વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

સ્કૂલવાન

અમે સીટીબસમાં શાળાએ જતા-આવતા. ઘરેથી પંદર મિનિટ ચાલીએ એટલે બસ-સ્ટેંડ આવે. દસ મિનિટની બસ-મુસાફરી કરવાની. ત્યારબાદ ફરીથી પંદર – વીસ મિનિટ ચાલીએ એટલે શાળા આવે. શાળાએથી છુટીને સાંજે ચાલીને બસ-સ્ટેંડ પર આવીએ એટલે પંદર મિનિટ બસ આવવાની રાહ જોવાની. ત્યારબાદ દસ મિનિટની બસ-મુસાફરી અને છેલ્લે પંદર મિનિટ ઘર સુધી ચાલવાનું ! જો કે એ સમયે શાળામાં શિક્ષકો સારું ભણાવતા હોવાથી માત્ર નબળા વિદ્યાર્થીઓને જ ટ્યૂશનની જરૂર પડતી. જ્યારે આજે તમામ બાળકો માટે ટ્યૂશન ફરજિયાત થઈ ગયું હોવાથી અમારી જેમ શાળાએ જવા-આવવા માટે વધુ સમય તેઓ ફાળવી શકતા નથી. આથી આજ-કાલ શાળાના બાળકો વાન અથવા રીક્ષામાં આવ-જા કરે છે. ખરેખર એ દૃશ્યો જોઈને ખુબ દુ:ખ થાય છે. કતલખાને લઈ જવાતા ઘેંટા-બકરાની જેમ સામાન્યોથી લઈને ભદ્ર પરિવારોના સુખી-તંદુરસ્ત બાળકોને ઠાંસી-ઠાંસીને ભરવામાં આવ્યા હોય છે. વાનને એક્સીડંટ થાય કે એ પલટી ખાઈ જાય અથવા સી.એન.જી. કીટના કારણે આગ લાગે તો એક પણ બાળક પ્રાણ બચાવવા પોતાની જગ્યાએથી ખસી ન શકે અને પોતાનો જીવ ખોઈ બેસે એવો ઘાટ થાય. જ્યાં બેઠા ત્યાંથી એક તસુ પણ હલી ન શકાય એવી ટાઈટ પોઝીશન હોય છે. વળી સીટ પણ નીચી હોવાથી છઠ્ઠાથી આગળના ધોરણમાં ભણતા દિકરા-દિકરીને ઘુંટણમાંથી પગ વાળીને તેમજ માથું ગરદનથી ત્રાંસુ નમાવીને બેસતાં જોઈને વિચાર આવે છે કે આ રીતે બેસવાથી શરીરની નસો દબાઈ જવાથી કેટલી બધી પીડા થતી હશે ! આ બાળકોને પુરતો ઓક્સિજન પણ મળતો હશે કે કેમ એ પ્રશ્ન છે. આ બાબતે ચાલકો સંવેદનાહીન બની જાય છે. મરઘી વેચતા વેપારીઓ સાયકલ પર આગળના હેંડલની એક બાજુ પાંચ અને બીજી બાજુ પાંચ એમ કુલ દસ મરઘીઓના પગે દોરી બાંધીને એ દોરી સાયકલના હેંડલ સાથે બાંધીને મરઘીઓને ઉંધી લટકાવીને વડોદરા શહેરથી આસપાસના ગામડે દસ કિલોમીટરના વિસ્તારમાં આવેલી પોતાની દુકાનમાં લઈ જાય છે ત્યારે મરઘીની જે સ્થિતિ થાય છે એમાં અને ભદ્ર સમાજના કુમળા બાળકોની સ્થિતિમાં કોઈ ફરક હોતો નથી.

બાળકો વાનમાં બેસે અને એની છત પર રાખેલા કેરિઅરમાં પોતાની સ્કૂલબેગ્સ રાખે એવી વ્યવસ્થા હોય છે. આ બેગો કેરિઅરમાં રાખવાનું અને બાળકને ઉતરવાનું આવે ત્યારે એને એની બેગ આપવાનું કામ કોનું ? ખરેખર આ કામ ડ્રાયવરનું છે. પરંતુ બાળકો આગળ રાજાપાઠમાં આવી ગયેલો ડ્રાયવર સદા મસ્તીમાં હોય છે. વાનના બાળકો પૈકી કોઈ એક કે બે બાળકો આ જવાબદારી સ્વેચ્છાએ ઉપાડી લેતા હોવાથી ડ્રાયવરનું કામ આસાન થઈ જાય છે. પરંતુ એમાં જોખમ એ છે કે વાનમાં પગ રાખીને વાનની બહાર શરીર કાઢીને ઉભેલો બાળક કેરિઅરમાંથી અન્ય બાળકોની બેગ્સ ઉથલાવીને જે-તે બેગ કાઢવાનું કામ કરે એ સમય માગી લે તેમ છે. આવી સ્થિતિમાં ડ્રાયવર પાછળ જોયા વિના જ વાન હાંકી દે તો ઉભેલો બાળક આંચકો ખાઈને પડી જાય એવું બને.

વાનમાં વાગતા ગીતો પણ ડ્રાયવરના સંસ્કાર મુજબના હોય છે. કેટલા માતા-પિતા સ્કૂલવાન બંધાવતા પહેલા વાનવાળા ભાઈને ઘરે બોલાવીને એની સાથે પોતાના બાળકના સંસ્કારો તેમજ શરીરની સુરક્ષા માટે ચર્ચા કરતા હોય છે ? કોઈ વાલી પાસે આવો સમય જ ક્યાં છે ? આ વાત સાચી નથી. હકીકતમાં તો વાલીઓને પોતાના બાળકોની તકલીફ વિશે દરકાર જ નથી. ગમે તેવા – અભદ્ર અને અસંસ્કારી – વલ્ગર ફિલ્મી ગીતો વાગતા હોય એવી વાનમાં પોતાનું બાળક ન મોકલાય ! સારી-સારી શાળાઓમાં પ્રાથમિક ધોરણોમાં અભ્યાસ કરતા બાળકોની સ્કૂલબેગ્સમાં ગુટખાની પડીકીઓ જોવા મળે છે. બાળકો આટલી નાની વયે ગુટખા ચાવતા થઈ એવું કઈ રીતે શક્ય છે ? હા, વાનના ચાલકભાઈ અદાથી ગુટખાની પડીકી તોડે અને શાનથી એને પોતાના મોઢામાં મુકે પછી ખાલી પેકેટ હવામાં ઉંચે ઉડાડે એ જોઈને કૂતુહલ વશ બાળકો પણ એવું કરે. આથી જાગૃત વાલીઓએ ગુટખા ખાનાર અથવા ધુમ્રપાન કરનાર ચાલક ભાઈઓની વાનમાં પોતાના બાળકને મોકલવું જોઈએ નહિ. હવે તમે નિર્વ્યસની ચાલક ક્યાંથી શોધશો ? એના જવાબમાં કહી શકાય કે ચાલકે ડ્યુટી શરૂ કરતા પહેલા એનું વ્યસન પુરું કરી લેવું જોઈએ. બાળકોના ધ્યાનમાં આવે એ રીતે ગુટખા ચાવવા કે ધુમ્રપાન કરવું નહિ એવી સ્પષ્ટ સુચના એને અપાવી જોઈએ. એ માટે દંડાત્મક કાર્યવાહીની જોગવાઈ પણ હોવી જોઈએ. શાળા બાળકો પાસે વ્યસનમુક્તતાનો આગ્રહ રાખે છે એની સાથે-સાથે ચાલક ભાઈઓની પણ તપાસ થવી જોઈએ.

ઘણી વાર જોયું છે કે વાન બંધ પડી જાય અથવા ટાયર પંક્ચર થઈ જાય તો ડ્રાયવર બાળકો પાસે ધક્કો મરાવીને વાનને ગેરેજ સુધી અથવા ટાયર રીપેર કરાવવા સુધી લઈ જતા હોય છે. બાળકો પાસે આવું કામ લેવું શું ઉચિત છે ? જેટલી શાળા આધુનિક અને પ્રખ્યાત એટલા જ એના યુનિફોર્મ અભદ્ર. અમે વિદ્યાપીઠ કક્ષાની સંસ્થામાં રહીને ભણતા ત્યારે હોસ્ટેલ જેવા વાતાવરણમાં કેમ્પસમાં કે અમારી રૂમમાં હરતી-ફરતી વખતે, છોકરા હોવા છતાં અમારે ઘુંટણથી નીચે બે-ત્રણ ઈંચ સુધી પગનો ભાગ ઢંકાય એવો બરમુડો પહેરવો પડતો – એથી ટુંકો નહિ. જ્યારે આજે દિકરીઓને ઘુંટણથી ઉપર બે-ત્રણ ઈંચ સુધીના માપના ટુંકા સ્કર્ટ્સ પહેરવા પડે છે. પાછું વાનમાં હવાની અવર-જવર થાય એ માટે દરવાજો ખુલ્લો રાખીને આ દિકરીઓ બહારની દિશા તરફ મુખ કરીને બેઠી હોય એવા દૃશ્યો કોઈને નડતા નથી ? શા માટે કોઈ કંઈ કહેતું નથી ?

રીક્ષામાં આવતા-જતાં બાળકોના જોખમની વાત કરીએ તો રીક્ષા બન્ને બાજુથી ખુલ્લી હોય છે આથી રીક્ષાની બહાર લબડીને જે બાળકો બેઠા હોય છે તેઓના હાથની પકડ ઢીલી થવાથી રીક્ષાનો સળિયો છુટી જવાથી અથવા રસ્તા પર પડેલા પત્થર પરથી પસાર થવાને કારણે રીક્ષાને આંચકો આવે એવા કારણોસર બાળક રીક્ષામાંથી બહાર ગબડી પડે એ શક્ય છે. ડ્રાયવર સાથે આગળ બેઠેલા બાળકો ગમે ત્યારે પડી જાય એવી સંભાવના હોય છે. ઈશ્વરકૃપાથી આવા અકસ્માતો બનતા નથી પરંતુ આપણે આપણા મોટા નુક્શાનના દ્વારો ઉઘાડા કરી રાખ્યા છે, એ હકીકત છે. આ આખા કિસ્સાની પાછળ થોડેઘણે અંશે વાલીઓની બેદરકારી જવાબદાર છે તો થોડુંક આર્થિક કારણ પણ જવાબદાર છે. ચાલકભાઈઓને શાળા-સંચાલકો તેમજ વાલીઓ તરફથી સ્પષ્ટ સુચના અપાવી જોઈએ કે વાહનમાં સંસ્કારી ગીતો જ વાગવા જોઈએ. બાળકો ફરમાઈશ કરે તો પણ સિનેમાના પ્રણય ગીતો વાગવા જોઈએ નહિ. બીજું કે બાળકોમાં જાગૃતિ લાવવી જરૂરી છે. ચાલક ભાઈ વાહનને ધક્કા મરાવે, કેરિઅર પરથી સ્કૂલબેગ્સ બાળકો પાસે ઉતારાવે તો બાળકોએ એ વાત પોતાના વાલીને કરવી જોઈએ અને વાલીએ આ અંગે પોતાના બાળકને જે-તે ચાલક ભાઈને વર્ષની શરૂઆતમાં સોંપતી વખતે સ્પષ્ટતા કરી લેવી જોઈએ. એવા ઘણા કિસ્સા બનતા રહે છે કે ચાલક ભાઈ પાછળ જોયા વિના જ વાન ઉપાડે ત્યારે સ્લાઈડિંગ ડોર સરકીને બંધ થઈ જાય એવે વખતે બાળક વાનમાંથી ઉતર્યું જ ન હોય અથવા બાળક ઉતરી ગયા બાદ તરત જ વાનમાં દરવાજા પાસે બેઠેલા અન્ય બાળકનો પંજો અથવા આંગળીઓ દરવાજો બંધ થવાથી કચરાઈ જાય અથવા બાળકનો નાસ્તાનો ડબો અથવા પાણીની બોટલ કચરાઈ જાય એવું બન્યા જ કરે છે. યુવા અથવા કિશોરાવસ્થાના નિર્દોષ બાળકો એવા છોકરા-છોકરીઓની કંપનીથી હર્ષ-ઉન્માદમાં આવી ગયેલો ચાલક મનથી એટલો હવામાં ઉડતો હોય છે કે દસ-પંદર જિન્દગીની જવાબદારી એના હાથમાં છે એવી સભાનતા એને હંમેશા હોતી નથી. કાનમાં ઈયરફોન રાખીને ગીતો સાંભળનાર ચાલક જેવો ભયંકર કોઈ રાક્ષસ પણ હોઈ ન શકે. કાયદા અનુસાર જેટલા બાળકો વાહનમાં બેસાડવાના હોય એટલા જ બાળકોને ચાલક ભાઈઓ બેસાડે એ માટે થોડી વધુ ફી ચુકવવાની થાય તો વાલીની તૈયારી હોવી જોઈએ. મોટે ભાગે આ માટે વાલીઓ તૈયાર થતાં નથી અને વધુ ફી મળવા છતાં ચાલક ભાઈઓ વધુ કમાવાનો લોભ જતો કરીને બાળકની સગવડને વધુ મહત્વ આપે એ સહેલાઈથી શક્ય બનવાનું નથી. એ માટે વાલીમંડળ, કાયદા ઈંસ્પેક્ટરો તેમજ ચાલક ભાઈઓની સંયુક્ત બેઠક મળવી જ જોઈએ. શાળા સંચાલકો આ બાબતે દિશાનિર્દેશની જવાબદારી લે એ ઈચ્છનીય છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: