વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

કોઈ પણ કાર્ય કરતી વખતે ચાર બાબતો પર વિચાર કરવો જરૂરી છે: 1. પ્રયોજન, 2. વિષય, 3. સંબંધ અને 4. અધિકારી. આ ચાર બાબતોને અનુબંધ ચતુષ્ટય તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય ષડદર્શન પૈકી પ્રત્યેક દર્શન આ અનુબંધ ચતુષ્ટયનું વર્ણન કરે છે. શ્રીમદ આદ્ય શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત દર્શન અનુસાર ચાર બાબતો આ પ્રમાણે છે:

1. પ્રયોજન: . . . . આત્યંતિકી દુ:ખનિવૃત્તિ, નિરતિશય સુખપ્રાપ્તિ.

2. વિષય: . . . . . જીવ – બ્રહ્મણો ઐક્યં.

3. સંબંધ: . . . . . .આત્મા – પરમાત્મા.

4. અધિકારી:

જ્ઞાનના અધિકારીનું વર્ણન વિસ્તૃત છે:

અધીત વેદ વેદાંગત્વેન.

આપાતત: અધિગત અખિલ વેદાર્થ:.

ઈહ જન્મનિ જન્માંતરેવા

કામ્ય નિષિદ્ધ વર્જન પુરસ્સરમ

નિત્ય નૈમિત્તિક પ્રાયશ્ચિત્તોપાસનાનુષ્ઠાનેન

નિર્ગત નિખિલ કલ્મષતયા

નિતાંત નિર્મલ સ્વાંત:

નિત્યાનિત્ય વસ્તુ વિવેક:

ઈહામુત્રાર્થ ફલભોગવિરાગ:

શમદમાદિ સાધનસંપદ

મુમુક્ષુત્વં ચેતિ

સાધન ચતુષ્ટય સંપન્ન:

પ્રમાતા અધિકારી:

અધીત વેદ વેદાંગત્વેન: – વેદ તથા વેદના અંગ-ઉપાંગનું જેણે અધ્યયન કર્યું છે.

વેદ ચાર છે: 1. ઋગ્વેદ, 2. યજુર્વેદ, 3. સામવેદ અને 4. અથર્વવેદ.

1. ઋગ્વેદ:

કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ અર્થાત મહર્ષિ વેદવ્યાસે વેદને ચાર વિભાગોમાં વહેંચ્યા જેમાંથી એક ભાગનું નામ ઋગ્વેદ આપ્યું. આ વેદ સુમંતુએ સંભાળ્યો. આ વેદમાં સંહિતા વિભાગ (સ્તુતિમંત્રો), બ્રાહ્મણ વિભાગ (કર્મકાંડ), તેમજ આરણ્યક વિભાગ (જ્ઞાનની શરૂઆત) એ ત્રણ મળીને સંપૂર્ણ શાખા બની છે.

2. યજુર્વેદ:

યજુર્વેદના મુખ્ય બે ભાગ છે: અ. શુક્લ યજુર્વેદ અને બ. કૃષ્ણ યજુર્વેદ.

શુક્લ યજુર્વેદની બે શાખા છે: 1. કણ્વ શાખા અને 2. વાજસેનીય શાખા (માધ્યંદિની શાખા)

કૃષ્ણ યજુર્વેદની ત્રણ શાખા છે: 1. મૈત્રાયની, 2. તૈત્તિરીય અને 3. કઠ શાખા. યજુર્વેદને સંભાળનાર જૈમિની છે.

3. સામવેદ:

સામવેદની ત્રણ શાખા છે: 1. કૌથુમી, 2. રાણાયની અને 3. જૈમિની શાખા. સામવેદને વૈશંપાયને સંભાળ્યો.

4. અથર્વવેદ:

અથર્વવેદની બે શાખા છે: 1. શૌનક અને પિપ્પલાદ શાખા. અથર્વવેદને પૈલ મુનિએ સંભાળ્યો.

વેદના ષડ (છ) અંગો છે:

1. શિક્ષા:

આજે પાણિની શિક્ષા પ્રસિદ્ધ છે. અન્ય કાત્યાયન, નારદીય વગેરે શિક્ષા પણ છે.

2. જ્યોતિષ: . .

તારા, ગ્રહો, નક્ષત્રો વગેરેના અસ્ત તેમજ ઉદય વગેરેનો અભ્યાસ.

3. છંદ: . . . . . .

છંદના બે પ્રકાર છે:

અ. વૈદિક છંદ: ગાયત્રી છંદ, અનુષ્ટુપ છંદ. 24 અક્ષરથી શરૂ કરીને 104 અક્ષર સુધીના છંદો છે. પિંગલ ગ્રંથકર્તા છે.

બ. લૌકિક ભાષાના છંદ: જેમાં યોગિનીવૃત્ત, શાર્દૂલ વિક્રીડીત, વસંત તિલકા, મંદાક્રાંતા વગેરેનો સમાવેશ થાય છે.

4. વ્યાકરણ: . .

પહેલા શાકલ્ય, ગાર્ય વ્યાકરણ હતું. પાણિની વ્યાકરણમાં તેનો ઉલ્લેખ છે. પાણિનીએ તપશ્ચર્યા કરીને શિવજીને પ્રસન્ન કર્યા અને તેઓ સમક્ષ વ્યાકરણ લખવાની ઈચ્છા પ્રદર્શીત કરી. શંકરના ડમરૂવાદનથી 14 સ્વર નિર્માણ થયા. પાણિની વ્યાકરણમાં 8 અધ્યાય અને 5000 સૂત્ર છે.

5. નિરુક્ત: . . .

ગ્રંથકાર છે – યાસ્ક આચાર્ય.

6. કલ્પ (સૂત્ર):

આશ્વદાયન, બૌદ્ધાયન, આપસ્તંભ, સત્યાઘાડ, યાજ્ઞવલ્ક્ય વગેરે સૂત્રકાર છે.

વેદના ચાર ઉપાંગ છે:

1. મીમાંસા: . . . . . . . . . .

પૂર્વમીમાંસા – જૈમિની મુનિ (12 અધ્યાય) અને ઉત્તરમીમાંસા (વેદાંત) – બાદરાયણ મુનિ (વેદવ્યાસ) જાણીતા છે.

2. ન્યાય (તર્કશાસ્ત્ર)

3. પુરાણ: . . . . . . . .. . . . 

મહર્ષિ વેદવ્યાસ રચિત 18 પુરાણો છે.

4. ધર્મશાસ્ત્ર (સ્મૃતિગ્રંથો):

સ્મૃતિમાં યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, પરાશર સ્મૃતિ, મનુ સ્મૃતિ, શંખ સ્મૃતિ, લિખિત સ્મૃતિ વગેરે છે. ચાર વેદમાં કુલ મળીને 14 વિદ્યા અને 64 કળાઓ છે.

આપાતત: અધિગત અખિલ વેદાર્થ: – સંપૂર્ણ વેદના અર્થનું જેને ઉપર-ઉપરથી જ્ઞાન પ્રાપ્ત થયું છે.

જે તેને સમજ્યો છે તે જ્ઞાનનો અધિકારી છે. આ રીતે લાયકાત કેળવવાની આજ્ઞા કરી છે.

ઈહ જન્મનિ જન્માંતરેવા

કામ્ય નિષિદ્ધ વર્જન પુરસ્સરમ

નિત્ય નૈમિત્તિક પ્રાયશ્ચિત્તોપાસનાનુષ્ઠાનેન

નિર્ગત નિખિલ કલ્મષતયા

નિતાંત નિર્મલ સ્વાંત:

અહિં કર્મના પાંચ પ્રકારનું વર્ણન કરવામાં આવ્યું છે: જન્મ જન્માંતરથી જેણે 1. કામ્ય અને 2. નિષિદ્ધ કર્મોનો ત્યાગ કર્યો છે, વળી 3. નિત્ય, 4. નૈમિત્તિક તેમજ 5. પ્રાયશ્ચિત્ત કર્મની ઉપાસના અને અનુષ્ઠાનથી જેના સંપૂર્ણ દોષો ચાલ્યા ગયા છે, જેનું અંત:કરણ (મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર) અતિશય નિર્મલ થયું છે – એ જ્ઞાનનો અધિકારી છે.

1. કામ્ય કર્મ: – કામનયા યત કર્મ ક્રિયતે તત કામ્ય કર્મ.

ફળની ઈચ્છાથી જે કર્મ કરવામાં આવે છે તે કામ્ય કર્મ છે. આપણા શારિરીક, વાચિક તેમજ માનસિક 90% કર્મો કામ્ય હોય છે. વળી, ‘ના ભુક્તમ ક્ષીયતે કર્મ’ અનુસાર ફળ ન આપે ત્યાં સુધી કર્મનો વિનાશ નથી થતો. ચોર ચોરીની ઈચ્છાથી કામ્યકર્મ કરે છે, ચંડીયાગ પણ કરે છે. સજ્જન મુક્તિની ઈચ્છા કરે છે – જે વિકાસાર્થ છે. તેમાં સાત્વિક કર્મનો ઉત્કર્ષ થાય છે. પરંતુ એ કર્મ ઠર્યું આથી એનું ફળ ભોગવ્યા વિના છુટકારો નથી. એને ભોગવવા માટે પુનર્જન્મ પણ લેવો પડે છે. આથી આપણે યસ્ય સર્વે સમારમ્ભા કામ્યસંકલ્પ વર્જિત: – નિરીચ્છ થવાનું છે.

2. નિષિદ્ધ કર્મ:

જેનો નિષેધ કરવામાં આવ્યો છે તે કર્મ. આપણે જ્ઞાત-અજ્ઞાતપણે નિષિદ્ધ કર્મો કરીએ છીએ. નિષિદ્ધ કર્મનું ફળ દુ:ખ છે, જેને ભોગવવા માટે પણ પુનર્જન્મ લેવો પડે છે.

3. નિત્ય કર્મ: – અકરણે પાપજનકત્વમ નિત્યતમ.

જે કર્મ ન કરવાથી પાપ લાગે છે તે નિત્ય કર્મ છે. પરંતુ આ કર્મ કરો તો પાપ કે પુણ્ય કોઈ ફળ મળતું નથી. અહરહ સંધ્યામ ઉપાસીત. પ્રતિદિવસ સંધ્યાની ઉપાસના જેવા નિત્ય કર્મો અવશ્ય કરવા.

4. નૈમિત્તિક કર્મ:

નિમિત્તથી જે કરવું પડે છે, કારણ અનુસાર જે કર્મ કરીએ છીએ તે નૈમિત્તિક કર્મ છે. પાંચ પ્રકારના નૈમિત્તિક કર્મો છે.

અ. વ્યાવહારિક કર્મ: નિત્ય ગુરુપૂજન, સ્વાગત, પાદસેવન વગેરે.

બ. ઐતિહાસિક કર્મ: મહાપુરુષોની જન્મજયંતિની ઉજવણી, તેઓનું પૂજન, તેઓનું ગુણ ગૌરવ વગેરે.

ક. પૌરાણિક કર્મ: અંશાવતારો તેમજ પૂર્ણાવતારોનું પૂજન એ પૌરાણિક કર્મ છે.

ડ. સ્માર્ત કર્મ (સ્મૃતિ કથન): આઠમા વર્ષે બ્રાહ્મણ બાળકને ઉપનયન સંસ્કાર આપવા, 25 વર્ષે વિવાહ સંસ્કાર આપવા વગેરે સ્મૃતિ આજ્ઞાઓ પાળવી એ સ્માર્ત કર્મ છે.

ઈ. શ્રૌત કર્મ: શ્રુતિ એટલે કે વેદની આજ્ઞા મુજબ આધ્યાત્મિક કર્મો કરવાના. નિત્ય સવાર-સાંજ અગ્નિ પૂજા (અગ્નિહોત્ર યજ્ઞ) કરવાની.

5. પ્રાયશ્ચિત્ત કર્મ:

નિષિદ્ધ કર્મો કરવાથી પાપ લાગે છે, તેનાથી દુ:ખ ઉત્પન્ન થાય છે. નિત્ય, નૈમિત્તિક કર્મો ન કરવાથી દોષ ઉત્પન્ન થાય છે. આ તમામનું પરિમાર્જન કરવાનું છે. એ માટે વૈશ્વદેવ એ પ્રાયશ્ચિત્ત કર્મ છે. જ્ઞાત કરતા અજ્ઞાત પાપ વધુ થાય છે. વૈશ્વદેવનું અનુષ્ઠાન કરવામાં રસોઈ તૈયાર થયા બાદ સૌપ્રથમ અગ્નિમાં એની આહૂતિ આપવામાં આવે છે. એ માટે ભાત અને ઘીની આહૂતિ અપાય છે.

આ રીતે ઉપાસના અને અનુષ્ઠાન કરવાથી સંપૂર્ણ દોષો ચાલ્યા જાય છે અને અંત:કરણ અતિશય નિર્મળ થાય છે.

નિત્યાનિત્ય વસ્તુ વિવેક: નિત્ય અને અનિત્ય વસ્તુઓને બુદ્ધિ દ્વારા ઓળખવી.

નિત્ય વસ્તુ બ્રહ્મ છે. બ્રહ્મને છોડીને જે કાંઈ છે તે અનિત્ય છે. ગચ્છતિ ઈતિ જગત: જગત અનિત્ય છે. આ વિચાર જીવનમાં આવે ત્યારે વિવેક આવ્યો એમ કહેવાય.

ઈહામુત્રાર્થ ફલભોગ વિરાગ: – ઈહ = આલોકના અને અમુત્ર = પરલોકના વિષયો ભોગવવા પ્રત્યે વિરાગ અર્થ = અર્થતે યાચ્યતે ઈતિ અર્થ:

વિગત: રાગ: યસ્માત સ: વિરાગ: રાગ એટલે વિષય પ્રત્યે આસક્તિ. વિષયના બે પ્રકાર છે: દિવ્ય અને ભૌતિક. સ્વર્ગલોકના વિષયો દિવ્ય છે: અપ્સરા, અમૃત વગેરે. પુષ્પ, ચંદન, વનિતા વગેરે આલોકના વિષયો છે. બન્ને પ્રકારના વિષયોમાંથી જેની આસક્તિ ચાલી ગઈ છે તે જ્ઞાનનો અધિકારી છે. અહિં વિષયો સાથે સંબંધ રાખ્યો છે અથવા તોડ્યો છે એમ નથી કહ્યું.

શમદમાદિ સાધન સંપદ

સાધન છ છે:

1. શમ: શમ એટલે શાંત. અંતરિન્દ્રિય નિગ્રહને શમ કહેવાય. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારનું સારી રીતે જેણે નિયંત્રણ કર્યું છે.

2. દમ: બહિરિન્દ્રિય નિગ્રહને દમ કહેવાય. જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય પર નિયંત્રણ કરવું અતિ કઠીન છે.

3. ઉપરમ:

ઉપરમનો એક અર્થ એટલે સન્યાસ. સન્યાસના બે પ્રકાર છે: વિવિદિશા અને વિદ્વદ. વિવિદિશા એટલે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે સંસારનો જેણે ત્યાગ કરીને સન્યાસીનો વેશ ધારણ કર્યો છે. અને વિદ્વદ એટલે જ્ઞાની ભક્ત જેને સન્યાસ માટે દંડ, કમંડળ, ભગવા વગેરે કશાની જરૂર જ નથી. ઉપરમનો બીજો અર્થ કોઈ જ વિષયોની ઈચ્છા જ ન થવી.

4. તિતિક્ષા:

સહનમ સર્વ દુ:ખાનામ અપ્રતિકારપૂર્વકમ

ચિંતાવિષાદ રહિતમ સા તિતિક્ષા નિગધ્યતે.

તિતિક્ષા એટલે સહનશીલતા. જે દુ:ખ આવશે તે સહન કરવાનું. અને તેનો પ્રતિકાર નહિ કરવાનો. દુ:ખ ભોગવતી વખતે ચિંતા અને વિષાદ પણ ન થવા જોઈએ. ગીતા કહે છે:

માત્રાસ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખદુ:ખદા

આગમાપાયિનો નિત્યાસ્તાંતિતિક્ષસ્વ ભારત.

ઈન્દ્રિયનો વિષય સાથેનો સંપર્ક શીત-ઉષ્ણ તથા સુખ-દુ:ખકારક છે. આવવા-જવાવાળા (અનિત્ય) વિષયોને સુખ-દુ:ખને હે ભારત, તું સહન કર.

5. શ્રદ્ધા:

ગુરુવાક્ય વેદાંતેષુ વિશ્વાસ: શ્રદ્ધા: નિતાંત વિશ્વાસને શ્રદ્ધા કહે છે.

6. સમાધાન:

જે મળ્યું છે તેમાં જ સંતોષ માનવો એ સમાધાન છે.

મુમુક્ષુત્વં ચેતિ – મોક્ષુમ ઈચ્છુમ મુમુક્ષુ: , મુમુક્ષુ ભાવ: મુમુક્ષુત્વમ  

જેને મોક્ષની મુક્તિની આકાંક્ષા છે તે.

સાધન ચતુષ્ટય સંપન્ન:

આ રીતે સાધન ચતુષ્ટયથી જે સંપન્ન છે તે . . .

પ્રમાતા અધિકારી:

જ્ઞાતા બ્રહ્મજ્ઞાનનો અધિકારી છે.

Advertisements

Comments on: "જ્ઞાનનો અધિકારી" (1)

  1. […] તત્વજ્ઞાન […]

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: