વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

ઘરમાં દિકરીના લગ્ન લેવાયા હોય એટલે સાડીઓની ખરીદીનો મુદ્દો આજે પણ બહુ અગત્યનો ગણાય છે. એ વાત જુદી છે કે જે ઘરમાં દિકરી પરણાવીને મોકલવાની હોય એ ઘરમાં વહુને પંજાબી ડ્રેસ પહેરવાની છૂટ છે એ વાતની ખાતરી સૌપ્રથમ કરી લેવામાં આવે છે. એક કાળે વહુને ઘરમાં ડ્રેસ પહેરવાની છૂટ છે કે કેમ એમ પૂછવામાં આવતું હતું. જે ઘરમાં વહુને ડ્રેસ પહેરવાની છૂટ હોય એ ઘર આધુનિક ગણાય. આ આધુનિકતાની વ્યાખ્યા શહેર તેમજ ગ્રામ્યજીવનમાં, ન્યાતે-ન્યાતે, ભણેલા-અભણ પરિવારોમાં જુદી-જુદી હોય છે. કોઈ કહે કે અમારે ત્યાં વહુને જીંસ-ટી-શર્ટ પહેરવાની છૂટ છે એટલે અમે આધુનિક છીએ. કોઈ કહે કે અમારે ત્યાં વહુને શોર્ટ્સ (હાફ પેંટ) પહેરવાની છૂટ છે એટલે અમે આધુનિક. તો કોઈ કહે આમારી વહુ તો સ્કર્ટ્સ પહેરે છે એટલે અમે આધુનિક. જુનવાણી પરિવારો પણ આ બાબતે પાછા પડે એમ નથી. કાઠિયાવાડમાં કે રાજસ્થાન બાજુ જાઓ તો એ લોકો કહેશે, ‘આમારા પરિવારની વહુ માથે સાડી ઓઢે છે પરંતુ ચહેરો ખુલ્લો રાખે છે માટે અમે આધુનિક.’ આમ વહુને જેટલી ઉઘાડી થવાની છૂટ આપો એટલા તમે આધુનિક. લગ્ન બાદ ક્યારેય નિયમિત રીતે ઘરમાં સાડી પહેરવાની નથી છતાં પાંચ હજારથી લઈને પંદર હજાર સુધીની દસ-બાર સાડીઓ તો લગ્નપ્રસંગે અચૂક ખરીદવાની જ ! કેમ ? તો કહે, ભઈ, રિવાજ છે. છાબમાં સાડી મુકવી પડે, લગ્ન વેળાએ પાનેતર તો પહેરવું જ પડે, વગેરે વગેરે. આવી ભારે કિમ્મતની સાડીઓના નસીબમાં પહેરીને ઘસાવાનું નહિ પરંતુ તિજોરીમાં પડ્યા પડ્યા સડવાનું લખાયું હોય છે. અમથો લાખ-સવા લાખનો ખર્ચ સાડીઓ પાછળ થઈ જાય છે. એના પરથી સાડીની નવી વ્યાખ્યા કરી શકાય કે જે સડી જાય છે તેનું નામ સાડી છે. અરે ભ’ઈ, દિકરી લગ્ન બાદ સાસરે જે પહેરવાની છે એ કપડા તમે ખરીદો જ છો તો રિવાજ પણ બદલો ને ! છાબમાં તેમજ લગ્નના ફેરા ફરતી વખતે પણ એ જ વસ્ત્રો પહેરવાનું શરૂ કરો ને ! શા માટે નાણાનો વ્યય કરો છો ? પહેરામણીમાં પણ સ્ત્રી વર્ગને સાડીઓ અને પુરુષોને શાલ આપવાનો રિવાજ છે. સુરત-અમદાવાદ જેવા શહેરોમાં તો પહેરામણીની ખાસ સાડીઓ મળે છે. એટલે કે માત્ર પચાસ રુપિયે નંગ મળતી આવી સાડીઓ લગ્નપ્રસંગ પુરતી સારી દેખાય ત્યારબાદ એક વાર ધોવાય એટલે મસોતું-પોતું બની જાય. એ જ રીતે લગ્નની શાલો ભેગી કરીને પુરુષો શું કરે ? પહેરામણી પાછળનો ઈતિહાસ શું હતો એની ચર્ચા ફરી ક્યારેક કરીશું. હાલ તો પહેરામણીનો રિવાજ કાઢી નાંખવાની અથવા પહેરામણીમાં આપવાની ચીજવસ્તુ બદલવાની આવશ્યકતા છે. સગાવ્હાલા પણ લગ્નપ્રસંગે વર-કન્યાને ભેટમાં આપવા આજે પણ સ્ટીલના જુદા-જુદા વાસણો ખરીદે છે. આધુનિક જરુરિયાતો સમજીને ભેટની ખરીદી કરવી જોઈએ. અને એ માટે જુવાન દિકરા-દિકરીને વધુ જવાબદારી સોંપવી જોઈએ.

લગ્નની વિધિ પણ આજે ફારસ બની ગઈ છે. કોઈને કંઈ જાણ છે કે લગ્નની વિધિમાં શું આવે છે ? આધુનિક જુવાનિયાઓને પુછો તો કહેશે કે લગ્નની વિધિમાં બુટ ચોરવામાં આવે છે અને ચોરીમાં સજાવેલા હાર તોડીને એના ફુલને વર-કન્યા ફેરા ફરે ત્યારે એમના ચહેરાનું નિશાન લઈને મારવામાં આવે છે. સપ્તપદીના સાત વચનો જે વર અને કન્યા અગ્નિસાક્ષીએ એકબીજાને આપે છે એને અંગ્રેજીમાં પ્રોમીસ કહેવાય છે જેને લગ્નજીવન દરમિયાન પાળી બતાવવાનું હોય છે. એમાં એક આમરણ એકબીજાનો સાથ નિભાવવાનું તેમજ બે સુખ-દુ:ખ સાથે મળીને ભોગવવાનું વચન હોય છે. માત્ર આ બે જ વચનો પાળવામાં આવે તો છુટાછેડાની ઘટનાઓ અટકી જાય. આધુનિક દિકરી ભણતી થઈ છે. આથી એના લગ્ન કરતી વખતે એના મા-બાપને એ વાતની ચિંતા હોય છે કે અમારી દિકરીને રસોઈ, કપડા, વાસણ, કચરા-પોતા કરતાં આવડતું નથી તો એનું શું થશે ? કામવાળી હોય એવું ઘર શોધે તોયે અણઆવડતના કારણે દિકરીને સાંભળવું પડશે – એ ચિંતામાં મા-બાપ દુ:ખી થાય છે. પરંતુ એ તો માથે પડે એટલે આવડી જાય. એમાં ચિંતા કરવાનું કોઈ કારણ નથી. દિકરીને ‘પત્નીની સાચી ફરજ શું ?’ શીખવાડી દો એટલે પત્યું. વાસણ-કપડા – એ તો કામવાળીની ફરજ છે, પત્નીની નહિ. પતિ-પત્નીની સાચી ફરજ છે – એકબીજાને પ્રસન્ન રાખવાની અને પતિ જે સ્થિતિમાં રાખે એ સ્થિતિમાં પત્નીએ તથા પત્ની જેવી સેવા કરે એમાં પતિએ રાજી રહેવાનું હોય છે.

પતિની આવક હોય એ પ્રમાણે એ પત્નીને ખુશ રાખવાની કોશિશ કરે તો પત્નીએ એ સહર્ષ સ્વીકારી લેવાનું રહે છે. આસપાસ પડોશમાં વધુ આવક કમાતા પરિવારો હોય, એમાં પતિ પોતાની પત્નીને મોંઘી ગિફ્ટ આપે એ જોઈને પતિએ પ્રેમથી આપેલી નાની ગિફ્ટને પણ વખાણીને અપનાવવાની હોય છે. પતિ બિચારો નાની વીંટી લઈ આવે ત્યારે પત્ની એની હૈયાવરાળ કાઢવા તત્પર હોય છે. ‘આ બાજુવાળા બિપિનભાઈ એમની બૈરી માટે ગળાનો હાર લાવ્યા. તમે આ શું ફોતરા જેવું લઈ આવ્યા ?’  આવું કહેનાર પત્ની નહિ પરંતુ બાઈડી છે. તો જે રસોઈ બને એ પ્રેમથી જમે એને પતિ કહેવાય. રસોઈની ખામી કાઢે એ પતિ નહિ પરંતુ ભાયડો ગણાય. આવા લગ્નો જ્યાં નિભાવાતા હોય ત્યાં લગ્નસંસ્થા વગોવાય જ ને ! તેમ છતાં લિવ ઇન રીલેશનશિપ કરતાં આવા લગ્નો સમાજના સ્વાસ્થ્ય માટે પ્રમાણમાં વધુ ઈચ્છનીય છે કારણ કે લિવ ઇન રીલેશનશીપ તો વાસના ભુખ્યા વરૂઓની સંગત કહેવાય જે જવાબદારી વિનાના જાતીય સંબંધમાં માને છે અને અતિશય નિન્દનીય એવી સ્વેચ્છાચારની આગને હવા આપે છે.

જેમ-જેમ સ્ત્રી આધુનિક બનતી જાય છે તેમ-તેમ એ ઓછા વસ્ત્રો પહેરતી થાય છે. સાડી પહેરવામાં એને ઝંઝટ લાગે છે. પંજાબી ડ્રેસ એને પછાત જણાય છે. જીંસ-ટી-શર્ટ હજી આધુનિક ગણાય છે. શોર્ટ્સ તેમજ સ્કર્ટ્સ પણ એને ગમે છે. આ ગમો-અણગમો એ વૈયક્તિક નથી પરંતુ માસ ચેંજ છે. તમામ સ્ત્રીઓને આ ચેંજ ગમે છે. આથી કહી શકાય કે વસ્ત્રોને લઈને ગમો-અણગમો એ અનુકરણ તેમજ આધુનિકતા સાથે પોતાને આઈડેંટિફાય કરવાની અભિલાષામાંથી જન્મ્યો છે, પહેરવેશમાં અનુભવવી પડતી કોઈ અગવડતાને કારણે વસ્ત્રોમાં ચેંજ નથી આવ્યો. જે રીતે વસ્ત્રપરિધાનમાં પરિવર્તન આવ્યું છે એ રીતે લાગણીઓને વ્યક્ત કરવાની બાબતમાં પણ પરિવર્તન આવ્યું છે. પતિ પોતાની પત્નીને, ‘હું તને પ્રેમ કરું છું’ એમ કહેવા માંગતો હોય તો એને ખાનગીમાં કોઈ તક નહિ મળતી હોય ? છતાં એ જાહેરમાં પોતાની ભાવના વ્યક્ત કરે છે. અરે, પતિના વર્તન પરથી પત્નીને ખબર ના પડે, કે એ પ્રેમ કરી રહ્યો છે ! શબ્દોની આવશ્યકતા શી છે ? છતાં આજે લાગણીઓનું પ્રદર્શન મહત્વનો મુદ્દો બની ગયો છે. દંભને પોષવાનો હોય ત્યારે આવું પરિવર્તન આવતું હોય છે. પહેલાના સમયમાં સ્ત્રીને કોઈ અન્ય પુરુષ સાથે કામ કરવાનું બનતું નહિ. એ જ રીતે પુરુષને પણ કોઈ અન્ય સ્ત્રી સાથે કામ કરવાનું બનતું નહિ. આજે બન્ને જણા અન્ય સ્ત્રી-પુરુષો સાથે કામ કરી રહ્યા હોવાથી એકબીજા સાથે રૂબરુમાં કે ફોન પર સંપર્કમાં હોય છે ત્યારે પતિ-પત્નીને એકબીજાને આશ્વાસન આપવાની જરૂર ઉભી થઈ છે, કે ‘આ વાતચીત માત્ર આર્થિક સંબંધોને કારણે છે, એની સાથે મારે અન્ય કોઈ લાગણીના સંબંધો નથી.’ આમ પતિ-પત્નીએ એકબીજાને ‘હું તને જ ચાહું છું’ અથવા ‘હું હજી પણ તને જ ચાહું છું’ એવું કહેવું પડે છે. ઘરેથી સાથે નિકળ્યા બાદ પરિવારના સભ્યને એરપોર્ટ પર કે રેલ્વે સ્ટેશને મુકવા જતાં પરિવારના અન્ય સભ્યો એ પાત્રને ગળે લગાડીને કે એનો ચહેરો ચુમીને વિદાય આપે છે. આ વિધિ ઘરેથી નિકળતા પહેલા ઘરની અંદર પણ થઈ શકે ને ! પરંતુ સમાજ નામના તત્વની અવગણના કરતું વૈયક્તિક વર્તન અથવા સમાજનું કંસર્ન લેવાની તડપ વ્યક્તિને પ્રદર્શનભુખ્યો બનાવી મુકે છે.

બાઈક પર સાથે જતા કપલની શારિરીક ઘનિષ્ટતા અથવા ખુણેખાચરે થઈ રહેલી અશ્લિલ હરકતો એ પ્રદર્શનનો વધુ એક પ્રકાર છે. કોઈ કહેશે કે એ તો એમની જરુરિયાતો સંતોષવાનો એક રસ્તો છે. પરંતુ દરેક કિસ્સામાં એ સાચું નથી. એકમેક સાથે મશગુલ હોવાનું નાટક કરી રહેલા પાત્રોમાંથી કોઈ એક સાચી રીતે લાગણી ભુખ્યું પાત્ર હોય તો અન્ય પાત્ર એની સાથે વ્યસ્ત હોવા છતાં આજુબાજુ ડોળા ફેરવીને સામાજિક નોંધ લેતાં-લેતાં અન્યની પ્રતિક્રિયા જાણવાની અથવા અન્યને પ્રતિભાવ આપવાની તૈયારીમાં પણ હોય છે.

લગ્નસંસ્થાને લુણો લાગ્યો છે. એક કાળે આયોજિત લગ્નો થતાં. ત્યારબાદ પ્રેમલગ્નો થતાં. છુટાછેડાનું પ્રમાણ વધ્યું એટલે હવે લિવ ઇન રીલેશનશીપ અસ્તિત્વમાં છે. માણસે સુખ નામના તત્વની શોધ માટે પુષ્કળ મથામણ કરી છે. પરંતુ સ્વેચ્છાચારમાં સુખ નથી એ સત્ય એ હજી સુધી શોધી શક્યો નથી. પારકે ભાણે મોટો લાડુ. બીજાનું છીનવી લેવામાં જ સુખ છે – એવી ભાવનાએ એને હડકાયો કરી મુક્યો છે. સામાજિક સંયમ આપી શકે એવા ચરિત્રો જણે – જન્મ આપે એવી સન્નારીઓ પાકવી જોઈએ. આજના સમયની અત્યંત અનિવાર્યતા છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: