વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

ભારતીય ષડદર્શનમાં વેદાંત દર્શન એટલે વેદનો જ્ઞાનકાંડ. એમાં ઉપનિષદોનો સમાવેશ થાય છે. શ્રીમદાદ્ય શંકરાચાર્યજીએ બ્રહ્મના સ્વરૂપને લગતો જે સિદ્ધાંત આપ્યો તે કેવલાદ્વૈત તરીકે ઓળખાય છે. અન્ય પાંચ મહાન આચાર્યો: મહાપ્રભુ વલ્લભાચાર્યજી, રામાનુજાચાર્યજી, મધ્વાચાર્યજી તેમજ નિમ્બાર્કાચાર્યજીએ પણ અનુક્રમે બ્રહ્મના સ્વરૂપ અંગે શુદ્ધાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, દ્વૈતાદ્વૈત તેમજ દ્વૈતવાદના સિદ્ધાંતો આપ્યા છે.

શંકરાચાર્ય અનુસાર બ્રહ્મનું સ્વરૂપ:

શંકરાચાર્યના મતે પરમ તત્વ એક અને અદ્વિતીય છે: એકમેવાદ્વિતીયમ બ્રહ્મ. (ONE & ONLY WITHOUT SECOND) . બ્રહ્મ નિત્ય છે, નિર્વિકાર છે, નિર્ગુણ છે, વ્યાખ્યાથી પર છે. જગતની ભાષામાં તેનું વર્ણન થઈ શકતું નથી. અપરોક્ષ અનુભવ દ્વારા જ તેને પામી શકાય છે. જગતનું સાચું કારણ બ્રહ્મ છે અને દેખાતું વિશ્વ બ્રહ્મનો વિવર્ત (આભાસ) છે. આ માટે શંકરાચાર્યજીએ રચેલ શ્લોક આ પ્રમાણે છે:

બ્રહ્મ સત્યમ જગત મિથ્યા જીવો બ્રહ્મૈવ ના પર:

શ્લોકાર્ધેન પ્રવક્ષ્યામિ યદુક્તમ ગ્રંથકોટિભી:

બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે અને જીવ અને બ્રહ્મ જુદા નથી. અનેક  ગ્રંથોમાં જે કહેવાયું છે એ હું અડધા શ્લોકમાં કહું છું. બ્રહ્મ એ જ પરમ સત્ય છે. દેખાતું જગત મિથ્યા છે. જીવ અથવા આત્મા પોતે જ બ્રહ્મ છે. બીજું કંઈ અસ્તિત્વ નથી. આત્મા નિત્ય છે, સ્વતંત્ર છે, સ્વયંભૂ છે, વિભૂ છે, અનંત છે. તેઓએ બ્રહ્મની વ્યાખ્યા આ રીતે પણ આપી છે:

સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ.

ઉપનિષદોના મહાવાક્યોથી આત્મા-પરમાત્મા વચ્ચેના સંબંધોનું સ્વરૂપ વધુ સ્પષ્ટ થાય છે:

 1. અહમ બ્રહ્માસ્મિ: હું જ બ્રહ્મ છું એટલે કે હું – આત્મા એ જ મારું સાચું સ્વરૂપ બ્રહ્મ છે.
 2. તત્વમસિ: (તત + ત્વમ + અસિ) એટલે કે તે જ તું છે – આર્થાત આત્મા જ પરમાત્મા છે.
 3. અયમ આત્મા બ્રહ્મ: આપણા બધાનો આત્મા બ્રહ્મ જ છે.
 4. પ્રજ્ઞાનમ બ્રહ્મ: પ્રજ્ઞા – પરમ ચૈતન્ય એ જ બ્રહ્મ છે.
 5. સર્વમ ખલુ ઈદમ બ્રહ્મ: સર્વ જે કંઈ છે એ બધું જ બ્રહ્મ છે.

બ્રહ્મ ત્રણ પ્રકારના ભેદથી રહિત છે.

સજાતીય ભેદ: સજાતીય ભેદ એટલે સમાન જાતિના પદાર્થો વચ્ચેનો ભેદ. દા.ત. આંબાનું વૃક્ષ અને વડનું વૃક્ષ. બન્નેની જાતિ એક જ છે છતાં બન્ને જુદા છે.

વિજાતીય ભેદ: વિજાતીય ભેદ એટલે કે બે જુદી-જુદી જાતિના પદાર્થો વચ્ચેનો ભેદ. દા.ત. વૃક્ષ અને પત્થર.

સ્વદત ભેદ: સ્વગત ભેદ એટલે કે વૃક્ષ અને તેની ડાળીઓ, પાંદડા, ફળ વચ્ચેનો ભેદ.

બ્રહ્મમાં આ ત્રણેય ભેદ નથી. તે ત્રણેય ભેદથી પર છે.

બ્રહ્મનું લક્ષણ: બ્રહ્મના લક્ષણોના બે પ્રકાર છે:

 1. સ્વરૂપ લક્ષણ: જે લક્ષણને પદાર્થમાંથી દૂર કરવામાં આવે તો તે પદાર્થ જ ન રહી શકે તેને પદાર્થનું સ્વરૂપ લક્ષણ કહેવાય છે. બ્રહ્મનું સ્વરૂપ લક્ષણ છે: સત ચિત આનન્દ બ્રહ્મ – સચ્ચિદાનન્દ બ્રહ્મ. સત એટલે અસ્તિત્વ. ત્રિકાલાબાધિત અસ્તિત્વ, કે જે અપરિવર્તનશીલ છે. ચિત એટલે જ્ઞાનરૂપ. અને આનન્દ એટલે આનન્દરૂપ.
 2. તટસ્થ લક્ષણ : જે લક્ષણને પદાર્થમાંથી દૂર કરવામાં આવે તેમ છતાં એ પદાર્થ રહે છે તે પદાર્થનું તટસ્થ લક્ષણ છે. બ્રહ્મનું તટસ્થ લક્ષણ છે: જગત ઉત્પતિ સ્થિતિ લયકર્તા બ્રહ્મ. બ્રહ્મ વડે જ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય થાય છે છતાં બ્રહ્મ આ કાર્ય ન કરે તો પણ બ્રહ્મનું અસ્તિત્વ તો છે જ.
 3. બ્રહ્મનું અન્ય એક રીતે વર્ણન કરીએ તો એ સર્વવ્યાપી (OMNI PRESENT), સર્વાંતર્યામી (OMNICIENT) અને સર્વશક્તિમાન (OMNI POTENT) છે.

બ્રહ્મની પાંચ કક્ષાઓ છે:

 1. અન્નમય બ્રહ્મ, 2. પ્રાણમય બ્રહ્મ, 3. મનોમય બ્રહ્મ, 4. વિજ્ઞાનમય બ્રહ્મ અને 5. આનન્દમય બ્રહ્મ.

શંકરાચાર્ય બ્રહ્મના સિદ્ધાંતમાં ત્રણ સત્તાનો ઉલ્લેખ કરે છે:

 1. પ્રાતિભાસિક સત્તા
 2. વ્યાવહારિક સત્તા
 3. પારમાર્થિક સત્તા

વ્યાપ્ત બ્રહ્મ જે વિશ્વનું કારણ છે તે જ એક માત્ર પરમ તત્વ છે. સર્વોચ્ચ પારમાર્થિક સત્તા છે. જગતરૂપી જે અસ્તિત્વ અનુભવાય છે તે બ્રહ્મનો વિવર્ત આભાસ છે. જગત અને તેના પદાર્થો પરિવર્તનશીલ હોવાથી ઉતરતી કોટિના છે. તેમ છતાં તેનો તાત્કાલિક અનુભવ તેમજ તેના આધારે વ્યવહાર થતો હોવાથી આથી તેનો સમાવેશ વ્યાવહારિક સત્તામાં થાય છે. સૌથી નીચી સત્તા પ્રાતિભાસિક સત્તા છે. મંદ અંધકાર હોય ત્યારે ગુંચળુ વાળીને પડેલા દોરડામાં દુરથી જોતાં સાપ દેખાય છે. આથી ક્ષણમાત્ર માટે પણ સાપનો અનુભવ આપણામાં ડરનો અનુભવ કરાવતો હોવાથી શંકરાચાર્ય એને પ્રાતિભાસિક સત્તા એવું નામ આપે છે. આભાસને પણ ક્ષણમાત્ર અસ્તિત્વ હોવાથી એનું અસ્તિત્વ કબૂલ કરવું રહ્યું.

શંકરાચાર્ય બ્રહ્મને પરમતત્વ માને છે અને એ જ બ્રહ્મ માયાજનિત ઈશ્વર બનીને જગતનું સર્જન, પાલન અને વિસર્જન કરે છે. ખરેખર તો જગતનું સર્જન કે વિસર્જન થતું જ નથી. તેમ છતાં જગતનું સર્જન અને વિસર્જન અનુભવાય છે તો એનો સર્જક, ચાલક તેમજ સંહારક માયાજનિત ઈશ્વર છે. રાત્રે સ્વપ્નમાં વાઘ આપણા પર હુમલો કરે ને ‘હવે આપણે મરી ગયા’ એમ ડરીને આપણે જાગી જઈએ ને આપણને જાણ થાય કે ‘અરે, હું તો સ્વપ્ન જોઈ રહ્યો હતો, વ્યર્થ ડરતો હતો. ક્યાં છે વાઘ ને ક્યાં છે મૃત્યુ ?’ આમ શંકરાચાર્ય આપણને કહે છે કે જ્યારે આત્મા શરીરના બંધનો ફગાવી દઈને મુક્તિનો અનુભવ કરે છે ત્યારે તેને જ્ઞાન થાય છે કે જગત છે જ નહિ. સર્વત્ર આત્મા જ છે, જેમાં કોઈ ભેદ જ નથી. તમામ જડ-ચેતન પદાર્થો, પત્ની-પુત્રો આદિ સગાવ્હાલા, બંગલો-ગાડી, ધન-દોલત જેવા ભેદો શરીર ધારણ કર્યા બાદ ઉભા થાય છે. મુક્તિ બાદ સંસાર રહેતો જ નથી. મુક્ત આત્માને જગત એક વીતી ગયેલું સ્વપ્ન માત્ર અનુભવાય છે. ખરેખર, મુક્ત ન થઈએ ત્યાં સુધી આપણે સહુ કેવા એક વિશાળ સ્વપ્નમાં જીવી રહ્યા છીએ અને સુખ-દુ:ખનો અનુભવ લઈ રહ્યા છીએ ! શંકરાચાર્યનો આ બ્રહ્મનો સિદ્ધાંત છે. શંકરાચાર્યનો માયાનો સિદ્ધાંત અન્ય તમામ આચાર્યો દ્વારા ટીકાને પાત્ર બન્યો છે તેમ છતાં વૈશ્વિક તત્વજ્ઞાનમાં તેનું સ્થાન બેજોડ છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: