વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

બાળકો દસ-પંદર કિલોગ્રામ વજનનું દફતર ઉંચકીને શાળાએ જાય છે ત્યારે રીતસર મજુરી કરતા હોય એમ લાગે છે. શું તેઓ પાસેથી એ ભાર લઈ ન લેવાય ? શાળા અન્ય તમામ સુવિધાઓ પુરી પાડે છે એની સાથે બાળકોને પુસ્તકો તેમજ નોટબુક્સ પણ શાળા જ લઈ આપે તો શું વાંધો ? વર્ગ ખંડમાં જે પાટલી પર બાળક બેસે છે તેની બેંચમાં જ શાળા તરફથી આપેલા પુસ્તકો અને નોટબુક્સ રાખવાના. બાળક શાળાએ આવે ત્યારે જે વિષયનો પિરીયડ હોય એને લગતું પુસ્તક તેમજ નોટબુક બેંચમાં રાખેલા ખાનામાંથી બહાર કાઢે. કોઈ શાળા બે પાળીમાં ચાલતી હોય તો બે ખાના વાળી બેંચ બનાવે. બે બાળકો એક સાથે એક પાટલી પર બેસતા હોય તો બન્ને સીટ દીઠ બે-બે એમ કુલ ચાર ખાના થાય. તમે કલ્પના કરો બાળકો ખાલી હાથે શાળાએ આવતા-જતા હોય તો કેવા હળવા રહેતા હોય ! બાળકોને ઘરે લેસન આપવાનું જ નહિ. જે અભ્યાસ થાય છે એ શાળામાં જ પુરો કરવાનો. ઘરે માત્ર રમવાનું અને જમવાનું. હા, ઘરે બાળકો પાસે કોઈ અભ્યાસ કરાવવાનો જ હોય તો એ માત્ર મૌખિક તેમજ અભિવ્યક્તિલક્ષી જ હોય એનું ધ્યાન રાખવાનું ! એટલે કે બાળકોને ટી.વી. પર આવતા કોઈ ખાસ જ્ઞાનલક્ષી કાર્યક્રમો જોવાનું લેસન આપી શકાય. ઈંટરનેટ પર કોઈ વેબસાઈટનો અભ્યાસ કરવાનું કહી શકાય. બાળકો ટી.વી., ઈંટરનેટ પર અથવા પોતાની આસપાસના જગતમાં જે કાંઈ જુએ એના વિશે શાળામાં વર્ગખંડમાં બધા બાળકો સમક્ષ ઉભા થઈને કંઈ કહે એવા પ્રયત્નો થવા જોઈએ. અભિવ્યક્તિક્ષમતા ખુલે તો બાળકો જ્ઞાનાત્મક પ્રવૃત્તિ સાથે વધુ ને વધુ જોડાવાનું પસન્દ કરશે. બાળકો માત્ર શ્રોતા બની રહે તો તઓને કાંઈ યાદ નહિ રહે. એના બદલે તેઓ વક્તા બનશે તો સહજ પણે તેઓને ઘણુંબધું આપોઆપ યાદ રહેવા લાગશે. વર્ગખંડમાં શ્રવણની સાથે-સાથે શિક્ષકની હાજરીમાં વિદ્યાર્થીઓમાં અંદરોઅંદર જે-તે વિષયને લગતી ચર્ચાનો માહોલ ઉભો થાય એ અત્યંત અનિવાર્ય છે.

બાળકો પુસ્તકો તેમજ નોટબુક્સ કાળજીપૂર્વક વાપરવા ટેવાયેલા હોતા નથી. નોટબુક્સ તો ખાનગી કંપનીઓ બનાવતી હોવાથી એ મજબૂત હોય છે પરંતુ પુસ્તકો સરકારી પ્રકાશન હોવાથી અત્યંત તકલાદી હોય છે. સરકારે મજબૂત બાઈંડિંગ ધરાવતા પુસ્તકો પ્રકાશીત કરવા જોઈએ જેથી બાળકો એનો રફ યુઝ કરે તો પણ વર્ષભર ચાલે. યુનિફોર્મમાં પણ સંશોધન થવું અનિવાર્ય છે. દા.ત. કોઈ ચોક્ક્સ શર્ટ અને પેંટ કે સ્કર્ટને યુનિફોર્મ તરીકે રાખવાને બદલે તેઓ જે કપડા પહેરીને આવે તેના પર કોઈ ખાસ એપ્રોન કે પછી સ્કાઉટ બોયઝ પહેરે છે એવા સ્કાર્ફ કે એવું બીજું કંઈ પણ રાખી શકાય. સાથે-સાથે ગળામાં પહેરી શકાય એવા આઈડેંટિટી કાર્ડસ તો હોય જ છે.

બાળકો નોટબુક્સનો વધુ ને વધુ વપરાશ કરે તો ઉત્પાદન કંપનીઓનું વેચાણ વધે ને તેઓને વધુ ફાયદો થાય એ હેતુ પહેલા ધોરણથી જ શાળાના બાળકોને બોલપેનથી લખવાનું આગ્રહપૂર્વક કહેવામાં આવે છે. વળી ઘરકામમાં એકનો એક પાઠ બે-ત્રણ વાર લખવાનું એ જ કારણોસર કહેવામાં આવે છે જેથી વધુ ને વધુ નોટો ભરાય. શાળા તરફથી બાળકો પાસે ખરેખર અભ્યાસ કરાવવાને બદલે રીતસર વેઠ ઉતરાવવામાં આવે છે. બાળક લેસન ન લાવે તો સજા અથવા સજાનો ડર માત્ર એટલા માટે બતાવવામાં આવે છે કે જેથી બાળકો મન મારીને પણ વેઠ ઉતારે અને લખ-લખ કરીને નોટબુક્સના પાના ભરે ! એક સમય એવો હતો કે પ્રાથમિક શાળા દરમિયાન બાળકો પાસે સ્લેટનો ઉપયોગ કરાવવામાં આવતો. પરંતુ એક સ્લેટ આખું એક વર્ષ ચાલે એમાં વેપારીઓ કે ઉતપાદકો કેટલું કમાય ? એટલે નોટબુક્સ આવી. પરંતુ પેંસિલથી લખનારા બાળકોના વાલીઓ રુપિયા બચાવવા રબરથી નોટબુક્સનું લખાણ ભુસીને નોટબુકનો ફરીથી ઉપયોગ કરતા. તેઓ આવું ન કરી શકે એ માટે પહેલા ધોરણથી જ બોલપેનથી લખવાનું શરૂ કરાવવામાં આવ્યું. હવે આપણે બાળકો પાસે મૌખિક અભિવ્યક્તિ કરાવવાની વાત કરીએ તો એમાં બાળકોનું ઈંવોલ્વમેંટ વધતું હોવાથી બાળકો માટે એ ખુબ જ લાભદાયક હોવા છતાં સ્ટેશનરીનું ઉત્પાદન કરતી નફાખોર કંપનીઓના શાળા સંચાલકો પરના વ્યાવસાયિક દબાણના કારણે એ ક્યારેય શક્ય બનવાનું નહિ.

પુરતો અથવા લાયકાત પ્રમાણે પગાર ન ચુકવીને શાળાસંચાલકો શિક્ષકને અન્યાય કરે છે તેથી અથવા વધુ કમાવવાની લાલચના કારણે મોટાભાગના શિક્ષકો ટ્યુશન કરે છે. આથી તેઓ બાળકોને શાળામાં બરાબર ભણાવતા નથી. શાળામાં વિદ્યાર્થીને યોગ્ય શિક્ષણ આપવામાં આવે તો તેઓને ટ્યુશનની જરૂર પડે ખરી ? આમાં દુ:ખ એ વાતનું છે કે માત્ર હાજરી પુરાવવા માટે બાળકોએ પાંચ-પાંચ કલાક શાળામાં કેદ થવું પડે છે. માબાપો નથી ઈચ્છતા કે બાળકો ઘરે રહે અને શિક્ષકો નથી ઈચ્છતા કે બાળકો શાળામાં આવે. આમ બન્ને વર્ગ તરફથી બાળકો હડધૂત થયા કરે છે. આ જ ખરી કડવી વાસ્તવિકતા છે. સારું છે કે બાળકો આ હકીકત જાણતા નથી. નહિ તો તેઓના કુમળા માનસ પર પોતાના માટે કેવી નકારાત્મક લાગણી બંધાય ! માબાપો પરાણે બાળકોને શાળાએ મોકલે છે એની પાછળ મોટે ભાગે પાંચ કલાક માટે તેઓથી છુટકારો મેળવવાનો ભાવ હોય છે. પરંતુ તેઓ બતાવે છે એવું કે શાળામાં રજા પાડવાથી પોતાના બાળકનો અભ્યાસ બગડે છે અને એને નુક્શાન થાય છે. શિક્ષકો પણ એવું જ ઈચ્છતા હોય છે કે તેઓને વધુ ને વધુ રજા મળે અને પોતાને શાળાએ જવું પડે એમ હોય તો પણ વિદ્યાર્થીઓ શાળામાં હાજર ના હોય ને તેઓને સંભાળવા વર્ગમાં જવાને બદલે સ્ટાફરૂમમાં બેસીને કર્ણ રસાસ્વાદ માણવા મળે ! શાળામાં અનિચ્છાએ પાંચ કલાક વ્યસ્ત રહ્યા બાદ ટ્યુશન જવા માટે બાળકોએ દોડધામ કરવી પડે છે. આ બધામાં એનું બાળપણ જે મૌલિક અધિકારો ધરાવે છે એવી બાબતો જેમ કે રમવું, નાચવું, કુદવું, ગાવું, ધિંગામસ્તી કરવી એ બધાનું શું?

એક વિચાર એવો આવે છે કે બાળકો શાળામાં હાજરી આપે છે એ દરમિયાન જ તેઓનું પ્રાઈવેટ ટ્યુશન પણ થાય તો કેવું ? એટલે કે બાળકોના વાલીઓએ બાળકોના પ્રાઈવેટ ટ્યુશન માટે ક્લાસીસમાં અલગથી રુપિયા ખર્ચવા જ પડે છે તો એ માટે શાળાના સમય ઉપરાંત અલગથી ટ્યુશન ક્લાસીસ રાખવાને બદલે શાળાના જ શિક્ષકો શાળાના જ સમય દરમિયાન પ્રાઈવેટ ટ્યુશન આપે એવું ન ગોઠવી શકાય ? શાળાસંચાલકો, શિક્ષકો તેમજ વાલીઓ મળીને નક્કી કરે કે શાળા તરફથી શિક્ષકોને જે પગાર મળે છે તે ઉપરાંત અમુક ચોક્કસ રકમ તેઓને ટ્યુશન ફી તરીકે વાલીઓ તરફથી પણ મળે. તો શું થાય કે બધા જ બાળકોના વાલીઓ ટ્યુશન ફી આપતા હોવાથી બાળકોને પ્રાઈવેટ ટ્યુશન માટે જે રકમ ખર્ચવી પડે છે એના કરતા ઓછી રકમ શાળાના શિક્ષકોને ટ્યુશન પેટે આપવી પડે. સંચાલકોને એમાં કોઈ વાંધો ન જ હોય કારણ કે શિક્ષકો સારી રીતે ભણાવે તો શાળાની જ પ્રતિષ્ઠા વધવાની છે. આમાં સૌથી મોટો ફાયદો એ છે કે બાળકો પાસે પોતાના આનન્દ-પ્રમોદ માટે થોડો વધુ સમય મળી રહેશે અને તેઓનું બાળપણ સચવાઈ જશે. જેની સ્થિતિ ન હોય તેવા બાળકોના વાલીઓને ફી ચુકવવામાંથી રાહત આપી શકાય. દા.ત. કોઈ બાળક ટ્યુશન પેટે વાર્ષિક દસ હજાર રુપિયા ખર્ચે છે. એના બદલે શાળામાં આખા વર્ષના એ માત્ર બે હજાર રુપિયા આપે તો પણ એનું કામ થઈ જાય. ધારોકે વર્ગમાં સાઈઠમાંથી ટ્યુશન ફી આપી શકે એવા પચાસ બાળકો છે. પાંચ વિષયનું ટ્યુશન લેવાનું છે. પચાસ બાળકો બે-બે હજાર રુપિયા ખર્ચે તો કુલ એક લાખ રુપિયા થાય. દસ મહિના લેખે દસ હજાર રુપિયા થયા. આથી પાંચ શિક્ષકોને ભાગે પ્રતિ માસ બે-બે હજાર રુપિયા આવ્યા. આવા એક ધોરણના ત્રણ વર્ગો હોય તો શિક્ષકની એક ધોરણની ટ્યુશનની આવક માસિક છ હજાર રુપિયા થઈ. શિક્ષકો અન્ય ધોરણોમાં પણ ભણાવતા હોય તો વર્ગ પ્રમાણે માસિક બે-બે હજાર જેટલી વધુ આવક તેઓને મળે.

એક રીતે જોઈએ તો આ વ્યવસ્થા સેલ્ફફાયનાંસ શાળાનો જ એક પ્રકાર થયો ગણાય. પરંતુ મુદ્દો છે બાળપણને વેડફાતું બચાવવાનો ! અને વાલીઓને આર્થિક લાભ પણ કરાવવાનો ! કોઈને એવો પ્રશ્ન થાય કે ટ્યુશન ફી ચુકવવા છતાં શિક્ષકો શાળામાં સારી રીતે બાળકોને ન ભણાવે તો શું? અથવા શાળાના સમય ઉપરાંત તેઓ ઘરે કે પ્રાઈવેટ ક્લાસીસમાં જઈને ભણાવવાનું ચાલુ રાખે તો શું? શિક્ષકોને વાલીઓ પ્રાઈવેટ ફી ચુકવતા હોવાથી તેઓનો પરસ્પર સીધો સંબંધ બંધાય છે. આથી શિક્ષકો પર જવાબદારીનું દબાણ રહે છે. વળી તેઓને ટ્યુશનની આવક મળી જતી હોવાથી કાર્ય કરવા છતાં પુરતો પગાર ન મળવા બદલ પોતાને અન્યાય થઈ રહ્યો હોવાની અને એ બદલ અસંતોષની જે લાગણી છે એ દુર થતી હોવાથી પોતાનું કાર્ય તેઓ નિષ્ઠાપૂર્વક કરવાના જ છે. છતાં તેઓ બરાબર નહિ ભણાવે તો આ તો સ્વૈચ્છિક વ્યવસ્થા હોવાથી એ આપોઆપ બંધ થઈ જવાની છે ! આ તો એક પ્રયોગ કરવાનો વિચાર આવ્યો જે વાચકો સમક્ષ મુક્યો છે. આ તો લાકડાની તલવાર છે કામ કરી ગઈ તો ઠીક નહિ તો એનાથી કોઈને નુકશાન તો છે જ નહિ.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: