વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

રામ અવતારમાં પ્રભુ રામચંદ્ર પોતે વનમાં ગયા હતા. જ્યારે કૃષ્ણાવતારમાં ભગવાનના ધર્મસંસ્થાપનાના કાર્યમાં જોડાયેલા પવિત્ર પાંડવોને ભાગે વનગમન કરવાનું થયું હતું. દ્રૌપદીને વર્યા તે પહેલાનો પાંડવોનો રઝળપાટ, દ્રૌપદીથી ખફા થયેલા અર્જુને એકલા જ વેઠેલો બાર વર્ષનો વનવાસ, ત્યારબાદ ત્રીજી વાર સહુ પાંડવોને ભાગે બાર વર્ષનો વનવાસ પસાર કરવાનું આવ્યું. આપણે જાણીએ છીએ કે સાચું ભારત ગામડાઓમાં વસે છે. ગામડાઓ ફર્યા વિના ભારતદર્શન પૂર્ણ થઈ શકતું જ નથી. આથી જ વિશ્વધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિનો તેમજ અધ્યાત્મનો ડંકો વગાડ્યા બાદ ભારત પરત આવીને સ્વામિ વિવેકાનંદે સમગ્ર ભારતભ્રમણ કર્યું હતું. લગભગ પાંચસો રાજરજવાડાઓની મુલાકાત લીધી હતી. વિશ્વવિજયી થઈને ભારત આવેલા વિવેકાનંદને મળવા આવનારાઓની લાંબી લાઈનમાં એક વ્યક્તિ ગાંધીજી પણ હતા. ગાંધીજીને ભારતભ્રમણની કલ્પના વિવેકાનંદ પાસેથી મળી હોય એ બનવા જોગ છે. ઋષિમુનિઓએ મહાન યજ્ઞો પણ વનમાં જ કર્યા હતા. સભ્યતા તેમજ સંસ્કૃતિના વિચારો વિકસિત થાય છે તેને દેશના ખુણે-ખુણે લઈ જવા માટે એ તેજસ્વી વિચારોના વાહકોએ સમગ્ર દેશમાં ખુંદી વળવાનું હોય છે. એના જ ભાગરૂપે ગામડે-ગામડે, વનમાં, જંગલોમાં, પર્વતો પર જઈને ત્યાં વસતી કરતા તમામ ભારતવાસીઓને ધર્મ તેમજ સંસ્કૃતિનો સદુપદેશ આપવા ઋષિમુનિઓ યજ્ઞોનું આયોજન કરતા હતા. વનવાસના બાર વર્ષો દરમિયાન પાંડવોને કેટલાયે ધર્મપ્રિય રાજાઓ આવીને મળતા હશે, ધર્મ આધારિત શાસન કેવી રીતે થઈ શકે એનું માર્ગદર્શન મેળવતા હશે, પ્રજાને કેવી રીતે સાચવવી, નગરનો વિકાસ કેવી રીતે કરવો, એ મુદ્દાઓની ગંભીર ચર્ચાઓ થતી હશે. કહેવાનું તાત્પર્ય એ કે આ વનગમન ક્ષત્રિયોની ચિંતનશિબિરોથી ભરપૂર બની રહ્યું.

વનગમનની શરૂઆતમાં દુર્યોધનાદિ કૌરવોએ પાંડવોને લાચારીનો અનુભવ કરાવવાની તેમજ પોતાના ઐશ્વર્યનું પ્રદર્શન કરીને તેઓને ઈર્ષ્યાની આગમાં શેકવાની વ્યર્થ કોશિશ કરી જોઈ. પરંતુ સ્થિતિ એવી સર્જાઈ કે જળક્રીડા કરવા આવેલા ગાંધર્વો સાથેની લડાઈમાં બધા કૌરવો કેદ પકડાયા ને અંતે ધર્મરાજ યુધિષ્ઠીરના આદેશથી અર્જુને ગાંધર્વોને મારી હટાવીને કૌરવોને છોડાવ્યા. ત્યારબાદ દુર્યોધને પાંડવોને કોઈ રંજાડ કરી નથી. કૌરવોએ પાંડવોનું સર્વસ્વ લુંટી લીધું, દ્રૌપદીની લાજ લુંટવાની કોશિશ કરી, તેઓને આગમાં બાળી નાંખવાનો, ઝેર આપીને ખતમ કરી નાંખવાનો પ્રયત્ન પણ કર્યો, વનવાસમાં પણ તેઓને પીડા આપવાનું કૌરવો છોડતા નથી તેમ છતાં યુધિષ્ઠીર કૌરવોને ક્ષમા જ આપે છે. ખરેખર અધાર્મિકો તેમજ ધર્મપ્રિય માણસો પોતાનો સ્વભાવ છોડતા નથી. પાંડવોને પ્રેમ અને હુંફ આપવા માટે મહર્ષિ વેદ વ્યાસ તેમજ મહાન કૃષ્ણ અવારનવાર તેઓને મળવા આવતા રહ્યા છે. એક વાર કૃષ્ણે પાંડવોને કહ્યું પણ ખરું, કે ‘તમે વનવાસના અતિ કષ્ટદાયક જીવનમાં સંઘર્ષ કરી રહ્યા છો, પરંતુ તમારી ક્ષાત્રવૃત્તિને, લડાયક વૃત્તિને મંદ પડવા ન દેશો.’ એક સિદ્ધાંત છે કે પરિસ્થિતિ સામે સંઘર્ષ કરનારની લડાયક વૃત્તિ મંદ પડી જાય છે. તમે જોશો કે ધન કમાવવા માટે સંઘર્ષ કરનાર વ્યક્તિ નમ્ર બને છે જ્યારે એ ધનનો વારસો વિના સંઘર્ષે મેળવનાર એનો પુત્ર લડાયક મિજાજનો હોય છે. સંઘર્ષ કર્યા બાદ પણ સ્પિરિટ ટકાવી રાખવો એ કળા છે. યુધિષ્ઠીર કૃષ્ણની સામું જોઈ રહે છે ત્યારે કૃષ્ણ કહે છે, ‘શું તમે એમ માનો છો કે તેર વર્ષ બાદ કૌરવો તમને તમારું રાજ્ય સરળતાથી પરત સોંપી દેશે ? અરે, તમારે લડીને જ તમારો હક્ક પ્રાપ્ત કરવો પડશે.’ લડાયક મિજાજ અકબંધ છે એવા પાંડવો તેજસ્વી પ્રતિક્રિયા આપે છે: અર્જુનનો હાથ ગાંડીવ પર જાય છે, ભીમ પોતાની ગદા સંભાળે છે, સહુ પાંડવો, જાણે કે નાગની ફેણ પર કોઈએ પગ રાખી દીધો હોય એમ ફુંફાડો મારતા ઉભા થઈ જાય છે.

કૃષ્ણ આ તેવર જોઈને અંદરથી આનંદિત થાય છે. પોતાના ‘વિનાશાય ચ દુષ્કૃતામ’ના અવતારી કાર્યમાં નિમિત્ત ઉત્તમ સાધન એવા પાંડવોની મનોવૃત્તિને જરા જેટલું પણ નુકશાન થયું નથી એ જાણીને કૃષ્ણને પરિતૃપ્તિ થાય છે. છતાં કૃષ્ણ કોઈ રિસ્ક લેવા તૈયાર નથી. તેઓ પાંડવોને શત્રુપક્ષની સબળતાનું ભાન કરાવે છે. કૃષ્ણ કહે છે, ‘શું તમે જાણો છો, ભીષ્મ અને દ્રોણ બાણવર્ષા કરી રહ્યા હશે એને ખાળવા તમારે મહાન પુરુષાર્થ કરવો પડશે. અને યુદ્ધમાં વિજય કોને પ્રાપ્ત થાય છે: જેના પક્ષે અદૃષ્ટ હોય છે એને જ રણમેદાનમાં જયશ્રી વરે છે. અદૃષ્ટ એટલે ઈશ્વરની મરજી, એની સહાય. આથી તમે પુરુષાર્થ કરવાની સાથે-સાથે ઈશ્વરીય સહાય મેળવવા કાર્ય કરો.’ એ માટે તપસ્યા કરીને શિવજીને પ્રસન્ન કરવાની આવશ્યકતા છે. એ મહાન કાર્ય કરવા માટે પાંડવોમાં કોણ યોગ્ય છે? વેદવ્યાસની સલાહ મુજબ એ કાર્ય માત્ર અર્જુન જ કરી શકે છે. આથી ઈન્દ્રકીલ પર્વત પર અર્જુન તપશ્ચર્યા કરવા જાય છે. તપસ્યાને અંતે અર્જુનની ક્ષાત્રવૃત્તિની પરીક્ષા લેવાનો સમય આવે છે. ભગવાન શિવજી ભીલના વેશમાં અર્જુન સાથે લડે છે. બાણ મારીને ભુંડને મારી નાંખનાર અર્જુનને ભીલના વેશમાં રહેલા શિવજી પડકાર આપે છે. અર્જુનના બાણની સાથે-સાથે ભીલનું બાણ પણ ભુંડને વાગેલું હોય છે. આથી એની માલિકીના મુદ્દે બન્ને વચ્ચે લડાઈ થાય છે. ભુંડને મેળવીને એનું શું કરવાનું ? કંઈ નહિ, તેમ છતાં મુદ્દો હક્ક માટે લડાઈ કરવાનો હોય તો સાચો ક્ષત્રિય કોઈને બક્ષવા તૈયાર નથી. આવા ક્ષત્રિયો આજે ક્યાં ગયા ?

પૃથ્વી પરના સ્વર્ગ એવા કાશ્મીરને પણ છોડી દેવા તૈયાર એવા આજના નપુંસક સત્તાધીશો ક્યાં અને હક્ક માટે ભુંડને ખાતર સાક્ષાત શિવજી સાથે લડનારો અર્જુન ક્યાં ? એક તબક્કે જીવ પર આવીને લડનારો અર્જુન પોતાનું ધનુષ્ય શિવજીના મસ્તક પર ફટકારી દે છે. આથી અર્જુનનું નામ ‘પિનાકપાણિ’ પડ્યું. શિવજીને મન આ દ્વન્દ્વયુદ્ધ એક સહજ રમત માત્ર હતી જ્યારે અર્જુન પરસેવો પાડીને પોતાનું તમામ બળ વાપરી રહ્યો હતો. આ જોઈને ભગવાન પ્રસન્ન થયા ને અર્જુન સમક્ષ પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું. અર્જુનની લડવાની વૃત્તિની શિવજીએ પ્રશંસા કરી ને તેને પાશુપતાસ્ત્ર ભેટમાં આપ્યું. અર્જુનના પિતા એવા ઈન્દ્ર અર્જુનના આ પરાક્રમથી અત્યંત રાજી થાય છે. એના માનમાં સ્વર્ગમાં જલસો ગોઠવે છે અને અર્જુનની સેવામાં અતિ સૌંદર્યવાન અપ્સરા એવી ઉર્વશીને મોકલે છે. ઉર્વશી અર્જુનને લોભાવવામાં નાકામિયાબ નિવડે છે અને અર્જુનના ઠંડા પ્રતિભાવથી એને પોતાના રૂપનું અપમાન થયું હોય એવું લાગે છે. આથી ક્રોધે ભરાઈને ઉર્વશી અર્જુનને શાપ આપે છે કે એક વર્ષ માટે અર્જુન વ્યંઢળ બની જશે. જો કે આ શાપ અર્જુન માટે આશિર્વાદ સમા બની જાય છે. આપણે જાણીએ છીએ કે બાર વર્ષના વનવાસ બાદ પાંડવોએ એક વર્ષ અજ્ઞાતવાસમાં રહેવાનું હતું. આ એક વર્ષ દરમિયાન અર્જુન સ્ત્રીનો વેશ ધારણ કરે છે અને ઉત્તમ નૃત્યાંગનાનો રોલ અદા કરે છે. ભગવાનના કાર્યમાં નિમિત્ત સાધન બનવા માટે વિશ્વનો શ્રેષ્ઠ ધનુર્ધર નૃત્યાંગના બનવા પણ તૈયાર છે: આને કહેવાય ટોટલ શરણાગતિ. ‘નોટ ટુ ક્વેશ્ચન વ્હાય, બટ ટુ ડુ ઓર ડાય.’

અર્જુન પાશુપતાસ્ત્ર લઈને પરત પોતાના ભાઈઓ તેમજ દ્રૌપદીને આવીને મળે છે. વનવાસના તેરમા વર્ષ એવા અજ્ઞાતવાસની શરૂઆત થાય છે. પાંડવો ખીજડાના વૃક્ષમાં પોતાના શસ્ત્રો સંતાડી દે છે અને વિરાટ રાજાની વિરાટનગરીમાં જુદી-જુદી કામગીરી સંભાળી લે છે. અર્જુન વિરાટરાજાની દિકરી – રાજકુંવરી ઉત્તરાને નૃત્યની તાલીમ આપવાનું કાર્ય કરે છે. અર્જુને નૃત્યની તાલીમ ક્યારે લીધી હતી ? ઉર્વશીનું નૃત્ય મનોરંજન માટે નહિ પરંતુ અભ્યાસવૃત્તિથી જોયું હોય તો ધ્યાનની કળાથી એક વાર જોવા માત્રથી અર્જુને એ શીખી લીધું હોય એ શક્ય છે. એક વર્ષ જોતજોતામાં પસાર થઈ ગયું. કૌરવો પાંડવોને શોધી કાઢવા આકાશ-પાતાળ એક કરી રહ્યા છે. તેઓએ એ પ્રયત્નોના ભાગરૂપે વિરાટનગરી પર હુમલો કર્યો. વિરાટનો પુત્ર ઉત્તર તો હાર માનીને બેસી ગયો. પરંતુ પડકાર આવતાં જ ચુપચાપ બેસી ન શકે એવા સાચા ક્ષત્રિયને છાજે એ રીતે અર્જુને સ્ત્રીના વસ્ત્રો ઉતારીને ફેંકી દીધા ને કૌરવોની સામે અત્યંત વીરતાપૂર્વક લડવા લાગ્યો. સામે પક્ષે આ વખતે તો દુર્યોધનની સાથે કર્ણ, દ્રોણ, ભીષ્મ સુદ્ધાં હતા. દુકાળથી પીડિત ક્ષુધાગ્રસ્તને બત્રીસ પકવાન મળી જાય એમ અર્જુનને બાર વર્ષે લડવાનું મળ્યું છે. આથી રૌદ્રરૂપ ધારણ કરીને એ એવું લડે છે કે ‘ય: પલાયતિ સ જીવતિ’ (જે ભાગ્યો એ જીવતો બચ્યો) એ ન્યાયે ભીષ્મ, દ્રોણ, કર્ણ, દુર્યોધનાદિ તમામ કૌરવો ઉભી પુંછડીએ નાસી છુટે છે. આવો પ્રતિભાવ તો અર્જુન સિવાય કોઈ યોદ્ધો આપી શકે નહિ એવું સમજી ચુકેલા કૌરવો સહિત આખા જગતને, પાંડવો ક્યાં છુપાયા છે એની જાણ થઈ જાય છે. પરંતુ એ દરમિયાન અજ્ઞાતવાસનું એક વર્ષ પસાર થઈ ગયું હોય છે.

Advertisements

Comments on: "મહાભારતની વાતો – 5" (1)

  1. superb very impressive

    godd reading and try

    only write cultureal articale

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: