વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

વિરાટનગરી પર કૌરવોએ આક્રમણ કર્યું એનો પ્રતિકાર એકલા અર્જુને કર્યો અને બૃહન્નલ્લા નામની શ્રેષ્ઠ નૃત્યાંગના એ બીજું કોઈ નહિ પરંતુ વિશ્વનો ઉત્તમ ધનુર્ધર પાર્થ છે એવી જાણ થતાં, એની સાથે એક વર્ષથી નૃત્યના પાઠ શીખી રહેલી ઉત્તરાની મન:સ્થિતિ કેવી થઈ હશે ? રેસિડેંશિયલ સ્કૂલમાં રહેતી ચૌદ વર્ષની એ ટીનેજરે પોતાની સ્ત્રી ટીચર સાથે કેટલી બધી અંગત વાતો ‘શેર’ કરી હશે ! એ તો અર્જુનના પ્રેમમાં પડી જાય છે અને એની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ પણ મુકી દે છે. આપણે જાણીએ છીએ કે વિશ્વસુંદરી ઉર્વશી પણ જેને લોભાવી શકી નહિ એવા વિરાગી અર્જુનને આ પ્રસ્તાવ પણ મંજુર ન જ હોય ! પરંતુ અર્જુન હવે ગંભીર બન્યો છે. એણે ઉત્તરાને પોતાના અઢાર વર્ષના પુત્ર અભિમન્યુના પરાક્રમોની વાતો કરી અને એની સાથે ઉત્તરાની જોડી જામે એમ છે એવું સમજાવ્યું. આથી યુદ્ધ શરૂ થતાં પુર્વે તો ઉત્તરા-અભિમન્યુના લગ્ન પણ લેવાયા. આપદકાળે અભિમન્યુને યુદ્ધમાં જવાનું આવે છે ત્યારે ઉત્તરા ગર્ભવતી હોય છે. એના પેટમાં અર્જુનનું બાળક (પરીક્ષિત) વિકસી રહ્યું હોય છે. પરીક્ષિત એટલે એક્ષામિંડ બાય એવરી આસ્પેક્ટ. સર્વ બાબતે જેની ચકાસણી થઈ ચુકી છે એવો. વિશ્વયુદ્ધની પરિસ્થિતિઓ વચ્ચે પણ લગ્નના વાજા વગાડી શકાય છે. જીવનને ભરપૂર માણ્યું છે એવા શૂરવીર ક્ષત્રિયોની આ વાતો છે.

પોતે યુદ્ધના પક્ષમાં નથી એ સત્યથી જગતને અવગત કરાવવા માટે કૃષ્ણ કૌરવો સાથે સંધિ કરવાનો પ્રસ્તાવ લઈને જાય છે. સાથે-સાથે યુદ્ધના નામથી, એનાથી થનારા મહાભયાનક માનવસંહારથી વ્યથિત તેમજ નર્વસ યુધિષ્ઠીર જેવા ધર્માત્માઓને પણ યુદ્ધની અનિવાર્યતા અંગે કોઈ શંકા ન રહી જાય એ માટે કૃષ્ણનું જવું જરૂરી હતું. બળરામાદિ યાદવોમાં એક ગેરસમજ એ પણ હતી કે પાંડવોની જેમ કૌરવો પણ કૃષ્ણને એકસરખો જ પ્રેમ કરે છે આથી જો કૃષ્ણ કૌરવોને સમજાવે તો ન લડવા માટે કૌરવો માની જાય અને આ યુદ્ધ ચોક્ક્સ અટકે. સૌથી વધુ મહત્વનું કારણ એ હતું કે કૃષ્ણ જગતને એ સત્યનું દર્શન કરાવવા માંગતા હતા કે કૌરવોને સાથ આપનારા અધર્મને સાથ આપી રહ્યા છે અને પાંડવો ધર્મના પક્ષે છે, ધર્મ પાંડવપક્ષે છે. સાથે-સાથે તેઓ યુધિષ્ઠીરને અણસાર પણ આપી જાય છે કે યુદ્ધ અનિવાર્ય છે જેથી તેઓ લડવાની માનસિક તૈયારી પણ કરી જ લે ! કૌરવોને સાથ આપનારા રાજાઓને વિદુરજીએ પૂછ્યું પણ ખરું કે તમે બધા શા માટે એકઠાં થયા છો ? ત્યારે બધાએ એક અવાજે કહ્યું કે તેઓ પાંડવોની વિરુદ્ધ નથી તેમજ દુર્યોધન પ્રત્યે તેઓનો કાંઈ પ્રેમ ઉભરાઈ જતો નથી પરંતુ કૃષ્ણ કોઈ રાજાને મનમાની કરવા દેવાના પક્ષમાં નથી. કંસને મારીને કૃષ્ણે સાબિત કરી દીધું પૃથ્વી પર રાજા પણ દંડ્ય છે. એ ગુનો કરે તો એને સામાન્ય નાગરિક પણ સજા કરી શકે છે. આ મુદ્દે રાજાઓને વાંધો હતો. કૃષ્ણ વિષ્ટી કરવા હસ્તિનાપુર આવ્યા ત્યારે વિદુરજીએ કૃષ્ણને આ વાતથી માહિતગાર કરીને ચેતવ્યા પણ ખરા કે અહિં આવીને તેઓએ બહુ મોટુ જોખમ વહોરી લીધું છે. પરંતુ કૃષ્ણ એ માટે પુરેપુરા સજ્જ હતા.

કૃષ્ણ શાંતિદૂત તરીકે હસ્તિનાપુર જવા નિકળે છે. તેઓએ જે રથ તૈયાર કર્યો એ સાંગ્રામિક રથ હતો. આપદકાળે સ્વરક્ષા માટેના તમામ અત્યાધુનિક આયુધોથી એ સજ્જ હતો. સાતેક દિવસ ચાલે એટલી ભોજન સામગ્રી પણ કૃષ્ણે રથમાં સાથે લીધી હતી. દુશ્મન ક્યારે ક્યાંથી ઘા મારે એ કહેવાય નહિ તેથી એનું અન્ન પણ ખવાય નહિ. આ તરફ ધૃતરાષ્ટ્રે કૃષ્ણના રોકાણ માટે શકુનીનો મહેલ તૈયાર કરાવ્યો હતો જે દુર્યોધનના મહેલ પણ કરતાં પણ અધિક સુંદર હતો. કૃષ્ણના સ્વાગતની તૈયારી માટે અનેક રાજકીય ફરમાનો એ દુષ્ટે છોડ્યા હતા. આખા નગરને અતિસુન્દર રીતે શણગારવામાં આવ્યું હતું. કૃષ્ણનું રેડકારપેટ સ્વાગત થયું હતું. પરંતુ કૃષ્ણ દક્ષ (સાવચેત) હતા. યાદવ કૃતવર્માને હસ્તિનાપુરમાં બે લાખ સશસ્ત્ર સૈનિકોથી સજ્જ રાખ્યો હતો. યુદ્ધમાં રથિ – સારથિ – અતિરથિ – મહારથિ એવી પોસ્ટ હોય છે. મહારથિ યાદવ એવા સાત્યકિને કૃષ્ણે પોતાની સાથે રથમાં લીધો હતો. રસ્તામાં કે નગરમાં કોઈને ત્યાં રોકાવા કે મળવા જવાનું નહિ એવું કૃષ્ણે નિકળતી વેળાએ જ નક્કી કર્યું હતું જેથી દુશ્મનને એમ કહેવાનો મોકો ન મળે કે તમે અમારું આતિથ્ય સ્વીકાર્યું નહિ ને ફલાણાનું સ્વીકાર્યું. આથી જ ઋષિમુનિઓને પણ કૃષ્ણે માત્ર નમસ્કાર કરીને જ પતાવ્યું. કોઈને ત્યાં ગયા વિના સહુને પોતાના સ્થળે મળવા બોલાવ્યા. શત્રુ કેવી રીતે વાર કરશે એ નક્કી નહિ માટે સાવચેતી સારી. હસ્તિનાપુરમાં કૃષ્ણના રથનો પ્રવેશ થયો કે તરત જ કૃષ્ણની રક્ષામાં કોઈ કસર ન રહી જાય એ હેતુ વિદુરજી કુદીને ચાલુ રથમાં ચડી ગયા. આવા ચતુર વિદુરજીને આપણે બોઘા (ઈડિયટ) કહીએ છીએ.

નગરચર્યા દરમિયાન કૃષ્ણનું ભવ્ય સ્વાગત થયું. દ્રોણ, ભીષ્મ, કર્ણ આદિ સહુએ કૃષ્ણનું સામૈયુ કર્યું. હાથી-ઘોડા, બેંડવાજા, શરણાઈવાદન, પુષ્પવર્ષા, અબીલગુલાલની છોળો વગેરે ઘણુબધું. કૃષ્ણ સૌને તેઓની લાયકાત પ્રમાણે મળતા ગયા. રથમાં ઉભેલા કૃષ્ણનું નગરજનો અભિવાદન કરી રહ્યા હતા ત્યારે કોઈ-કોઈ સાથે કૃષ્ણે સ્મિતની આપ-લે કરી, કોઈ-કોઈની સાથે હાથ મિલાવ્યા, કોઈની સામું હાથ ફરકાવ્યો, કોઈની સાથે એક-બે શબ્દની આપ-લે કરી એમ કૃષ્ણે કોઈને પણ નારાજ કર્યા વિના સૌનું અભિવાદન ઝીલ્યું. આ રાજ્યનીતિ છે. કૃષ્ણ વિચારતા હતા, કૌરવોએ તૈયારી સારી કરી છે, મને સપડાવવાની ! ધૃતરાષ્ટ્રે દુર્યોધનને કહ્યું પણ હતું, કે ‘આ જે આવી રહ્યો છે એ જ ખરો આપણો દુશ્મન છે, તમામ આપત્તિઓનું મૂળાધાર ચક્ર છે. આ વેળાએ એનું નક્કી કંઈક થવું જ જોઈએ.’ દુર્યોધન પણ ક્યારેય કૃષ્ણને મળવા કે રાજસભામાં કૃષ્ણનું પ્રવચન સાંભળવવા આવ્યો જ નહિ, એની ચંડાળ ચોકડી સાથે મળીને કૃષ્ણને મારી નાંખવાના કાવતરા કરતો રહ્યો. વિશ્વના તમામ રાજવીઓ હાજર હતા એવી સભામાં કૃષ્ણને ઉચ્ચ આસન આપવામાં આવ્યું. પહેલા દિવસે તો માત્ર સ્વાગત-આવકાર ભાષણો થયા. કૃષ્ણ વહેલામા વહેલી તકે સભા છોડી જવાની તૈયારીમાં હતા. કારણ કે તેઓ જાણતા હતા કે હમણા ધૃતરાષ્ટ્ર કહેશે, કે ‘આપના રોકાણની વ્યવસ્થા શકુનીના મહેલમાં કરવામાં આવી છે.’ તેઓ ફસાઈ જાય તે પહેલા જ કૃષ્ણે ‘જરા ફોઈબાને મળી આવું’ કહીને છટકી ગયા.

કુંતામાતા મહાત્મા વિદુરજીને ત્યાં રહેતા હતા. વિદુરજીએ કૃષ્ણની ભવ્ય આગતાસ્વાગતા કરી. કોઈ મંદબુદ્ધિ કવિએ સુદામાની જેમ વિદુરજીને પણ નિર્ધન ધારેલા છે. અરે ભાઈ, હસ્તિનાપુર જેવી ભવ્ય નગરીના મહાઅમાત્ય, ધૃતરાષ્ટ્રના મુખ્યમંત્રી એવા વિદુર કેવી રીતે નિર્ધન હોઈ શકે ? તેઓ પાસે પણ મોટા મહેલ, રથગાડીઓ તેમજ હજારો નોકરચાકરો કેમ ન હોય ? બત્રીસ જાતના પકવાનો સહિતની તમામ સેવાઓ કૃષ્ણે વિદુરજીને ત્યાં માણી. ત્યારબાદ દુર્યોધનને તો તેઓ સામે ચાલીને મળવા ગયા. દુર્યોધને શરૂઆતમાં કટાક્ષબાણોથી કૃષ્ણને પજવવાનું શરૂ કર્યું. પછી પોતાની ભુલ સમજાતા એણે ફરિયાદના સૂરમાં કહ્યું, કે ‘તમે અમારું આતિથ્ય સ્વીકાર્યું નહિ’, અને કર્ણ સામું જોતા મુછમાં હસતા ઈશારો કર્યો કે માછલી જાળમાં ફસાઈ નહિ. એના આક્ષેપોનો જડબાતોડ જવાબ આપતા કૃષ્ણે કહી દીધું, કે ‘તું પાંડવોનો દુશ્મન છે આથી મારો પણ દુશ્મન છે. મને તારા પ્રત્યે નહિ પરંતુ તારી દુર્વૃત્તિ પ્રત્યે વેર છે. તું એનો ત્યાગ કર એટલે આપણે એકબીજાના મિત્ર જ છીએ. અને મારી વાત કરું તો મને જેના પ્રત્યે પ્રેમ હોય એને ત્યાં અથવા આપદકાળ આવ્યો હોય ત્યારે અન્યને ત્યાં જમું છું. મને તારા પ્રત્યે પ્રેમ નથી અને અન્નના મને વાંધા પડી ગયા હોય એવી મારી સ્થિતિ નથી.’ કૃષ્ણની સ્પષ્ટ વાણીથી નારાજ દુર્યોધન બીજા દિવસે પણ સભામાં આવેલો નહિ. રાજનીતિનિષ્ણાતોએ એને સલાહ પણ આપી, કે ‘આ રીતે તો તમારો મોટો ગુનો બને છે.’ તેથી નાછૂટકે એ સભામાં હાજર રહ્યો.

એ દિવસે કૃષ્ણ સભામાં પ્રખર વક્તા તરીકે પોતાનું પૂર્ણ કર્તવ્ય બજાવી રહ્યા. શરૂઆત તેઓએ ધૃતરાષ્ટ્રને ખખડાવવાથી કરી. કૃષ્ણે સ્પષ્ટ કહ્યું, કે ‘પુત્ર, સત્તા અને ધનદોલતનો મોહ ત્યાગીને રાજ્યશાસન અંગે જે કંઈ યોગ્ય હોય એ કાર્ય કરો.’ જગતને જાણ થાય એ માટે કૃષ્ણે કૌરવો તેમજ પાંડવોએ જે રીતે જીવન જીવ્યા એની વાત પણ કરી. તેમણે કહ્યું, ‘પાંડવોને તમે ખુબ સતાવ્યા છે. ધર્મપ્રિય પાંડવોએ તમારા તમામ દુષ્કૃત્યો મૌન રહીને સહન કર્યા છે. સજ્જનની ધીરજનો પણ ક્યારેક અંત આવે છે. તમારે અહિં અટકવું જ જોઈએ. માણસ જ્યારે પોતાના પર અત્યાચારો બંધ જ ન થાય ત્યારે કંટાળીને શત્રુને યથાર્થતાનું ભાન કરાવવા એને પ્રત્યાઘાત આપવાનું નક્કી કરે છે. તમે પાંડવોને દુર્બળ નહિ સમજતા. અર્જુનના ખાંડવદહન, ઉત્તરાગોગ્રહણના પરાક્રમોને યાદ કરો. વિશ્વના તમામ રાજાઓને યુદ્ધમાં પરાસ્ત કરવા પાંડવો પૂરતા શક્તિશાળી છે. અત્યારે હાજર રહેલા જેણે પણ આ અધર્મીઓને સાથ આપ્યો છે એમણે અધર્મનો પક્ષ લીધો છે આથી એ સહુને યુદ્ધમાં યોગ્ય સજા અચુક મળશે. પરંતુ જગતને આ મહાવિનાશમાંથી ઉગારવા તમારે યોગ્ય નિર્ણય લેવાની આવશ્યકતા છે.’ સભામાં કૃષ્ણે ધૃતરાષ્ટ્રને પોતાની વાણીથી એવું ભાન કરાવી દીધું કે એને લાગવા માંડ્યું કે એ પોતે તદ્દન ઉઘાડો પડી ગયો છે. દુર્યોધને પ્રતિવાદ કરતા કહ્યું: ‘અમે જુગારમાં જીતેલું રાજ્ય પાંડવોને શા માટે પરત આપીએ ? યુધિષ્ઠીરને ના રમતા આવડ્યું એમાં અમે શું કરીએ ?’ કૃષ્ણે કહ્યું, ‘અરે દુષ્ટ, યુધિષ્ઠીરને જુગારના આમંત્રણનું કાવતરું રચવામાં આવ્યું હતું. ચક્રવર્તી સમ્રાટની સાધ્વી સરખી સામ્રાજ્ઞીને ભરસભામાં નિર્વસ્ત્ર કરવાની નાલાયકી તેમજ દુષ્ટ વર્તન તેં કર્યું છે. તું તો અધમમાં અધમ છે. તને તો દંડ જ દેવો યોગ્ય ગણાશે.’

યાદ કરો આજની પરિસ્થિતિ. આજે યુનોમાં ભારતનો પક્ષ સબળ રીતે રાખી શકે અને ભારતના પાડોશી દેશોની કુટીલતા ઉઘાડી પાડી શકે એવો સક્ષમ તેમજ દેશપ્રિય વક્તા કોઈ છે ? કૃષ્ણે ધૃતરાષ્ટ્ર પાસે કબૂલ કરાવ્યું કે દુર્યોધન દુ:ષ્ટ છે. આથી એ ધૂર્તે બહાનાબાજી શરૂ કરી કે દુર્યોધન બગડી ગયો છે અને પોતાના કહ્યામાં નથી. દ્રોણ તેમજ ભીષ્મને પણ સાફ-સાફ શબ્દોમાં કૃષ્ણે સંભળાવી દીધું: ‘તમારા ચાવવાના ને દેખાડવાના દાંત જુદા રાખવાનું બંધ કરો. અધર્મનો પક્ષ લઈને સજ્જન હોવાનો દેખાવ કરો છો એ તમને શોભતું નથી.’ ભીષ્મને તો ચોક્ખું કહ્યું: ‘માત્ર તમે અને હું જ આ યુદ્ધ રોકી શકીએ એમ છીએ. તો તમે એ કેમ નથી કરતા ?’ ધૃતરાષ્ટ્રે કૃષ્ણના સંભાષણની વચમાં પ્રતિપ્રશ્ન કર્યો: ‘કૃષ્ણ તમે સમર્થ છો તો તમે જ યુદ્ધ રોકી લો ને !’ કૃષ્ણે પોતાનું પ્રવચન ચાલું રાખ્યું: ‘છોકરાઓ બગડી ગયા છે એમ કહીને તમે છટકી શકતા નથી. તેઓને દંડ આપીને યોગ્ય માર્ગે વાળવાની વડીલોની ફરજ છે. અમે કંસને ઉચિત દંડ આપ્યો તો વર્ષોથી અંધક અને વૃષ્ણિકુળ શાંતિથી એક સાથે રહી શકે છે અને વિકાસ કરે છે. દુર્યોધનને દેહદંડ આપવાની ક્યાં જરૂર છે, એને પકડીને કેદ તો કરી જ શકાય ને !’ દુર્યોધનતો આવું સાંભળીને એવો ઉશ્કેરાઈ ગયેલો કે કૃષ્ણને જ એ કેદ કરવાની પેરવી કરવા લાગ્યો. કૃષ્ણે તેની નીચતાનું જગતને ભાન કરાવવા કહ્યું, ‘અરે દુષ્ટ, તને ભાન છે કે નહિ, એક શાંતિદૂતને તમે કેદ કરવા માંગો છો ? કોઈનું શાસન અહિં ચાલે છે, નીતિ-નિયમોને માનો છો કે અહિં બસ માત્ર અંધાધૂધી જ ફેલાઈ રહી છે.’ આમ કહીને કૃષ્ણે દુર્યોધનને પોતાના વિરાટરૂપનું દર્શન કરાવ્યું ત્યારે સભામાં બધાને કૃષ્ણ ચીડાઈ ગયેલા જણાયા. કૃતવર્મા સભાના દ્વાર પર બે લાખ સશસ્ત્ર સૈનિકોને લઈને હાજર થઈ ગયો. કૃષ્ણ સભાત્યાગ કરીને નિકળી ગયા.

જગતના વિદ્વાનો કૃષ્ણ પર આક્ષેપ કરતા કહે છે કે કૃષ્ણ ભગવાન હતા તો તેઓ યુદ્ધ કેમ રોકી શક્યા નહિ. કૃષ્ણનું અવતારી કાર્ય યુદ્ધ રોકવાનું નહિ પરંતુ ધર્મની સ્થાપનાનું હતું. યુદ્ધમાં ધર્મનો જય થાય અને અધર્મનો પરાજય થાય એ જોવાનું કાર્ય કૃષ્ણનું હતું. સભામાં પોતાના યશસ્વી પ્રવચન દ્વારા વિશ્વસમસ્તના રાજાઓને કૃષ્ણે ભાન કરાવી દીધું કે તેઓ બધા જ અધર્મના પક્ષે છે એટલું જ નહિ એ તમામનો પરાજય નક્કી જ છે કારણ કે તેઓનો પરાભવ કરવા પાંડવો સક્ષમ છે. આમ શત્રુ પક્ષમાં ન્યૂનગંડ (લઘુતાગ્રંથિ)નું નિર્માણ કરી શકાય તો પછી ફીઝીકલી તેઓને મારવાનું કામ તો સાવ સહેલું છે. ગીતામાં કૃષ્ણે કહ્યું કે ‘મયૈવૈતે નિહતા: પૂર્વમેવ – મેં યુદ્ધ પૂર્વે જ સહુને મારી નાંખેલા છે’ એ વાત સાવ સાચી છે. હસ્તિનાપુરથી જતાં-જતાં પણ કૃષ્ણે કર્ણને રથમાં પોતાની સાથે લઈ લીધો. આગળ જતાં રસ્તામાં એને કહ્યું, ‘ભલા ભાઈ તું થોડો તો વિચાર કર. પાંડવો કોણ છે ? તેઓ તો તારા નાના ભાઈઓ છે. એ તમામનો તું જ્યેષ્ઠ ભ્રાતા છે. પાંડવોને સ્વીકારી લે. યુધિષ્ઠીર સહિત તમામ તારી ખડે પગે સેવા કરશે. અરે દ્રૌપદી પણ તારો પડ્યો બોલ ઝીલશે. ભાઈ-ભાઈ અંદરોઅંદર લડે એ કંઈ યોગ્ય કહેવાય ?’ પોતાના વચનોની ખાતરી કરાવવા કૃષ્ણ કર્ણને કુંતામાતા પાસે લઈ જાય છે. કુંતામાતા પણ એ સત્યને પોતાનું અનુમોદન આપે છે. કર્ણને પણ લાગ્યું કે પોતે દુર્યોધનને સાથ આપીને અને દ્રૌપદીને સતાવીને બહુ ખોટું કર્યું છે. દ્રૌપદી તો પોતાની પુત્રવધૂની કક્ષાએ છે. દ્રૌપદીએ પોતાના કરેલા અપમાનને કારણે એનું દુશાસન દ્વારા વસ્ત્રાહરણ થયું ત્યારે એની ચીસો-ચિત્કારો સાંભળીને, એની લાચાર અસહાય સ્થિતિ જોઈને એ પળે કર્ણે અપાર આનન્દ માણ્યો હતો. એ યાદ કરીને આજે એને ખુબ પસ્તાવો થઈ રહ્યો હતો. એણે કૃષ્ણને જણાવ્યું કે પાંડવો પ્રત્યે એનો વૈરાગ્નિ આટલો જલ્દી ઠંડો પડે એમ નથી. આથી એ પાંડવો પક્ષે રહીને તો લડી શકશે નહિ પરંતુ પોતે વચન આપે છે કે એ માત્ર અર્જુન સાથે જ લડશે, બાકીના પાંડવો સાથે એ નહિ લડે અને આજીવન દુર્યોધનને સાથ આપીને એણે પાંડવોનું જે અહિત કર્યું છે એના પ્રાયશ્ચિત્તરૂપે યુદ્ધમાં લડીને એ મરવાનું પસંદ કરશે. અર્થાત એ મરવાની ગણતરીએ જ યુદ્ધમાં આવશે, પાંડવોને હરાવવાના કોઈ ઈરાદા સાથે નહિ. કૃષ્ણનું આ કાર્ય શું ઓછું મહત્વનું કહી શકાય ?

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: