વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

મહાભારત યુદ્ધની વાતો કરતા પહેલા કૌરવો-પાંડવોના પૂર્વજોની વાત કરીએ. વેદમાં જેનો ઉલ્લેખ છે એવા મહાન ઋષિ વસિષ્ઠનો પુત્ર શક્તિ. અને શક્તિનો પુત્ર પરાશર. પરાશરે વૈદિક જ્ઞાનમાં અદ્ભૂત વિકાસ અને વૃધ્ધિ કર્યા છે. તેઓએ રચેલો સ્વતંત્ર પરાશર સ્મૃતિગ્રંથ પણ છે. આ પરાશર નદિકિનારે વિહાર કરી રહ્યા હતા ત્યારે નાવ ચલાવતી મત્સ્યગંધા નામની છોકરીને જોઈને એની તરફ આકર્ષાયા. એ મત્સ્યકન્યાનું નામ સત્યવતી હતું. એના શરીરમાંથી શ્વાસોચ્છવાસ દરમિયાન માછલીની ગંધ આવતી હોવાથી એ પરેશાન હતી. માછીમાર ખારવાને ત્યાં ઉછરેલી કોઈ માછીમાર કન્યા હોય તો એ પોતાની ગંધથી હેરાન થાય નહિ. પરંતુ હકીકતમાં ચેદી દેશના રાજાનો ચંદ્રિકા નામની અપ્સરા સાથે સંબંધ થવાથી સત્યવતીનો જન્મ થયો હતો. અપ્સરા કોઈ દિવસ પોતાના સંતાનનો ઉછેર કરે નહિ. વિશ્વામિત્ર-મેનકાનું સંતાન એવી શકુંતલાની વાત આપણે જાણીએ છીએ. આથી રાજાએ સત્યવતીના ઉછેરનું કાર્ય ખારવાને સોંપ્યું હતું. આ સત્યવતી અને પરાશર ઋણાનુબંધના કારણે એકબીજાની પાસે આવે છે. બન્ને લોકોત્તર છે: પરાશર જ્ઞાનના ક્ષેત્રમાં તો સત્યવતી સૌંદર્યના ક્ષેત્રમાં. તેઓ પરસ્પર શરીરસંબંધથી જોડાય એ પહેલા વિચારવંત સત્યવતી પરાશરને કહે છે: ‘આપ સદાને માટે જ્ઞાનના વિકાસકાર્યમાં અતિવ્યસ્ત રહો છો આથી આ પળે મળ્યા બાદ આપણે ફરીથી ક્યારેય મળી શકવાના નથી. જ્યારે મારે કોઈ રાજકુમાર સાથે લગ્ન કરીને જીવન પસાર કરવાનું બનશે. આપ મને એવું વરદાન આપો કે જેથી આપની સાથે સંબંધ કર્યા બાદ પણ હું ફરીથી કૌમાર્ય પ્રાપ્ત કરું. મારું કૌમાર્ય અક્ષત રહેવું જોઈએ.’ આજનું મેડિકલ સાયંસ જે વાતને માન્ય નથી કરતું એવી વાત પોતાના તપ:સામર્થ્યથી પરાશરે સિદ્ધ કરી છે અને સત્યવતીને અખંડ કૌમાર્ય બક્ષ્યું છે.

મને લાગે છે કે આ મુદ્દે સ્મૃતિ મહત્વનો ભાગ ભજવે છે. પુનર્જન્મ થાય ત્યારે જુનું શરીર અને જુની સ્મૃતિનો નાશ થાય છે તેની સાથે પૂર્વજન્મમાં થયેલા કૌમાર્યના ખંડીતપણાનો પણ નાશ થાય છે અને નવું કૌમાર્ય ફરીથી મળે છે. જો સ્ત્રીને આ જન્મે શરીરસંબંધની વિસ્મૃતિ થાય તો એને કૌમાર્ય પણ પુન: પ્રાપ્ત થઈ જ જાય. કારણ કે શરીર હંમેશા મનના પ્રભાવમાં પરિવર્તન પામે છે. સાથે-સાથે પરાશરે સત્યવતીના શરીરની દુર્ગંધ દુર કરીને એને સુગન્ધીત બનાવી છે. બે મહાન આત્માઓના શારિરીક મિલનનું પરિણામ એટલે મહર્ષિ વેદવ્યાસ. જેમણે અઢાર પુરાણો, બ્રહ્મસૂત્રો, જેમાં લાખ ઉપરાંત શ્લોકો છે એવા મહાભારત ગ્રંથની રચના કરી એટલું જ નહિ, વેદના ચાર ભાગ કરીને એના સંકલનનું મહાન કાર્ય કર્યું જેથી આજે પણ વેદો સચવાઈ રહ્યા છે. આવી સત્યવતીને એક કાળે હસ્તિનાપુરનો કુરુકુળનો રાજા શાંતનુ જુએ છે અને પ્રથમ દૃષ્ટિએ એના પ્રેમમાં પડે છે. આપણે જાણીએ છીએ કે સત્યવતી વિચક્ષણ બુદ્ધિની સ્ત્રી છે. એ ઝટ કોઈની વાતમાં આવી જતી નથી. શાંતનુંના લગ્નના પ્રસ્તાવ પર પણ એ ગંભીરતાથી વિચાર કરે છે. અને શાંતનું સમક્ષ કેટલીક શરતો મુકે છે જેનું પાલન કરવું શાંતનું માટે શક્ય નથી હોતું.

શાંતનુની પહેલી પત્ની ગંગાએ આઠ પુત્રોને જન્મ આપ્યો. ગંગાએ શાંતનું સાથે લગ્નપૂર્વે શરત કરી હતી કે લગ્ન બાદ શરીરસંબંધના પરિણામે જે બાળક જન્મે એનું ગંગા કંઈ પણ કરે, શાંતનુએ એ પુત્રો વિશે ગંગાને કંઈ પૂછવું નહિ. સાત-સાત પુત્રોને નદીમાં વહાવી દીધા છતાં શાંતનુએ ગંગાને કંઈ કહ્યું નહિ પરંતુ ગંગાને એના આઠમા પુત્રને નદીમાં વહાવતા શાંતનુએ રોકી. આથી શરત પ્રમાણે ગંગા શાંતનુને છોડીને ચાલી નિકળી. એ આઠમો પુત્ર એટલે દેવવ્રત, જેને આપણે ભીષ્મ તરીકે જાણીએ છીએ. ગંગાના એ આઠેય શાપીત પુત્રો વાસ્તવમાં વસુઓ હતા. વસુ એટલે સ્વર્ગના દેવતાઓ. તેઓને પૃથ્વી પર જીવન વીતાવવાનું વધુ કષ્ટ સહન ન કરવું પડે એ માટે સ્વર્ગના દેવતાઓ દ્વારા નક્કી થયું હતું કે તેઓના જન્મ બાદ તરત જ એને ગંગા દ્વારા નદીમાં વહાવી દેવા. પૃથ્વી પર કોઈનો પુત્ર/પુત્રી નાનપણમાં ગુજરી જાય તો શોક ન કરતા એની ભગવાનને વધુ જરૂર છે એમ વિચારવું. કોઈ શાપના કારણે એને પૃથ્વી પર આવવાનું બન્યું હોઈ શકે. જ્ઞાનથી સર્વ દુ:ખોનો નાશ થાય છે. પૃથ્વીવાસીઓ ઘણેભાગે અજ્ઞાનથી દુ:ખી થાય છે. અહમ અને મમત્વના કારણે અન્ય જીવ કે ચીજવસ્તુઓ સાથેના એટેચમેંટથી તમામ દુ:ખો આવી પડે છે. વસુદેવ અને દેવકીના સાત સંતાનોને કંસે મારી નાંખ્યા આથી તેઓ દુ:ખી થયા. પરંતુ નારદ જાણતા હતા કે સાતેય જીવોને જન્મમાત્રના કષ્ટ બાદ તુરંત સ્વર્ગમાં મોકલી દેવાના છે આથી તેમણે કંસને એવી જાણ કરી કે ‘વસુદેવ-દેવકીનો આઠમો પુત્ર તને મારશે.’

શાંતનુની વ્યથા એના મહાન પુત્ર દેવવ્રતની છાની ન રહી. પિતા-પુત્રના સંવાદથી સત્યવતીની શરતો અંગે ચર્ચા થઈ. સત્યવતીની માગણી હતી કે શાંતનુના સત્યવતીથી થયેલા પુત્રને રાજગાદી મળે. વળી એ રાજગાદી નિષ્કંટક હોવી જોઈએ. અર્થાત શાંતનુના અન્ય કોઈ સ્ત્રી સાથે લગ્ન ન થવા જોઈએ જેથી રાજ્યગાદીમાં ભાગ પડાવનાર કોઈ વારસદાર ભવિષ્યમાં ઉભો ન થાય. વળી શાંતનુની અગાઉની પત્ની ગંગાથી થયેલ પુત્ર દેવવ્રતનું શું ? દેવવ્રત રાજ્યગાદીમાં હિસ્સો માંગે તો ? દેવવ્રતે રાજ્ય સિંહાસન પર નહિ બેસવાનું વચન આપ્યું. પરંતુ દેવવ્રત લગ્ન કરે અને એના સંતાનો વારસો માંગે તો ? આથી દેવવ્રતે મહાભીષણ પ્રતિજ્ઞા કરી કે પોતે આજીવન કુંવારા રહેશે. આથી દેવવ્રત ‘ભીષ્મ’ તરીકે ઓળખાયા. સત્યવતીએ ભીષ્મને વળી એક વચને બાંધ્યા કે હસ્તિનાપુરની રાજગાદી પર સત્યવતીના જે પુત્ર-પૌત્ર બેસશે એની સર્વ રીતે રક્ષા કરવાનું કાર્ય ભીષ્મ કરશે. આમ આ હોંશિયાર બાઈએ શાંતનુના પ્રેમને સારી રીતે વટાવ્યો. પુરુષોએ સુન્દર સ્ત્રીનું બહુ આકર્ષણ રાખવું નહિ. કારણ કે એનો વટાવ બહુ ભારે ચુકવવાનો થાય છે. તમામ ધન સંપત્તિ ગુમાવવી પડે, પારિવારિક શાંતિ ચાલી જાય, કાયદેસરની પત્ની તેમજ પુત્રો/પૌત્રોને ભારે અન્યાય થઈ જાય એવું ઘણું બધું બને.

જો કે કુદરતે સત્યવતીને એની ચાલાકીની ભારે સજા કરી. અગાઉ પરાશર સાથે શરીરસંબંધ કરી ચુકેલી સત્યવતીનો શાંતનુ સાથે સંબંધ થતાં એને વિચિત્રવીર્ય નામના સંતાનની પ્રાપ્તિ થાય છે. નામ પ્રમાણે જ વિચિત્રવીર્ય એની પત્નીઓને સંતાન આપી શકવાને અસમર્થ હોય છે. વિચિત્રવીર્ય સાથે પરણવા માટે કોઈ રાજકન્યા તૈયાર ન થઈ તો વચને બંધાયેલા ભીષ્મ વિચિત્રવીર્ય માટે એક રાજાની બન્ને પુત્રીઓ અંબાલિકા તેમજ અંબિકા ઉપરાંત અંબિકાની દાસીનું અપહરણ કરીને લઈ આવ્યા. પરંતુ કુરુવંશનો વેલો અટકી ગયો. હવે શું કરવું ? ભીષ્મ તો આજીવન બ્રહ્મચર્યવ્રતથી બંધાઈ ચુક્યા હતા. આથી અતિ ચાલાક એવી સત્યવતીએ પરાશર સાથેના પોતાના પ્રથમ મિલનના પરિણામે થયેલા મહર્ષિ વેદવ્યાસને વિચિત્રવીર્યની પત્નીઓ સાથે સંબંધ કરવા સમજાવી લીધા. આથી તેઓનું અતિ દિવ્ય બીજ પોતાના કુળમાં સચવાઈ રહે અને કૂળની કીર્તિ, યશ, પ્રતિષ્ઠા દિગદિગંતમાં ફેલાવે. વેદવ્યાસે અંબાલિકા સાથે નિયોગ સંબંધ કર્યો તો એણે વેદવ્યાસનું રૂપ જોઈને ગભરાઈ જઈને પોતાની આંખો બંધ કરી દીધી. આથી એને અંધ પુત્ર ધૃતરાષ્ટ્ર જન્મ્યો. અંબિકા વેદવ્યાસનું રૂપ જોઈને, ગભરાઈને ફિક્કી પડી ગઈ તેથી એને, શરીરે પાંડુરોગ હતો એવો પાંડુ પુત્ર તરીકે મળ્યો. વેદવ્યાસ રંગે કાળા હતા. અંબિકાની દાસી ચતુર તેમજ મજબૂત મનની બાઈ હતી એથી એણે અતિ હોંશિયાર, નમ્ર, વીતરાગ એવા વિદુર નામના પુત્રને જન્મ આપ્યો. ‘આંખો બંધ થવી’, ‘ફિક્કા પડી જવું’ વગેરે શબ્દોનો કોઈ સાંકેતિક અર્થ હશે જેના પર સંશોધન થવું જરૂરી છે.

રાજકૂળમાં વારસ પ્રાપ્ત કરવાની સમસ્યા બહુ મોટી હોય છે. અંધ ધૃતરાષ્ટ્ર સાથે પણ કોઈ રાજક્ન્યા પરણવા તૈયાર ન થાય એ સમજી શકાય છે. સત્યવતી સાથે વચને બંધાયેલ ભીષ્મના કર્તવ્યનો કોઈ અંત જ ન હતો એવું લાગે છે. બાણશૈય્યા પર સૂઈને ઉત્તરાયણ પર્વે પોતાની જીવનલીલા સંકેલી ત્યાં સુધી ભીષ્મ વચનબદ્ધ રહ્યા અને કુરુકુળના ગાદીવારસની રક્ષા કરી. ગાંધાર દેશના રાજાની કન્યાને અંધારામાં રાખીને એને ધૃતરાષ્ટ્ર સાથે પરણાવી દીધી. ગાંધારીએ પણ પોતાની સાથે થયેલી છેતરપિંડીનું બરાબર વેર વાળ્યું. પોતાના અંધ પતિની લાકડી બનીને એનો સાથ નિભાવવાને બદલે એણે પોતાની આંખે પણ પટ્ટી બાંધી લીધી અને આખું જીવન સ્વેચ્છાએ અંધ બનીને વીતાવ્યું. કેટલી બધી મક્કમતા રાખી હશે એણે ! પોતાના નિર્ણય પ્રત્યે કેટલી પ્રતિબદ્ધ હશે ! પોતાના સો પુત્રો અને એક પુત્રીનો ચહેરો જોવાનું એને મન નહિ થયું હોય ! પોતાના ભાંખોડિયા ભરતા બાળકો, હાથમાં ધનુષ્ય-બાણ કે ગદા લઈને લડવાનું શીખતા બાળકો, દિકરીના સૌંદર્યમાં દિવસે-દિવસે થઈ રહેલો વધારો, પુત્રોની પત્નીઓ, તેઓના લગ્નપ્રસંગો, દિકરીવિદાય વેળાએ એની આંખના આંસુ, કેટકેટલું જોવાનું, જેનો એણે ત્યાગ કર્યો ! જો કે આ અંધાપો આશિર્વાદરૂપ પણ બની ગયો. દ્રૌપદીનું ચીરહરણ, પુત્રોનું પાશવી વર્તન, તમામની ભીમ દ્વારા થયેલી હત્યા આ બધું ગાંધારીએ જોવું ન પડ્યું.

આ રીતે જોતાં ધૃતરાષ્ટ્રના સો પુત્રો એવા કૌરવો વેદવ્યાસના સીધેસીધા પૌત્રો ગણાય જ્યારે પાંડવો વિવિધ દેવતાઓની મંત્રશક્તિ દ્વારા જન્મ્યા હોવાથી તેઓ જુદા – નવા કુળના ગણાય. આ અર્થમાં વેદવ્યાસ એ કૌરવોના દાદા હતા. તેમ છતાં કૌરવો સાથે પક્ષપાત કરવાને બદલે મહાન જ્ઞાની એવા મહર્ષિ વેદવ્યાસે પાંડવોનો જય થાય એવું સદાય ઈચ્છ્યું. કારણ કે પાંડવપક્ષે ધર્મ હતો, કૃષ્ણ હતા. અને વેદવ્યાસ જાણતા હતા કે યતો ધર્મ: તતો જય:. પાંડવોમાં પણ એકમાત્ર અર્જુનના કૃષ્ણની બહેન સુભદ્રાથી થયેલા પુત્ર અભિમન્યુના દિકરા પરિક્ષીતના જન્મથી અર્જુનનો વંશ ટકી રહ્યો.  બાકીના તમામ કૌરવો તેમજ પાંડવો સહિત સહુના પુત્રો તેમજ પૌત્રો મહાભારત યજ્ઞમાં હોમાઈ ગયા. દ્રૌપદીના પાંચેય પુત્રો ઉપરાંત ભીમનો હિડિમ્બાથી થયેલ પુત્ર ઘટોત્કચ – આ સર્વેમાંથી કોઈ જ ન બચ્યું. ગાંધારીના પુત્રો એવા કૌરવો તેમજ મહાસતિ કુંતામાતાના પાંડવો વચ્ચે થયેલા ધર્મયુદ્ધની વાતો હવે જોઈશું.

Advertisements

Comments on: "મહાભારતની વાતો – 8" (1)

  1. કલ્પેશ ભાઈ મેં એવી વાત સાંભળી છે કે મહાભારત માં રાધા નામનું કોઈ પાત્ર જ નથી શું આ વાત સાચી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: