વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

તત્વજ્ઞાનમાં બે શબ્દો છે: તત્વ + જ્ઞાન. તત્વ એટલે તત + ત્વ જેને પરમ તત્વ અર્થાત પરમાત્મા, ઈશ્વર, ભગવાન તરીકે આપણે ઓળખીએ છીએ. અને એનું જ્ઞાન એટલે એની અનુભૂતિ. સર્વત્ર પરમ તત્વ જ વિલસી રહ્યું છે. જે કાંઈ જુદાપણું દેખાય છે એ અંતે તો પરમતત્વના જ અંશરૂપ છે. જડ અને ચેતન એવો પણ કોઈ ભેદ પરમતત્વમાં નથી. આ એકાત્મતાની અનુભૂતિ જેને થાય છે એ ‘આ મારું’ અને ‘આ તારું’ એવા ભેદ કરતો નથી. ઉપરાંત ‘હું કંઈ છું’ એવો અહમ ભાવ પણ એને રહેતો નથી. બીજી રીતે કહીએ તો જેને તત્વજ્ઞાન પ્રાપ્ત થયું છે એના અહમ અને મમત્વ ખલાસ થઈ ગયા છે. પૂર્વના દેશોમાં ‘તત્વજ્ઞાન’ શબ્દ પ્રચલિત છે તેમ પશ્ચિમના દેશોમાં ‘PHILOSOPHY’ શબ્દ જાણીતો છે જેમાં ‘PHILOS’ અને ‘SOPHIA’ એવા બે ગ્રીક શબ્દો સમાયેલા છે. PHILOS એટલે પ્રેમ અને SOPHIA એટલે ‘WISDOME’ એટલે કે ડહાપણ અથવા સમજણ. આ અર્થમાં PHILOSOPHY નો અર્થ જ્ઞાન પ્રત્યેનો પ્રેમ એવો થઈ શકે. PHILOSOPHY માં ત્રણ તત્વો તેમજ તેમના આંતરિક સંબંધોની ચર્ચા આવે છે: 1. જીવ, 2. જગત અને 3. ઈશ્વર. જીવ અને જગત વચ્ચેનો સંબંધ, જીવ અને ઈશ્વર વચ્ચેનો સંબંધ અને જગત અને ઈશ્વર વચ્ચેનો સંબંધ. એ જ રીતે PHILOSOPHY માં ચાર શાખાનો અભ્યાસ થાય છે: 1. ONTOLOGY તત્વમીમાંસા, 2. EPISTEMOLOGY જ્ઞાનમીમાંસા, 3. COSMOLOGY સૃષ્ટિમીમાંસા, અને 4. ETHICS નીતિશાસ્ત્ર. તત્વમીમાંસામાં તત્વ એટલે કે જીવ, અને ઈશ્વરના સ્વરૂપની ચર્ચા આવે છે. જ્ઞાનમીમાંસામાં એ ત્રણ તત્વોનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થઈ શકે એની ચર્ચા આવે છે. સૃષ્ટિમીમાંસામાં જગત રચાયેલું છે કે ઉત્ક્રાંત થયેલું છે એની ચર્ચા આવે છે.

તત્વજ્ઞાન વિષયમાં આવતા પારિભાષિક શબ્દોનો અર્થ ખબર પડવી જોઈએ તો એ વિષયના લખાણમાં પણ રસ પડે. જ્ઞાતા એટલે જેને જ્ઞાન પ્રાપ્ત થાય છે તે. જ્ઞાન એટલે જાણવા માટેની ક્રિયાનું ફળ. પ્રમાણ એટલે જેના વડે જ્ઞાન પ્રાપ્ત થાય છે એ સાધન. જ્ઞેય એટલે જેના વિશે જાણવાનું છે એ જ્ઞાનનો વિષય.  સત્તા શબ્દનો અર્થ રાજકારણમાં જે થાય છે એ જ અર્થ તત્વજ્ઞાનમાં થતો નથી. સત એટલે પરમ તત્વ, પરમાત્મા અને સત્તા એટલે એનું અસ્તિત્વ. તત્વજ્ઞાનની જેમ ભારતમાં ‘દર્શન’ શબ્દ અત્યંત પ્રચલિત છે. દર્શન એટલે માણસો મંદિરમાં ભગવાનની મૂર્તિ સમક્ષ બે હાથ જોડીને ઉભા રહે છે એ દર્શનની વાત નથી. દર્શન એટલે કે પરમ તત્વનો સાક્ષાત્કાર. એટલે કે જેમ હાથમાં રાખેલું આમળું આંખો વડે સ્પષ્ટ જોઈ શકાય છે એમ પરમ તત્વનો એવો અનુભવ કે જે પ્રાપ્ત થયા બાદ કોઈ શંકા, કોઈ પ્રશ્નો રહેતા નથી. આ એવું દર્શન છે જે ઋષિમુનિઓને સમાધિ અવસ્થામાં પ્રાપ્ત થાય છે. એ સ્થિતિમાં જવા માટે સાધના આવશ્યક છે. એ સ્થિતિ પ્રાપ્ત કરતાં કદાચ જન્મારા ચાલ્યા જાય એવું પણ બને ! આ ‘દર્શન’ જેને થયું છે એવા આપણા ભારતીય ઋષિમુનિઓએ એને શબ્દસ્થ કર્યું છે. હજારો વર્ષનો આ દર્શનનો ઈતિહાસ છે. આંતરિક વિજ્ઞાનની કક્ષામાં આવતું હોવાથી દર્શનને દર્શનશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. શાસ્ત્ર એટલે SCIENCE.

ભારતીય દર્શન અંતર્ગત છ દર્શનશાસ્ત્રોનો સમાવેશ થાય છે, જેના નામ અને એના રચયિતા આ પ્રમાણે છે:

1. સાંખ્ય દર્શન – કપિલમુનિ,

2. યોગ દર્શન – પતંજલિમુનિ,

3. ન્યાય દર્શન – ગૌતમમુનિ,

4. વૈષેશિક દર્શન – કણાદમુનિ,

5. પૂર્વમીમાંસા દર્શન – જૈમિનિમુનિ અને

6. વેદાંત (ઉત્તરમીમાંસા દર્શન) – બાદરાયણમુનિ (વેદવ્યાસ).

આ છ દર્શનો બે-બેની જોડીમાં છે:

સાંખ્ય – યોગ,

ન્યાય – વૈષેશિક,

પૂર્વમીમાંસા – ઉત્તરમીમાંસા.

આ દર્શનશાસ્ત્રોના આસ્તિક દર્શન અને નાસ્તિક દર્શન એવા બે ભાગ પડે છે. દર્શનના આસ્તિક અને નાસ્તિક એવા ભાગો પાડવાના પણ બે જુદા-જુદા માપદંડો છે.

એક અર્થમાં આસ્તિક દર્શન એટલે કે જેને વેદમાં શ્રદ્ધા છે એવા દર્શન અને નાસ્તિક દર્શન એટલે જેને વેદ માન્ય નથી એવા દર્શન.

એ જ રીતે બીજી દૃષ્ટિએ આસ્તિક દર્શન એટલે ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકારે છે એવા દર્શન અને નાસ્તિક દર્શન એટલે કે ઈશ્વરના અસ્તિત્વમાં નથી માનતા એવા દર્શન.

બન્ને માપદંડ અનુસાર દર્શનશાસ્ત્રોને વર્ગીકૃત કરીએ તો ઉપર જણાવ્યા એ તમામ છ એ છ દર્શનો વેદમાં શ્રદ્ધા ધરાવતા હોવાથી આસ્તિક દર્શનો છે જ્યારે સાંખ્ય અને પૂર્વમીમાંસા એ બે ઈશ્વરનું અસ્તિત્વ ન સ્વીકારતા હોવાથી નાસ્તિક દર્શન છે. વેદમાં ન માનતા હોય તેમજ ઈશ્વરમાં પણ ન માનતા હોય એવા ત્રણ નાસ્તિક દર્શનો છે:

1. જૈન દર્શન,

2. બૌદ્ધ દર્શન અને

3. ચાર્વાક દર્શન.

નવાઈ લાગે એવી વાત છે કે અનુભૂતિજન્ય જ્ઞાનના ક્ષેત્રમાં દર્શન જેવી ટોચની કક્ષાએ પહોંચ્યા હોવા છતાં એવા પણ દર્શનો છે જે વેદમાં ન માનતા હોય અથવા ઈશ્વરમાં ન માનતા હોય ! આ બાબત દર્શનશાસ્ત્રોની ટીકા કરવાની બાબત નથી પરંતુ ભારતીય પરંપરામાં ટોચની કક્ષાનું રેશનાલિઝમ છે અને દર્શનકારને પોતાના મૌલિક દર્શનને અભિવ્યક્ત કરવાની સંપૂર્ણ મોકળાશ છે એ વાતની આ સાબિતી છે.

વેદાંત દર્શનમાં ઉપનિષદોનો સમાવેશ થાય છે. જાણીતા ઉપનિષદો આ પ્રમાણે છે: ઈશાવાસ્યમ ઉપનિષદ, કેન ઉપનિષદ, કઠ ઉપનિષદ, મુંડક ઉપનિષદ, માંડૂક્ય ઉપનિષદ, ઐતરેય ઉપનિષદ, તૈત્તિરીય ઉપનિષદ, બૃહદારણ્યક ઉપનિષદ, છાંદોગ્ય ઉપનિષદ, પ્રશ્ન ઉપનિષદ, શ્વેતાશ્વતર ઉપનિષદ, નારાયણ ઉપનિષદ વગેરે.

કાર્ય-કારણ સંબંધ (CAUSE-EFFECT RELATIONSHIP )

તત્વજ્ઞાનમાં કાર્યકારણ સંબંધ મહત્વની ચર્ચા જગાવે છે. પરમ તત્વ એ સમગ્ર સર્જન પાછળનું એક માત્ર અનાદિ કારણ છે અને જગત એ પરમાત્માનું કાર્ય છે. આ કારણનું સ્વરૂપ કેવું છે અને કાર્યનું સ્વરૂપ કેવું છે એ અંગે છ એ છ દર્શનોમાં મતભેદ છે. સત એટલે કે જેનું અસ્તિત્વ છે તે અને અસત એટલે કે જેનું અસ્તિત્વ નથી તે.

બૌદ્ધ દર્શન અનુસાર: અસત: સત જાયતે.

અસતથી સતની ઉત્પત્તિ થાય છે. અર્થાત કારણનો વિનાશ થઈને કાર્ય જન્મે છે. કારણનો સંપૂર્ણ વિનાશ ન થાય ત્યાં સુધી કાર્યનો ઉદ્ભવ થતો નથી. દૂધના સંપૂર્ણ વિનાશ બાદ જ દહીં ઉત્પન્ન થાય છે.

નાનુપમૃદ્ય પ્રાદુર્ભાવ: – અભાવકારણવાદ – અભાવાત ભાવોત્પત્તિ: – અભાવથી જ ભાવની ઉતપત્તિ થાય છે. આ વાદને સંઘાતવાદ પણ કહે છે.

સંઘાતવાદસ્તુ ભદંતપક્ષ: – ભદંત (બૌદ્ધ)નો સંઘાતવાદ છે.

ન્યાય – વૈષેશિક દર્શન અનુસાર:

સત: અસત જાયતે. વિદ્યમાન કારણ: સત:

કાર્યની ઉત્પત્તિની પહેલાની અવસ્થામાં કાર્યનો અભાવ છે: અસત = અવિદ્યમાન કાર્ય. (જેનું અસ્તિત્વ છે એવા) વિદ્યમાન કારણમાંથી  (જેનું અસ્તિત્વ નથી એવું) અવિદ્યમાન કાર્ય એવી નવી વિશિષ્ટ રચના ઉત્પન્ન થાય છે.

આરમ્ભવાદ: કણભક્ષ પક્ષ:

વેદાંત દર્શન અનુસાર :

સત: યત જાયતે તત વિવર્ત:, યત કાર્યજાતમ તત ન વસ્તુ સત, સત: વિવર્ત જાયતે.

સત રૂપ કારણથી જે ઉત્પન્ન થયેલું દેખાય છે તે વસ્તુ ખરેખર ઉત્પન્ન થયેલ નથી પરંતુ એ આભાસ છે – વિવર્ત છે. દા.ત. સર્પ-રજ્જૂ. મંદ અંધકારમાં સાપ અને ચક્ષુરિન્દ્રિય (આંખ) વચ્ચેના વધુ અંતરને કારણે દોરડીનું ગુંચળુ સાપ લાગે છે. અંધકાર અથવા વિષય અને ઇન્દ્રિય વચ્ચેનું અંતર ઘટવાથી જ્ઞાન થાય છે કે સાપ નથી પરંતુ દોરડી છે. દોરડીમાં સાપ જોવો એ આભાસ છે. આ આભાસ પણ એક અનુભવ હોવાથી શ્રીમદ આદ્ય શંકરાચાર્ય તેની પ્રાતિભાસિક સત્તા માન્ય કરે છે. વેદાંત દર્શન કાર્યકારણોયો: અભેદ: – કાર્ય-કારણના તાદાત્મ્યમાં માને છે. કાર્યને સ્વતંત્ર અસ્તિત્વ નથી – કાર્ય અસત છે. તો પછી એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે કાર્ય અને કારણ બન્ને અનુભવાય છે તો બન્ને (જગત અને ઈશ્વર) વચ્ચે અભેદ કેવી રીતે શક્ય છે ? જવાબ છે : કાર્ય સ્વસ્વરૂપેણ અસત કારણરૂપેણ સત – જીવનું  અસ્તિત્વ પરમતત્વને આધીન છે.

સાંખ્ય દર્શન અનુસાર :

સત: સત જાયતે

વિદ્યમાન (જેનું અસ્તિત્વ છે એવા) કારણ વડે તેમાં જ અવ્યક્ત એવું વિદ્યમાન કાર્ય વ્યક્ત થાય છે અને તે જ કાર્ય ફરીથી કારણમાં અવ્યક્ત પણ થાય છે. બૌદ્ધ દર્શન કહે છે કે કારણનો વિનાશ કરીને કાર્ય ઉત્પન્ન થાય છે. પરંતુ સાંખ્ય દર્શન અનુસાર કાર્યના વ્યક્ત થયા બાદ પણ કારણનું અસ્તિત્વ રહે છે. કારણરૂપ માટીમાંથી કાર્યરૂપ ઘડાની ઉત્પત્તી થઈ છે એ જ માટી અવ્યક્તરૂપે ઘડામાં છે. ઘડામાંથી માટી લઈ લઈએ તો ઘડાનું જ અસ્તિત્વ રહેતું નથી. આથી ઘડો બનવો એ માટીનો વિનાશ નથી. એ જ રીતે ઘડો પહેલા અવ્યક્ત હતો તે વ્યક્ત થયો અને એ ફુટી ગયા બાદ ફરીથી માટીમાં અવ્યક્ત થઈ જાય છે. જો માટીનો વિનાશ થયા બાદ ઘડાની ઉત્પત્તિ થઈ હોય તો ઘડો ફુટી જવાથી એનો માટીમાં અવ્યક્ત થવાનો કોઈ સવાલ જ પેદા થતો નથી.

ન્યાય-વૈષેશિક દર્શન જે વાત કરે છે કે કારણમાંથી પહેલા જેનું ક્યારેય અસ્તિત્વ જ ન હતું એવા તદ્દન વિશિષ્ટ કાર્યની ઉત્પત્તિ થાય છે, એની સામે સાંખ્ય દર્શન પ્રશ્ન કરે છે કે કારણ દ્વારા તદ્દન નવું જ કાર્ય ઉત્પન્ન થતું હોય તો ઘડાની ઉત્પત્તિ માટે કુમ્ભાર માટી જ શા માટે લે છે ? કાર્ય વિશિષ્ટ જ હોય તો કોઈ પણ કારણ દ્વારા એની ઉત્પત્તિ શક્ય બનવી જોઈએ ને ! તંતુમાંથી, તલમાંથી, દૂધમાંથી કે અન્ય કોઈ પણ કારણમાંથી ઘડો ઉત્પન્ન થતો નથી. કુમ્ભારને જ્ઞાન છે કે ઘડો ઉત્પન્ન કરવાની શક્તિ માત્ર માટીમાં જ છે કારણ કે ઘડો માટીમાં પહેલેથી જ અવ્યક્તરૂપે રહેલો છે. આમ ઘડો એ કોઈ નવું વિશિષ્ટ કાર્ય ઉત્પન્ન થતું નથી પરંતુ અવ્યક્ત કાર્ય વ્યક્ત થાય છે. ન્યાય દર્શનની ટીકા કરતા સાંખ્ય દર્શન કહે છે કે નૈયાયિકો કહે છે કે કાર્ય પ્રથમ અસત હતું તે બાદમાં સત થયું. તત્વજ્ઞાનમાં જેને તમે સત કહો તેને કોઈ કાળે અસત કહી શકો જ નહિ. સત એટલે જેનું ત્રિકાલાબાધિત અસ્તિત્વ છે તે. અને અસત એટલે કોઈ કાળે જેનું અસ્તિત્વ નથી તે. હવે અસત એટલે કે જેનું અસ્તિત્વ જ શક્ય નથી એવું કાર્ય એમ કહીને તમે કાર્ય સત થયું એમ કહો એ વદતોવ્યાઘાત કહેવાય.

ભારતીય દર્શનો છ છે જે ષડ દર્શન તરીકે ઓળખાય છે. અન્ય ત્રણ નાસ્તિક દર્શનો છે. આ નવ દર્શનોમાં રસ પડે એ માટે બુદ્ધિને કસવી પડે. બોર થવામાં પણ જેને મજા પડતી હોય એ માણસ આમાં ઉંડા ઉતરી શકે છે. બાકીના માખી જેમ અગ્નિથી દુર ભાગે એમ તત્વજ્ઞાનથી દુર ભાગે છે. વેદાંત દર્શનનું મૌલિક અર્થઘટન આપીને શ્રીમદ આદ્યશંકરાચાર્યજીએ વિશ્વમાં એની કેવી અદ્ભૂત પ્રતિષ્ઠા કરી અને સ્વામિ વિવેકાનન્દે વેદાંત જ્ઞાનનો વિશ્વભરમાં કેવો ડંકો વગાડ્યો એ આપણે જાણીએ છીએ. આપણે પણ નાના વિવેકાનન્દ બનવું જોઈએ. વેદાંતમાં બ્રહ્મના સ્વરૂપની ખુબ સરસ ચર્ચા આવે છે એ ફરી ક્યારેક જોઈશું. વળી શ્રીમદ આદ્ય શંકરાચાર્યજી અનુસાર જ્ઞાનનો અધિકારી કોણ એનું પણ ખુબ સુન્દર વર્ણન તેઓએ કર્યું છે એ પણ જોઈશું.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: