વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

દરેક દેશનું તત્વજ્ઞાન તેની અમુક વિશિષ્ટતાઓ સાથે જન્મે છે. એ તત્વજ્ઞાનને પોતાની આગવી પ્રતિભા હોય છે. ભારતના નવ દર્શનો: છ વેદ પર આધારિત દર્શન છે જેમાં સાંખ્ય-યોગ, ન્યાય-વૈશેષિક એ વેદ પર અંશત: આધારિત છે અને પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા (વેદાંત) એ વેદ પર પૂર્ણત: આધારિત છે જ્યારે જૈન, બૌદ્ધ અને ચાર્વાક દર્શન વેદવિરોધી દર્શન છે, જેમાં એક ચાર્વાકને બાદ કરતા બાકીના આઠ દર્શનો અદ્ભૂત સામ્ય ધરાવે છે. આ દર્શનોમાં વિપુલ વિવિધતા, અદ્વિતીય વિસ્તાર હોવા છતાં તેમાં રહેલું સામ્ય અનેકતામાં એકતાની જેમ વિલસી રહ્યું છે.

લાક્ષણિકતાઓ

1. દરેક દર્શનનું ધ્યેય વ્યાવહારિક છે.

યુરોપના તત્વજ્ઞાનની જેમ અહિં માત્ર ABOVE NECK શુષ્ક બૌદ્ધિક ચર્ચાઓ નથી. દર્શન કેવળ VIEW OF LIFE ન બની રહેતા WAY OF LIFE બને છે. ભારતમાં તત્વજ્ઞાન જીવનમાર્ગ છે. દરેક દર્શન ચાર પુરુષાર્થ: ધર્મ, અર્થ, કામ અને મોક્ષની વાત કરે છે અને એ કેવી રીતે પ્રાપ્ત થાય એ દર્શાવે છે. ડૉ.રાધાકૃષ્ણન કહે છે તેમ યુરોપનું તત્વજ્ઞાન બહિર્મુખી (EXTROVERT) છે જ્યારે ભારતનું દર્શન અંતર્મુખી (INTROVERT) છે, જીવન સાથે સંકળાયેલું છે.

2. દરેક દર્શન આધ્યાત્મિક અસંતોષમાંથી ઉત્પન્ન થયું છે.

દરેક દર્શન માને છે કે દુ:ખમાંથી આત્યંતિક નિવૃત્તિ એ જ મનુષ્યનું લક્ષ્ય છે. ભારતના ભર્તૃહરિ જેવા અનેક રાજવીઓ તેમજ ધનવાનો ભૌતિક દૃષ્ટિએ સમૃદ્ધ હતા, સંતોષી હતા, સુખી હતા તેમ છતાં આધ્યાત્મિક અસંતોષને કારણે તેઓને જગત અને જીવન દુ:ખમય લાગ્યું, નિરાશામય લાગ્યું તેથી પ્રેયસ નહિ પરંતુ શ્રેયસની પ્રાપ્તિ માટે સત્યની શોધ કરવા તત્પર બન્યા.

3. દરેક દર્શન કર્મના સિદ્ધાંતમાં માને છે.

ચાર્વાકના અપવાદ સિવાય દરેક દર્શન કર્મના સિદ્ધાંતને સ્વીકારે છે. ‘જેવું કરો તેવું પામો, જેવું વાવો તેવું લાણો’ આ હકીકત ભારતનો ગ્રામીણ માણસ પણ જાણે છે. કર્મનો નાશ થતો નથી. કર્મના ફળ ભોગવવા જ પડે છે. આ સિદ્ધાંત વેદમાં ‘ઋત’ના નામે ઓળખાય છે. ન્યાયદર્શનમાં તે ‘અદૃષ્ટ’ના નામે તેમજ મીમાંસા દર્શનમાં એ ‘અપૂર્વ’ના નામે ઓળખાય છે. અન્ય તમામ દર્શનો આ સિદ્ધાંતને જડબેસલાક માને છે.

4. દરેક દર્શન પુનર્જન્મમાં માને છે.

THE WORLD IS A STAGE & WE ALL ARE ACTORS. દરેક જીવ પોતાને મળેલો રોલ ભજવે છે. પાત્ર પ્રમાણે અભિનય કરે છે. કર્મ મુજબ જીવને યોનિ અને અવયવો ધરાવતું શરીર મળે છે. તુકારામ જેવા મહાન સંતને દિવ્યદૃષ્ટિથી જાણ થઈ ગઈ હતી કે તેઓની કોઈ સગી સ્ત્રી (માસી કે ફોઈ) મરીને તેઓના જ ઘરની શેરીમાં કુતરી થઈ છે આથી તેઓ મજાકમાં એને કહેતા, ‘મૌસી આતા કસી પુરનપોળી આણિ આતા કસી રબડી-બાસુન્દી?’ આમ ભારતીય દર્શન અનુસાર પુનર્જન્મ છે, મૃત્યુ બાદ પણ જીવન છે.

પુનર્જન્મને લગતી કેટલીક વાર્તાઓ:

મહાભારત યુદ્ધમાં કૌરવોએ અભિમન્યુને અન્યાયપૂર્વક હણી નાંખ્યો આથી અર્જુનનો પોતાના પુત્ર અભિમન્યુ સાથે આખરી મેળાપ ન થયો આથી અર્જુન અત્યંત વ્યથિત હતો. એ કૃષ્ણને પોતાના પુત્ર અભિમન્યુ પાસે લઈ જવા વિનંતી કરે છે. કૃષ્ણ ઘણું સમજાવે છે, કે ‘જન્મ બદલાઈ જતા મોહ-મમતા ચાલ્યા જાય છે. આથી અભિમન્યુ હવે તારી સાથે નહિ આવે.’ તેમ છતાં અર્જુનની જીદના કારણે કૃષ્ણ અર્જુનને કહે છે, કે ‘તારો દિકરો અભિમન્યુ પોપટ તરીકે જન્મ્યો છે. તારી ઈચ્છા છે તો આપણે એને પૂર્વસ્મૃતિ આપીએ. જો એ તારી સાથે આવવા તૈયાર થાય તો એને પાછો લઈ આવશું.’ પોપટને બન્ને મળે છે પરંતુ જે-તે યોનિમાં જન્મ મળ્યા બાદ દેહનું એવું તો ઉત્કટ આકર્ષણ હોય છે કે જીવ દેહ ત્યજવા તૈયાર નથી થતો. આથી પોપટ અર્જુનની બધી વાતો સાંભળ્યા બાદ પણ એની સાથે જવા રાજી થતો નથી. આમ અર્જુનનો અભિમન્યુ પ્રત્યેનો મોહ ઓછો થાય છે.

એક રાજાને જ્યોતિષીએ કહ્યું કે તમારો નવો જન્મ ભુંડ તરીકે થવાનો છે પરંતુ ભુંડ તરીકે મર્યા બાદ ફરીથી તમે રાજવી કુળમાં જન્મશો. આથી રાજા એમાંથી બચવાનો ઉપાય બતાવવા વિનંતી કરે છે. જ્યોતિષી કહે છે: ‘આપના મૃત્યુ બાદ ફલાણા દિવસે ફલાણી જગ્યાએ ભુંડણી વિયાશે એના દસ બચ્ચામાંથી જેના કપાળમાં સફેદ નિશાન હોય એ તમે હશો. તમારા સૈનિકોને સુચના આપી દેશો કે એ બચ્ચાને તરત મારી નાંખે. આથી તમે ફરીથી ઝડપથી રાજવી કુળમાં જન્મ લઈ લેશો.’ બરાબર એવું જ બન્યું. પરંતુ જેવા સૈનિકો એ બચ્ચાને પકડવા ગયા કે એ બચ્ચુ દોડાદોડ કરવા માંડ્યું. એને પૂર્વજન્મની સ્મૃતિ પણ આપવામાં આવી છતાં એ કહેવા લાગ્યું, ‘અહિં ધોમધખતા તાપમાં કાદવની ઠંડક એ.સી. કરતા પણ વધુ આરામ આપે છે. વળી મનુષ્યોના મળવિષ્ટાદિને ભોજન તરીકે લેતાં એમાં એવો તો સ્વાદ આવે છે કે જે રાજવી પકવાનમાં પણ એ જાયકો નથી હોતો. મને અહિં જ સર્વોચ્ચ સુખ પ્રાપ્ત થયું છે આથી મારો પુનર્જન્મ પણ ભુંડ તરીકે જ થાય એવું હું ઈચ્છું છું. પ્લીઝ મને ના મારશો.’

5. દરેક દર્શન માને છે કે બંધનનું કારણ અજ્ઞાન છે.

આત્મવિસ્મૃતિ એ જ અજ્ઞાન છે. અજ્ઞાનવશ જીવ પરિવર્તનશીલ જગત પર પોતાના નામનો માલિકીનો સિક્કો મારવાનો વ્યર્થ પ્રયત્ન કર્યા જ કરે છે. આથી ઈચ્છાના બંધનમાં જકડાઈ જાય છે. જગતના કોઈ પદાર્થો માલિકને વફાદાર રહ્યા નથી. જમીન, સોનું તેમજ ધન સતત માલિકો બદલવાવાળા છે આથી કોઈએ એને સદાય પોતાના બનાવવાની કોશિશ કરવી જ નહિ. પોતાના પૂર્ણ સ્વરૂપનું જ્ઞાન થઈ જાય તો બંધન રહેતું જ નથી. આથી દરેક દર્શન મોક્ષ મેળવવા જ્ઞાનનો અનુરોધ કરે છે.

6. દરેક દર્શન શાસ્ત્રોનું શ્રવણ, મનન, નિદિધ્યાસન કરવાનું સુચવે છે.

કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર આ છ આત્માના શત્રુઓ (ષડરિપુ) છે. એનો નાશ કરવા તપશ્ચર્યા અનિવાર્ય છે. આ માટે ભારતમાં શાસ્ત્રોના શ્રવણ મનન અને નિદિધ્યાસનની પરંપરા વિકસિત થઈ છે. સાંભળવું, એના પર ચિંતન કરવું અને સત્યને જીવનમાં ઉતારવું. આપણે ત્યાં બહુશ્રુતને વિદ્વાન ગણવામાં આવે છે. જ્યારે પશ્ચિમમાં જેણે ઘણું વાંચ્યું છે (WELL READ) એને જ્ઞાની ગણવામાં આવે છે. જીવંત ચૈતન્ય સમક્ષ જીવંત ચૈતન્ય બોલે એની વધારે અસર થતી હોય છે.

7. ભારતીય દર્શનો સંયમ અને ઈન્દ્રિયનિગ્રહ પર ભાર મુકે છે.

આત્માને ઈચ્છા અને અહમ આ બે બાબતો વળગી આથી એને પોતાના સ્વરૂપનું અનુસંધાન ન રહ્યું. અપૂર્ણતામાંથી ઈચ્છા જન્મે છે અને પૂર્ણતાનો અનુભવ લેવા ઈચ્છાને સંયમિત કરવાની નિતાંત આવશ્યકતા છે. ઈન્દ્રિયોને સુખ મેળવવા માટે પોતાના વિષયો તરફ જવાની વૃત્તિ હોય છે એને રોકીને અંત:કરણ તરફ વાળવાની છે. આથી આત્માનો ખજાનો કેવો સમૃદ્ધ છે એનો અનુભવ થાય છે. આમ સંયમ તેમજ ઈંદ્રિયનિગ્રહથી જ આત્મજ્ઞાન શક્ય બને છે. આપણે ત્યાં ચાર્વાક બાદ ઓશો રજનીશ એવા ચિંતક થઈ ગયા જેમણે ઈન્દ્રિયનિગ્રહથી વિરુદ્ધ વાત કરી જે તેઓને ખુદને જ ભસ્મ કરી ગઈ.

ભારતીય દર્શનો ભારપૂર્વક કહે છે કે ઈન્દ્રિય અને વિષયો વચ્ચે અગ્નિ અને ઘીના જેવો સંબંધ છે. ઈન્દ્રિયોને જેટલા વિષયો પુરા પાડવામાં આવશે એટલી એની વાસના વધુ ને વધુ પ્રજ્વલિત બનશે. એક વાત જરૂર છે કે ભોગ લીધા બાદ તૃપ્તિ થાય છે. પરંતુ એ તો ક્ષણજીવી છે. થોડો સમય પસાર થયા બાદ વાસના પુન: વધુ વેગથી ભડકે છે. જેમ ભોજન કર્યા બાદ કંઈ ખાવાનું મન થતું નથી. પરંતુ થોડા કલાકો વીત્યા બાદ ફરીથી ભુખ જાગૃત થાય છે. એમ દરેક ઈન્દ્રિયના બારામાં કહી શકાય. આથી સંયમ તેમજ ઈન્દ્રિયનિગ્રહ દ્વારા જ ઈચ્છા પર કાબુ આવી શકે છે. અગ્નિને ઘી અથવા અન્ય કોઈ બળતણ ન મળતા આપોઆપ એ ઓલવાઈ જાય છે એમ ઈચ્છા શાંત થઈ જ જાય છે.

8. દરેક દર્શન મોક્ષને પરમ લક્ષ્ય માને છે.

માનવજીવનના ચાર પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. મોક્ષ એટલે મુક્તિ. જીવન બંધન છે અને કર્મફળ ભોગવવા જન્મ-મરણના બંધનમાં પડીને સુખ-દુખનો અનુભવ કર્યા કરવો પડે છે. ધર્મ, અર્થ અને કામ આ ત્રણેય પુરુષાર્થો આત્માને મોક્ષપ્રાપ્તિ થાય એ માટે છે. મોક્ષ એ કોઈ સ્વતંત્ર પુરુષાર્થ નથી. મહાભારતના સાવિત્રી સપ્તકના સાત શ્લોકમાં મહર્ષિ વેદવ્યાસ કહે છે:

ઊર્ધ્વ બાહુ વિરોમ્યૈષ ન ચ કશ્ચિત શ્રુણોતુ મે

ધર્માદ અર્થશ્ચ કામશ્ચ સ કિમર્થમ ન સેવ્યતે

અર્થાત બે હાથ ઉંચા કરી-કરીને હું લોકોને સમજાવું છું કે ધર્મ દ્વારા (નીતિથી) અર્થ અને કામ સિદ્ધ થાય છે (ધન કમાઈ શકાય છે અને ઈચ્છાઓ પુરી થાય છે) છતાં કોઈ મારું સાંભળતું નથી. એટલે કે બધા જ અનીતિથી ધન કમાવવામાં અને ઈચ્છાઓને બેફામ વધારવામાં જ પડ્યા છે.

દિવસના ચોવીસ કલાક છે અને ચાર પુરુષાર્થ છે. દરેક પુરુષાર્થને ભાગે છ-છ કલાક આવે. છ કલાક રુપિયા કમાવા માટે (અર્થ), છ કલાક સાંસારિક સુખ ભોગવવા માટે (કામ), છ કલાક ઉંઘ લેવાની (મોક્ષ) અને દર રોજ છ કલાક ધર્મ માટે એટલે કે આત્માના ઉદ્ધાર માટે કાઢવાના ! કોઈ એમ કહે કે કમાવા માટે છ કલાક ઓછા પડે છે તો ધર્મના બે કલાક લઈ લો. જો ઉંઘ છ કલાક ઓછી પડતી હોય તો બીજા બે કલાક ધર્મમાંથી લઈ લો. તો પણ બે કલાક નેટ બાકી રહે છે જે ધર્મ માટે એટલે કે આત્મચિંતન માટે બાજુ પર કાઢવાના. પરંતુ એ બચેલા બે કલાક પણ આપણે સાંસારિક વાસના પુરી કરવા માટે આપી દીધા. આમ અર્થ, કામ અને મોક્ષ (ઉંઘ) માટે આઠ-આઠ કલાક વહેંચાઈ ગયા. આથી સાચા અર્થમાં આપણે પશુ બની ગયા – શિંગડા અને પુંછડી વિનાના પશુ. પશુમાંથી માણસ બનવા માટે ભારતીય દર્શનોનો અભ્યાસ કરીને મોક્ષ માટે જીવનને યોગ્ય આકાર આપવો રહ્યો.

9. ભારતીય દર્શનને મનોવૈજ્ઞાનિક સત્યોની પૃષ્ઠભુમિનો આધાર છે.

ભારતીય દર્શનિકો તત્વજ્ઞાનની સાથે-સાથે મનોવૈજ્ઞાનિક સત્યોને પણ અદ્ભૂત રીતે ચર્ચે છે. ઉપનિષદોમાં, ન્યાયદર્શન, યોગદર્શન તેમજ વેદાંતમાં પણ આધુનિક મનોવિજ્ઞાનના અનેક સિદ્ધાંતોની ચર્ચા હજારો વર્ષ પૂર્વે થયેલી જોવા મળે છે. મન, ઈન્દ્રિયો, ચેતના, નિદ્રા, સ્વપ્ન, સ્મૃતિ, ભ્રમ, વિભ્રમ આ તમામ વિષયોની સુન્દર ચર્ચા ભારતીય દર્શનમાં જોવા મળે છે. યોગનું મનોવિજ્ઞાન, અષ્ટાંગ યોગમાં સમાધિ અવસ્થા તેમજ જાગ્રત, અર્ધ જાગ્રત તેમજ અજાગ્રત મનના શુદ્ધિકરણ માટે તેમજ રૂપાંતર માટેના પ્રયોગોની ભારતીય દર્શનમાં વિશદ ચર્ચા જોવા મળે છે.

10. તમામ દર્શનો ધર્માભિમુખ છે.

ભારતમાં ધર્મ અને દર્શન એટલે કે તત્વજ્ઞાન વચ્ચે સુમેળ જોવા મળે છે. દર્શન ધર્મનો આદર કરે છે. અને ધર્મ દર્શનના સત્યોનો સ્વીકાર કરે છે. બન્ને વચ્ચે તાલમેલ જોવા મળે છે. જ્યારે યુરોપમાં તત્વજ્ઞાન, ધર્મ અને વિજ્ઞાન પરસ્પર લડવા માટે તત્પર જોવા મળે છે. ધર્મગ્રંથોના લખાણથી વિરુદ્ધ વૈજ્ઞાનિક સંશોધન થાય તો વૈજ્ઞાનિકને દેશનિકાલની સજાથી શરૂ કરીને દેહાંત દંડ સુધીની સજા ફરમાવાઈ છે. એ જ રીતે ધર્મમાં બુદ્ધિપ્રામાણ્યની તદ્દન ખામી જોવા મળે છે આથી તત્વજ્ઞાન સાથે પશ્ચિમનો ધર્મ ક્યારેય સુસંગત રહી શકતો નથી. આપણે ત્યાં પ્રભુ રામ સ્વયંચાલિત વિમાનમાં ગતિ કરતા, હનુમાનજીને અણિમા-મહિમા, લઘિમા-ગરિમા જેવી સિદ્ધિઓથી યુક્ત જોઈ શકીએ છીએ. સંજયદૃષ્ટિ એ આજનું ટેલિવિઝન છે. આમ આપણા તમામ દર્શનો ધર્માભિમુખ છે.

11. આ ઉપરાંત ભારતીય દર્શનો પ્રથમ જ્ઞાનમીમાંસાની ચર્ચા કરે છે ત્યારબાદ તત્વમીમાંસાની ચર્ચા કરે છે. એટલે કે જેના વડે જ્ઞાન પ્રાપ્ત થાય છે એ જ્ઞાનના સાધનો (પ્રમાણો), જ્ઞાનની પ્રક્રિયાની ચર્ચા પ્રથમ કરે છે. જો જ્ઞાનના સાધનો યથાર્થ હોય તો એના દ્વારા જેના વિશે જાણવાનું છે એની યોગ્ય ચર્ચા થઈ શકે. જેના વિશે જાણવાનું છે એને તત્વમીમાંસા કહેવાય છે. આમ પ્રથમ જ્ઞાનમીમાંસા ત્યારબાદ તત્વમીમાંસા એ જ પૂર્ણ બૌદ્ધિક છે. આથી એ જ સાચી પદ્ધતિ છે.

12. વળી દરેક દર્શન પોતાના પ્રદાનની સાથે-સાથે અન્ય તમામ દર્શનનો અભ્યાસ કરીને એનું ખંડન કરવાનો તેમજ એમાં સ્વીકારવા યોગ્ય જે કંઈ હોય એનો સ્વીકાર પણ કરે છે. આમ ખંડન-મંડનની પ્રક્રિયા દ્વારા દર્શનોનો વિકાસ થયો છે, દરેક દર્શન સમૃદ્ધ થયું છે. આ રીતે દરેક દર્શન સર્વસંગ્રહ (ENCYCLOPEDIA) જેવો અભ્યાસ કરે છે.

ભારતીય દર્શનની પારસ્પરિક સામ્યતા ધરાવતી આ અદ્ભૂત લાક્ષણિકતાઓને એની વિશિષ્ટતાઓ પણ કહી શકાય. માનવજીવન સાથે સંપર્ક ગુમાવી બેઠેલા અને માત્ર બૌદ્ધિક વિલાસ કરતા રહેલા યુરોપના ચિંતનથી ભારતીય દર્શન જુદું પડે છે. માનવજીવનને જીવમાંથી શિવ બનવાની પ્રેરણા અને પ્રોત્સાહન પુરું પાડતું ભારતીય દર્શન એને સમજવામાં ભુલ કરી રહેલા ભારતના જ આધુનિક વિદ્વાનો દ્વારા તરછોડાયેલી હાલતમાં પડ્યું છે એ દર્શનોની કમનસીબી છે. આપણે આપણા ગૌરવપૂર્ણ વારસા તરફ પાછા ફરવું જોઈએ અને આ દર્શનોને માથે ઉપાડીને નાચવું જોઈએ.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: