વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

કૃષ્ણની ધારણા મુજબ દુર્યોધને પાંડવોને તેઓનું રાજ્ય પરત કરવાનો સાફ ઈંકાર કરી દીધો. યુધિષ્ઠીરની ધર્મપ્રિયતા તેમજ સજ્જનતા અને પાંડવોની સત્તા અને સંપત્તિ પ્રત્યેની નિર્લેપતાથી ધૃતરાષ્ટ્ર પુરેપુરો વાકેફ હતો. એણે આબાદ દાવ માર્યો. એક તરફ દુર્યોધને, ‘યુદ્ધ નિશ્ચિત છે’ એમ માનીને વિશ્વભરના રાજાઓને યુદ્ધમાં પોતાના પક્ષે રહીને પાંડવો સામે લડવાનું નિમંત્રણ આપવાનું શરૂ કરી દીધું અને બીજી તરફ મહા ધૂર્ત એવા ધૃતરાષ્ટ્રે પાંડવો સાથે વાટાઘાટો ચાલુ રાખી જેથી પાંડવો રાજ્ય પરત મેળવવાની વાત પડતી મુકે અને યુદ્ધ ટળી જાય. એટલું જ નહિ એ મહાખલનાયકે પોતાના મંત્રી એવા સંજયને શાંતિદૂત તરીકે પાંડવો પાસે મોકલીને એવો સંદેશો પહોંચાડ્યો, કે ‘મારો દિકરો દુર્યોધન મારા કહ્યામાં નથી. એ તો તમને સોયની અણી જેટલી પણ જમીન આપશે નહિ. પરંતુ ધર્મરાજ એવા યુધિષ્ઠીર, તમે તો વિચાર કરો. તમે શાણા છો, સમજુ છો. તમને રાજ્યલોભ માટે થઈને પોતાના જ સગાંઓને મારી નાંખવાનું તેમજ લાખો માણસોની હત્યા કરીને લોહીની નદીઓ વહાવવાનું યોગ્ય લાગે છે ? આના કરતા તો તમે સહુ હિમાલયમાં જઈને તપશ્ચર્યા કરો એ તમારા માટે શું વધુ હિતકારી નથી ?’ તીર બરાબર નિશાની પર વાગ્યું હતું. કાકાના પ્રેમમાં પાગલ એવા યુધિષ્ઠીરે તો વલ્કલ ધારણ કરવાની તૈયારી કરી લીધી અને સહુ પાંડવો તેમજ દ્રૌપદી સહિત કુંતામાતાને પણ સંસારનો ત્યાગ કરીને હિમાલય જવાની તૈયારીઓ કરવા કહી દીધું. ‘પરિત્રાણાય સાધૂનાં’નું કાર્ય કરવા આવેલા કૃષ્ણનું અવતાર કાર્ય હજી બાકી હતું. પાંડવોને તૈયાર કરીને પૃથ્વી પર જે પરિસ્થિતિ સર્જવાની કૃષ્ણે આજીવન રાહ જોઈ હતી એ પળ આવી તે જ સમયે યુધિષ્ઠીર ક્ષેત્રસન્યાસ લઈ લેવાની વાત કરે છે. રાજાને આવી બાળકબુદ્ધિ શોભે ખરી ? એક પણ પળની રાહ જોયા વિના કૃષ્ણ સંજય સાથે ધૃતરાષ્ટ્ર માટે સંદેશો મોકલાવે છે, કે ‘આ ઉપદેશ જ્યાંથી આવ્યો છે ત્યાંથી એના અમલની શરૂઆત થાય એ વધુ યોગ્ય રહેશે. આપ પ્રથમ હિમાલયગમન કરો ત્યારબાદ પાંડવોને ધર્મોપદેશ આપો.’ સાથે-સાથે કૃષ્ણ કહેવડાવે છે, કે ‘તમારા રાજાને કહો કે કૃષ્ણ વિષ્ટિ કરવા માટે આવે છે.’

ધૃતરાષ્ટ્રે મોકલેલા શાંતિદૂતના પ્રતિભાવમાં પાંડવોએ શું કરવું એ મુદ્દે કોઈ જ ચર્ચા કર્યા વિના સીધું જ કૃષ્ણ નક્કી કરી નાંખે છે કે પોતે શાંતિદૂત તરીકે હસ્તિનાપુરની રાજ્યસભામાં જશે, અને સંજય દ્વારા ધૃતરાષ્ટ્ર પાસે એ અંગેનો સંદેશો મોકલાવી પણ દીધો. એ કાળે એવી રાજકીય પ્રણાલી હતી કે જે રાજા તરફથી યુદ્ધમાં જોડાવાનું પ્રથમ નિમંત્રણ મળે એ રાજાના પક્ષે રહીને એના શત્રુ સામે લડવાનું. દુર્યોધનની સક્રિયતા વધુ હોવાથી એ ઘણા બધા રાજાઓ પાસે પહોંચી ગયો. આથી એના પક્ષે લડનારાઓની સંખ્યા ખુબ વધી ગઈ. ઉપરાંત કૃષ્ણના તાપથી મનમાની ન કરી શકતા રાજાઓ કૃષ્ણથી ડરીને કિંવા તેઓ પ્રત્યે પોતાનો રોષ પ્રગટ કરવા પણ દુર્યોધન સાથે જોડાયા હતા. સ્પષ્ટ બહુમત દુર્યોધન પક્ષે હતો. આથી શું સિદ્ધ થાય છે? શું દુર્યોધન વધુ લોકપ્રિય હતો ? શું એ બહુજનહિતાય વિચારસરણીમાં માનતો હતો ? જેની પાસે મોટું ટોળું હોય એ શું વધુ લોકપ્રિય ગણાય ? લોકશાહીમાં તો લોકપ્રિયતાની એ જ પારાશીશી છે ને ! તો એ કાળના કૃષ્ણના સંદર્ભમાં શું કહી શકાય ? બે તૃતિયાંશ બહુમતિ કૃષ્ણ વિરુદ્ધ હતી, તો શું પૃથ્વી પર આવીને માનવને પ્રેમ આપવામાં કૃષ્ણ નિષ્ફળ ગયા અને દુર્યોધન સફળ થયો ? આ સંદર્ભમાં નેપોલિયનના જીવનનો એક પ્રસંગ જોવા જેવો છે. નેપોલિયન વિશ્વવિજય કરીને પરત આવ્યો છે અને પોતાના મહેલના ખંડમાં આરામ ફરમાવી રહ્યો છે. તેનો સેક્રેટરી આવીને નેપોલિયનને જણાવે છે, કે ‘બાદશાહ, આપ ઝરૂખામાંથી દર્શન આપો, ફ્રાંસની જનતા આપને મળવા માટે એકઠી થઈ છે.’ નેપોલિયન પુછે છે: ‘શા માટે ?’ સેક્રેટરી: ‘બધા આપનું અભિવાદન કરવા માંગે છે.’ નેપોલિયન: ‘મારું અભિવાદન, શા માટે ?’ સેક્રેટરી: ‘આપે વિશ્વવિજય કર્યો છે, એ માટે.’ નેપોલિયન: ‘ઓહ, નેપોલિયન વિશ્વવિજય નહિ કરે તો બીજો કોણ એ કરશે ?’ સેક્રેટરી: ‘પરંતુ સમ્રાટ, આપે ફ્રાંસના નાગરિકોની ભાવનાઓનો તો વિચાર કરવો જોઈએ ને !’ નેપોલિયન: ‘લુક જેંટલમેન, આ પ્રજા છે. આજે મારા વિજયથી હરખઘેલી થઈને શી વોંટ ટુ ગારલેંડ મી. પરંતુ આવતી કાલે આ જ જનતા મને જુતાનો હાર પહેરાવતા જરાક પણ અચકાશે નહિ. એના મતની કિંમત કેટલી ?’

આ બનાવમાંથી માત્ર એટલું જ લેવાનું કે વધુ ટોળા એકઠાં કરવા એ લોકપ્રિયતાની કે જનતાના હૃદયસિંહાસન પર શાસન કરવાની માપપટ્ટી નથી. સિનેમાના નટ-નટી જાહેરમાં આવે છે ત્યારે હજારોના ટોળા એકઠાં થઈ જાય છે એ લોકપ્રિયતા નથી. જો કોઈ એને લોકોનો પ્રેમ માની લેતું હોય તો એના જેવું મહામુર્ખ બીજું કોઈ નથી. ક્રિકેટર મેદાનમાં રનનો વરસાદ વરસાવે કે બોલર વિકેટો ખેરવી નાંખે ને ઉન્માદમાં હજારોનું ટોળું તાલીઓથી એને વધાવે એ પ્રેમ નથી. આવતી કાલે નિષ્ફળ જાઓ તો બીજે દિવસે છાપાવાળા મેઈન પેજ પર એ જ ક્રિકેટરના ચહેરા પર ડામર ચોપડે. પબ્લીકના નાદમાં જે પડ્યા એ મર્યા જ સમજો. એક-બે પિક્ચર સફળ જાય એ હીરો-હીરોઈનનો ભાવ ઉંચકાય, ક્રિકેટરને ઘણી બધી જાહેરાતો મળવા લાગે, ચુંટાયેલા રાજનેતા આકાશમાં અદ્ધર ઉડવા લાગે એ તમામને પબ્લીક પછાડે ત્યારે એકલા-એકલા રડવાનો વારો આવે. કોઈ એનો ભાવ પણ ના પુછે. માટે પબ્લિસિટીથી સંપૂર્ણ અલિપ્ત રહી શકે એ જ જાહેરસેવાનું કાર્ય કરી શકે. ‘નેપોલિયન પબ્લીકની લાગણીનો જરા પણ વિચાર નથી કરતો’, ‘જીત મળવાથી બહુ અભિમાની થઈ ગયો છે’ – એવું લાગણીવશ થઈને વિચારાય નહિ.

‘સ્વયમેવ મૃગેન્દ્રતા’ એવા કૃષ્ણ શાંતિદૂત બનીને હસ્તિનાપુર જવાની તૈયારી કરે છે. સો કૌરવોને મારવાની જેણે પ્રતિજ્ઞા લીધી છે એવા ભીમને તેમજ એ તમામના હણાયા બાદ જ તેર વર્ષથી છુટ્ટા રાખેલા પોતાના વાળનો અંબોડો બાંધશે એવી પ્રતિજ્ઞા એવી પ્રતિજ્ઞા લેનાર દ્રૌપદીને કૃષ્ણનું વિષ્ટિકાર તરીકે હસ્તિનાપુર જવું જરાય રુચતું નથી. દ્રૌપદીનો પુણ્યપ્રકોપ પારખી ગયેલા કૃષ્ણ જતાં-જતાં તેઓને આશ્વાસન આપતાં કહે છે: ‘શાંતિદૂત તરીકે મારા ત્યાં જવાથી યુદ્ધ વધુ પ્રબળ બનશે.’ કૃષ્ણ દુર્યોધનની પ્રકૃતિથી સંપૂર્ણ વાકેફ હતા. દુર્યોધન કોઈ કાળે માનવાનો નથી જ એ વાતની કૃષ્ણને સંપૂર્ણ ખાતરી હતી જ. પરંતુ અવતારીકાર્ય કરવા આવેલા કૃષ્ણ, જગત આવતીકાલે પોતાના વિશે કોઈ ગેરસમજ કરે એમ ઈચ્છતા ન હતા. તેઓ નહતા ચાહતા કે જગત પોતાના પર એવો આક્ષેપ કરે કે કૃષ્ણે સંધિ માટે કોઈ પ્રયત્નો ન કર્યા, કૃષ્ણ યુદ્ધખોર હતા, કૃષ્ણ હિંસાપ્રિય હતા.’ બીજો એક અતિ મહત્વનો મુદ્દો એ હતો કે જગતને એ હકીકતની જાણ કરવી અત્યંત અનિવાર્ય હતી કે દુર્યોધનાદિ કૌરવો અધર્માચરણ કરી રહ્યા છે અને પાંડવો આજીવન ધર્માચારી, સદાચારી રહ્યા છે. કોઈને એવું લાગે કે એમાં શું, આપણે જાણીએ જ છીએ ને કે કૌરવો પાપી હતા ને પાંડવો પુણ્યશાળી હતા. એ તો આપણે પાંડવોના વિજય બાદ એ વાત સહજતાથી સ્વીકારીએ છીએ. પરંતુ તે કાળે હયાત કૃષ્ણની દિવ્યતા, વિશ્વમાં માત્ર બે જ જણ જાણતા હતા: એક તો મહર્ષિ વેદવ્યાસ અને બીજા મહાન ભીષ્મ. આજીવન કૃષ્ણનો મિત્ર રહ્યો એવો અર્જુન પણ કૃષ્ણને ખરી રીતે ઓળખી શક્યો ન હતો. ગીતામાં અર્જુને એ વાતની કબૂલાત પણ આપી છે.

અરે બળરામ પણ પોતાની બહેન સુભદ્રાના લગ્ન દુર્યોધન સાથે કરવા આતુર હતા. બળરામે અનેક વાર કૃષ્ણને કહ્યું હતું: ‘આપણા માટે તો ફોઈના દિકરા એવા કૌરવો તેમજ પાંડવો બન્ને સરખા છે. કૃષ્ણ, તું શા માટે પાંડવોનો પક્ષ લે છે એ જ મને સમજાતું નથી.’ અરે, દુર્યોધન તો બળરામનો પ્રિય શિષ્ય હતો. એને ગદાયુદ્ધમાં બળરામે જ પ્રવીણ બનાવ્યો હતો જે ભીમ સાથે લડતાં ક્યારેય હાર્યો ન હતો. આથી તો યુદ્ધમાં કોઈ એકનો પક્ષ ન લઈ શકતા બળરામે એનાથી અલિપ્ત રહીને તીર્થયાત્રા કરવા જવાનું સ્વીકારી લીધું હતું. નજીકના કે દુરના કોઈ માણસ કૃષ્ણને ઓળખી શક્યા નહિ એવા જગતને ભાન કરાવવાની આવશ્યકતા હતી કે ‘યતો ધર્મસ્તતો જય’ અનુસાર ધર્મ પાંડવોના પક્ષે છે માટે વિજય તો પાંડવોનો જ થવાનો છે. ટોળાશાહીમાં માનનારા જગતના રાજાઓ, તમે ગમે તેટલી સંખ્યામાં ભેગા થયા હો, યાદ રાખજો કે ઘેંટાના હજારોના ટોળાને ભગાડવા માટે માત્ર એક જ સિંહ કાફી હોય છે. આમ પાંડવોનો પક્ષ યથાર્થ રીતે જગત સમક્ષ મુકવા માટે કૃષ્ણ વિષ્ટિકાર તરીકે હસ્તિનાપુર જવાનું નક્કી કરે છે. વિરાટનગરીમાં એક વર્ષનો ગુપ્તવાસ પુરો કર્યા બાદ આ વાટાઘાટો થઈ તે દરમિયાન પાંડવો ક્યાં રહ્યા હતા? દુર્યોધનની મરજી વિરુદ્ધ તેઓ પરત ઈન્દ્રપ્રસ્થમાં તો પ્રવેશ પણ ના કરી શકે ! તો પછી શું, તેઓ કૃષ્ણે વસાવેલી નગરી એવી દ્વારિકામાં રોકાયા હતા ? કે પછી વિરાટરાજાની નગરીમાં જ રોકાઈ રહ્યા હતા ?

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: