વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

માનવ મશાલ આકૃતિનો ફોટોગ્રાફ : લિંક

http://www.facebook.com/photo.php?fbid=486321541405207&set=a.261661610537869.61394.100000820965479&type=1&theater

વિવેકાનંદનું 150મું જન્મજયંતિ વર્ષ ગુજરાતમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે. યુવા-ચેતના જાગૃતિ માટે મુખ્યમંત્રી માનનીય શ્રીનરેન્દ્રભાઈ મોદીએ વિવેકાનન્દ વિકાસયાત્રા શરૂ કરાવી. દેશની એકતા અને અખંડિતતા માટે યુવાનોની સર્જનશીલતાને કામે લગાડવાનો આ સચોટ પ્રયાસ છે. સાર્ધશતિ વર્ષ શરૂ થયા બાદ અનેક કાર્યક્રમોની વણઝાર જે રીતે સંપન્ન થઈ રહી છે એ જોતાં લાગે છે કે દુનિયાભરમાં સાંસ્કૃતિક ક્ષેત્રે ગુજરાત અગ્રેસર બનવા જઈ રહ્યું છે. વડોદરાની ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમની જી.એસ.ઈ.બી. અને સી.બી.એસ.ઈ. શાળાઓની એક ચેઈન એવી બી.આર.જી. ગ્રુપની તમામ શાળાઓ દ્વારા એક અનોખો વર્લ્ડ રેકોર્ડ રચાઈ ગયો. સ્વામિ વિવેકાનન્દે વૈદિક વિચાર ક્રાંતિની જે મશાલ પ્રજ્વલિત કરી તેનો પ્રકાશ સમગ્ર વિશ્વમાં ફેલાયો. એના પ્રતીકસમી એક માનવમશાલના આકારની રચના એ શાળાઓના લગભગ 1600થી વધુ વિદ્યાર્થીઓએ આશરે 13 મિનિટ સુધી પોતાની જગ્યાએ જરાય હલ્યા વિના સ્થિર ઉભા રહીને મેદાનમાં કરી. 130 ફુટ ઉંચી ક્રેનમાંથી આ ઘટનાનું એ રીતે એરિયલ પિક્ચર લેવામાં આવ્યું કે જેથી બારકોડ દ્વારા સ્કેન કરીને રજીસ્ટર્ડ કરાયેલા વિદ્યાર્થીઓ સ્ટેંડ બાય મોડમાં માનવ મશાલની આકૃતિરૂપે દેખાય. મશાલના જુદા-જુદા શેડિંગ માટે એબીસીડી લાઈંસ તૈયાર કરીને બાળકોને રિવર્સ નંબરિંગ આપીને વિવિધ કલર્સના પહેરવેશ દ્વારા પોઝિશનિંગ લેવડાવ્યું હતું. જુદા-જુદા શેડ્સના પહેરવેશમાં સજ્જ બાળકો એક સાથે  ‘સ્વામિ વિવેકાનન્દ તુમ્હે બુલાતે હૈ, ઉઠો જવાન’ ગીતની ધૂન પર નક્કી કરેલી રૂપરેખા મુજબ મેદાનમાં પ્રવેશ, આકૃતિરચના, સ્થિતિ તેમજ એક્સિટ કરી ગયા.  (ગિનિઝ બુકમાં વિદ્યાર્થીઓની સંખ્યા 1538, આકૃતિનો રચના ગાળો 8 મિનિટ, 43 સેકંડ્સ, મશાલની લંબાઈ 186 ફુટ અને પહોળાઈ 84 ફુટ નોંધાઈ છે.) અગાઉ ‘હ્યુમન ઈમેજ કેટેગરી’માં પાંચ મિનિટ માટે 1100 જેટલી સંખ્યામાં પંજાની આકૃતિનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે.

હ્યુમન ટોર્ચ કેટેગરીમાં આ રેકોર્ડ સ્થાપિત કરવા માટે આ શાળાઓના ભાગ લેનાર બાળકોએ બારથી વધુ દિવસની રોજના ચાર કલાકના હિસાબે પ્રેક્ટિસ કરી. બાળકોએ એ માટે અદ્ભૂત શ્રમ કર્યો. વર્લ્ડ રેકોર્ડ કાયમ કરતી વેળાએ સહેજ પણ હલી ન જવાય એની સખત પ્રેક્ટિસના ભાગ રૂપે બાળકો દરરોજ ટુકડે-ટુકડે ચાર વખત અડધો કલાક સ્થિર ઉભા રહેવાનો પ્રયત્ન કરતા હતા. આ પરિશ્રમ દરમિયાન સતત શાળાના શિક્ષકો તેમજ સ્વયંસેવકોની ટીમ અને ડોક્ટર્સનું માર્ગદર્શન ઉપલબ્ધ હતું. તેઓની ચાંપતી નજર બાળકો પર મંડાયેલી રહેતી. કોઈ બાળક જરાક પણ અસ્વસ્થ જણાય તો શિક્ષકોની નજરમાંથી બચી શકતું નહિ. તરત જ એ બાળક પાસે પહોંચી જઈને એની તકલીફ વિશે એને પૂછવામાં આવતું. જો એને અશક્તિ જેવું જણાય તો ડ્રાય ગ્લુકોઝ પાવડર, લીંબુ શરબત તેમજ અન્ય શક્તિવર્ધક જ્યુસ આપવામાં આવતા. આરામ કરવાની જરૂર જણાય તો એને માટે આરામની પણ સગવડ હતી. આ રીતે બાર દિવસની મહેનત દરમિયાન જે સ્થળે વર્લ્ડ રેકોર્ડ સર્જવાનો હતો એ સ્થળે પણ એક દિવસ ઘટનાનું ફાયનલ રીહર્સલ કરવામાં આવ્યું. ત્યારબાદ સ્વામિ વિવેકાનન્દના જન્મદિવસે 12 જાન્યુઆરી 2013ના રોજ વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલા સ્ટેડિયમમાં વહેલી સવારે 6:00 કલાકે શિયાળાની કડકડતી ઠંડીમાં ભાગ લેનાર 1650 જેટલા બાળકો, તેઓના વાલીઓ ઉપરાંત એ વિદ્યાર્થીઓને ચીઅરઅપ કરવા તેઓના શાળાઓના સાથી મિત્રો તેમજ સહાધ્યાયી બહેનો: એ બધા પણ હાજર થઈ ગયા હતા. વડોદરા શહેરના સાંસદો, ધારાસભ્યો, કોર્પોરેશનના મેયરશ્રી, સત્તાપક્ષના-વિપક્ષના નેતાઓ, પોલીસ કમિશનર, કલેક્ટર વગેરેની સાથે બી.આર.જી. ગ્રુપના હોદ્દેદારો પણ ઉપસ્થિત હતા. ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, લંડનની ટીમના સભ્ય રિચાર્ડ વિલીયમ્સ સ્ટેનિંગ પણ ઘટનાના નિરીક્ષણ માટે હાજર હતા. તેઓએ રેકોર્ડમાં નોંધ્યું કે રેકોર્ડ સ્થાપનારી સંસ્થાએ વર્લ્ડ રેકોર્ડ માટેની ઘણી જ અઘરી ગાઈડલાઈનને સફળતાપૂર્વક ફોલો કરીને સંતોષજનક કામગીરી કરી છે.

શહેરની 250 શાળાઓના બાળકોએ 15 કિલોમીટરથી વધુ લાંબુ ચિત્ર દોરીને વર્લ્ડ રેકોર્ડની દાવેદારી કરી, લિંક:

http://www.facebook.com/photo.php?fbid=486428204727874&set=pcb.486428898061138&type=1&theater

બીજા એક અનોખા વર્લ્ડ રેકોર્ડની સ્થાપના માટે 3 ફેબ્રુઆરી, 2013ના રોજ, જે દિવસે તિથિ મુજબ પોષ વદ સાતમ વિવેકાનદજીનો જન્મ દિવસ છે, વડોદરા શહેરની 250 શાળાઓના 30000થી વધુ બાળકોએ પોતાની સાથે 60000 જેટલા વાલીઓ, નગરજનોની ઉપસ્થિતિમાં સ્વામિ વિવેકાનન્દના જીવનપ્રસંગો પર આધારિત 15 કિલોમીટર લાંબુ ચિત્ર સર્જ્યું. વહેલી સવારે 6:00 કલાકથી વડોદરા શહેર તેમજ તેની આસપાસના તાલુકા સ્થળોએથી હજારોની સંખ્યામાં ટુ વ્હીલર્સ, સેંકડો ફોર વ્હીલર્સ, 300 જેટલી સ્કૂલબસો દ્વારા માનવમહેરામણ શહેરના અતિ વિશાળ એવા સમતા ગ્રાઉંડ, સુભાનપુરામાં ઠલવાવા માંડ્યો. કોઈને સરનામુ પૂછવાની જરૂર જ ન હતી. બસ, માત્ર આગળ જોઈને હાંકે જાઓ, નિશ્ચિત સ્થળ પર પહોંચી જશો, એ નક્કી હતું. શહેરના મોટા રસ્તાઓ પર ટ્રાફિક જામ ન થઈ જાય એ માટે પોલીસ જવાનો વહેલી સવારથી જ દરેક નાના-મોટા ચાર રસ્તા પર હાજર હત, જે ટુ વ્હીલર્સને અલગ રસ્તે અને ફોર વ્લીલર્સને અલગ રસ્તે તેમજ ભારે વાહનોને જવા માટે અલગ રસ્તે વાળતા હતા. તમે વિચાર કરો, 60000 જેટલા લોકોને લઈ આવતા વાહનો શહેરના એક જ વિસ્તારના એક જ રસ્તા પર ઠલવાય છતાં જરાય અટક્યા વિના ટ્રાફિક ગતિ કરતો રહે એવું બને ખરું ? બરાબર સાતના ટકોરે વર્લ્ડ રેકોર્ડ સર્જવામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓએ પોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું હતું. આવી વ્યાપક ઘટનાની સફળતા માટે પડદા પાછળ અસંખ્ય માનવ હૃદયો તેમજ બુદ્ધિઓ પોઝીટીવલી કાર્યરત હોય છે, ખુબ વિચારપૂર્વકના આયોજનો થતાં હોય છે. દસકા અગાઉ ગુજરાતમાં તેમજ ભારતમાં શિક્ષણક્ષેત્રે અનેક પરિપત્રો બહાર પડતા જ હતા પરંતુ ઘણેભાગે એ યોજનાઓ કાગળ પર રચાઈને કાગળ પર સાકારિત થતી આપણે જોઈ છે. પરંતુ હવે ઘટનાઓ સિદ્ધ થઈ રહી છે, જેની પ્રેરણા સહુને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રીનરેન્દ્રભાઈ મોદીની વિશુદ્ધ ભાવના દ્વારા પ્રાપ્ત થઈ રહી છે.

સવારે આઠના ટકોરે વિદ્યાર્થીઓએ ચિત્ર બનાવવાનું શરૂ કર્યું ને બે કલાકના નિષ્ઠાવાન પ્રયત્નો દ્વારા એ સિદ્ધ પણ થયું. 15 કિલોમીટર લાંબા ચિત્રના સર્જનને લગતી સમગ્રઘટનાનો એરિયલ વ્યૂ એટલે કે 150 ફુટની ઉંચાઈએથી ફોટોગ્રાફ્સ લેવા માટે રિમોટ કંટ્રોલ્ડ એરક્રાફ્ટ સ્કિમરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 2.5 કિલો વજનના, 4.5 ફુટની લંબાઈના બે વિંગ્સના 6 ફુટ પહોળા સ્કિમરમાં એક કેમેરો હોય છે, જે તસવીરને વાયરલેસ ટ્રાંસમિશન ટેક્નોલોજી થ્રુ વિમાનમાંથી જમીન પર કોમ્પ્યુટરમાં મોકલે છે. વધુમા વધુ 150 ફુટ ઉંચે સળંગ 15 થી 20 મિનિટ ઉડી શકતા તેમજ હાથમાંથી ટેક ઓફ કરતાં અને 100 ફુટની સપાટ ખુલ્લી જમીન પર લેંડિંગ કરી શકતા આ વિમાનની કિંમત 10 થી 15 લાખ આંકવામાં આવે છે. સાત્વિક કાર્ય માટે સજ્જનો જોડાય છે ત્યારે પ્રકૃતિ પણ સહાય કરવા તૈયાર હોય છે. 30000 બાળકોને ચિત્રને રંગવા માટે પેઈંટ કલરનો ખર્ચ 80 લાખ જેટલો થાય એમ હતો. પરંતુ જાણીતા રંગ ઉત્પાદકના બદલે અન્ય એક ઉત્પાદકે એ જ ક્વોલિટીનો રંગ માત્ર 10 લાખમાં ઉપલબ્ધ કરાવી દીધો. અલબત્ત એના પેકિંગ વગેરેની કામગીરીમાં ઘણા સેવાભાવી યુવાનો નિસ્વાર્થભાવે જોડાયા હતા.

સારી ઘટના બની રહી હોય ત્યારે સહુની શુદ્ધ ભાવનાનો અહેસાસ થયા વિના રહેતો નથી. પાર્કિંગ સ્થળેથી મેદાનમાં પોતાનું સ્થાન લેવા બાળકો બે-બેની હરોળમાં શિસ્તબદ્ધ ચાલતા જઈ રહ્યા હતા. ત્યાં હાજર એક પણ બાળકે નાસ્તાના પેકેટ માટે કોઈ ગેરવ્યવસ્થા કરી ન હતી. ઘરેથી સવારે પાંચ કલાકે નિકળેલો બાળક દસ વાગે કેટલો ભુખ્યો થયો હોય ! છતાં કોઈ બાળકની નાસ્તા પર નજર ન હતી એટલા બધા તેઓ પોતાના ભાગે આવેલા ચિત્રને રંગવામાં તેમજ પોતાના સર્જનને નિરખવામાં વ્યસ્ત હતા. વિવિધ અખબાર કંપનીઓએ હજારો કોપીઝ ત્યાં ઉપસ્થિત સૌને વાંચવા માટે ફ્રીમાં વિતરીત કરી હતી. આપણે રાહ જોઈ રહ્યા છીએ કે આ ઘટનાની નોંધ પણ લંડનની ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સંસ્થા દ્વારા લેવાય અને એક વધુ વર્લ્ડ રેકોર્ડ વડોદરાની શાળાઓને પ્રાપ્ત થાય. વિશુદ્ધ ચરિત્ર એવા સ્વામિ વિવેકાનન્દના માધ્યમથી બાળકોને વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખવાથી તેઓ ન ખબર પડતાં વિવેકાનંદમય બને છે અને તેઓના અજાગ્રત-અર્ધજાગ્રત મનમાં વિવેકાનંદ છવાઈ જાય છે. આથી સમાજની ઘણી બધી બદીઓથી તેઓ દુર રહે છે. વળી સહજતાથી બાળકોના મનમાં તેમજ જીવનમાં વિવેકાનન્દના વિચારો સ્થાન પામે છે જે તેઓના ભાવિ વિકાસને નક્કર બનાવે છે અને આ જ બાળકો ભારતની એકતા અને અખંડિતતાની સ્થાપનાને મજબૂત કરવામાં પોતાનું ચોક્ક્સ યોગદાન અતિ સહજ રીતે આપે છે. આપણે આશા રાખીએ કે સમગ્ર વર્ષ દરમિયાન ગુજરાત રાજ્યની વિવિધ સંસ્થાઓ તરફથી આપણને વધુ ને વધુ સર્જનાત્મક કાર્યોની સુગન્ધ માણવા મળે !

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: