ય બને. આજે તો સમાજ સતત ઈનોવેશનથી કુદકે ને ભુસકે ગતિ કરી રહ્યો છે. ત્યારે જે વીતી ગયું તે સાવ નકામું બની ગયું ગણીને જુવાન હૈયાઓની વિચારધારાને પ્રથમ ક્રમ આપવો જરૂરી છે.

Advertisements

Comments on: "ગુજરાતમાં દારૂબંધી" (1)

  1. આમ તો વેપાર અને દારૂબંધી વચ્ચે કોઇ સંબંધ નથી. પણ જો વેપારી માલ્યા હોય અથવા રોકાણકારો પાસે તેના શેર્સ હોય તો વેપારની રીતો બદલાઇ જાય છે.
    તમારી અદ્‍ભુત વાત ગમી “દારૂ પર પ્રતિબંધ પણ માંસાહાર પર નથી :)”
    દારૂની વાત હોય તો ગાંધીનું ગુજરાત નહિતર મુખ્યમંત્રીની અટકનું 🙂
    કદાચ આવનારા વર્ષોમાં ગાંધીવાદીઓની છેલ્લી પેઢી ગયા પછી જાહેરમાં છાંટોપાણી આંશિક શક્ય બનશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: