વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

ભારતીય દર્શનની મહત્વની છ શાખાઓ વેદમાં શ્રદ્ધા ધરાવતી હોવાથી આસ્તિક દર્શનો કહેવાય છે, જેમાં ન્યાયદર્શનનો સમાવેશ થાય છે. ન્યાયદર્શનના પ્રણેતા છે ગૌતમમુનિ. તેમણે ન્યાયસૂત્રો આપ્યા. અન્ય નૈયાયિકો જયંત ભટ્ટ, અન્નમ ભટ્ટ, ઉદયન, વાત્સ્યાયન, ભાસર્વજ્ઞ, ઉદ્યોત્કાર વગેરેએ ન્યાયદર્શનની અદ્ભૂત છણાવટ કરી છે. ન્યાયદર્શન તેની જ્ઞાનમીમાંસા અને તર્કમીમાંસાની વિશ્લેષણાત્મક તેમજ વિસ્તૃત છણાવટ માટે જગપ્રસિદ્ધ છે. આથી બાકીના તમામ દર્શનો તેની આ ચર્ચાને માન્ય રાખે છે. ન્યાયનું તર્કશાસ્ત્ર યુરોપના એરિસ્ટોટલના તર્કશાસ્ત્ર કરતા વધુ પ્રાચીન, વધુ સમૃદ્ધ તેમજ વધુ સુસંગત છે. એરિસ્ટોટલ કરતા હજારો વર્ષ પૂર્વે મહર્ષિ ગૌતમે ન્યાયદર્શનમાં અનુમાન પ્રમાણની અદ્ભૂત ચર્ચા કરી છે.

અનુમાનની વ્યુત્પત્તિ:

ન્યાયે સ્વીકારેલા ચાર પ્રમાણો (જ્ઞાનપ્રાપ્તિ માટેના સાધનો)માં અનુમાન બીજું પ્રમાણ છે. પ્રથમ પ્રત્યક્ષ પછી અનુમાન આવે છે. વ્યુત્પત્તિની દૃષ્ટિએ ‘અનુ’ એટલે (પ્રત્યક્ષ)પછી, બાદમાં અને ‘માન’ એટલે થનારું જ્ઞાન. પ્રત્યક્ષ પછીનું મળતું જ્ઞાન અથવા પ્રત્યક્ષના આધારે મળતું જ્ઞાન એટલે અનુમાન.

અનુમાનની વ્યાખ્યા:

પ્રત્યક્ષાના આધારે, જેનું પ્રત્યક્ષ થતું નથી એવા અપ્રત્યક્ષ પદાર્થનું જ્ઞાન એટલે કે ભાસર્વજ્ઞના શબ્દોમાં કહીએ તો, ‘એક પદાર્થ, જેનું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે તેના આધારે તેની સાથે અતુટ સંબંધ ધરાવનાર એવો બીજો પદાર્થ કે જેનું પ્રત્યક્ષ જ્ઞાન થતું નથી એના જ્ઞાનને અનુમાન કહે છે.’ અમુક ચિહ્ન અથવા નિશાની જોઈને પૂર્વાનુભવને આધારે એ ચિહ્ન અથવા નિશાની ધરાવતી વસ્તુ કે ઘટના વિશે થનારું જ્ઞાન. દા.ત. પર્વત પર ધુમાડો (ચિહ્ન) જોઈને ત્યાં અગ્નિ (જેનું પ્રત્યક્ષ થતું નથી એવો પદાર્થ) હશે જ – એવું જ્ઞાન.

વાત્સ્યાયન કહે છે: ‘ઈન્દ્રિય પ્રત્યક્ષની ગેરહાજરીમાં કોઈપણ પ્રકારનું અનુમાન સંભવી શકે જ નહિ.’ અનુમાન બુદ્ધિ દ્વારા પ્રાપ્ત થાય છે. જગતની ઘણીબધી વસ્તુઓ, સિદ્ધાંતો, ભવિષ્યની ઘટનાઓ તેમજ ઈન્દ્રિયોથી પર એવા કેટલાક વિષયો અનુમાન દ્વારા જ જાણી શકાય છે. ઉદ્યોત્કાર લખે છે: ‘લિંગ અથવા હેતુના પ્રત્યક્ષ પરથી તેના સાધ્ય સાથેના વ્યાપ્તિસંબંધના આધારે જે જ્ઞાન મળે છે તે અનુમાન.’ લિંગ અથવા હેતુની સમજૂતિ આપણે જોઈશું ત્યારબાદ આ વાત સમજાઈ જશે.

અનુમાનનું બંધારણ:

ન્યાયદર્શનમાં બે રીતે અનુમાનની ચર્ચા છે. ત્રણ વિધાનોનું બનેલું અનુમાન નીચે મુજબ છે:

1. જ્યાં જ્યાં ધુમાડો છે ત્યાં ત્યાં અગ્નિ છે.

2. પેલા પર્વત પર ધુમાડો છે.

3. માટે એ પર્વત પર અગ્નિ હશે જ.

આ ત્રણ વિધાનમાં આવેલા ત્રણ પદોની જાણકારી મેળવીએ:

પક્ષપદ: જેને અનુલક્ષીને સાબિત કરવાનું છે અથવા જેના પક્ષમાં દલીલ થાય છે તે પક્ષપદ. દા.ત. પેલો પર્વત.

સાધ્યપદ: પક્ષ વિશે જે કંઈ સાબિત કરવાનું છે તે સાધ્યપદ. દા.ત. અગ્નિ. પર્વત પર અગ્નિ સાબિત કરવાનો છે.

મધ્યપદ – હેતુ – લિંગ: આ ત્રણ સમાનાર્થી શબ્દો છે. જેની મદદથી પક્ષ વિશે સાધ્યને સિદ્ધ કરી શકાય તે મધ્યપદ, હેતુ અથવા લિંગ છે. દા.ત. ધુમાડો. ધુમાડાને પર્વત પર જોઈને ત્યાં અગ્નિ સિદ્ધ કરવાનો છે.

અનુમાનનો આધાર – વ્યાપ્તિસંબંધ:

કોઈ પણ પ્રકારનું અનુમાન વ્યાપ્તિસંબંધ વિના થઈ શકે નહિ. વ્યાપ્તિસંબંધ એ અનુમાનની કરોડરજ્જૂ અથવા મુખ્ય આધાર છે. વ્યાપ્તિસંબંધ એટલે હેતુ (ધુમાડા)ની હાજરીમાં સાધ્ય (અગ્નિ)ની હાજરી અને સાધ્ય (અગ્નિ)ની ગેરહાજરીમાં હેતુ (ધુમાડા)ની ગેરહાજરી. એટલે કે જ્યાં-જ્યાં ધુમાડો હોય છે ત્યાં-ત્યાં અગ્નિ હોય છે અને જ્યાં-જ્યાં અગ્નિ નથી હોતો ત્યાં-ત્યાં ધુમાડો પણ નથી હોતો. ધુમાડા અને અગ્નિના આ પ્રકારના સહ અસ્તિત્વને વ્યાપ્તિસંબંધ કહે છે. દા.ત. મીઠા (લવણ)ની હાજરીમાં ખારાશની હાજરી અને ખારાશની ગેરહાજરીમાં મીઠા (લવણ)ની ગેરહાજરી.

અનુમાનના પ્રકારો:

1. વ્યાપ્તિ સ્થાપનાની દૃષ્ટિએ અનુમાનના ત્રણ પ્રકારો છે:

અ. કેવલ અંવયી (METHOD OF AGREEMENT): હેતુની હાજરી પરથી સાધ્યની હાજરી એટલે કે ધુમાડો જોઈને અગ્નિનું અનુમાન,

બ. કેવલ વ્યતિરેકી (METHOD OF DIFFERENCE): સાધ્યની ગેરહાજરી પરથી હેતુની ગેરહાજરી એટલે કે અગ્નિની ગેરહાજરી પરથી ધુમાડાની ગેરહાજરીનું અનુમાન અને

ક. અંવય-વ્યતિરેકી (METHOD OF AGREEMENT & METHOD OF DIFFERENCE BOTH): જ્યાં મીઠું છે ત્યાં ખારાશ છે અને જ્યાં ખારાશ નથી ત્યાં મીઠું પણ નથી – આમ અંવય તેમજ વ્યતિરેક બન્ને દૃષ્ટિએ થતું અનુમાન.

2. પ્રયોજનની દૃષ્ટિએ અનુમાનના બે પ્રકારો છે:

અ. સ્વાર્થ અનુમાન: પોતાના માટે જે અનુમાન થાય છે તે ત્રણ વિધાનોનું બનેલું અનુમાન એ સ્વાર્થ અનુમાન છે (જે આપણે ઉપર જોયું) અને

બ. પરાર્થ અનુમાન: અન્યને બોધ આપવા માટે જે અનુમાન રચાય છે તે પંચાવયવી એટલે કે પાંચ અવયવો તેમજ પાંચ વિધાનોનું બનેલું પરાર્થ અનુમાન છે અને

3. વ્યાપ્તિના પ્રકારની દૃષ્ટિએ અનુમાનના ત્રણ પ્રકારો છે:

અ. પૂર્વવત અનુમાન:

કારણ પરથી કાર્યનું અનુમાન કરવામાં આવે છે ત્યારે એ પૂર્વવત અનુમાન બને છે કારણ કે એ પૂર્વે થયેલા અનુભવને આધારે થાય છે. દા.ત. ઘનઘોર વાદળો, મેઘ ગર્જના, અત્યંત ઠંડો પવન ફુંકાવો, વિજળીના ચમકારા થવા વગેરે કારણો પરથી વરસાદરૂપી કાર્યનું અનુમાન થાય છે.

બ. શેષવત અનુમાન:

કાર્ય પરથી કારણનું અનુમાન કરવામાં આવે છે ત્યારે એ શેષવત અનુમાન બને છે. દા.ત. નદીમાં આવેલું પૂર જોઈને ઉપરવાસમાં ભારે વરસાદ થયો હોવાનું અનુમાન થાય છે.

ક. સામાન્યોતદૃષ્ટ અનુમાન:

આ પ્રકારના અનુમાનમાં કાર્ય-કારણ સંબંધ નથી હોતો છતાં બે પદાર્થો કે ઘટનાઓ એકબીજા સાથે અતુટ સંબંધ ધરાવતી હોય, સહાસ્તિત્વ ધરાવતી હોય એ સ્થિતિમાં એક પદાર્થ કે ઘટનાની હાજરી પરથી અન્ય પદાર્થ કે ઘટનાની હાજરીનું અનુમાન એ સામાન્યતોદૃષ્ટ અનુમાન છે. દા.ત. શિંગડાવાળા પશુઓની ખરીમાં ફાટ હોય છે અને શિંગડા વિનાના પશુઓની ખરી આખી હોય છે. આ બન્ને બાબતો વચ્ચે કોઈ કાર્ય-કારણ સંબંધ નથી છતાં એક લક્ષણ જોઈને અન્ય લક્ષણની હાજરીનું અનુમાન થાય છે.

આ રીતે ન્યાયદર્શન વિશ્વના તત્વજ્ઞાન તેમજ તર્કશાસ્ત્રમાં અનુમાનની આ ચર્ચા માટે મહત્વનું ગણાય છે. એરિસ્ટોટલ કરતાં પણ અતિ પ્રાચીન હોવાથી ભારતીય તર્કશાસ્ત્રનો પિતા એરિસ્ટોટલ નહિ પણ મહર્ષિ ગૌતમ મુનિ છે. ન્યાય તેમજ અન્ય આસ્તિક દર્શનો જેને જ્ઞાનપ્રાપ્તિ માટેનું અત્યંત પ્રભાવી તેમજ વિશ્વસ્ત પ્રમાણ ગણે છે એ શબ્દપ્રમાણ વિશે આ બ્લોગમાં ‘જ્ઞાન: શબ્દથી કે બુદ્ધિથી ?’ એ શીર્ષક અંતર્ગત એક લેખ લખાયો છે એ વાંચી શકાય. આમ મોટા ભાગના આસ્તિક દર્શનો પ્રત્યક્ષ, અનુમાન તેમજ શબ્દપ્રમાણને જ્ઞાનપ્રાપ્તિ માટે માન્ય પ્રમાણ ગણે છે. અન્ય પ્રમાણો જેવા કે ઉપમાન પ્રમાણ, અર્થાપત્તિ તેમજ અનુપલબ્ધિ કે જેના વિશે તમામ આસ્તિક દર્શનો એકમત નથી એને ફરી ક્યારેક જોઈશું.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: