વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

નદીઓના પાણી સુકાઈ ગયા અને માણસના હૃદયમાં ભાવનાનું ઝરણું પણ સુકાઈ ગયું. માણસ આપતો બંધ થયો છે. બુદ્ધિનો યુગ છે. માણસ ડરી ગયો છે. કોઈ મને મુર્ખ બનાવશે, કોઈ મારું પડાવી લેશે, કોઈ મને નુકશાન કરશે એવી ભીતિ દિલમાં ઘર કરી ગઈ તેથી એ કોઈને ભાવથી આપતો બંધ થયો, કોઈની સાથે અકારણ બોલતો બંધ થયો. નદી ને કુવાના પાણી પાતાળે પહોંચી જાય ને એને પાછા જમીન સરસા લાવવા હોય તો જુના કાળમાં કહેવાતું કે કોઈ બત્રીસ લક્ષણા યુવાનનો બલિ ચઢાવવો પડશે. ગુજરાતી ચલચિત્ર વણઝારી વાવ તો જોયું છે ને ! અમે નાના હતા ત્યારે પંચમહાલ જિલ્લાના દિવડા કોલોની નામના ગામમાં દર અઠવાડિયે એક વાર શાળાના ખુલ્લા મેદાનમાં પ્રોજેક્ટર પર ફિલ્મ દેખાડાતી. આખું ગામ – બધા જમી-પરવારીને રાત્રે નવ કલાકે એક સાથે જમીન પર બેસી જતાં ને ફિલ્મ જોતાં. કોણ એનું આયોજન કરતું એ પણ કોઈ જાણતું નહિ પરંતુ કલ્પના કરો કે આખું ગામ એક સાથે સ્વચ્છ મનોરંજન માણતું હોય એ દૃશ્ય પણ આજે કેટલું દુર્લભ છે ! શહેરમાં આવ્યા બાદ 1979 થી 1984 સુધી રાત્રે નિરવ વાતાવરણમાં સિનેમાના ડાયલોગ્સ સાંભળીને એનો અવાજ પકડીને પાંચેક મિત્રો દુર ચારેક કિલોમીટર ચાલતા-ચાલતા જઈને પડદા પર બતાવાતું સિનેમા જોવા માટીમાં બેસી જતા. અવાજની દિશા પકડવાનો અભ્યાસ પણ થઈ જતો. ઘણીવાર વિરુદ્ધ દિશામાં પણ જતા રહેતા. વણઝારી વાવ ચલચિત્રમાં આવી બલિ આપવાની વાત આવે છે. આકાશમાંથી વરસાદ વરસાવવો હોય તો પણ અખંડ બ્રહ્મચારીનો બલિ આપવો પડશે એવી વાત પણ કોઈ કાળે કોઈએ સાંભળી હશે. આપણે એવું તો કંઈ કરી શકીએ નહિ પરંતુ માણસના હૃદયને ભાવભીનું કરીને એને સમાજમાં થઈ રહેલા સારા-સારા કાર્યો પ્રત્યે સહૃદયી બનાવી જરૂર શકીએ.

કદરનો ભાવ

ગઈકાલે એક યુવાને બિસ્કીટનું એક પેકેટ ખોલીને મેદાનમાં હાજર દસ-બાર કુતરાઓ પાસે જઈને પ્રેમથી બુચકારીને બિસ્કીટ ખવડાવ્યા. આ જોઈને કોઈ સંપન્ન માણસ એની કદર રૂપે ખિસ્સામાંથી સોની નોટ કાઢીને એને આપે અને કહે, કે ‘તારી પાસે સમય હોય તો આવા બીજા વીસ પેકેટ કુતરાઓને ખવડાવજે’ તો કંઈ ખોટું નથી. આવું કરીને કોઈએ ભિખારી થઈ જવાની જરૂર નથી. મહિનામાં એક વાર આવું જરૂર થઈ શકે. કારણ કે અહિં તો કોઈ તમારી પાસે માગવા આવ્યું નથી. આથી તમારા રુપિયાનો કેવો ઉપયોગ થશે એનો ડર નથી. એક સારી પ્રવૃત્તિની તમે કદર કરી રહ્યા છો અને માણસનું ભાવનું ઝરણું ફરીથી વહેતું કરવાની કોશિશ કરી રહ્યા છો. આપણે છાપામાં વાંચ્યું કે વડોદરા રેલ્વે સ્ટેશનના હેડ ટી.સી.એ કોઈ મુસાફરનું હજારો રુપિયા તેમજ દાગીના ભરેલું પાકીટ એને બોલાવીને પરત કર્યું. રોજ અહિંથી અપ-ડાઉન કરતા હોય એવા આ શહેરના એક હજાર ભાઈ-બહેનો માત્ર બે મિનિટનો સમય કાઢીને એ હેડ ટી.સી.ના દર્શન કરી આવે તો પણ સદભાવનાનો કેટલો બધો પ્રસાર થાય ! શાળાના એક વિદ્યાર્થીને વોટરકુલર પાસેથી એક રિસ્ટવોચ મળી એણે એ પોતાના શિક્ષકને બતાવી. સંસ્કારી શિક્ષકે એ વિદ્યાર્થીને પોતાની સાથે લીધો અને વર્ગે-વર્ગે ફરીને રિસ્ટવોચ કોની છે એવી પૃચ્છા કરી અને સાથે-સાથે દરેક વર્ગમાં એ વિદ્યાર્થીને ત્રણ વાર ત્રણ તાલીનું બહુમાન આપ્યું. નાનકડી ઘટનાની કેટલી બધી કદર ! એ વિદ્યાર્થી જીવનમાં કેટલા બધા સારા કામો કરશે !

આત્મસમ્માનનો ભાવ

આર્થિક દૃષ્ટિએ પોસાય નહિ એવી ખરીદી કરવાનું રોકતી વખતે આત્મસમ્માન ન ગુમાવવાની પણ એક કળા છે. મોલમાં કે દુકાનમાં ખરીદી કરવા જઈએ ને આપણે બિસ્કીટનું પેકેટ બાસ્કેટમાં મુકીએ એ જોઈને ત્યાં નાના બાળક સાથે આવેલી એની મમ્મીને બાળક કહે કે મારે પણ બિસ્કીટ જોઈએ ત્યારે એની માતા એને સમજાવતા કહે કે આ તો ક્રીમ બિસ્કીટ નથી, તારે તો ક્રીમ બિસ્કીટ જોઈએ છે ને ! આમ મા જ પોતાના બાળકને પોતાની ખુમારી ટકાવવાની સાથે સમજાવી શકે. કોઈ રેસ્ટોરંટમાં બટર સાથેની વાનગીનો ઓર્ડર આપીએ તો બાજુના ટેબલ પર બિરાજેલ બહેન ઠાવકાઈથી વેઈટરને કહે કે તમારા બટરનો સ્વાદ કડવો હોય છે માટે મારા માટે સાદા તેલમાં બનાવેલી વાનગી લાવો. હવે બટરનો સ્વાદ એના ભાવને કારણે કડવો લાગે છે એ જુદી વાત છે ! કોઈ ભાઈ મોલમાં દુધમાં મિક્સ કરવાના પાવડરનો 500 ગ્રામનું પેકેટનો ભાવ વાંચે, પછી 250 ગ્રામનો ભાવ જુએ અને છેલ્લે 100 ગ્રામનું પેકેટ ખરીદે. ટી.વી.માં રોજ જાહેરાત આવતી હોય એટલે બાળક જીદ કરે અને એને ચોકલેટ પાવડર લાવી આપવો પડે. પરંતુ 100 ગ્રામના પેકેટથી શું વળે ? દરરોજ દુધમાં એક ચમચી પાવડર ઉમેરે તો માંડ દસ દિવસ ચાલે. પરંતુ કોઈ વાર બાળકને ભુલવાડી દેવાનું, જીદ કરે ત્યારે આપવાનું, ઘરે કોઈ મહેમાન આવે ત્યારે એને દેખાડવા પૂરતું આપવાનું – એવી બધી કરામતો થતી હોય ! પરંતુ ક્યારેય કોઈની સામે પોતાનું સમ્માન ગુમાવવાનું નહિ.

કરુણાનો ભાવ

કરવા જેવું એક કામ એવું પણ છે કે જ્યારે પણ પેટ્રોલ પુરાવીને બાઈકની ટાંકી ફુલ કરાવીએ ત્યારે 100 એમ.એલ.ની એક-બે પ્લાસ્ટીકની બોટલ પેટ્રોલ ભરીને અલગથી રાખી દેવી. આપણે ઘણી વાર જોઈએ છીએ કે બપોરના ભરતાપમાં કોઈ વૃદ્ધ બાઈક કે સ્કૂટર ખેંચીને પેટ્રોલપંપે જઈ રહ્યા હોય, અથવા મોડી રાત્રે કોઈ માણસ બાઈક ઢસડીને લઈ જઈ રહ્યો હોય ને એની પાછળ-પાછળ હાથમાં બાળક ઉંચકેલી પત્ની અથવા પત્ની અને બે નાના બાળકો ચાલીને જઈ રહ્યા હોય એવા સંજોગોમાં વધુ કંઈ ન બોલતા તેઓના હાથમાં એક બોટલ રાખી દઈને માત્ર એટલું જ કહી શકાય, કે ‘પેટ્રોલ પંપ સુધી અથવા નજીકમાં ઘર હોય તો ત્યાં પહોંચી જાઓ.’ (કારચાલકે બાઈક ચાલકને આવી ઑફર ન કરવી.) બધા જ જુએ છે કે માણસ બાઈક ખેંચીને લઈ જઈ રહ્યો છે તેથી એક વાત તો દિવા જેવી સાફ છે કે એની ટાંકીમાં પેટ્રોલ ખુટી ગયું છે. શરમનો માર્યો એ તો કોઈની પાસે માંગી શકે એમ નથી તો સામેથી એને 100 એમ.એલ પેટ્રોલ ઑફર ન કરી શકાય ? સમજુ અને શાણા માણસો કહે છે કે માણસે માંગવું જોઈએ. માગ્યા વિના એને મળવું ન જોઈએ. પરંતુ દરેકની પાસે પેટ્રોલ માગવા કરતા, ‘હવે પછી ક્યારેય આવી નિષ્કાળજી નહિ રાખું કે અધવચ્ચે પેટ્રોલ ખલાસ થઈ જાય’ એવું એ મનથી નક્કી કરી લે પરંતુ કોઈની પાસે માંગે નહિ. કારણ કે માગ્યા પછી કેવા-કેવા સ્વસ્તિવચનો સાંભળવા મળશે એ નક્કી હોતું નથી.

અનુકૂલનનો ભાવ

શહેરમાં માણસની કિમ્મત કેટલી ? કોઈ દુકાનેથી રોકડેથી ખરીદી કરતા હોય અને એ દુકાનદારને પાંચ વર્ષથી ઓળખતા હોય એવા કોઈ સજ્જન એ દુકાનદાર પાસે કોઈ વસ્તુ ઉધાર માંગે તો  પોતાની કેટલી કિમ્મત છે એની જાણ એને થઈ જાય ! માણસે કોઈક વાર ખિસ્સામાં પાકીટ લીધા વિના નિકળવું જોઈએ અને પોતાના કેટલાક કામો પતાવવાનું નક્કી કરવું જોઈએ. કોના દ્વારા પોતાના કેવા-કેવા કામો થયા અને કેવા અનુભવો થયા એનો અદ્ભૂત ઈતિહાસ રચાશે ! શહેરમાં એક માણસ કાર લઈને નિકળે તો રસ્તા પર કે પાર્કિંગ માટે કેટલી બધી જગ્યા રોકે ? આ રીતે વિચારીએ તો ટુ વ્હીલર પર બે માણસે નિકળવું જોઈએ. ચાર માણસો હોય તો જ કાર લઈને નિકળવું જોઈએ. પરંતુ એ.સી.માં રહેવા ટેવાયેલો માણસ બાઈક પર કેવી રીતે નિકળી શકે ? વરસાદ અને ઠંડીથી પણ કારમાં રક્ષણ થાય પરંતુ બાઈકમાં તો પર્યાવરણ સાથે અનુકૂલન સાધવું પડે. જો કે માનવવંશનો ઈતિહાસ કહે છે કે જે લોકો પર્યાવરણના સંપર્કમાં રહે છે અને ઠંડી-ગરમી કે વરસાદ સહન કરે છે તેઓના શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ખુબ સારી રીતે ખીલેલી હોય છે. કોઈ સ્ત્રી અગિયાર પ્રસુતી બાદ પણ સ્વસ્થ હોય અને પાણીપુરી ખાનારી શહેરની છોકરી પહેલી સુવાવડમાં પણ થાકી જાય એવું બને. આદિવાસી બહેનોને જુઓ તેઓને દસ-બાર છોકરાઓ તો જન્મે જ. એમાંથી આરોગ્ય અંગેની જાણકારીના અભાવમાં પાંચ-છ મરી જાય અને બાકીના જીવી જાય. પરંતુ એ સ્ત્રી શારિરીક રીતે સક્ષમ જ હોય ! શ્રમ કરનાર પ્રજા જેવી કે ભરવાડ, રબારી, વણઝારા, આદિવાસી વગેરે સ્ત્રી-પુરુષોની પ્રજનન ક્ષમતા તેમજ રોગપ્રતિકારક શક્તિ ગજબના હોય છે. એની સામે સગવડીયું જીવન જીવનારા શહેરીજનો તબિયતની બાબતે સાવ ફોસી હોય છે. શિયાળામાં ઠંડા પાણીથી ન્હાતા ડરે, વરસાદમાં પલળતા ડરે, રાત્રે અંધારામાં જતા ડરે, અજાણ્યા સાથે વાતો કરતા ડરે, માટીમાં રમતા ડરે, જમીન પર બેસતા ડરે – આમ શારિરીક રીતે મરતા પહેલા જિન્દગી ભર દિવસમાં હજાર વાર મરે !

કંજુસાઈનો ભાવ

અમારા એક પ્રોફેસર અમને કહેતા કે એક કાળે દૂધ આજની જેમ પોલીથિનની બેગમાં નહિ પરંતુ બોટલમાં આવતું. એક કંજૂસ બોટલનું દૂધ તપેલીમાં કાઢી લે ત્યારબાદ પાળેલી બિલાડીની પુંછડી એ બોટલના તળીયા સુધી જવા દઈને એને દૂધવાળી કરી દે. પછી સ્વચ્છતામાં માનનારી બિલાડી દસેક મિનિટ સુધી એની પુંછડીને ચાટ્યા કરે. સંપ્રદાયના એક સ્વામિએ પોતાના શિષ્યોને પૂછ્યું, કે ‘માત્ર એક વાટકી ઘી છે. તમે બધા પચાસ છો. તમને દરરોજ ઘીવાળી રોટલી ખવડાવવી છે. તો એ કઈ રીતે શક્ય બને ? એક શિષ્યે કહ્યું, ‘ગુરુજી, રોટલી પર ઘી ચોપડવાને બદલે ઘીની વાટકી ઘસવાની. આ રીતે આખી જિન્દગી એક વાટકી ઘી ચાલશે છતાં ઘી નહિ ખુટે. પરંતુ રોટલી ઘીવાળી થતી નથી એનું શું ? તો બીજા શિષ્યે કહ્યું, ગુરુજી, ‘રોટલી તવા પરથી ઉતરે એટલે એને ઘીની વાટકી પર રાખી દેવાની. રોટલીની ગરમ વરાળ ઘીમાં જઈને ઘીવાળી થઈને પાછી રોટલીમાં સમાઈ જશે અને એ રીતે રોટલી ઘીવાળી થઈ જશે. રોટલીમાં ઘીની સુગન્ધ આવે એનો અર્થ એ કે એ રોટલી ઘીવાળી છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ કોઈ વાનગી સુંઘવાથી એને ચાખેલી ગણી શકાય છે. મૂળ વાત એ છે કે માણસના હૃદયમાં ભાવનાના હજારો ઝરણા છે એ તમામને વહેતા કરવાની કોશિશ કરવાની છે. નવ રસમાં જે સભ્ય અને સંસ્કારી છે એ તમામ રસ ખીલવા જોઈએ.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: