વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

રાજસૂય યજ્ઞની અદ્ભૂત સફળતાથી પાંડવોની કીર્તિ દિગદિગંતમાં ફેલાઈ ગઈ. જગત આશ્ચર્યવત તમામ ઘટનાઓ જોઈ રહ્યું હતું. મોટા ભાગના રાજાઓ-સમ્રાટોએ યુધિષ્ઠીરના ચક્રવર્તી સમ્રાટપણાનો સ્વીકર કૃષ્ણથી ગભરાઈને કર્યો હતો. તે કાળે કૃષ્ણની નેત્રપલ્લવીના ઈશારે ભલભલા રાજાઓના સિંહાસનો ઉથલી પડતા હતા. કૃષ્ણની વિરુદ્ધ જવાની વાત તો જવા દો, કોઈ કૃષ્ણના આંખના ભવાં ખેંચાય એવું બોલવાની કે કંઈ કરવાની પણ હિંમત કરી શકતું ન હતું. કાળને આધીન દુષ્ટવૃત્તિનો પ્રભાવ માણસમાં હોય છે જે એની પાસે દુષ્ટ કૃત્યો જ કરાવી ને જ રહે છે. તેમ છતાં કૃષ્ણ સમજતા હતા કે સમજીને વ્યક્તિ કે સમાજ સદવર્તન કરે તો એ સારી વાત છે અન્યથા એને મરજીમાં આવે તેવું વર્તન તો કરવા ન જ દેવાય. એને ડરાવીને રાખવો જોઈએ, એને ધર્મનો ડર હોવો જ જોઈએ. આને જ સમાજ પર ધર્મનું શાસન કહેવાય. આવા ડરપોક રાજાઓ અંદરખાને એવું ઈચ્છતા હતા કે પાંડવો ખતમ થઈ જાય. કૃષ્ણ આ જ વાત પોતાની રાજકીય તત્વજ્ઞાન દ્વારા જગતને સમજાવવા માંગે છે કે સત્તા પર બેઠેલા માણસને દંડ જ બદલાવી શકે છે, ગમે તેટલો ધર્મોપદેશ કે નીતિ-નિયમની વાતો એને બદલી શકતી નથી. સામાન્ય માણસની વાત જુદી છે. એના પર તો સદુપદેશની અસર તરત જ થાય છે. મહાભારતના યુદ્ધમાં દુર્યોધનના પક્ષે અગિયાર અક્ષૌહિણી સેના અને પાંડવપક્ષે માત્ર સાત અક્ષૌહિણી સેના હતી એ દર્શાવે છે કે કૃષ્ણથી ભયભીત થયેલા ને સ્વચ્છંદી વર્તન કરવા ઈચ્છતા રાજાઓ જાણી જોઈને દુર્યોધન પક્ષે સામેલ થયા હતા.

ઈન્દ્રપ્રસ્થમાં શું સ્થિતિ હતી ? દ્રૌપદી પાંચેય પાંડવોમાં વહેંચાઈ ગઈ એ વાત અર્જુનને ગમી ન હતી. જો કે દ્રૌપદીએ એ નિર્ણયને સ્વીકારી લીધો હતો આથી અર્જુન પણ દ્રૌપદી પ્રત્યે ચીડાયેલો હતો. ધર્મભીરૂ તેમજ નીતિવાન પાંડવો આમ તો ક્રમશ: પોતાનાથી મોટાભાઈઓનો ખુબ જ આદર કરતા હતા, તેઓને માનથી બોલાવતા હતા તેમજ તેઓનો શબ્દ આદેશ ગણીને એને ક્યારેય ઉથાપતા ન હતા. તેમ છતાં દ્રૌપદીનો પ્રેમ વહેંચાઈ ગયો એ બાબતે અર્જુનને યુધિષ્ઠીર સામે અણગમો હતો તેથી કૌરવો જ્યારે ઈન્દ્રપ્રસ્થ નગરીની હદમાં ઘુસીને તેઓની ગાયો ભગાડી જતા હતા ત્યારે યુધિષ્ઠીરને કટાક્ષબાણો મારીને અર્જુન બાર વર્ષના વનવાસે ચાલ્યો જાય છે એ વાત ‘કૃષ્ણે અર્જુનનો કામ(sex) શાંત કર્યો’ એ શીર્ષક હેઠળ મેં લખી છે જેથી અહિં એનું પુનરાવર્તન નથી કરતો. પાંડવો સામે ઈર્ષ્યાની આગમાં ભડભડ બળતો દુર્યોધન તેઓને સર્વ પ્રકારે ખતમ કરવાનો સંકલ્પ કરીને રાજસૂયયજ્ઞ પ્રસંગ પુરો થયે વિદાય થાય છે. અલબત્ત કર્ણનું દ્રૌપદી દ્વારા બીજી વાર અપમાન થયું હોવાથી તેના દ્રૌપદી પ્રત્યેના રોષનો સીધો લાભ પણ દુર્યોધનને મળવાનો જ છે. દુર્યોધન ધૃતરાષ્ટ્ર સમક્ષ પોતાની વ્યથા ઠાલવે છે. પુત્ર મોહમાં અંધ એવા ધૃતરાષ્ટ્રે દુર્યોધનની જીદ પુરી કરવા આજીવન અધાર્મિક કૃત્યો જ કર્યા છે. એ દુરાત્માએ ખુબ ચિંતન કરીને પાંડવોને ખતમ કરવાનો આસાન ઉપાય શોધી કાઢ્યો. ધૃતરાષ્ટ્રના ધ્યાનમાં એ વાત આવી ગઈ કે યુધિષ્ઠીરને ચોપાટ/જુગાર રમવાનો શોખ છે.

આવી ગંદી રમતે અનેકોના ઘરને આર્થિક દૃષ્ટિએ પાયમાલ કર્યા છે. જીવનભર પરસેવો પાડીને કમાવેલી ધનદોલત પળવારમાં ગુમાવી દેવાય છે. વિના મહેનતે કમાઈ લેવાની લાલચ માણસ પાસેથી જે કંઈ હોય છે એ પણ પડાવી લઈને એને ભિખારી બનાવી દે છે. ભાનભુલેલા યુધિષ્ઠીર ધૃતરાષ્ટ્ર તરફથી જુગાર/દ્યુત રમવાના આવેલા આમંત્રણનો સહર્ષ સ્વીકાર કરી લે છે. પરફેક્ટ વિચાર કરીને નક્કી થયું હતું કે જુગારનું આકર્ષણ ઉપરાંત વડીલો પ્રત્યે અત્યંત આદર ધરાવનારા તેમજ તેઓના શબ્દોની અવજ્ઞા ન કરનારા ધર્મરાજ યુધિષ્ઠીર ધૃતરાષ્ટ્ર દ્વારા મોકલાયેલા આમંત્રણનો અસ્વીકાર નહિ જ કરે. એક વાર બકરી ડબામાં પુરાય પછી એને હલાલ કરવાનું કામ તો સાવ સહેલું છે. દુર્યોધન, કર્ણ, દુ:શાસન અને શકુની આદિ ચંડાળ ચોકડી પાંડવોનું સમગ્ર ધનસંપત્તિ તેમજ રાજપાટ છીનવી લેવા સક્રિય થઈ જાય છે. સર્વસ્વ લુંટાઈ ગયા બાદ યુધિષ્ઠીર પોતાની જાત સહિત પોતાના તમામ ભાઈઓ ઉપરાંત પોતાની પત્ની દ્રૌપદીને પર જુગારમાં હારી જાય છે. આ બનાવ ક્યાં બન્યો હતો ? હસ્તિનાપુરની રાજ્યસભામાં, રાજા, મંત્રીઓ, ઉમરાવો, શ્રેષ્ઠીઓ, વિદ્વાનો તથા સર્વ નગરજનોની ઉપસ્થિતિમાં ! ત્યાં અંધ ધૃતરાષ્ટ્ર ઉપરાંત ગુરુ દ્રોણની સાથે-સાથે મહાન ભીષ્મ પણ હાજર હતા. દ્રૌપદી જીતાઈ ગઈ ત્યારે એ રજસ્વલા/એક વસ્ત્રા હતી. દુષ્ટ દુશાસન અટ્ટહાસ્ય કરતાં દ્રૌપદી જ્યાં હોય ત્યાંથી ભરસભામાં એને હાજર કરવાનો આદેશ આપે છે. આવવામાં વિલંબ થાય છે તો એ દુરાત્મા દોડી જઈને અવશ, લાચાર, આર્દ્ર વાણીથી વારંવાર વિનવણી કરતી દ્રૌપદીને રીતસર ઢસડીને સભામાં લઈ આવે છે. દુષ્ટતાની ચરમસીમા વટાવીને દુર્યોધન પોતાની જાંઘ ઠપકારીને દ્રૌપદીને એના પર બેસવાનો આદેશ કરે છે અને દુશાસન દ્રૌપદીના વસ્ત્રો ઉતારવાનું શરૂ કરે છે.

ખરેખર નવાઈ લાગે છે કે એવું કેવું ધર્મનું બંધન જે દ્રોણ-ભીષ્મ આદિ સજ્જનોને પણ આ દુષ્કૃત્યની સામે વાંધો ઉઠાવતા રોકે છે અને દુષ્ટોને ભરીસભામાં મનમાની કરવા દે છે ! દ્રોણ હસ્તિનાપુરના રાજકુમારોના પગારદાર શિક્ષક બન્યા હોવાથી તેઓ સદૈવ દુર્યોધનાદિથી વારંવાર અપમાનિત થયા કરતા હતા આથી તેઓ પર શાસન કરવાની, તેઓને ઠપકાના બે શબ્દો કહેવાની હિંમત ખોઈ બેઠા હતા. તેજસ્વી બ્રાહ્મણે નોકરી શા માટે નહિ કરવાની એ સમજવું હોય તો દ્રોણની સ્થિતિનો અભ્યાસ કરી લેવો. ભીષ્મને સમજવા માટે થોડો વિચાર કરવાની જરૂર છે. તેઓ બંધારણીય ચરિત્ર હતા. ‘હસ્તિનાપુરની રાજગાદી પર બેઠેલા રાજાનું સર્વ પ્રકારે રક્ષણ કરવું’ – એ વચને તેઓ પોતાના પિતા શાંતનુની પત્ની સત્યવતી, જે પૂર્વે મત્સ્યગંધા તરીકે જાણીતી હતી એની સાથે બંધાયેલા હતા. આથી તેઓના હાથ પણ બંધાયેલા હતા. જે કંઈ કરી શકે તે ધૃતરાષ્ટ્ર જ કરી શકે તેમ હતો. અને એ ધૂર્તની લગામ દુર્યોધનના હાથમાં હતી. છતાં સભામાંથી એક વીરલો વિરોધનો સૂર ઉઠાવે છે અને એ છે સો કૌરવોમાંનો જ એક કૌરવ ભાઈ. ધૃતરાષ્ટ્રને લાગે છે કે હવે પોતે કંઈક કરવું જ પડશે. દ્રૌપદી દ્વારા થઈ રહેલી પ્રશ્નોની સતત વણઝાર તેમજ તેના રૌદ્ર પ્રકોપથી ડરી જઈને ધૃતરાષ્ટ્રે દખલગીરી કરી ને એવો નિર્ણય લેવાયો કે પાંડવો સહિત દ્રૌપદીને મુક્ત કરવામાં આવે, તેઓએ બાર વર્ષનો વનવાસ વેઠવાનો રહેશે અને તેરમું વર્ષ અજ્ઞાતવાસમાં ગાળવું પડશે. એ સમયગાળા દરમિયાન જો તેઓ જાહેર થઈ જશે તો ફરીથી બાર વર્ષનો વનવાસ ! આમ કર્યા બાદ તેઓને તેઓએ ગુમાવેલું રાજ્ય પરત કરવામાં આવશે, જે ક્યારેય શક્ય બનવાનું ન હતું.

કૃષ્ણે જેઓને સમર્થ બનાવ્યા એવા પાંડવો પાસે ટોચ પર પહોંચ્યા બાદ પોતાના સ્થાનને સંભાળવાની જે ગંભીરતા તેઓમાં હોવી જોઈએ તે ન હોવથી ફરીથી એકડે એકથી તેઓને ભાગે કાર્ય શરૂ કરવાનું આવ્યું. જુગારની લતે કૃષ્ણના તમામ કર્યાકારવ્યા પર પાણી ફેરવી દીધું. કૃષ્ણ પાંડવોને વનમાં મળે છે અને પાંડવોને ખુબ ખખડાવે છે: ‘લાક્ષાગૃહમાં તમને બાળી મુકવાની ચેષ્ટા કરનાર તમારા કાકાને તમે ઓળખતા નથી ? સજ્જનોએ વડીલોનો આદેશ માનવો જોઈએ પરંતુ એમાં વિવેકબુદ્ધિ પણ રાખવી જોઈએ ને ! પોતાની સજ્જનતા પોતાના વિકાસમાં અવરોધરૂપ બને એ કેવી રીતે ચલાવી લેવાય ? અને રાજાએ તો સર્વપ્રકારે દક્ષ રહેવું જોઈએ. તમે આજ દિન સુધી કોઈ પણ નિર્ણય લેતા પહેલા મને અવશ્ય પૂછ્યું છે તો આવો મહત્વનો નિર્ણય મને જાણ કર્યા વિના કેવી રીતે તમે લઈ લીધો ?’ જો કે પરિસ્થિતિ સામે હાર માનીને બેસી જાય એ કૃષ્ણ નથી. તેઓ પાંડવોને પુન: સર્વસત્તાધીશ બનાવવાનો સંકલ્પ કરે છે અને બાર વર્ષની રાહ જોવાનું મુનાસિબ માને છે. પાંડવો સાથે દ્રૌપદી છે પરંતુ અર્જુનની બીજી પત્ની અને કૃષ્ણની બહેન સુભદ્રા અર્જુન સાથે વનવાસમાં આવી નથી. પોતાના છ વર્ષના એક માત્ર દિકરા અભિમન્યુના ઉછેર માટે એ અર્જુનનો વિરહ સ્વીકારી લે છે. અર્જુનના સુભદ્રા સાથેના લગ્ન કરતા બાર-પંદર વર્ષ પૂર્વે દ્રૌપદી સાથે લગ્ન થયા હતા. શું દ્રૌપદીએ વનગમન કર્યું ત્યારે તેને દિકરાઓ હતા ?

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: