વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

ભારતીય દર્શનો છ છે તે ષડદર્શન તરીકે ઓળખાય છે. ન્યાય-વૈશેષિક, સાંખ્ય-યોગ, પૂર્વમીમાંસા-ઉત્તરમીમાંસા(વેદાંત) જે વેદને માનતા હોવાથી આસ્તિક દર્શન તરીકે ઓળખાય છે. ન્યાય-વૈશેષિક અને સાંખ્ય-યોગ વેદ પર અંશત: આધારિત છે જ્યારે પૂર્વ અને ઉત્તરમીમાંસા વેદ પર સંપૂર્ણ આધારિત છે. સાંખ્ય અને પૂર્વમીમાંસા ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરતા નથી. વળી જૈન, બૌદ્ધ અને ચાર્વાક એ ત્રણ વેદવિરોધી હોવાથી નાસ્તિક દર્શન તરીકે ઓળખાય છે. આ ત્રણેય દર્શનો ઈશ્વરના અસ્તિત્વને પણ સ્વીકારતા નથી. ‘

‘ન્યાય’ શબ્દ સાંભળતા આપણને કોર્ટ, વકીલ વગેરે યાદ આવે પરંતુ ન્યાય દર્શનમાં આજનુ ફિઝિક્સ જેની ચર્ચા કરે છે એ બાબતો આવે છે. ન્યાયદર્શનના પ્રણેતા ગૌતમમુનિ છે. તેઓનું બીજું નામ અક્ષપાદ છે: ‘જેના પગ પણ આંખો જેવું કામ કરે છે તે’. ષડદર્શનોમાં ન્યાયદર્શન તેની જ્ઞાનમીમાંસા માટે જગપ્રસિદ્ધ છે. જ્ઞાન એટલે શું ? તેના પ્રકારો કેટલા, જ્ઞાન મેળવવાનો માર્ગ, જ્ઞાનની મર્યાદાઓ વેગેરેનું ઉત્તમ વિશ્લેષણ, ઉત્તમ નિરૂપણ આપણને ન્યાયદર્શનમાં દૃષ્ટિગોચર થાય છે. તેથી જ ન્યાયદર્શનની જ્ઞાનમીમાંસા અન્ય દર્શનો માટે પણ માર્ગદર્શક બની રહે છે. યુરોપના તત્વચિંતનમાં અનુમાન પ્રમાણ (INFERENCE) પર ખુબ જ ચર્ચા થયેલી છે  પરંતુ પ્રત્યક્ષ પ્રમાણનું સૂક્ષ્મ અને વિશદ વિશ્લેષણ માત્ર ન્યાયદર્શનમાં જ જોવા મળે છે.

ન્યાય દર્શન અનુસાર જ્ઞાન કોને કહેવાય એ જોઈએ.

પદાર્થને વ્યકત કરનાર દીપક એટલે જ્ઞાન. ન્યાયની દૃષ્ટિએ જ્ઞાનના બે પ્રકાર છે: 1. પ્રમા અને 2. અપ્રમા.

પ્રમા:

પ્રમા એટલે યથાર્થ જ્ઞાન. ન્યાય પ્રમાણની વ્યાખ્યા આ રીતે આપે છે: પ્રમા કરણમ પ્રમાણમ – જે યથાર્થ જ્ઞાનનું કરણ છે, સાધન છે તે પ્રમાણ. પ્રમાણો ચાર છે: 1. પ્રત્યક્ષ, 2. અનુમાન, 3. શબ્દ અને 4. ઉપમાન.

અપ્રમા:

અપ્રમા એટલે અયથાર્થ જ્ઞાન. તેના પણ ચાર પ્રકાર છે: 1. સ્મૃતિ, 2. સંશય, 3. વિપર્યય અને 4. તર્ક.

પ્રત્યક્ષ:

પ્રતિ + અક્ષ = પ્રત્યક્ષ. પ્રતિ એટલે નજીક અથવા સામે (FACE TO FACE) અને અક્ષ એટલે ઈન્દ્રિય. આમ પ્રત્યક્ષ એટલે ઈન્દ્રિયને એની પાસેના વિષયનું થતું જ્ઞાન. મહર્ષિ ગૌતમની દૃષ્ટિએ ‘ઈન્દ્રિયો અને પદાર્થના સન્નિકર્ષથી પ્રાપ્ત થતું જ્ઞાન એટલે પ્રત્યક્ષ.’ અન્ય એક નૈયાયિક વિશ્વનાથ અનુસાર: ‘અન્ય કોઈ માધ્યમ વિના વસ્તુનું અપરોક્ષ એટલે કે સીધેસીધુ મળતું જ્ઞાન, સીધેસીધી પ્રતીતિ એટલે પ્રત્યક્ષ.’ પાંચ જ્ઞાનેન્દ્રિયો દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત થાય છે:

શ્રોત્રેન્દ્રિય દ્વારા ધ્વનિ, નાદ, અવાજનું જ્ઞાન. (શબ્દ)

સ્પર્શેન્દ્રિય દ્વારા શીતલ-ઉષ્ણ, મૃદુ-કઠોર સ્પર્શનું જ્ઞાન. (સ્પર્શ)

ચક્ષુરિન્દ્રિય અથવા નેત્રેન્દ્રિય દ્વારા રંગ અને આકારનું જ્ઞાન. (રૂપ)

રસેન્દ્રિય દ્વારા ષડરસ: ખાટો, ખારો, તીખો, તુરો, કડવો અને મીઠો સ્વાદનું જ્ઞાન. (રસ)

ઘ્રાણેન્દ્રિય દ્વારા સુગન્ધ-દુર્ગન્ધનું જ્ઞાન. (ગંધ)

ન્યાયદર્શન પ્રત્યક્ષ પ્રમાણના પાંચ સહયોગી ઘટકો કે જેના વિના પ્રત્યક્ષ જ્ઞાન શક્ય નથી એની ચર્ચા કરે છે:

  1. પદાર્થ: જે પદાર્થનું જ્ઞાન થાય છે તે પદાર્થ. દા.ત. ઘડો.
  2. માધ્યમ: ઘ્રાણેન્દ્રિય માટે માધ્યમ પૃથ્વી (જડ દ્રવ્યને ગંધ હોય છે), રસેન્દ્રિય માટે જળ (પાણી વિના સ્વાદ નહિ), ચક્ષુરિન્દ્રિય માટે તેજ (પ્રકાશ વિના વસ્તુ દેખાય નહિ), સ્પર્શેન્દ્રિય માટે વાયુ (હવા વિના સ્પર્શ અનુભવાય નહિ) અને શ્રોત્રેન્દ્રિય માટે આકાશ (આકાશમાં શબ્દ ગતિ કરે છે).
  3. જ્ઞાનેન્દ્રિય: ઉપર જોઈ એ પાંચ જ્ઞાનેન્દ્રિયો.
  4. મન: ઈન્દ્રિયો પોતપોતાના વિષય પ્રતિ ગતિ કરે છે અને તે-તે વિષયવાળી થઈને દેહમાં પરત આવે છે. પરંતુ જ્ઞાનપ્રાપ્તિ માટે ઈન્દ્રિયો દ્વારા પ્રાપ્ત જ્ઞાનનું સંકલન (SYNTHESIS) અનિવાર્ય બને છે. મન એ કાર્ય કરે છે. મનની અનુપસ્થિતિમાં જ્ઞાન શક્ય બનતું નથી. દા.ત. આપણે કોઈ એક દિશામાં આંખો સ્થિર કરીને બેઠા હોઈએ અને એ દિશામાં કોઈ ઘટના બની જાય છતાં આપણને એનું જ્ઞાન થતું નથી કારણ કે એ સમયે આપણે વિચારમગ્ન હોઈએ છીએ અને મન એ ઘટનામાં ઈંવોલ્વ હોતું નથી.
  5. આત્મા: આત્મા એટલે જ્ઞાતા. ચૈતન્ય સમગ્ર જ્ઞાનનો આધાર છે. મૃત શરીરને જ્ઞાન થતું નથી.

પ્રત્યક્ષ જ્ઞાનના પ્રકારો:

પ્રત્યક્ષ જ્ઞાનના મુખ્ય બે પ્રકારો છે: 1. લૌકિક પ્રત્યક્ષ અને અલૌકિક પ્રત્યક્ષ. લૌકિક પ્રત્યક્ષના બે પેટા પ્રકારો છે: 1. બાહ્ય પ્રત્યક્ષ અને 2. માનસ પ્રત્યક્ષ. બાહ્ય પ્રત્યક્ષના વળી ત્રણ પ્રકારો છે: 1. સવિકલ્પક પ્રત્યક્ષ, 2. નિર્વિકલ્પક પ્રત્યક્ષ અને 3. પ્રત્યભિજ્ઞા. અલૌકિક પ્રત્યક્ષના ત્રણ પેટા પ્રકારો છે: 1. સામાન્ય લક્ષણ પ્રત્યક્ષ, 2. જ્ઞાન લક્ષણ પ્રત્યક્ષ અને 3. યોગજ પ્રત્યક્ષ. પાશ્ચાત્ય તત્વજ્ઞાનમાં પ્રત્યક્ષના આટલા વિસ્તૃત પ્રકારો જોવા મળતા નથી. ન્યાય દર્શનની આ એક અદ્ભુત સિદ્ધિ છે.

લૌકિક પ્રત્યક્ષ:

સામાન્ય જન સમુદાય જે રીતે પ્રત્યક્ષનું જ્ઞાન પ્રાપ્ત કરે છે તે પ્રકારને જ્ઞાનનો લૌકિક પ્રત્યક્ષ કહે છે. અહિં ઈન્દ્રિયો અને પદાર્થ જોડાય છે એના બે પ્રકાર છે:

  1. બાહ્ય પ્રત્યક્ષ:

1.1  સવિકલ્પક પ્રત્યક્ષ: આ પ્રકારના બાહ્ય પ્રત્યક્ષમાં ‘આ આંબો છે’, ‘આ ગુલાબ છે’ વગેરે વિકલ્પો સહિતનું એટલે કે પદાર્થ ચોક્કસ કયો છે, કઈ જાતિનો છે, તેના ગુણધર્મો કયા છે વગેરેનું સ્પષ્ટ જ્ઞાન થાય છે.

1.2  નિર્વિકલ્પક પ્રત્યક્ષ: ‘આ કંઈક છે’ એવું નિર્વિકલ્પક જ્ઞાન એટલે કે પદાર્થ કયો છે, કઈ જાતિનો છે, તેના ગુણધર્મો કયા છે, એનું કોઈ નામ પણ ન આપી શકાય, ઓળખી ન શકાય, પ્રથમ વાર જ જોતા હોઈએ વગેરે વસ્તુ-પદાર્થનું પ્રત્યક્ષ આ પ્રકારમાં આવે છે.

1.3  પ્રત્યભિજ્ઞા: શબ્દના અર્થ મુજબ અભિજ્ઞાનથી મળતું જ્ઞાન એટલે પ્રત્યભિજ્ઞા, જેને અંગ્રેજીમાં કહે છે. કોઈ ચિહ્ન, નિશાનીની મદદથી થતું પ્રત્યક્ષ જ્ઞાન અને તેના કારણે પદાર્થ કે વ્યક્તિની થતી ઓળખ. દા.ત. માછીમારે આપેલી વીંટી જોતાં જ દુષ્યંતને શકુંતલાનું જે જ્ઞાન થાય છે તે પ્રત્યભિજ્ઞા છે.

       2. માનસ પ્રત્યક્ષ:

મન દ્વારા થતું સીધેસીધું જ્ઞાન કે અનુભવ એ માનસ પ્રત્યક્ષ છે. ઈન્દ્રિયો અને પદાર્થ જોડાતાં નથી છતાં માનસિક જ્ઞાન શક્ય બને છે. દા.ત. દાંત, માથુ વગેરેનો દુ:ખાવો, સુખ-દુ:ખ, રંજ-ક્લેશ, હર્ષ-શોક વગેરે ભાવો માનસ પ્રત્યક્ષના અનુભવો છે.

અલૌકિક પ્રત્યક્ષ

આ પ્રકારના પ્રત્યક્ષમાં ઈન્દ્રિયો અને પદાર્થ વિશિષ્ટ રીતે, અલૌકિક રીતે જોડાયેલા છે, જેના પ્રકારો આ પ્રમાણે છે:

સામાન્ય લક્ષણ પ્રત્યક્ષ:

ઈન્દ્રિય અને પદાર્થના સંપર્ક બાદ વિશિષ્ટ રીતે બુદ્ધિ દ્વારા સામાન્ય લક્ષણ તારવવામાં આવે છે તેથી પ્રત્યક્ષને અલૌકિક કહેવામાં આવે છે. દા.ત. સર્વ મનુષ્યોમાં દેખીતા તફાવતને છોડી દઈને તેઓના સામાન્ય લક્ષણ જેવા કે બુદ્ધિશાળીપણું, મરણશીલતાને તારવી લેવામાં આવે છે. ઈન્દ્રિય દ્વારા ઘોડો નામનું પ્રાણી દેખાય છે પરંતુ સર્વ ઘોડાઓમાં રહેલું સામાન્ય લક્ષણ બુદ્ધિ તારવે છે. આ જ્ઞાનને પશ્ચિમના તત્વજ્ઞાનમાં CONCEPT કહેવામાં આવે છે.

જ્ઞાનલક્ષણ પ્રત્યક્ષ:

જે ઈન્દ્રિય જે જ્ઞાન માટે નિર્મિત છે તે સિવાય પણ અન્ય ઈન્દ્રિયનું કાર્ય બજાવે કે જેના માટે એ નિર્મિત નથી તેવા પ્રત્યક્ષને જ્ઞાનલક્ષણ પ્રત્યક્ષ કહેવામાં આવે છે. દા.ત. ચક્ષુરિન્દ્રિય દ્વારા પદાર્થની શીતલતા કે ઉષ્ણતાનું જ્ઞાન મેળવવું, જમીનની સપાટી લીસી છે કે ખરબચડી એનું જ્ઞાન મેળવવું કે જે ખરેખર તો સ્પર્શેન્દ્રિયનું કાર્ય છે છતાં પૂર્વાનુભવના કારણે પદાર્થ ભરેલા વાસણમાંથી વરાળ નીકળતી જોઈને અથવા વાસણની બહારની બાજુએ પાણીના બુન્દ જોઈને અંદરનો પદાર્થ ગરમ અથવા ઠંડો છે એવું પ્રત્યક્ષ થાય છે. એ જ રીતે ઘ્રાણેન્દ્રિય દ્વારા સુગંધ પરથી વાનગી સ્વાદિષ્ટ છે એવું જ્ઞાન થાય છે.

યોગજ પ્રત્યક્ષ :

સાચા અર્થમાં આ અલૌકિક પ્રત્યક્ષ છે. પૂર્ણ સ્વરૂપમાં અલૌકિક, અતીન્દ્રિય, ઈન્દ્રિય દ્વારા અગોચર એવું જ્ઞાન યોગજ પ્રત્યક્ષ દ્વારા થાય છે. અહિં ઈન્દ્રિયો કોઈ પદાર્થ સાથે જોડાતી નથી છતાં અમુક દિવ્ય વસ્તુઓનું સીધેસીધું જ્ઞાન, અપરોક્ષ જ્ઞાન, અપરોક્ષાનુભૂતિ આ પ્રકારના પ્રત્યક્ષ દ્વારા થાય છે. યોગ દ્વારા જન્મેલું તેથી યોગજ. યોગિઓને, મહર્ષિઓને થતું ત્રિકાલાબાધિત જ્ઞાન, ત્રણેય કાળમાં અપરિવર્તનશીલ એવા સનાતન પદાર્થનું જ્ઞાન આ પ્રકારનું છે. અર્વાચીન સમયમાં ટેલીપથી આ પ્રકારના જ્ઞાનનું ઉદાહરણ છે.

ન્યાયદર્શન મુજબ પ્રત્યક્ષની આ વિચારધારા, છણાવટ વિશ્વના તત્વજ્ઞાનમાં બેજોડ છે. જ્ઞાનના ક્ષેત્રમાં ન્યાયનું આ સમર્થ પ્રદાન છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: