વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

પાંડવો હવે રસ્તે રઝળતા ન રહ્યા. પાંચાલોનું સામ્રાજ્ય પાંડવોની સાથે હતું, તેઓનું પીઠબળ બન્યું હતું. પાંડવો સહિત કુંતામાતા જ્યાં ઉતર્યા હતા ત્યાં વગર બોલાવ્યે સામે ચાલીને જઈને કૃષ્ણ અત્યંત આદરપૂર્વક પોતાના ફોઈબા એવા કુંતામાતાને મળે છે. તેઓના કુશળ પુછે છે. પાંડવો તો ગદગદ થઈ જાય છે. આમ પણ તેઓ વિનમ્ર સ્વભાવના ને એમાંય પોતાના આપદકાળે સંઘર્ષ કરીને વધુ ઢીલા થયેલા હોવાથી પાંડવોને જગતનો મહાન વિજેતા સામેથી આવીને મળે એ તેઓ માટે હુંફ વધારનારી, બળ આપનારી બાબત હતી. કેવા કૃષ્ણ પાંડવોને મળે છે ? ગોકુળમાં કંસે મોકલેલા પુતના સહિત તમામ રાક્ષસોનો વધ, મથુરામાં કંસના જગ વિખ્યાત એવા મુષ્ટિર અને ચાણુર જેવા પહેલવાનો સહિત કંસનો વધ અને મથુરાની રાજગાદી જે નિર્લેપતાથી છોડી દીધી તે ભવ્ય ત્યાગ, મથુરાથી નિકળીને જતાં-જતાં કાળયવનનો વધ, મહાસમ્રાટ એવા જરાસંઘનો સત્તર-સત્તર વાર કરેલો પરાજય, પોતાના એક માત્ર વ્યાખ્યાન દ્વારા ગોકુળમાં સદીઓથી ચાલતી આવેલી ઈન્દ્રપૂજાને બંધ કરાવીને એને બદલે શરૂ કરાવેલી ગોવર્ધનપૂજા, કાલીયનાગનું દમન વગેરે પરાક્રમો કૃષ્ણની યશકલગીમાં એક-એક મોરપીંછ ઉમેરતા ગયા હતા. એટલું જ નહિ કૃષ્ણે મથુરાના સમગ્ર યાદવોને લઈને આખેઆખી મથુરાનગરીનું સ્થાનાંતર કરાવીને કાઠિયાવાડમાં જઈને સુવર્ણની દ્વારકા નગરી વસાવી હતી. ત્યારબાદ કૃષ્ણ દ્રૌપદી સ્વયંવરમાં પાંડવોને મળવા આવ્યા છે. આવા કૃષ્ણ પાંડવોને મળે છે તેથી અત્યંત ભાવાવેશમાં આવેલા પાંડવો કૃષ્ણ દ્વારા દિલથી જીતાઈ જાય છે અને આજીવન પ્રેમના મજબૂત તાંતણે કૃષ્ણ સાથે બંધાયેલા રહે છે.

પાંડવો સાથે બેસીને કૃષ્ણ હવે આગળ શું કરવું એની ચર્ચા કરે છે. દ્રૌપદીએ વરમાળા પહેરાવી તેથી ગુપ્તવેશે ફરતા રહેલા પાંડવો જિવીત છે એની જાણ જગતને થઈ જાય છે. પાખંડી એવો ધૃતરાષ્ટ્ર તો હર્ષઘેલો થઈને નાચવા લાગે છે. અંદરખાને એટલો બધો દુ:ખી થઈ ગયો હોય છે છતાં પોતાના મનોભાવ બહાર આવવા દેતો નથી. પરંતુ પાંડવોને એ રાજ્ય પરત સોંપવા તો તૈયાર નથી જ. એને લાગે છે કે આખું હસ્તિનાપુર પાંડવોને સોંપી દેવાની મુર્ખામી કરાય નહિ, તો શું કરવું ? સર્વનાશે સમુત્પન્ને અર્ધ ત્યજતિ પંડિત: (જ્યારે સઘળું જવા બેઠું હોય ત્યારે અડધો ભાગ આપીને બાકીનું બચાવી લેવું એ સમજુ માણસનું લક્ષણ છે) એ ન્યાયે ધૃતરાષ્ટ્ર પાંડવોને બોલાવીને પોલીશ ભાષા વાપરતા કહે છે, કે ‘પાંડવો ને કૌરવો ભેગા નહિ પરંતુ જુદા રહે એ જ યોગ્ય છે. આપણે હસ્તિનાપુરના બે ભાગ કરીએ અને એક ભાગમાં પાંડવો રાજ કરે.’ આમ કહીને એ ધૂર્ત પાંડવોને ‘ખાંડવવન’ નામનું જંગલ આપી દે છે. કૃષ્ણ કહે છે, ‘જે મળે તે સ્વીકારી લો, એનો વિકાસ તેમજ વૃદ્ધિ કરવાનું બાહુબળ તેમજ કૌશલ્ય આપણી પાસે છે.’ ખાંડવવનમાં નાગજાતિના લોકોની વસતી હતી. તેઓને જગ્યા ખાલી કરવાની વારંવાર સુચના આપવા છતાં તેઓ જગ્યા ખાલી કરવા તૈયાર ન હતા. કૃષ્ણ પાસે વધુ રાહ જોવાનો સમય ન હતો આથી તે પાંડવોને ખાંડવવન સળગાવી દેવાની સુચના આપી દે છે. આખી વસતીને સાફ કરી નાંખે છે. આ સંદર્ભમાં વિચારીએ તો ગુજરાતના ખુણે-ખુણે પાણી પહોંચાડવા માટે સરદાર સરોવર ડેમની ઉંચાઈ વધારવી અત્યંત જરૂરી હતી. તેથી આસપાસની વસતીને ખાલી કરીને અન્યત્ર વસાવવી આવશ્યક હતી. દસકાઓથી ત્યાંના વસાહતીઓ જગ્યા ખાલી કરી આપવા તૈયાર ન હતા. તેઓને ઉશ્કેરીને રાજકીય રોટલાઓ શેકવા આસપાસની રાજ્ય સરકારો તેમજ તેઓએ મોકલેલા દલાલો ગુજરાતના વિકાસના હવનમાં હાડકા નાંખી રહ્યા હતા. આજે સાઈઠ વર્ષના મહા સંઘર્ષ બાદ એ યોજના સાકાર થઈ ગઈ છે ત્યારે એનો યશ લેવા એ જ નાલાયકો તૈયાર થઈ ગયા છે.

જગતના આર્કિટેક્ચર એવા વિશ્વકર્મા પ્રભુ કૃષ્ણ સમક્ષ હાજર થાય છે અને કૃષ્ણને વરદાન માગવા કહે છે ત્યારે કૃષ્ણ અદભૂત વર માંગે છે: ‘પ્રીતિં પાર્થેન શાશ્વતીમ.’ એટલે કે પાર્થ (અર્જુન) પ્રત્યે મારી પ્રીતિ સદાકાળની રહો. પાર્થનો અર્થ પૃથા અર્થાત પૃથ્વીનો પુત્ર કરીએ તો પૃથ્વી પર વસતા જીવો થાય. કૃષ્ણે પૃથ્વીવાસીઓ પ્રત્યે સદાની પ્રીતિ માંગી છે. ત્યારબાદ વિશ્વકર્મા મયદાનવને ખાંડવવનને ઈન્દ્રપ્રસ્થ નગરીમાં ફેરવી નાંખવાનું કાર્ય સોંપે છે. અત્યંત સુંદર, અત્યાધુનિક વ્યવસ્થાઓથી સજ્જ એવી નગરી તૈયાર થઈ જાય છે. પાંડવોના ત્રણેય ઋતુઓમાં અનુકૂળ બની રહે એવા મહેલો રચાય છે. સતત કાર્યરત રહેવું એ કૃષ્ણની પ્રકૃતિ છે. ઈન્દ્રપ્રસ્થ નગરી તૈયાર થઈ જતાં જ કૃષ્ણ પાંડવોને મળવા આવે છે અને તેઓને રાજસૂય યજ્ઞ કરવાની સલાહ આપે છે. કૃષ્ણના બિગ થિંકિંગનો વિચાર કરીએ તો આશ્ચર્યચકિત થઈ જવાય છે, બુદ્ધિ કામ કરવાનું છોડી દે છે. એક સામાન્ય જંગલમાં વસતા પાંડવોને કહે, છે કે ‘તમે વિશ્વવિજેતા થાઓ. યુધિષ્ઠીરને ચક્રવર્તી સમ્રાટપદે સ્થાપવાનું કાર્ય આપણે શીઘ્ર કરવું રહ્યું.’ સ્ટ્રેટેજી નક્કી થઈ ગઈ. કોની સાથે લડવું પડશે, કોણ-કોણ શરણાગતિ સ્વીકારી લેશે, કોની સાથે લડવા લશ્કર મોકલવું, કોની સાથે બાહુબળથી દ્વન્દ્વયુદ્ધ કરવું, કોઈ રાજાને મારવાનો થાય તો એના સ્થાને એના દિકરાને બેસાડવો કે એ રાજ્યના કોઈ શ્રેષ્ઠ નાગરિકને રાજ્ય સોંપવું એની ચર્ચાઓ થાય છે. પાંચેય પાંડવો જુદી-જુદી દિશાઓમાં ફેલાઈ જાય છે. કૃષ્ણની કીર્તિના કારણે તત્કાલીન વિશ્વનો કોઈ રાજા પાંડવો સાથે બાથ ભીડવાની હિંમત કરતો નથી. જરાસંઘ સિવાયના તમામ રાજાઓ પાંડવોને શરણે આવી જાય છે. ભીમને લઈને જરાસંઘ સાથે દ્વન્દ્વયુદ્ધ કરીને તેને ખતમ કરીને છ્યાસી જેટલા નિર્દોષ રાજાઓને કૃષ્ણ મુક્ત કરાવે છે. સો રાજાઓ કેદ થાય એટલે તેઓને હોમીને જરાસંઘ નરમેઘ યજ્ઞ કરવા માંગતો હતો. જરાસંઘનો વધ થવાથી શિશુપાળ, નરકાસુર વગેરે કામલોલુપ રાજાઓ અત્યંત ભયભીત થઈ ગયા. કારણ કે ભારતીય સંસ્કૃતિની વિચારધારાથી તદ્દન વિપરીતે રીતે આ રાજાઓ રાજ્ય કરી રહ્યા હતા.

વૈદિક વિચારધારા માન્ય ન હોય એવા રાજાને રાજ્ય કરવાનો કોઈ હક્ક નથી. અને કોઈ રાજા વૈદિક પરંપરાથી શાસન ચલાવી રહ્યો હોય તો એને રંજાડવો નહિ તેમજ સત્તા કે સંપત્તિની લાલચથી કોઈનું રાજ્ય પડાવી લેવું નહિ એ બાબત ભારતીય વિચારધારામાં પાયાની છે. જરાસંઘ જેવો રાજા સામ્રાજ્યવાદી વિચારધારા ધરાવતો હતો એટલે કે સત્તા તેમજ સંપત્તિની લાલચે એક પછી એક રાજ્યોને જીતી લઈને ત્યાંના રાજાઓની હત્યા કરીને પોતાની સીમા એ વધારતો જતો હતો. પોતાની બન્ને દિકરી: અસ્તિ અને પ્રાપ્તિને કંસ સાથે પરણાવીને એ દુષ્ટે કંસને પોતાનું હથિયાર બનાવી દીધો  હતો. આથી ગણતંત્ર અથવા સંઘરાષ્ટ્રની વિચારધારા ધરાવતા કૃષ્ણે કંસને મારવો પડ્યો હતો. લોકશાહીની અર્થી ઉઠવાની તૈયારી છે ત્યારે ભારતની વૈદિક એવી ગણરાજ્ય અથવા સંઘરાજ્યની રચના અંગે રાજકીય નિષ્ણાતોએ અભ્યાસ કરવા જેવો છે. યુધિષ્ઠીરને ચક્રવર્તી સમ્રાટ બનાવવા પાછળ કૃષ્ણની નીતિ એ જ હતી કે ભારતરાષ્ટ્ર એક વિચારધારાનું બને, સહુ નીતિનિયમમાં રહે, બહેનોની માનમર્યાદા જળવાય. આથી જ કોઈ રાજા વૈદિક વિચારધારાને માનવાનો ઈંકાર કરે તો એનું રાજ્ય પડાવી લેવાને બદલે એને ખસેડીને એના જ પુત્રને રાજગાદી પર બેસાડવામાં આવતો હતો.

ચારેય દિશાઓમાંથી વિજેતા થઈને પાંડવો પરત ઈન્દ્રપ્રસ્થ આવે છે. અર્જુને આખું વિશ્વ ખુંદી વળીને પુષ્કળ યશ અને ધન કમાવ્યા હોવાથી એનું નામ ધનંજય પડે છે. રાજસૂયયજ્ઞની તૈયારીઓ આરંભાય છે. યજ્ઞની વિશાળ વેદીઓ, વૈદિક મંત્રોના જ્ઞાતા એવા બ્રહ્મનિષ્ઠ તેમજ શ્રોત્રીય બ્રાહ્મણોને અત્યંત માનપૂર્વક નિમંત્રણ અપાય છે. વિશ્વભરના રાજ્ય સમ્રાટોને પણ આમંત્રણ આપવામાં આવે છે. યજ્ઞમાં અગ્રપૂજા કોની કરવી એ પ્રશ્ન ચર્ચાની એરણે ચડે છે. સર્વાનુમતે નક્કી થાય છે કે અગ્રપૂજા તો કૃષ્ણની જ થવી જોઈએ. મહાન ભીષ્મ તેમજ મહર્ષિ વેદ વ્યાસ પણ આ બાબતે સહમત છે. ત્યારે શીલવાન સ્ત્રીઓને પણ ભ્રષ્ટ કરવાની ક્ષમતા ધરાવતો શિશુપાળ કૃષ્ણની અગ્રપૂજાનો વિરોધ કરે છે. કામલોલુપ એવો શિશુપાળ કૃષ્ણને ગાળો આપે છે એમાં એક પણ ગાળ કૃષ્ણના ચરિત્ર સંબંધી નથી – એ બાબત કૃષ્ણ કેટલા પવિત્ર હતા, એ સુચવે છે. શિશુપાળ માત્ર કૃષ્ણની ગોવાળિયા તરીકેની હેસિયત સામે જ વાંધો ઉઠાવે છે. અન્ય કોઈ સજ્જનનું સમ્માન થઈ રહ્યું હોય તો સભામાં પોતાના થઈ રહેલા વિરોધથી સંકોચાઈને એ સજ્જન વધુ નમ્ર બનવાની કોશિશ કરે અને સમ્માન સ્વીકારવાનો નમ્ર ઈંકાર કરે. પરંતુ આ તો કૈવર્તક કૃષ્ણ હતા. તેઓએ સભામાં પોતાની કેવી છાપ પડશે એનો વિચાર કર્યા વિના સુદર્શન ચક્ર ચલાવીને શિશુપાળનું મસ્તક ધડથી અલગ કરી નાંખ્યું.

બ્રાહ્મણો કૃષ્ણને કેટલા બધા પ્રિય હતા એની જાણ એ વાત પરથી થાય છે કે યજ્ઞની પૂર્ણાહુતિ બાદ બ્રહ્મભોજન પૂર્ણ કરીને તૃપ્ત થયેલા બ્રાહ્મણોની એંઠી પત્રાવળી વાંકા વળીને ઉઠાવવાનું કામ કૃષ્ણે કર્યું હતું. કૃષ્ણ કોઈ પણ મુદ્દાને એની તીવ્રતાએ લઈ જવા તૈયાર હોય છે. આથી જ રાજસૂય યજ્ઞમાં દુર્યોધનને તેઓએ કોષાધ્યક્ષ (ખજાનચી- ટ્રેઝરર) બનાવ્યો હતો. વિશ્વભરના સમ્રાટોને જીતીને એકઠી થયેલી ધનસંપત્તિ, ઉપરાંત રાજાઓએ નોંધાવેલ ચાંદલાની રકમ, હાથી-ઘોડા, ઝર-ઝવેરાત, હીરા-માણેક વગેરે જોયા બાદ દુર્યોધનની અસ્વસ્થતા વધી ગઈ. પાંડવોનું આ ધન કેવી રીતે પડાવી લેવું એનો એ દુષ્ટ વિચાર કરતો થઈ ગયો. એવામાં કર્ણ, દુર્યોધનાદિ મંડળી પાંડવોનો મહેલ જોવા જાય છે. ત્યાં મયદાનવની કરામત જોઈને સહુ આબાદ છેતરાઈ જાય છે. જ્યાં સ્થળ હોય છે ત્યાં સરોવર ભાસતું હોવાથી કર્ણ તેમજ કૌરવો સંભાળીને ચાલે છે અને ખરેખર જ્યાં સ્વિમિંગ પૂલ હોય છે ત્યાં સ્થળનો જ ભાસ થવાથી સહજ ચાલતા-ચાલતા સહુ પાણીમાં પડે છે. આ જોઈને પહેલા કે બીજા માળે ઉભેલી દ્રૌપદી જોર-જોરથી હસી પડે છે. આમાં કર્ણ, દુર્યોધનને પોતાનું અપમાન થતું જણાય છે. કથાકારોએ જે વાત ઉડાવી છે કે દ્રૌપદીએ મહાભારતમાં કહ્યું, કે ‘આંધળાના છોકરા આંધળા’ – એવી કોઈ વાત દ્રૌપદીએ ક્યારેય કરી નથી.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: