વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

આ પ્રકરણ યોગદર્શનમાં આવે છે. છ આસ્તિક દર્શનમાં સાંખ્ય અને યોગ આ બે દર્શનો પ્રાચીન મહત્વ ધરાવે છે. સાંખ્યની તત્વધારાને આચરણમાં ઉતારવાનું કાર્ય યોગદર્શન દ્વારા શક્ય બન્યું છે. ભારતીય દર્શન બૌદ્ધિક ચિંતન કરતાં મોક્ષપ્રાપ્તિ અને એ માટે આચરણ પર વધુ ભાર મુકે છે. તેથી યોગદર્શનના પ્રણેતા મહર્ષિ પતંજલિ મુનિએ આપેલ આચારશાસ્ત્ર સર્વદર્શનો સ્વીકારી લે છે.

‘યોગ’ શબ્દ ‘યુજ’ ધાતુ પરથી ઉતરી આવ્યો છે. યુજ – TO JOIN એવો અર્થ થાય છે. એક જર્મન શબ્દ છે: TOCH. અંગ્રેજીમાં ધુંસરી માટે YOKE શબ્દ વપરાય છે, જે જોડાણ સુચવે છે. આત્મા પરમાત્માથી વિખુટો પડી ગયો અને પ્રકૃતિ સાથે જોડાઈ ગયો અને પોતાને અપૂર્ણ તેમજ જડ શરીર સમજીને સુખ-દુ:ખ અનુભવવા લાગ્યો. આથી પુન: આત્માને પ્રકૃતિથી મુક્ત કરીને પરમાત્મા સાથે જોડવો અને પોતાની પૂર્ણતાનો અનુભવ કરાવવો એનું નામ યોગ. મહર્ષિ પતંજલિ યોગની વ્યાખ્યા આ પ્રમાણે આપે છે: યોગશ્ચિત્તવૃત્તિનિરોધ: એટલે કે ચિત્તવૃત્તિઓના નિરોધથી યોગની (આત્માના પરમાત્મા સાથેના જોડાણની) પ્રાપ્તિ થાય છે. તેની પદ્ધતિ એટલે અષ્ટાંગ યોગ. અષ્ટાંગ યોગ એટલે આઠ પગથિયા. આ આઠ સોપાન એટલા મહત્વના છે કે તેના દ્વારા ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરીને એને સમાધિ સુધીની સર્વોચ્ચ કક્ષાએ લઈ જઈને પરમ તત્વ સાથે એનું અનુસંધાન કરાવી શકાય છે. આ આઠ અંગ છે: 1. યમ, 2. નિયમ, 3. આસન, 4. પ્રાણાયામ, 5. પ્રત્યાહાર, 6. ધારણા, 7. ધ્યાન અને 8. સમાધિ.

1. અષ્ટાંગયોગનું પ્રથમ અંગ છે યમ:

યમનો અર્થ છે સંયમ. પાંચ પ્રકારના યમ છે: 1. સત્ય, 2. અહિંસા, 3. અસ્તેય, 4. અપરિગ્રહ અને 5. બ્રહ્મચર્ય.

1. સત્ય: મન, વચન અને કર્મથી સત્યનું પાલન કરવું. સત્યનિષ્ઠાથી ચિત્તને આંતરિક શાંતિ પ્રાપ્ત થાય છે. અસત્ય ચિત્તને ક્લેશમય બનાવે છે. વ્યવહારમાં આપણે જાણીએ છીએ કે જુઠ્ઠું બોલનારે પોતે ક્યારે કોની સાથે શું બોલ્યો હતો એ યાદ રાખવું પડે છે. જ્યારે સત્ય બોલનારને કંઈ યાદ રાખવાની જરૂર પડતી નથી.

2. અહિંસા: મન, વચન અને કર્મથી કોઈનું ખરાબ ન કરવું કે ન વિચારવું. અહિંસાનો સાચો અર્થ છે સર્વને પ્રેમ કરવો. કોઈને દુભવવા નહિ. જો કે યુદ્ધમાં, ધર્મની રક્ષા માટે, નીતિની રક્ષા માટે, માનવીજીવનમાં તકલીફ ઉભી કરતા માનવેતર જીવજંતુની હિંસા ધર્મમાન્ય છે.

3. અસ્તેય: જે વસ્તુ પર પોતાનો અધિકાર ન હોય એવી અર્થાત બીજાની માલિકીની વસ્તુ માલિકની પરવાનગી વિના ન લેવી. માલિક જુએ છે કે નથી જોતો એ બાબત ગૌણ છે. અસ્તેય એટલે ચોરી. અણહકનું લઈએ તો ચિત્ત અશાંત થઈ જાય છે.

4. અપરિગહ: સંગ્રહ ન કરવો. શાસ્ત્રકારો કહે છે કે આપદકાળમાં ચાલે એ હેતુ દસ વર્ષ ચાલે તેટલો સંગ્રહ કરી શકાય. એથી વધુ સંગ્રહ કરેલો હોય તો એને સાચવવાની જવાબદારી વધી જાય છે જે ક્લેશ ઉત્પન્ન કરે છે. અન્ય જીવોને ભોગવવા માટે આપણે કમાવેલું ખર્ચી નાંખવું જોઈએ. વૃદ્ધમ તીર્થેષુ નિક્ષીપેત. એટલે કે ધન વધી જાય તો તીર્થક્ષેત્રમાં આપી દેવું. આજે માણસનું પેટ એટલું બધું વધી ગયું છે કે આખા દેશની તમામ ધનદોલત એ પોતાના પેટમાં પધરાવી દે તોય એ ધરાતો જ નથી.

5. બ્રહ્મચર્ય: મન, વચન અને કર્મથી ચિત્તને વાસનાઓથી દુર રાખવું. બ્રહ્મચર્યથી બુદ્ધિ સતેજ બને છે, વિવેક, જ્ઞાન, ઓજસ અને ચારિત્ર્ય પ્રાપ્ત થાય છે. બ્રહ્મેન ચરતિ ઈતિ બ્રહ્મચારી. બ્રહ્મ એટલે કે વિચાર. વિચાર અને પ્રેમથી જે સમાજને ઉર્ધ્વગતિ કરાવે છે એ બ્રહ્મચારી.

2. અષ્ટાંગયોગનું બીજું અંગ છે નિયમ :

નિયમ પાંચ છે.

1. શૌચ: શૌચ એટલે શુદ્ધિ. સ્નાન દ્વારા શરીરશુદ્ધિ તેમજ સદવિચારો દ્વારા મનની શુદ્ધિ. નિરોગી શરીરમાં જ નિરોગી મન રહી શકે. ઘણા માણસો ઘંઉ ઉંચી ક્વોલિટીના પસંદ કરે છે પરંતુ એમના વિચારો સડેલા હોય છે. આવું ન ચાલે.

2. સંતોષ: સમ્યક તુષ્ટિ એટલે સંતોષ. સારી રીતે તૃપ્ત થવું. એટલે કે જે મળ્યું છે એમાં સમાધાનવૃત્તિ રાખવી. ફળના બારામાં તૃપ્તિ અને કર્તવ્યના બારામાં તત્પરતા રાખવી.

3. તપ: તપો દ્વન્દ્વ સહનમ. કોઈ ઉચ્ચ ધ્યેય માટે સુખ-દુ:ખ સહન કરવા એનું નામ તપ. સંયમ તેમજ ઈન્દ્રિયનિગ્રહ ઉપરાંત ઉપવાસ, ત્યાગ વગેરે દ્વારા તપ થાય છે. તપ એટલે સહનશીલતા, તિતિક્ષા કેળવવી.

4. સ્વાધ્યાય: સ્વનું અધ્યયન એટલે સ્વાધ્યાય. સારું સાંભળવવું, તેના પર ચિંતન-મનન કરીને સારી-સારી વાતો જીવનમાં લાવવી અને ખરાબ બાબતોને ફેંકી દેવી.

5. ઈશ્વરપ્રણિધાન: ઈશ્વરનું આધિપત્ય માન્ય કરવું. જે મળે છે એ કર્મનું ફળ હોવા છતાં ઈશ્વરની મરજીથી અને એની કૃપા વડે મળે છે એમ સમજવું. પોતાના કર્તવ્યોનો સાક્ષી કેવળ ઈશ્વરને જ માનવો અને એને પ્રિય થવાનો સદૈવ પ્રયત્ન કરવો એટલે ઈશ્વર પ્રણિધાન.

3. અષ્ટાંગયોગનું ત્રીજું અંગ છે આસન

આસન એટલે શરીરને નિરોગી તેમજ લાંબા સમય સુધી એક સ્થિતિમાં રાખી શકાય કે જેથી સમાધિ અવસ્થામાં પસાર થનારા વધુ સમયગાળામાં શરીરને કષ્ટ ન પડે અને આંતરિક ચેતનાના વિકાસ માટે સારી રીતે સાથ આપે એ હેતુ શરીરને કેળવવું. આજે વિશ્વમાં યોગદર્શનના માત્ર આસનો જ પ્રચલિત છે. ભોગવાદી જમાનો છે એટલે રોગમુક્ત શરીર હોય તો એટલા વધુ ભોગો ભોગવી શકાય અને લાંબુ જીવી શકાય એટલું જ માત્ર માણસો વિચારે છે આથી આસનો લોક પસંદગી પામ્યા. વાસ્તવમાં સમગ્ર યોગ દર્શન એ આત્માની પરમાત્મા તરફની યાત્રાનું દર્શન છે. આસનોના અનેક પ્રકારો છે જે આપણે જાણીએ છીએ.

4. અષ્ટાંગયોગનું ચોથું અંગ છે પ્રાણાયામ:

પ્રાણાયામ એટલે પ્રાણોનો આયામ, પ્રાણોની કસરત. આપણા શરીરમાં પાંચ પ્રાણ છે: પ્રાણ, અપાન, ઉદાન, સમાન અને વ્યાન. આ પ્રાણો શરીરમાં જુદી-જુદી અત્યંત મહત્વની કામગીરીઓ બજાવે છે. આથી જ માણસ મરી જાય ત્યારે એનું હૃદય કે મગજ બંધ પડી ગયું એમ નથી કહેવાતું, પરંતુ એના પ્રાણ ચાલ્યા ગયા એમ કહેવાય છે. પ્રાણાયામમાં ત્રણ પ્રક્રિયા છે: 1. પૂરક: એટલે શ્વાસને અંદર ખેંચવો. 2. કુમ્ભક: એટલે શ્વાસને ફેફસામાં રોકી રાખવો. 3. રેચક: એટલે ધીરે-ધીરે શ્વાસને બહાર કાઢવો. શરીરમાં સ્ફૂર્તિ, ચિત્તને એકાગ્ર અને મનને પ્રસન્ન રાખવા માટે પ્રાણાયામ અનિવાર્ય છે.

પ્રાણાયામ અંગે એક મહત્વની બાબત એ છે કે એના દ્વારા લાંબુ આયુષ્ય મેળવી શકાય છે. ભારતીય દર્શન અનુસાર માણસને જે આયુષ્ય મળે છે એનો માપદંડ સમયગાળો નથી પરંતુ શ્વાસોચ્છવાસ છે. એટલે કે ઈશ્વર ‘તમે આટલા વર્ષો જીવશો’ એમ નથી કહેતો. પરંતુ ‘તમારા અમુક શ્વાસોચ્છવાસ પુરા કરશો ત્યાં સુધી જીવશો.’ એમ કહે છે. હવે પ્રાણાયામની પ્રક્રિયા દ્વારા માણસ પોતાના શ્વાસોચ્છવાસ લંબાવે તો એટલું એ વધારે જીવે. સામાન્ય રીતે આજની ઉચાટભરી જિન્દગીમાં માણસો બે-ત્રણ સેકંડમાં એક વાર શ્વાસોચ્છવાસની પ્રક્રિયા પુરી કરે છે અને એને મળેલા શ્વાસોચ્છવાસ જલ્દી પુરા થાય એટલે એ વહેલો મૃત્યુ પામે છે. આજથી સો-બસો વર્ષ પહેલાનો માણસ શાંતિથી જીવતો હતો આથી એના આંટા આવતા (એના શ્વાસોચ્છવાસ પુરા થતાં) વાર લાગતી હતી. હિમાલયમાં ધ્યાન ધરતા યોગીઓ પ્રાણાયામની પ્રક્રિયા દ્વારા શ્વાસને રોકીને વર્ષોના વર્ષો સુધી જીવી શકે છે.

5. અષ્ટાંગયોગનું પાંચમું અંગ છે પ્રત્યાહાર:

પ્રત્યાહાર એટલે પ્રતિ આહાર. ઈન્દ્રિયો વિષયોનો આહાર કરે છે. આંખો સારું-સારું જુએ છે, કાન સંગીત સાંભળે છે વગેરે. ઈન્દ્રિયોને આહાર ભોગવતી અટકાવીને અંતરાત્મા તરફ વાળવી એટલે પ્રત્યાહાર. આથી બહિર્મુખ ચિત્ત અંતર્મુખ બનશે. અંતરાત્મામાં આનન્દનો એટલો વિશાળ ખજાનો છે કે વિશ્વનો વૈભવ પણ એની સામે તણખલા સમાન તુચ્છ છે, જેને માણવા માટે પ્રથમ ઈન્દ્રિયોનો આહાર બંધ કરવાની આવશ્યકતા છે. આંતરિક આનન્દ માણવા ઈન્દ્રિયોનું માધ્યમ ન રહેવું જોઈએ. આનન્દ સીધેસીધો પ્રાપ્ત થવો જોઈએ.

આપણે જાણીએ છીએ કે સ્વાદનો આનંદ લેવા માટે કેટલી કડાકૂટ કરવી પડે છે, કેટલી બધી ગુલામી કરવી પડે છે. ત્યારબાદ પણ સ્વાદ મળશે જ એની કોઈ ગેરંટી હોતી નથી. આવું સ્પર્શાદિ કામસુખ વગેરે તમામ વિષયોની બાબતમાં બને છે. આથી આત્માના સુખ માટે પ્રયત્નશીલ બનવાની ઋષિમુનિઓ વાત કરે છે.

6. અષ્ટાંગયોગનું છઠ્ઠુ અંગ છે ધારણા:

ધારણા, ધ્યાન અને સમાધિ આ ત્રણ અંગો એ અષ્ટાંગયોગના આંતરિક અંગો છે. પ્રથમ પાંચ અંગો એ બહિરંગો હતા. ધારણા એટલે ચિત્તને કોઈ એક પદાર્થ પર સ્થિર કરી ધ્યેયને ધારણ કરવું. આ માટે મૂર્તિપૂજકો ઈષ્ટદેવની મૂર્તિ પર ચિતને સ્થિર કરવાનું કહે છે તો નિરાકાર વૈદિક પરંપરા અનુસાર શરીરના જ કોઈ અંગ પર ચિતને સ્થિર કરવાનું સુચન કરે છે.

7. અષ્ટાંગયોગનું સાતમું અંગ છે ધ્યાન:

જે મૂર્તિની ચિત્તમાં ધારણા કરી છે તેના પર ચિત્તને સ્થિર કરીને લાંબો સમય ટકાવી રાખવું એ ધ્યાન છે. ધ્યાન અંગે આ બ્લોગમાં ત્રણ લેખો આવેલા છે જેનો અભ્યાસ થઈ શકે છે.

8. અષ્ટાંગયોગનું આઠમું અંગ છે સમાધિ:

સમાધિ એ અષ્ટાંગયોગનું છેલ્લું સર્વોચ્ચ સોપાન છે. સમાધિમાં ચિત્તવૃત્તિનો સંપૂર્ણ નિરોધ થતાં ચિત્ત ધ્યેય પદાર્થમાં સંપૂર્ણ લીન થઈ જાય છે. આત્મા-પરમાત્માનો કોઈ ભેદ રહેતો નથી. સંપૂર્ણ તાદાત્મ્ય સધાય છે. બિન્દુ જેમ સિન્ધુમાં સમાઈ જતાં વામન વિરાટ બની જાય છે તેમ આત્મા પરમાત્મા સાથે તદાકાર બને છે. અનેક જન્મો બાદ સિદ્ધ થનારી આ દુર્લભ અવસ્થા છે. સમાધિના પણ બે પ્રકાર છે: સંપ્રજ્ઞાત સમાધિ અને અસંપ્રજ્ઞાત સમાધિ.

સંપ્રજ્ઞાત સમાધિના પણ ચાર પેટા પ્રકાર છે: સવિતર્ક, સવિચાર, સાનન્દ, અને સાસ્મિત. આ તમામ પ્રકારોમાં જીવને થોડે-ઘણે અંશે સભાનતા રહેતી હોય છે જ્યારે અસંપ્રજ્ઞાત સમાધિમાં આત્માને કેવળ પોતાના ચૈતન્યરૂપ, આનન્દરૂપનો જ અનુભવ થાય છે. ‘યતો વાચો નિવર્તંતે અપ્રાપ્ય મનસા સહ’ એવું ઉપનિષદો કહે છે અને ‘યતો વાચો નિવર્તંતે તદ્ધામ પરમમ મમ’ એવું ગીતા કહે છે તેનો આત્મા અનુભવ લઈ રહ્યો હોય છે. અપરોક્ષ અનુભૂતિની આ અવર્ણનીય અવસ્થા છે. સમાધિ અવસ્થા પ્રાપ્ત થતાં યોગની અલભ્ય સિદ્ધિઓ આપોઆપ પ્રાપ્ત થાય છે પરંતુ સિદ્ધિઓ એ આત્માનું લક્ષ્ય નથી એમ મહર્ષિ પતંજલિ મુનિ જણાવે છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: