વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

ચિત્ત એકાગ્રતા માટે આપણે ઈષ્ટદેવની મૂર્તિ સમક્ષ બેસીએ છીએ, પ્રભુના જીવનપ્રસંગો વિશે તેમજ આપણે જ્યારે મુશ્કેલીમાં હતા ને એમણે સહાય કરીને આપણને ઉગાર્યા એના વિશે વિચારીએ છીએ. એ રીતે મનને જગતથી વિખુટું પાડીને એના કર્તા એવા ભગવાનમાં એને જોડવાનો પ્રયત્ન કરીએ છીએ. મૂર્તિના આકાર અને સાઈઝનું પણ સાયંસ છે. માણસને મણસનો આકાર જ અપીલ કરે, પશુનો નહિ. તેથી જ તો આપણને માર્ગદર્શન કરવા માટે અવતાર માણસના રૂપમાં આવીને જીવન જીવે છે. એ જ રીતે મૂર્તિની આદર્શ સાઈઝ આપણી પોતાની સાઈઝ જેટલી હોય તો એ ઉત્તમ ગણાય. પરંતુ વ્યવહારમાં એ શક્ય ન હોવાથી મૂર્તિની સાઈઝ બને તેટલી મોટી, ત્રણ ફુટની આસપાસની રાખવી જોઈએ. સામાન્ય માણસ માટે મૂર્તિના બદલે ચિત્રપ્રતિમા યોગ્ય રહે. કેટલાક અભ્યાસુ માણસોને પ્રશ્ન થાય છે કે સવારે ઉઠીને નિત્યકર્મ પતાવીને (સ્નાનશુદ્ધિ આદિ કર્યા બાદ) ચિત્ત એકાગ્ર કરવા બેસવું કે ઉઠીને તરત જ બેસી જવું. ઉંઘ સારી રીતે આવી હશે તો સવારે ઉઠ્યા બાદ શરીર તેમજ મનમાં સ્ફૂર્તિ જણાશે. વળી એ સમયે જગતનો કોઈ વિષય મનને ખલેલ પહોંચાડતો નહિ હોવાથી મન તાજું હશે. આવું મન તરત જ ભગવાન સાથે જોડાઈ જાય છે. મુખની દુર્ગંધ ન આવતી હોય તો મુખશુદ્ધિ કર્યા વિના પણ ચિત્ત એકાગ્રતા માટે બેસી શકાય અને માત્ર કોગળા કરીને પણ મૂર્તિ સમક્ષ બેસી શકાય. જો તમે સ્નાનાદિ કાર્યો કરવા જશો ને એ માટે જે સાધનો ઉપલબ્ધ કરવા પડશે, એ માટે ઘરના અન્ય સભ્યોની મદદ લેવી પડે તો મન બીજા અનેક વિષયો પકડી બેસશે. ઘણીવાર એવું પણ બને કે સ્નાન કર્યા બાદ ભુખ લાગી જાય અને ચા-નાસ્તો કર્યા બાદ બીજું કંઈ કરવામા મન લાગે. કોઈ તો વળી એવું કહે કે એને ઉઠ્યા બાદ તરત કંઈ ને કંઈ ખાવા જોઈએ. તો કોઈને વળી એવું પણ હોય કે ઉઠ્યા બાદ પેટ સાફ કરવા જવું પડે. માટે ચિત્ત એકાગ્રતાનો કોઈ નિયમ હોતો નથી. પ્રસન્ન મન લઈને ભગવાન સાથે બેસવું. પ્રિયતમાને મળવા જતા હોઈએ ત્યારે મુડનો કેવો ખ્યાલ રાખીએ છીએ !

બીજી એક સૌથી અગત્યની વાત એ છે કે ભગવાનને આપણો વર્કિંગ પાર્ટનર બનાવવો પડે. એ આપણો પાર્ટનર તો છે જ. પરંતુ એ વાત માન્ય કરીને આપણી તમામ આવકમાં એને ભાગીદાર બનાવવો પડે અને એનો ભાગ દર મહિને અથવા વર્ષે જુદો રાખી દેવો પડે. એની શક્તિ વિના એકલા આપણે કંઈ પણ કરવા શક્તિમાન નથી. આથી સમાજમાં કોઈ શ્રેષ્ઠ કાર્ય ચાલી રહ્યું હોય એમાં એનો ભાગ આપી દેવો પડે અને એ પણ પોતાના નામથી નહિ પરંતુ એના નામથી ! એને દાન ન કહેવાય ! આપણા જીવનમાં 90% કાર્ય ભગવાનની શક્તિથી અને 10% કાર્ય આપણી શક્તિથી થાય છે તેથી આવકનો 90%નો હિસ્સેદાર ભગવાન ગણાય. તેમ છતાં આપણા શાસ્ત્રકારોએ આપણી સંસાર પ્રત્યેની જવાબદારી માન્ય કરીને આવકમાં 90% હિસ્સો આપણો અને 10% હિસ્સો ભગવાનનો ગણ્યો છે. આ રીતે ભગવાન આપણા સુખ-દુ:ખનો હિસ્સેદાર બને છે અને એના મસ્તિષ્કમાં/હૃદયમાં આપણો અવાજ પરિચિત બને છે. એ આપણને ઓળખવાનું શરૂ કરે છે. અલબત્ત એનો ભાગ કાઢવાનું શરૂ થાય ત્યાર બાદ જ ચિત્ત એકાગ્ર કરવા બેસાય એવું કાંઈ નથી. આ તો આ રસ્તે ચાલતાં જે કાર્યો કરવાના આવે છે, જીવનને જે વળાંક આપવાનો થાય છે એની ચર્ચા ચાલી રહી છે.

મન જ્યારે મૂર્તિને નિરખે છે, એના જીવન વિશે ચિંતન કરે છે ત્યારે મન એ મૂર્તિનો આકાર લેવા લાગે છે. માત્ર શારિરીક જ નહિ પરંતુ એ ચરિત્રના ગુણો પણ મન સ્વીકારે છે. આપણે જાણીએ છીએ કે પતંગિયુ, મધમાખી તેમજ ભમરો ઈયળ તરીકે જન્મે છે અને પોતાની માતાના રૂપનું ચિંતન કરતાં-કરતાં એના શરીરમાં પાંખો ફુટે છે. તેમ ચિંતન આપણને પણ આદર્શ ગુણ સંપન્ન બનાવે છે અને એના જેવા શક્તિ-સામર્થ્યથી ભરપૂર આપણને બનાવે છે. ચિત્રમાં જે સ્થિર મૂર્તિ છે એના સૌમ્ય હાસ્યને નિરખવાથી, એના પ્રત્યે પ્રેમ કેળવવાથી, એ મૂર્તિને આકર્ષક, જીવન માટે માર્ગદર્શક અને આવશ્યક બનાવીએ ત્યારે એની સાથે ભાવાત્મક સંબંધ કેળવાય છે. મૂર્તિ સાથે વાતો કરવાનું મન થાય છે. આ ગાંડપણ નથી. જીવ અને ભગવાનનો અંગત સંબંધ આ રીતે જ શરૂ થાય છે. જેમ બાળક ઘરની બહાર જે કંઈ પણ બને છે એ બધું જ ઘરે આવતાંની સાથે જ પોતાની બાને કહેવા માંડે છે તેમ ચિત્ત એકાગ્ર કરવાની તાલાવેલી વાળો જીવ પણ, ક્યારે સવાર પડે ને ભગવાન પાસે બેસું ને એની સાથે વાતો કરું એની રાહ જોતો થઈ જાય છે. સાધનામાં જેમ-જેમ આગળ વધાય એમ-એમ નવા-નવા અનુભવો થતાં જાય છે. પરંતુ આગળ વધેલા સાધકે નવા સાધકને પોતાના અનુભવો કહેવાના હોતા નથી. કારણ કે આ માર્ગમાં સૌના અનુભવો જુદા-જુદા હોય છે. બીજું એક મહત્વનું કારણ એ પણ છે કે નવા સાધકને આગળ વધેલા સાધકે કહેલા અનુભવો ન થાય તો એનામાં નિરાશા આવી જાય છે ને એની સાધના છુટી જાય છે. આવું ન બને એ માટે બધાએ મૌન રહેવાનું હોય છે. કોલેજીયન ટીમ કોઈ કેમ્પમાં ગઈ હોય ને એ દરમિયાન કોઈ યુવક અને યુવતી એકબીજાને ગમવા લાગે, આંખોથી પ્રસ્તાવ ને પરસ્પર એકરાર થઈ જાય છતાં કોઈને એ વાતની જાણ કર્યા વિના મૌન રહીને, અંતરમાં જ એનો આનન્દ માણ્યા કરે અને ધન્યતા અનુભવ્યા કરે તેમ !

છતાં એક વાત કહેવાનું મન થાય છે કે મૂર્તિ તરફથી પ્રતિભાવ મળવાની શરૂઆત એના તરફથી મળતા સ્મિતથી થાય છે. જો કે એ પહેલા મૂર્તિના જીવનચરિત્રના ચિંતનને પરિણામે આપણી નજર સામે ઉભેલી કે બેઠેલી સ્થિર મૂર્તિને આપણે તમામ પ્રસંગોમાં હાલતી-ચાલતી, દોડતી, તમામ દિવ્ય-ભવ્ય કાર્યો કરતી મનની આંખથી જોતા થઈએ છીએ. શરૂઆતમાં તો આપણી એવી સ્થિતિ હોય છે કે મૂર્તિને જોતાં રહેવામાં આંખો થાકી જાય છે. મૂર્તિને મનમાં સમાવવા આંખો બંધ કરીને માનસપટલ પર એનું ચિત્ર છાપવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે અન્ય ચિત્ર-વિચિત્ર આકારોને જ મન પકડી બેસે છે. ધીરજ રાખીને મનમાં મૂર્તિને સ્થિર કરવાનો પ્રયત્ન કરવાનો રહે છે ત્યારબાદ એને ગતિમાન કરવાની છે. સ્થિર મૂર્તિ ચિત્ત એકાગ્રતા દરમિયાન ગતિમાન બને છે, કૃષ્ણપ્રભુને એમના જીવન દરમિયાન સંપર્કમાં  આવેલા પાત્રો સાથે સંવાદ કરતા આપણે નિહાળીએ છીએ તેમ તેઓની સાથે વાતો કરી રહેલા એવા આપણને પણ સાંભળવામાં પ્રભુને રસ છે એવું આપણને જણાય છે. ત્યારબાદ મૂર્તિ હળવા સ્મિત દ્વારા આપણને પ્રતિભાવ આપવાનું શરૂ કરે છે. એ આપણી સાથે સંવાદો પણ કરે છે. આવો અનુભવ જેને નથી એવા આપણે બધાય સવારે પ્રાત: પ્રાર્થના કે સંધ્યાકાળે સાયંપ્રાર્થના કરવા બેસીએ છીએ ત્યારે કે દિવસ-રાત્રીના ગમે ત્યારે આપણા હૃદયમાં કંઈ ને કંઈ સ્ફુરણાઓ થયા કરે છે ત્યારે આપણને લાગે છે કે ‘મને આમ સૂઝ્યું’ ને ‘મને તેમ સૂઝ્યું’, ‘મને આવો વિચાર આવ્યો’ ને ‘મને તેવો વિચાર આવ્યો’, તે શું ? આપણા હૃદયમાં બેઠેલો ઈશ્વર આપણા કોઈ જ પ્રયત્ન વિના આપણને પ્રેરણા કરે છે તેથી આ બધું થાય છે. અને આપણને સહુને એનો અનુભવ છે જ. તો સાધક તરીકે એની સાથે ગાઢ સંબંધ બાંધ્યા બાદ એ વધુ સ્પષ્ટ રીતે આપણી સાથે વાતો કરે એ સંભવ છે જ. આ સંબંધ આગળ જતાં માલિક-મજૂર, શેઠ-નોકર, પિતા-પુત્ર, મિત્રતા, પ્રિયતમ-પ્રિયતમા અને છેલ્લે પતિ-પત્ની સુધીની મધુરતામાં પરિણમે છે. ખલેલ પડ્યા વિના અડધો કલાક સુધી સતત ચિત્ત એકાગ્રતા થવા લાગે ત્યારબાદ ગોપીભાવે ભગવાન કૃષ્ણ સાથે જીવની રાસલીલા શરૂ થાય છે. મધુરાભક્તિ પ્રકરણમાં મધુસૂદન સરસ્વતી જેવા ભક્તશિરોમણી એના વિશે ઘણી રહસ્યાનુભવોની વાતો કરે છે. ભારે નાસ્તો થઈ ગયો હોય ને ચિત્ત એકાગ્રતા કરતાં-કરતાં ઝોકું આવી જાય ને અડધા કલાક બાદ જાગીને એવું કહીએ કે રાસલીલા શરૂ થવાની તૈયારી જ હતી ત્યાં ભગવાને ગેટપાસ માંગ્યો, એ ન હોવાથી પાછો પૃથ્વી પર મોકલી દીધો. માટે મારું ધ્યાન ભંગ થયું – તો એ દંભ કહેવાય.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: