વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

માણસની આર્થિક સ્થિતિ એક સમયે એવી હોય કે હપતેથી બાઈક ખરીદવું હોય તો એના ડાઉનપેમેંટની વ્યવસ્થા કરતાં પણ નાકમાં ફીણ આવી જાય. પણ પછી પ્રભુકૃપા થાય એટલે એ જ માણસ મકાનમાલિક પણ બની જાય. આજે એવી સ્થિતિ છે કે ભલભલા માલેતુજારો પણ ધરતી સાથેનો સંબંધ ખોઈ બેઠા છે. એટલે કે તેઓ ફ્લેટ ખરીદી શકે છે, ટેનામેંટ કે બંગલો કે પછી ડુપ્લેક્સ હાઉસીસ નહિ. પછી તો એ માણસના જીવનમાં એવી સ્થિતિ આવે કે વડોદરાના કારેલીબાગ કે અલકાપુરી વિસ્તારમાં એક ટેનામેંટ ખરીદી લીધા બાદ એના અમેરિકા જવાના વિઝા પણ મંજુર થઈ જાય એટલે આખું ફેમિલી વિદેશ સેટલ થઈ જાય. શહેરમાં એવી કેટલીય સોસાયટીઓ છે જે શાંત વિસ્તારમાં: બન્ને રીતે – કુદરતી રીતે તેમજ માનવ ઉપદ્રવની દૃષ્ટિએ પણ શાંત, આવેલી છે જેના ચાલીસ થી પચાસ ટકા મકાનો આવા એન.આર.આઈ. સજ્જનોના હોય છે. આ સજ્જનો પોતાના આલીશાન મકાનોને તાળા મારી રાખે છે. કોઈને ભાડે આપતા નથી કે વેચી પણ દેતા નથી. કોઈ સગાવ્હાલાને સંભાળવા તો અપાય એવી સ્થિતિ જ નથી. પરિણામે થાય છે શું કે આવી સોસાયટીઓમાં સામાજિક વાતાવરણ ઉભું થતું નથી. ત્યાં શાંતિ તો હોય છે પરંતુ એ શાંતિ સ્મશાનવત શાંતિ જેવી ભાસે છે. આર્થિક રીતે સમ્પન્ન આવા સજ્જનો પોતાના સામર્થ્યથી અસામાજિક એટલે કે સમાજ વિરુદ્ધનું નહિ પરંતુ સામાજિકતાના અભાવવાળું વાતાવરણ નિર્માણ કરે છે. આવી સોસાયટીઓના રહીશો પરિવારોની સંખ્યાના અભાવમાં ધાર્મિક કે સામાજિક ઉત્સવો ઉજવી શકતા નથી. રજાના દિવસે ગેટ ટુ ગેધરિંગ ગોઠવી શકતા નથી. પોતાને ત્યાં સારી વાનગી બની હોય તો એ પાડોશી સાથે શેર કરી શકતા નથી, વાટકી વ્યવહાર પણ ત્યાં ચાલતો નથી. પાર્કિંગના મામલે કે ટેપ મોટેથી વગાડવા બાબતે નાના-મોટા ઝઘડા પણ અહિં થતાં જોવા મળતા નથી. આવા મકાનોના કોઈ-કોઈ માલિકો નોકર દંપતિને મકાનની સાચવણીનું કામ સોંપીને મકાન તેમજ અંદરનું રાચ-રચિલું એના ભરોસે છોડીને વિદેશ જતા રહે છે. આવા ચાકરો અને એના પરિવારના બાળકો પછી એ બંગલાની સુવિધાઓ માણે છે. માલિક વિચારે છે કે નાના માણસો નાની-નાની ચીજ-વસ્તુ ગાયબ કરી દે પરંતુ પોતાના સગાને મકાન સોંપ્યું હોય તો આખેઆખું મકાન પોતાના નામે કરી દે એવું બને. એ દૃષ્ટિએ નોકરને મકાન સોંપવું વધુ ડહાપણભર્યું છે.

કેટલાક બિરાદરો તો એવા હોય છે કે શહેરમાં ચાર-છ સોસાયટીઓમાં મકાનો ખરીદી રાખે. એમાં સારામાં સારા વિસ્તારમાં રાખેલા મકાનમાં પોતે રહેવા જાય અને બાકીના મકાનોને તાળા મારી રાખે. બેંકમાં રાખેલી ડીપોઝીટ્સ પાકતી મુદતે ડબલ થયા કરે એમ મકાનના ભાવો વધવાથી મકાનમાં રોકેલા નાણા પણ બે ગણા કે ત્રણ ગણા થયા કરે. બે-ત્રણ દાયકા સુધી આ રીતે જ ચાલવા દે. ત્યારબાદ પણ મકાન વેચવાને બદલે દિકરાઓ તેમજ જમાઈઓને એ મકાનો બક્ષીસમાં આપે. આમ તેઓના નાણાના જોરે અસામાજિકતા વધ્યા જ કરે. આવું કરનારો માણસ કાયદાની દૃષ્ટિએ સાચો હશે પરંતુ માનવતાની દૃષ્ટિએ જરાય બરાબર નથી. ભારતીય અર્થશાસ્ત્ર દ્વિમાર્ગી છે. નાણા કેવી રીતે કમાવા તેમજ કેવી રીતે ખર્ચ કરવા એ બન્ને બાબતે વ્યક્તિને આદેશ આપે છે. જ્યારે પશ્ચિમનું અર્થશાસ્ત્ર નાણા ખર્ચવાની બાબતને વ્યક્તિની મુનસફી પર છોડી દે છે. આપણે પશ્ચિમનું અર્થશાસ્ત્ર અપનાવ્યું છે તેથી આ સમસ્યા સર્જાઈ છે.

ઘણીબધી સોસાયટીઓમાં એવા પણ મોટા-મોટા બે-ત્રણ માળના મકાનો હોય છે જેમાં એકલું વૃદ્ધ દંપતિ માત્ર રહેતું હોય ! આખું મકાન દરરોજ સાફ-સફાઈ વિના ધૂળ ખાતું પડી રહ્યું હોય અને એ દંપતિના બે-ત્રણ પુત્રો વેલસેટ હોવાથી એ જ શહેરમાં અન્યત્ર પોતપોતાના વૈભવી મકાનો બનાવીને એમાં રહેવા જતા રહ્યા હોય. આમ એક તરફ વિશાળ રેસિડેંશિયલ ઈંફ્રાસ્ટ્રક્ચર છે, જ્યાં માનવ વસતીનો અભાવ છે તો એ જ વિશાળતાની આસપાસ એને ઘેરી લઈને બાજુમાં નાની-નાની ઝુંપડીઓ જેવા એક-એક રૂમના મકાનોમાં દસ-બાર સભ્યો રહેતા હોય છે. આવી વસાહતોમાં જાહેર ઉત્સવો મોટા પ્રમાણમાં ઉજવાતા હોય છે. લાઉડસ્પીકરમાં વાગતા ગીતો, ઘોંઘાટિયું વાતાવરણ, રોજના ઝઘડા, દારૂ-બિડીના વ્યસનોના કારણે અંદરોઅંદર મારામારીના બનાવો, મોડી રાત્રી સુધી ભજનોની રમઝટ આવું બધું ત્યાં સહજ જોવા મળે છે. સમ્પન્નો પ્રત્યે એક જાતની ઈર્ષ્યા તેમજ તેઓ માટે દ્વેષનો ભાવ રાખનારા આવા ગરીબ પરિવારો સમર્થોને હેરાન-પરેશાન કરવાનું છોડતા નથી.

હજી સારું છે કે જરુરિયાત મંદોના સંસ્કારો વધુ બગડ્યા નથી. ભુખમરો વધી જાય તો શું થાય ? મોલમાંથી ખરીદી કરીને જતાં પરિવારોના હાથમાંથી તેઓના દેખતાં જ માલસામાન ભરેલી બેગ્સ ઝુંટવી લેતા આ લોકો અચકાય નહિ. એ જ રીતે બંધ મકાનોના દરવાજા ખોલીને એમાં કોઈ પરિવાર રહેવા આવી જાય અને વિદેશ રહેતા માલિકને એની જાણ પણ ન થાય એવુંય બનવાનું શરૂ થાય. બહુ બહુ તો શું થાય ? વિદેશ રહેતા મકાનમાલિકને આ હકીકતની જાણ થાય તો એ અહિંના સ્થાનિક સગાંને જાણ કરે અને તેઓને આ મામલે વાસ્તવિકતાની તપાસ કરીને પોતાને જાણ કરવાની જવાબદારી સોંપે. અહિંના સગાં સાથે તેઓના સંબંધો જેવા હોય એવું એનું કામ થાય. યા તો પ્રોબ્લેમ સોલ્વ થાય અથવા તો મામલો વધુ ગુંચવાય. ખરેખર તો વિદેશ ગયેલા પરિવારો પોતાનું મકાન બચાવવા કશુંય કરી શકે જ નહિ. સામાન્ય માણસોની સજ્જનતા પર  તેમજ તેઓના પરસેવાની કમાણી હોવાથી તેઓની પ્રોપર્ટીને કોઈ નુકશાન થતું નથી. પરંતુ સમ્પન્ન થયેલા આવા માણસોએ વિચારવું જોઈએ કે તેઓની ધનાઢ્યતાથી સમાજને કોઈ નુકશાન તો થતું નથી ને ! તેઓએ સમાજમાંથી એવા સજ્જનો શોધી કાઢવા જોઈએ કે જેઓ ભૌતિકતા બાબતે અલિપ્ત હોય અને એવા સજ્જનોને પોતાના ખાલી રહેતા મકાનમાં માનભેર વસાવવા જોઈએ. પોતાની પ્રોપર્ટી પડી-પડી સડી જાય એ કરતાં એનો સદુપયોગ થાય એ બાબતને માણસે ગમાડવી જોઈએ. અલબત્ત સારા માણસો શોધવા ક્યાં જવું એ પ્રશ્ન જ છે. આજના યુગમાં કોઈની મતિ ક્યારે બદલે એ કાંઈ કહેવાય નહિ.

રોજ કમાઈને રોજ ખાનારા, રખડતા પરિવારો શહેરમાં કઈ જગ્યાએ વસવાટ કરે છે એ જાણીએ તો આશ્ચર્ય થાય. સજ્જન માણસ આજીવન મહેનત કરે ત્યારે જીવનના સંધ્યાકાળે શહેરના છેવાડે એક રૂમ-રસોડાનું પાકું મકાન ખરીદી શકે. એને તમે કહો કે શહેરની મધ્યમાં ફ્લેટ પણ લેવો હોય તો કેટલામાં પડે ? તો કહેશે, પાંત્રીસ-ચાલીસ લાખ તો સહેજે થઈ જાય. અને ટેનામેંટના ભાવ તો કરોડોમાં થાય. ત્યારે ગરીબ પરિવારો યુનિવર્સિટી મેઈન રોડ વિસ્તારમાં કે એવા જ કોઈ અલકાપુરી જેવા પોશ એરિઆમાં વસવાટ કરતા હોય છે. ફુટપાથની અંદરની બાજુમાં આવેલી વિશાળ જગ્યામાં આ પરિવારોના રસોઈઘર, બેડરૂમ તેમજ બેઠકરૂમ આવેલા હોય છે. પરંતુ તેઓના મકાનોને દિવાલો ન હોવાથી, તેઓ ખુલ્લામાં રહેતા હોવાથી તેમજ જગ્યા પર માલિકીનો દાવો ન કરતા હોવાથી તેઓને મકાન ખાલી કરીને બીજે રહેવા જવાનું કોઈ કહેતું નથી. આ રીતે તેઓ આખી જિન્દગી શહેરના મેઈન વિસ્તારમાં પસાર કરી નાંખે છે. શહેરની મધ્યમાં રહેતા હોવાથી તેઓને શહેરમાં જવા-આવવાનો કોઈ ખર્ચ થતો જ નથી. મોસ્કીટોનેટમાં સુઈ રહેલા પુરુષને જુઓ, ઝાડનો છાંયડો હોવાથી તડકા ચડી જતા હોવા છતાં મોડી સવારે જાગતા ઘરડાઓને જુઓ, બાળકોને માટીમાં રમત કરતા જુઓ, ઘરવાળીને ત્રણ ઈંટના ચુલા પર ચા ઉકાળીને ધણીને ગરમ-ગરમ ચા-નાસ્તો પીરસતા જુઓ, મોટી દિકરીને ઝાડના થડને ટેકવેલા અરીસે વાળ ઓળતા જુઓ તો લાગે કે થ્રી બી.એચ.કે. ના ટેનામેંટમાં આખા ને આખા પરિવારો સેટ થયા છે. ઉપનિષદો વાંચવા જુદા, એને ભણાવવા જુદા અને એનું આચરણ કરવું એ પણ જુદું. ઉપનિષદ કહે છે કે ‘તેન ત્યક્તેન ભુંજીથા’ એટલે કે ‘માલિકીભાવનો ત્યાગ કરીને ભોગવ.’ એ પ્રમાણે કોણ જીવી રહ્યું છે એ એક પ્રશ્ન છે. આ રીતે આ ગરીબ પરિવારો જીવન જીવી રહ્યા છે જ્યારે સજ્જનો દસ બાય દસની ઓરડી પર પોતાનો સિક્કો મારવામાં આખી જિન્દગી પસાર કરી નાંખે છે.

ઉનાળો શરૂ થયો છે. ગામડાઓમાં પાણીની અછત વર્તાય છે. કિલોમીટર્સ દુર માથે બે-ત્રણ બેડા મુકીને બહેનો આકરા તાપમાં પગે ચાલીને પાણી ભરવા જાય છે તેઓની પીડાનો જરાસરખો પણ અનુભવ કેટલાક શહેરી બાબુઓને નથી હોતો. ચાર-ચાર કલાક મજુરી કરે ત્યારે એક ઘડો પાણી મળે એવી સ્થિતિ ગામડે હોય ત્યાં શહેરની સોસાયટીઓના રહીશો પોતાના મકાનની ટાંકીમાં પાણી ભરતાં મોટરની સ્વીચ સમયસર બંધ ન કરે અને ટાંકી ઉભરાતા પાણી ઝરણારૂપે રસ્તા પર આવી જાય એવું લગભગ બધાએ જોયું જ હશે કારણ કે દરેક સોસાયટીમાં એકાદ સભ્ય તો આવો બેદરકાર હશે જ ! આવા સજ્જનને પોતાના અધિકારોનું રક્ષણ કરતાં સારી રીતે આવડતું હોય છે એટલે વિનમ્રતાથી પણ એને સોસાયટીનો કોઈ અન્ય સભ્ય કંઈ કહી શકતો નથી. ત્રણ વર્ષ પહેલા મેં એક દૃશ્ય જોયું હતું: એક શાળાના પટાંગણમાં કામવાળી બહેન સ્ટાફરૂમના સભ્યોના ચા પીધેલા ચારેક કપરકાબી ધોવા માટે બેઠી હતી. શાળાની ઘાંસની લોનમાં છાંટવા માટે એક ઈંચની પાઈપલાઈનના સીધા કનેક્શનમાંથી ધોધરૂપે નિકળતા પાણીથી એ બહેને ચાર કપરકાબી ધોવા માટે વીસ મિનિટ લીધી. એટલા પાણીની તો સો ડોલ ભરાય. એ બહેનને ટોકવાવાળું ત્યાં કોઈ ન હતું. વોચમેનને તો આ મામાલે એ બહેનને કંઈ કહેવા જેવું પણ લાગતું ન હતું.

સોસાયટીઓમાં જે સજ્જનો કુતરા પાળે છે તેઓને પોતાના કુતરા માટે ખુબ લાગણી હોય છે. પરંતુ એ કુતરાને ઓછું ભસવા માટે એ સજ્જનો પણ સમજાવી શકતા નથી. વર્ષોથી એક જ સોસાયટીમાં રહેવા છતાં પાળેલું  કુતરું પાડોશીઓને પણ ન ઓળખે અને જેટલી વાર તેઓને જુએ એટલી વાર એમને જોર-જોરથી ભસ્યા જ કરે ત્યારે એ કુતરાને શાંત કરવાને બદલે પાડોશીઓ સાથે તકરાર કરતાં સજ્જનો પણ ઘણાએ જોયા હશે. આવા એક સજ્જન તો દલીલ કરતા કહે, ‘યે કુતિયા ભી ઈંસાન હી હૈ. ઈસે ડાંટના નહિ’ જવાબમાં કહેવાનું મન થાય, ‘તો હમ કહાં મના કરતે હૈ ? યહ તો આપકી બેટી જૈસી હી હૈ. લેકિન આપકી બેટી પાપાકા કહના માનતી નહિ હૈ ઈસલિયે યે જિદ્દી હૈ ઔર પાડોશીયોંકો પહેચાનતી નહિ હૈ ઈસલિયે યે થોડી ઈડિયટ ભી હૈ. વૈસે આપ કબ ઈસકી શાદી કર રહે હૈ ?’ શાદી કે બાદ ઈસકી બિદાઈમેં હમે જ્યાદા રસ હૈ. પરંતુ પાળેલા કુતરાને ભરપેટ ખવડાવીને પછી એની પોટ્ટી સેવાસદનના સફાઈ કામદારો પાસે સાફ કરાવતા આવા સજ્જનોને આપણે કંઈ કહી શકતા નથી. મને નવાઈ એ વાતની લાગે છે કે પાળેલા કુતરાને સવાર-સાંજ ફરવા લઈ જતાં, ખરેખર તો કુતરાને એકી-બેકી કરાવવા લઈ જતાં આ સજ્જનો, કુતરો બેકી કરવા માટે માત્ર એક જ મિનિટનો સમય લેતો હોવા છતાં અને પોતાને એ જ કામ માટે દસ-પંદર મિનિટ લાગતી હોવા છતાં એ બાબતે કુતરાથી ઈમ્પ્રેસ થઈને એની ખાવા-પીવાની તેમજ ઉંઘવાની ટેવો અંગે કંઈ શીખવાનું  કેમ નહિ વિચારતા હોય ?

માણસ થોડું વિચારે તો સજ્જનો અંગે પણ ટીકાપાત્ર બાબતો આંખ સામે આવે. આપણો ઈરાદો સમાજને ઉપયોગી થવાનો છે, સજ્જનોની ટીકા કરવાનો નહિ. આથી સમાજને નડવાનું ઓછું થાય એ માટે આપણી દૃષ્ટિ ખીલવવી જોઈએ.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: