વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

અધરમ મધુરમ

મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ ગાયું: ‘અધરમ મધુરમ . . .’ ધ્યાનમાં બેઠા બાદ અડધો કલાક નિરંતર મૂર્તિનું અનુસંધાન રહે ત્યારે પ્રભુ સાથે એ મહાન જીવની રાસક્રીડા શરૂ થાય છે. માલિક અને મજૂરના સંબંધથી શરૂઆત કરીને સંબંધોની ઉત્તરોત્તર પગથી ચડતાં-ચડતાં જીવ અને ભગવાન વચ્ચે પ્રિયતમ-પ્રિયતમાનો સંબંધ સ્થાપિત થાય છે. મહાપ્રભુજીએ ગાયેલું અધરમ મધુરમ એ મધુરાભક્તિની ટોચની અવસ્થાનું નિદર્શન છે. અધરમ મધુરમ એટલે ભગવાનના હોઠ મધુર છે. આવું કહીને મહાપ્રભુજીએ કેવી કમાલ કરી છે ! આપણે તીરંદાજીમાં જોઈએ છીએ કે દુર એક બોર્ડ રાખ્યું હોય છે જેના પર એક મોટું વર્તુળ દોરેલું હોય છે. એની અંદર એક નાનું વર્તુળ દોર્યું હોય છે. એની અંદર બીજું એક નાનું વર્તુળ દોરેલું હોય છે. બરાબર વચ્ચે સેંટર પોઈંટ હોય છે. સૌથી બહારના મોટા વર્તુળ પર તીર વાગે એટલે 10 માર્ક મળે અને સેંટર પોઈંટ પર તીર વાગે તો 100 માર્ક્સ મળે. ‘અધરમ મધુરમ’ ગાઈને મહાપ્રભુજીએ સેંટર પોઈંટ પર નિશાન સાધ્યું છે અને તેઓની ભક્તિ 100 ટચની શુદ્ધ સાબિત થઈ છે.

સ્તોત્ર એટલે મહાપુરુષોએ બાળક બનીને પ્રભુને કરેલા કાલાવાલા. ‘મધુરાષ્ટકમ’ સ્તોત્ર ગાતી વખતે શબ્દો સાથે એના અર્થની અનુભૂતિ માણવાની જરૂર છે. મહાપુરુષોએ ગાયેલા સ્તોત્રો આપણે ગાઈએ અને આપણને ગલગલિયા ન થાય તો માત્ર શબ્દોચ્ચારનો કોઈ અર્થ નથી. ભાવસમાધિમાં સ્થિત થયેલા આચાર્યોએ ગાયેલા સ્તોત્રો-સ્તવનો આપણને ભાવજગતમાં જવાની પ્રેરણા આપે છે. એનાથી હૃદય ભીનું-ભીનું થાય છે. ડામર જેવું કઠણ અને સુકાઈ ગયેલા છાણા જેવું બરછટ હૃદય માખણ જેવું નરમ અને મુલાયમ થાય ત્યારે એના પર પ્રભુના નામનો સિક્કો વાગે છે. ‘દ્રુતે ચિત્તે પ્રવિષ્ટા યા ગોવિન્દાકારતા સ્થિરા:’ એટલે કે ચિત્ત દ્રુત થાય ત્યારે એના પર ભગવાનનો સિક્કો બેસે છે, લાખને ગરમ કર્યા બાદ એના પર સ્ટેમ્પ વાગે છે તેમ. શાળામાં સ્તોત્રના મુખપાઠની સ્પર્ધા રાખેલી હોય ત્યારે દરેક સ્પર્ધક આવીને ‘અધરમ મધુરમ’ ગાય છે, જેમાં ‘બે એકા બે, બે દુ ચાર’ એમ ઘડિયો બોલતી વખતે અને ‘અધરમ મધુરમ’ ગાતી વખતે એક સરખી સંવેદનરહિતતા જોવા મળતી હોય છે.

મહાપ્રભુ કહે છે: ભગવાનના હોઠ મધુર છે. વિચારો, તેઓએ હોઠને સુન્દર નથી કહ્યા પણ મધુર કહ્યા છે. સુન્દરતા એ આંખોનો વિષય છે જ્યારે મધુરતા એ સ્વાદનો વિષય છે. આનો અર્થ એ કે મહાપ્રભુજીએ ભગવાન કૃષ્ણના હોઠ સાથે પોતાના હોઠ મેળવીને એનું રસામૃત પાન કર્યું છે. અધરામૃત : ‘પ્રેમરસ પાને ઓ મોરના પિચ્છધર, તત્વનું ટુંપણું તુચ્છ ભાસે.’ ‘ભગવાનના હોઠ મધુર છે’ એમ કહીને મહાપ્રભુજીએ ભક્તિની શક્તિ બતાવી છે. આવું જાહેર કરવું એ ઘણી હિમ્મતનું કામ છે. ‘પ્યાર કીયા તો ડરના ક્યા, જબ પ્યાર કીયા તો ડરના ક્યા. પ્યાર કીયા કોઈ ચોરી નહિ કી, છુપ-છુપ આંહે ભરના ક્યા, જબ પ્યાર કીયા તો ડરના ક્યા ? આજનો કોઈ યુવાન પોતાની સાથે ભણતી કે નોકરી કરતી છોકરીને જીવનસાથી તરીકે પસન્દ કરવાને બદલે એના માબાપ બતાવે એ છોકરીને જોવા જાય અને ઘરે પરત આવ્યા બાદ ઘરના કોઈ સભ્યને એ કહી શકે ખરો, કે છોકરીના હોઠ બહુ સુન્દર છે ? એના માબાપને, ભાઈ-ભાભીને, બહેન-બનેવીને – એમાંથી કોઈને એ કહેવા જાય, કે છોકરીના હોઠ બહુ સુન્દર હતા, તો એની શું વલે થાય ? જ્યારે અહિં તો મહાપ્રભુજીએ હોઠને માત્ર સુન્દર જ નહિ પરંતુ મધુર કહ્યા છે. જેમ કંપની પોતાની પ્રોડક્ટના પેકિંગ પર TESTED O.K. નો સિક્કો મારે છે તેમ મહાપ્રભુજીએ TASTED THE BEST નો સિક્કો માર્યો છે. ઘણી મોટી વાત કરી છે.

ઘણા વિદ્વાનો આ પ્રેમને અશરીરી પ્રેમ કહે છે, OCCULT LOVE, PLATONIC LOVE વગેરે. આ શૃંગારિક વર્ણન શારિરીક હોય તો પણ શું ફર્ક પડે છે ? નિ:સ્વાર્થ ભાવે ભગવાન સાથે જોડાવાનો અનુભવ છે. એમાં કોઈ ક્ષુદ્ર સ્વાર્થ કે અપેક્ષા નથી. એમાં વિષયાનન્દ હોય તો પણ એ અદ્ભૂત દૈવી વિષય છે. અને દેહ રહે ત્યાં સુધી વિષયો તો રહેવાના જ છે. જગતના વિષયોમાં જે ભોગાનન્દ છે એ સ્વાર્થ પ્રેરિત હોવાથી નિંદનીય છે. જ્યારે અહિં તો જગતનો ત્યાગ કરીને ગોપીભાવે પ્રભુ સાથેના મિલનનો આનન્દ માણવાની વાત છે. માટે એ શારિરીક છે કે અશરીરી એ ચર્ચામાં પડ્યા વિના એની સાથે તાદાત્મ્ય અનુભવવાની વાત છે. આ અનુભવ માનસિક હોવા છતાં કાલ્પનિક નથી. કારણ કે એ એકપક્ષીય નહિ પરંતુ દ્વિપક્ષી છે. ભક્તને પ્રેમની પરિતૃપ્તિ પ્રાપ્ત થાય છે. જેટલું ખેંચાણ ભક્તને ભગવાનનું છે એનાથી અનેકગણું ખેંચાણ ભગવાનને ભક્તનું છે.

જગતના વ્યવહારમાં જીવ ફરિયાદ કરે છે કે ભગવાન એનું સાંભળતા નથી. પરંતુ વાસ્તવિકતા એ છે કે ભગવાન જ્યારે પણ જીવોને ફોન કરે છે ત્યારે બધાના ફોન એંગેજ આવતા હોય છે. તમામ જીવો પોતાના બિઝનેસમાં બિઝી જ હોય છે. છતાં નિરાશ થયા વિના ભગવાન સતત ડાયલ કરતા જ રહે છે. આપણને વારંવાર હૃદયમાં જે સ્ફુરણાઓ થયા કરે છે એ ભગવાને આપણને કરેલા એસ.એમ.એસ. છે. આપણો ફોન બિઝી હોય એટલે ભગવાન એસ.એમ.એસ.થી કામ ચલાવી લે છે. અને આપણે કહીએ છીએ કે મને આમ સ્ફુર્યું ને મને તેમ સ્ફુર્યું. જો કે વણજોઈતા એસ.એમ.એસ. માટે આપણી ડી.એન.ડી. સેવા (ડુ નોટ ડિસ્ટર્બ)માં પણ ભગવાનનો નમ્બર સામેલ જ હોય છે. અને ભગવાને આવા અનાડી જીવનું કલ્યાણ કરવાનું છે, હાઉ ટફ ઈટ ઈઝ ફોર ગોડ ! ઉત્તરોત્તર વિકાસની પગથી ચડીને ભગવાન પાસે ગયેલો જીવ જ્યારે ભગવાનની જીવને મળવાની તત્પરતા, તાલાવેલી, આતુરતા, અધિરાઈ જુએ છે ત્યારે એ શરમાય છે. જીવને પશ્ચાત્તાપ થાય છે કે એણે ભગવાનને મિલન માટે કેટલી બધી રાહ જોવડાવી ! ભગવાન ઉપવાસી છે, એ માત્ર જીવના હૃદયનો ભાવ જ ખાય છે. આથી હજારો વર્ષો બાદ કોઈ એક જીવ પ્રભુ પાસે પહોંચે છે ત્યારે ભગવાન જીવના હૃદયના ભાવનો ફળાહાર કરે છે.

અધરામૃતપાનમાં પ્રેમની પરાકાષ્ટા છે. જીવ અને ભગવાન એકમેકમાં સમાઈ ગયેલા છે. મન, હૃદય અને શરીર બધું એકાકાર થઈ ગયું છે. જીવ અને ભગવાનની ગાઢ આલિંગન બદ્ધ અવસ્થા છે. ધ્યાનમાં માણવા મળતા આ આનન્દને છોડવા જીવ તૈયાર નથી. પરંતુ ભગવાન થોડો બળપ્રયોગ કરીને જીવને પોતાનાથી અળગો કરે છે. પ્રભુ જીવને કહે છે, આટલા બધા સ્વાર્થી બનવું સારું નહિ. તારે જગતમાં પાછા જવાનું છે. અન્ય જીવો પણ મને મળવા તત્પર બને એ માટે તેઓને તૈયાર કરવાના છે. તેઓ પ્રત્યેના મારા પ્રેમ વિશેની વાતો કરીને મને પણ તેઓ પ્રેમ કરતા થાય એ માટે કામ કરવાનું છે. જીવને પ્રભુથી અળગા થવું ગમતું તો નથી. તેમ છતાં અનિચ્છાએ એ ભગવાનથી છુટો થઈને ધ્યાનમાંથી બહાર આવે છે. છતાં એના દિલોદિમાગમાં પ્રેમનો નશો છવાયેલો છે. અધરામૃત પાનનો સ્વાદ હજી એને આવી રહ્યો છે. આથી એ ગાય છે: ‘અધરમ મધુરમ.’ પાછા પગલે ભગવાનથી થોડા દુર થયા બાદ એને પ્રભુનો ચહેરો દેખાય છે એટલે એ ગાય છે: ‘વદનમ મધુરમ.’ એમ હળવે-હળવે ભગવાનથી દુર થતાં-થતાં એને પ્રભુની આંખો, તેઓનું હસવું દેખાય છે. થોડા વધુ દુર થતાં પ્રભુના વસ્ત્રો, અંગભંગિમાઓ, ચાલવું વગેરે જોવા મળે છે. કેટલાક ચોવટિયાઓ મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ ગાયેલા મધુરાષ્ટકમ સ્તોત્રમાં ખણખોદ કરતા કહે છે કે એમાં ઓર્ડર જળવાતો નથી. અરે ભોપા, પ્રેમ શું પી.ટી.ની કસરત છે કે મિલિટરીની પરેડ છે, કે એમાં ઓર્ડર જાળવવાનો હોય ? જીવ ભગવાનને જેવા જુએ છે એવું એનું વર્ણન કરે છે. એમાં ભગવાનનો ફિઝિકલ ટેસ્ટ નથી લેવાનો કે પહેલા ભગવાનની હાઈટ માપે, પછી તેઓની છાતી માપે વગેરે વગેરે.

આપણા આચાર્યોએ રચેલા અનેક સ્તોત્રો તેઓના ધ્યાનયોગના અનુભવો છે. એને ગાઈને આપણે એ કક્ષાએ પહોંચવાનો પ્રયત્ન કરીએ એમાં કશું ખોટું નથી. કેટલાક વિદ્વાનો કોઈના રસ્તે ચાલવાને બદલે સ્વયંભૂ માર્ગ શોધવાની વાત કરે છે. પરંતુ ભક્તિમાર્ગ હોય કે જ્ઞાનમાર્ગ, અમને એ રસ્તે ગયેલા અને ભગવાનને ભેટેલા મહાપુરુષોને માર્ગે જવું ખુબ ગમે છે. એ બાબતને એંઠુ ચાટવાની ગણાતી હોય તો પણ અમને એ અતિપ્રિય છે. મહાપ્રભુ કહે છે: વમિતમ મધુરમ – પ્રેમની આ પરાકાષ્ટા નથી ? ભગવાનનું વમિત – વમન પણ મધુર છે ! ગીતામાં ભગવાન કહે છે: મમ વર્ત્માનુ વર્તંતે મનુષ્યા: પાર્થ સર્વશ: આપણે ઈચ્છાએ કે અનિચ્છાએ ભગવાનને જ અનુસરીએ છીએ. અરે, પ્રેમથી નહિ તો વેરથી પણ આપણે ભગવાનની જ ભક્તિ કરીએ છીએ. જો બેળે-બેળે પણ ભગવાન પાસે જ જવાનું હોય તો સ્વેચ્છાએ કેમ ન જવું ? દિવસભર વ્યવહાર કરતી વખતે મહાપુરુષોએ રચેલા સ્તોત્રો ગાતાં-ગાતાં કામ કરીએ તો ચોવીસ કલાક ભગવદ અનુસંધાન રહી શકે છે જે ધ્યાનમાં બેસતી વખતે ખુબ લાભદાયક નિવડે છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: