વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

‘અમે સગવડ ભોગવીએ છીએ તો એની કિંમત પણ ચુકવીએ છીએ’ – આવું શહેરના લોકો કહેતા હોય તો એ યોગ્ય નથી. ગામડાના લોકો પણ સગવડની કિંમત ચુકવવા તૈયાર હોય છે છતાં તેઓને ઘણી બધી સગવડ ઉપલબ્ધ થતી નથી. ખેતી અને પશુપાલન પાછળ જાતને નિચોવી નાંખતી મહેનત-મજૂરી કરતા હોવા છતાં ગ્રામ્યવાસીઓને તેઓની સમજણના અભાવમાં દૂધ-દહિં, ઘી-માખણ, મિઠાઈઓ, કે સારી જાતનું અનાજ કે તાજા શાકભાજી ઉપલબ્ધ થતાં નથી. એની સામે શહેરના રસ્તા પર ગાય-ભેંસ રખડતા જોવા મળે ત્યારે એના પ્રત્યે શહેરના લોકોની નફરત જોવા જેવી હોય છે. કરંસી વેલ્યૂ ચુકવી દો એટલે શું પતી ગયું? પશુને પાળવા માટે કેટલી મહેનત પડે છે એની શહેરવાસીઓને જાણ છે ખરી ? બારેમાસ એના માટે ઘાસચારો કાપીને ઉપલબ્ધ કરાવવો પડે છે. ઉપરાંત વધુ દૂધ પ્રાપ્ત થાય એ માટે ખાસ પ્રકારનો ખોરાક – દાણ ખરીદીને પશુને ખવડાવવું પડે છે. એને રોજ નવરાવવું, એનું છાણ-વાસીદું સાફ કરવું, ગંધ સહન કરવી કેટલું બધું દુષ્કર છે ! પશુને દોહવું-એના આંચળમાંથી દુધ કાઢવું – આ બધું કર્યા બાદ જે અમૃત નિકળે એ ખેડૂતના પરિવારના બાળકોને ન મળતાં શહેરના બાળકો ભોગવે  શું યોગ્ય છે ? થાય છે શું કે જે બાળકો કે શહેરીજનો આર્થિક ક્ષેત્રે કોઈ ખાસ શારિરીક મહેનત કરતા નથી એ લોકો મેવા-મલાઈ ભોગવે છે અને કાળી મહેનત મજૂરી કરે છે તે ગામડાના લોકો ભુખ્યા રહે છે. કરંસી વેલ્યૂનો આ પ્રતાપ છે. શહેરના માણસો બુદ્ધિ ચલાવીને કામ કરે અને તેઓના શરીર હૃષ્ટપુષ્ટ થાય અને ગ્રામ્યવાસીઓ શારિરીક મહેનત કરે ને ઉપજેલી પુષ્ટિદાયક ખાદ્યસામગ્રી શહેર તરફ રવાના થઈ જાય. ગામડાના માણસને સમજાવવાની જરૂર છે કે બાળકોના પોષણના ભોગે એણે દૂધ-ઘી શહેર રવાના કરવા ન જોઈએ. શહેરના લોકોને ખબર પડવી જોઈએ કે દૂધ-ઘીની માત્ર કિંમત ચુકવી દેવાથી પતી જતું નથી.

આ વાત બરાબર સમજવા માટે દક્ષિણભારતના મહાન સંત તિરૂવલ્લુવરના જીવનમાં બનેલો પ્રસંગ જોવાની જરૂર છે. તેઓ જાતે વણકર હતા. હાથશાળની વણાટની સાડીઓ બનાવીને શહેરમાં જઈને વેચતા હતા. નગરશેઠનો વંઠેલો એક છોકરો તેના દોસ્તો સાથે સંત સમક્ષ ઉપસ્થિત થયો અને એ સંતની ઠેકડી ઉડાડવાવાની શરૂઆત કરી. એણે સંતને પૂછ્યું, ‘આ સાડીની કિંમત કેટલી ?’ સંતે કહ્યું, ‘બે રુપિયા.’ પેલા નબીરાએ સાડીને ચીરીને એના બે ભાગ કરી નાંખ્યા અને પૂછ્યું, ‘હવે અડધી સાડીના કેટલા રુપિયા?’ સંતે શાંતિથી જવાબ આપ્યો, ‘એક રુપિયો.’ પેલાએ અધીરા થઈને ફરીથી અડધી સાડીના બે કટકા કરી નાંખ્યા અને એક કટકાની કિંમત પૂછી. સંતે એટલી જ શાંતિ અને ધીરજપૂર્વક જવાબ આપ્યો, ‘પચાસ પૈસા. હવે ધનવાનના દિકરાને પોતાની ભૂલ સમજાઈ. એને લાગ્યું કે એક સાચા માણસને પોતે ખોટી રીતે પજવ્યો છે એટલે એણે સંતની માફી માંગી. સંતે કહ્યું, ‘મને તારા પ્રત્યે કોઈ દ્વેષ કે ઘૃણા નથી પરંતુ તારા જેવા શહેરના માણસને જાણ છે ખરી કે એક સાડી તૈયાર કરવામાં કેટલા બધા માણસોની કેટલી બધી મહેનત કામે લાગે છે ? એ સાડી કોઈ બહેન બે-પાંચ વર્ષ પહેરે ત્યારે જ એની કિંમત વસૂલ થાય છે, માત્ર બે રુપિયા ચુકવી દેવાથી નહિ !

સૌપ્રથમ બળદ જોતીને જમીન ખેડવામાં આવે છે.  એ માટે પચાસ જાતના લોખંડના ઓજારો લુહાર તૈયાર કરી આપે છે. જમીનમાં ખાતર, બિયારણ નાંખવામાં આવે છે. કપાસના છોડ ઉગે ત્યારે એની આસપાસ ઉગતું નકામું ઘાસ કાઢી નાંખવામાં આવે છે. જીંડવા (કપાસના છોડના ફળ) ફુટે એટલે કાલા (ફાટેલા જિંડવા) ચુંટવામાં આવે છે. કાલામાંથી કપાસ (સફેદ રૂ) કાઢવામાં આવે છે. રૂ માંથી રેસા તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ રેસાને શાળ પર ચઢાવવામાં આવે છે. એ શાળને ફેરવીને સાડી તૈયાર થાય છે અને સાડી પર રંગરોગાન તેમજ ડિઝાઈન છાપવામાં આવે છે. તેં એ સાડી ફાડી નાંખીને સેંકડો માણસોની સેંકડો કલાકોની મહેનત બરબાદ કરી નાંખી. સવાલ માત્ર બે રુપિયાનો નથી. મુદ્દો છે માનવ શ્રમનો અને એની સર્જનશીલતાનો, જે માનવના ઉપયોગમાં આવે ત્યારે એની કિંમત વસૂલ થાય છે. શહેરના માણસને જાણ થવી જોઈએ કે જે દૂધ એ પીવે છે કે દૂધની વિવિધ બનાવટો આરોગે છે એને તૈયાર કરવામાં ગ્રામ્યજનોની કેટલી મહેનત કામે લાગે છે ! શું એની કિંમત ચુકવી દીધી એટલે પતી ગયું ? શું ગામડાના લોકોને એ દૂધ-ઘી ભોગવવા ન મળવા જોઈએ ? અને શહેરના લોકો દૂધ-ઘી માણે એ જ દૂધનું વધુ પ્રમાણમાં ઉત્પાદન કરવા સારુ પશુઓ ઘાસચારા માટે શહેરમાં ફરે એની સામે આટલી બધી નફરત ? કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને ભોગવી લેવાની વૃત્તિ અને એના પ્રત્યે કોઈ હમદર્દી કે લગાવ દાખવવાની તૈયારી જ નહિ ! ગામડાના પશુપાલન કરતા માણસોને મળવાની, તેઓની સમસ્યા જાણવાની કોઈ લાગણી જ નહિ ?

શહેરમાં વસવાટ કરીને પશુપાલન કેટલું અઘરું છે એની શહેરવાસીઓને જાણ છે ? શહેરના બાળકોને રમવા માટે મેદાનો, બાગબગીચાઓ, નાટ્યગૃહો, પ્લેનેટોરિયમ, ઓડીટોરિયમ, મ્યુઝિયમ, થીયેટર્સ, વગેરે ઉપલબ્ધ કરાવવામાં આવે એની સામે ગાય-ભેંસને ચરવા માટે ઘાસના ખુલ્લા મેદાનો, શહેરમાંથી પસાર થતી નદીના કિનારે ઘાસચારા માટે ટ્રેક, પશુપાલન કરનારા પરિવારોને ઢોરઢાંખર બાંધવા માટે અલાયદી જગ્યા શા માટે ફાળવવામાં ન આવે ? ‘એ અમારે જોવાનું નહિ, અમે રુપિયા ચુકવી દીધા એટલે પતી ગયું.’ એમ શહેરીજનો માનતા હોય તો એ કેટલું સભ્ય અથવા સંસ્કારી છે ? ભરવાડો પોતાના ઢોરોને બાંધીને રાખતા નથી – શહેરીજનોની એ ફરિયાદ છે. પરંતુ કુતરા પાળતા શહેરીજનો પોતાના કુતરાને સવાર-સાંજ બે ટાઈમ ફરવા લઈ જાય છે કે નહિ ? કુતરા માટે એ અત્યંત અનિવાર્ય છે. તો ગાય-ભેંસોને સવાર-સાંજ ચરવા લઈ જવી પડે કે નહિ ? ભરવાડ પાસે જેટલા ઢોરો હોય એ બધાને જ ચરવા તો લઈ જ જવા પડે ને ! એ માટે શહેરમાં કોઈ વ્યવસ્થા કરવી જ પડે ! આટલી સીધી વાત શહેરીજનોને સમજાતી નથી ? મહાનગરપાલિકા કે નગરપાલિકાના અધિકારીઓએ આ અંગે વિચારવું જ પડશે. જ્યાં સુધી પશુપાલકો માટે નક્કર આયોજન અથવા વ્યવસ્થા નહિ થાય ત્યાં સુધી એ સમસ્યા જ રહેવાની છે, એનું કોઈ નિરાકરણ લાવવું જ પડશે.

પશુપાલનના વ્યવસાયમાં જેવું બને છે એવું જ અનાજ અને શાકભાજી ઉગાડવાની બાબતામાં બને છે. ખેડ, ખાતર, બિયારણ, પાણી વગેરે માટે ઉધાર નાણા લઈને દેવાદાર થઈ ગયેલા ખેડૂતને પાકેલા અનાજને વેચવાની કેટલી ઉતાવળ હોય છે એની જાણ શહેરી શેઠિયાઓને બરાબર હોય છે. અનાજ વેચવાના ટાણે એના ભાવો પાડી દઈને શેઠિયાઓ સસ્તા ભાવે ખેડૂત પાસેથી અનાજ લઈ લે છે અને એને ગોદામોમાં ભરી દઈને પછી એના ભાવો અનેકગણા કરી નાંખે છે. પોતે ઉગાડેલું અનાજ પણ ખરીદીને ખાઈ શકે એવી સ્થિતિ એની હોતી નથી. મજુરી કરવાની હોવાથી દરરોજ રસોઈ માટે પણ સમય ન મળતો હોવાના કારણે આખું વરસ ચાલે એટલું અથાણું બનાવીને તેઓ રોજ રોટલી-અથાણાથી ચલાવી લે છે. ભાત તો કોઈના લગન હોય ત્યારે જ ખાવા મળે. ખેડૂતનું આવું શોષણ અટકવું જોઈએ.

શહેરનો માણસ મહિને પચ્ચીસહજાર કમાય એનો એને એક રુઆબ હોય છે. પરંતુ જમીન સાથે જોડાયેલો જ નહિ, જમીનમાં દટાઈ ગયેલો ખેડૂત મહિને પચ્ચીસ-પચ્ચીસ હજાર તો એના દસ મજૂરોને ચુકવતો હોય છે છતાં સંઘર્ષમય જીવન જીવતો હોવાથી એ સહજપણે નમ્ર હોય છે. ગામડાના લોકોને ઉત્તમ શિક્ષણ શા માટે ન મળવું જોઈએ ? મારા ઘરથી બે કિલોમીટરના વિસ્તારમાં પંદર શાળાઓ આવેલી છે જે પ્રત્યેક નર્સરીથી લઈને બાર ધોરણ સુધીના વર્ગો ધરાવે છે. આ તમામ શાળાઓ સી.બી.એસ.ઈ. તેમજ જી.એસ.ઈ.બી. એમ બન્ને બોર્ડ પ્રમાણે તેમજ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં ચાલે છે. મોટે ભાગે એકબીજાના વિદ્યાર્થીઓ પડાવી લેવા પડે તો જ પોતાને ત્યાં સંખ્યા વધે એવા સંજોગો છે. ત્યારે શિક્ષણખાતાએ સમજીને શહેરમાં વધુ શાળાઓ ખોલવાની મંજુરી ન આપવી જોઈએ. જેણે શિક્ષણક્ષેત્રમાં આવવું હોય એણે ગ્રામ્ય વાતાવરણમાં શાળાઓ ખોલવી – એવો પરિપત્ર બહાર પાડવો જોઈએ. દરેક ગામમાં પ્રાથમિક શાળા, પાંચ ગામ વચ્ચે બાર ધોરણ સુધીની શાળા, દસ ગામ વચ્ચે એક કોલેજ – એ રીતે મંજુરી મળવી જોઈએ.

જે સુવિધા શહેરમાં આવે તે એ જ સમયે ગામડામાં પણ કેમ ન આવે ? ગેસ સિલીંડર્સ, સગડી વગેરે શહેરની સાથે-સાથે જ ગામડામાં ઉપલબ્ધ થવા જોઈએ. એજંસીઓને ઓર્ડરથી કહી દેવાય કે શહેરમાં એજંસી જોઈતી હશે તો એક એજંસી ગામડામાં પણ ખોલવી પડશે ! ગામડાને અવગણીને આપણે બહુ મોટી ભુલ કરી છે. ગામડાઓ તુટી રહ્યા છે અને શહેરો વસ્તી ઉભરાવાથી હાંફી રહ્યા છે એની બધાને જાણ છે પરંતુ એનો ઉપાય કરવાની તૈયારી કેટલાની છે ? ગામડાઓ માટે વકીલાત કરી શકે એવા સબળ નાગરિકો ગામડામાં વસતા થાય તો જ ગામડાઓનો વિકાસ થાય. ભણેલા શહેરી માણસે એક પ્રયોગ માટે ગામડે વસવાનું નક્કી કરવું જોઈએ અને ત્યાં રહેવા જવું જોઈએ.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: